ચા દેવી સર્વભૂતેષુ


-  ભગવતીકુમાર શર્મા

(સાદર ઋણસ્વીકાર : મુંબઈ સમાચારમાંથી)

ચા પરત્વે મારું વલણ શમશીતોષ્ણ છે. છથી બપોરે ત્રણ વાગ્યા સુધીના નવ કલાક દરમિયાન હું ત્રણ કપ ચા પીઉં છું. મારી સરેરાશ દર ત્રણ કલાકે એક પ્યાલા ચાની છે તે જળવાઈ રહે છે.  ત્યાં સુધી મારે માટે પ્રેમ અને આદરની અધિકારિણી ઠરે છે. પરંતુ કદીક એ ક્રમ તૂટે છે અને અધિક માત્રામાં ચા પીવી પડે તેવી સ્થિતિમાં હું મુકાઉં છું ત્યારે આ મારા પ્રેમ અને આદર બન્ને ગુમાવવા માંડે છે. જે દિવસે ત્રણથી વધુ કપ ચા ઢીંચવાના સંજોગો મારે માટે સર્જાય છે તે દિવસે મેં આતંકવાદ જેવો કોઈ ગંભીર અપરાધ કરી નાખ્યો હોય તેવી અપરાધગ્રંથિથી હું પીડાવા લાગું છું અને બીજે દિવસે ફરીથી દિવસના ત્રણ કપના નિર્ધારિત કવોટા પર પાછો ફરું છું. ત્યારે જ ગુનો કર્યાની લાગણીથી મુકત થઈ શકું છું. ખરેખર તો દિવસના આ ત્રણ કપના કવોટામાંથી પણ ચા પીવાની સાચુકલી તલપ તો હું સવારના પહેલા ડોઝ પરત્વે જ અનુભવું છું અને રોકડા એક કપથી સંતોષાઈ જાય છે. મારા બેક વડીલ કવિ-વિવેચક અવારનવાર ગૌરવપૂર્વક કહે છે સાવરે હું કપ ભરીને નહીં લોટો ભરીને ચા પીઉં છું રાધર ગટગટાવું છું ! લોટે લોટે  નાહી શકાય, પણ લોટે લોટે ચા પી શકાય એ ઘટના મને હજી યે વિસ્મયપ્રેરક લાગે છે. મારા એક અન્ય વાર્તાકાર કવિમિત્રને પણ ક્યારેક ક્યારેક સવારે રીતસરનું આ ક્ષેત્ર ઉજાળતા જોયા છે ! કપ-રકાબી તેમની સમક્ષ કુછ બિસાત મેં નહીં ! તેઓ કીટલીયે નહીં કીટલો લઈને બેસે અને પછી કલાકેક ચાયજ્ઞ ચલાવ્યા કરે ! તેમનું ઉદર યક્ષકુંડ અને એમાં અપાય ચાની આહુતિઓ !

કેટલાક સજ્જનો એવું પ્રતિજ્ઞાપૂર્વક માનતા જણાય છે કે પહેલીવારની ચા તો તાંસળે પીવી જોઈએ. મારું મંતવ્ય ખાસ્સું જુદું પડે છે.

સવારની પહેલી ચા મારે મન વર્ષાની પહેલી ઝરમર કે પ્રણયના  પ્રથમ મુગ્ધ આવિષ્કાર જેવી છે ! તેમાં ઝાપટા અને ઝડીઓને અવકાશ ન હોવો જોઈએ. માત્રા વર્ષાનો અને પ્રમનો આછો આછો અહેસાસ થાય એટલે ભયો ભયો ! હોઠથી પિવાતી નહિ પણ પેટમાં ઠલવાતી ઘડાબંધ ચા મને અખબારોની હેડલાઇન્સ જેવી અને ધીમી ધીમી ચુસ્કીઓ વડે પિવાતી ચા મુલાયમ, સૂક્ષ્મ પ્રયમકાળ જેવી પ્રતીત થાય છે ! ચા સંબંધે અનેક ટાઢા-ઉના અને સનાતન પ્રશ્નો ઊભા થતા રહ્યા છે. એવો એક પ્રશ્ન એ કે ચા ગરમ-ગરમ પીવી કે ઠરીને ઠીકરું થઈ ગઈ હોય તેવી ! આમ તો ફળફળતી ચાનો જ વિશ્વવ્યાપી મહિમા છે. હું એ મહિમાનો સમર્થક છું. ઉકળતી ચા આંખના પલકારામાં પી જવાની મારી ક્ષમતા જોઈને મિત્રો અને સ્વજનોએ હંમેશાં વિસ્મય અનુભવ્યું છે. તેમાં મારી ઉતાવળી અધીર પ્રકૃતિ ડોકાય છે. સાહિત્યકૃતિના સર્જન સિવાયના મોટાભાગનાં કામો હું વિદ્યુત વેગે કરવા ટેવાયેલો છું. મારી સકળ વૃત્તિ કેવળ શબ્દાધીન છે. ઉતાવળે ગરમ ચા પીવાની બાબતમાં મેં પૈતૃક વારસો જાળ્યો છે એમ પણ હું ગૌરવપૂર્વક કહી શકું ! ગરમાગરમ ચા પી જવામાં પિતાજી એટલા ઉતાવળિયા હતા કે તેમનું ચાલ્યું હોત તેમણે આ જીવન ચા તપેલીમાંથી કપમાં નહીં સીધી પોતાના મુખમાં જ ગળાવી હોત ! હું કપ-રકાબીનો વ્યવસ્થિત ઉપયોગ કરું છું તેટલો મારો બાપીકો વારસો ઊણો ! એક વાત સ્પષ્ટ છે. ચા તો ગરમ જ પીવાય એમ માનનારાઓનો હું સક્રિય સમર્થક છું અને હું એમ માનું છે કે ગરમા-ગરમ ચા પીવાનું પસંદ કરનારાઓની દુનિયામાં બહુમતિ છે. ચા બીજી બધી રીતે ઉત્તમ હોય પણ ગરમ જ ન હોય તેચા નામને પામી ન શકે. કેટલાક સંસ્કૃતભાષા રસિકોએ આને  ઉષિકાનું નામ આપ્યું છે તે પણ એ જ સૂચવે છે કે ચા ઉષ્ણ તો હોવી જ જોઈએ તે સાથે એ પણ સાચું કે કેવળ ઉષ્ણ હોય તેથી તે ચા પિવાતી જતી નથી તેવી ચાને આપણે ખુરશી ગરમ પાણીની સંજ્ઞા આપી શકીએ પરંતુ તેને ચા માનીને તેનું પાન ન કરી શકાય. મૂળ વાત એ છે કે પાણી, દૂધ, ચા, ખાંડ, મસાલો, ફૂદીનો, એલચીના મિશ્રણ વડે બનતું મિશ્રણ જ્યારે ગરમ જ નહીં, ગરમાગરમ પણ હોય ત્યારે તેનું ચા-પણું સાર્થક કરે છે. યાદ રહે કે આમાં ભૂતભૂત તત્વ સૂકી ચાની ભૂકી છે. તેના વિના બધું વ્યર્થ, પરંતુ આ એક ટીમવર્કની ફળશ્રુતિ છે તે ન હોત તો આપણે સૂકી ચાની ભૂકી ફાકીને ચા પીધા (કે ખાધા)નો સંતોષ ન મેળવતા હોત !
ગરમ ચાનો મહિમા આમ સ્વયંસ્પષ્ટ હોવા છતાં કેટલાક માનવીઓ અતિશય ઠંડી ચા પીવાનું પસંદ કરે છે તે હકીકત મારા ધ્યાન બહાર નથી. જ મારાં પત્ની અને મસિયાઈ બહેનનાં ઉદાહરણો આ સંદર્ભમાં મારા માટે સાવ હાથવગા છે ! વહેલી સવારની ફળફળતી ચાનો એક કપ ગટગટાવી જવાની મારી અધીરતાથી શ્રીમતીજી સુપરિચિત એટલે તેઓ મારી અને પોતાની ચા તૈયાર કરી મને એક કપ આપી બાકીની ચા કાં તો તપલીમાં જ રાખી મૂકે અથવા પ્યાલામાં ગાળી તેના પર ઢાંકણ ઢાંકી પોતાના નિત્યક્રમમાં પરોવાઈ જાય. હું અડધો ડઝનેક કપ ખાલી કરી શકું તેટલો સમય નિત્યક્રમમાં વિતાવ્યા પછી શ્રીમતીજીની સવારી ધીરે આસને ચા પીવા પધારે ! ત્યાં સુધીમાં મારું તો અડધું છાપું યે વંચાઈ જવા આવ્યું હોય ! છતાં તેમની સ્વગતોક્તિ ચાલુ હોય, બળ્યું મારાથી બહુ ગરમ ચા નથી પિવાતી !’ એમ લાગે છે કે ઠંડી ચા પીવા માટેનો કોઈ એવાર્ડ હોય તો મારાં શ્રમતીજી કદાચ તેને પ્રાપ્ત કરે ! પણ ભારતીય દામ્પત્યજીવનની આ જ મહાનતા છે અન્યથા મારી ઉકળતી ચા અને તેમની હિમશીતળ ચા-પાનનું સહઅસ્તિત્વ શી રીતે રીધમ બને અને ટકે ! અને તે પણ અડધી સદી પર્યન્ત ! ચા પીવાની પદ્ધતિ પરત્વે અન્ય મતભેદ એ મુદ્દે છે કે ચા રકાબીમાં કાઢીને પીવી કે સીધેસીધી કપથી જ મોઢે માંડવી ? આ કપ-રકાબીને બદલે મગ અથવા માત્ર પેપરકપમાં અપાઈ હોય તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. ફાવે કે ન ફાવે તો યે મગપેપર-કપ સીધો મોઢે માંડી હોઠ દજાડવાનું જોખમ  ખેડવું પડે છે. અતિશય ગરમ ચા પીવા ટેવાયેલા મારા જેવા માટે આમાં બહુ વિપત નથી, પરંતુ અન્યોની તો ભારે કસોટી થાય છે તેને ઉષ્ણ-પરીક્ષા પણ કહી શકાય ! મારી આ પાન પદ્ધતિને દ્વિવિધ છે. હું જ્યારે કશાક તણાવ કે અજંપાની મન:સ્થિતિમાં હોઉં છું ત્યારે ઝટ-ઝટ  ચા કપમાંથી રકાબીમાં કાઢી તેના મોટ મોટા ઘૂટડા ગળે ઉતારી જાઉં છું. વહેલી સવારની ચા સંબંધે મારે ઘણું ખરું આવું જ બને છે, કેમ કે મારું સકળ ચિત્તતંત્ર કપમાંની ગરમાગરમ ચા અને છાપાની ગરમાગરમ હેડલાઇન્સ વચ્ચે સરખે ભાગે વહેંચાયેલું હોય છે. આથી ગરમાગરમા ચાને બનતી ત્વરાએ ઢીંચી જઈને તરત હું દઝાડતા અખબારી મથાળાં ભણી દોટ મૂકું છું. પરંતુ એથી ઊલટું જ્યારે હું પ્રશાન્ત, પ્રસન્ન, પ્રશમ ભાવ વિશેષમાં વિહરી રહ્યો હોઉં છું ત્યારે મને ગરમ ચા પણ મંદ મંદ ગતિએ પીવાનું રુચે છે અને માટે હું રકાબીની ઉપેક્ષા કરીને કેવળ પ્યાલાનો આશ્રય લઉં છું ! ચાની ઉષ્ણતા પરત્વે ત્યારે હું કશી બાંધછોડ કરતો નથી. આમ ચાને ગળામાં રેડવાના પદાર્થમાંથી ધીમે ધીમે માણવાના પ્રવાહમાં રૂપાંતરિત કરું છું, જેથી હું અને ચા, બન્ને સાર્થક બનીએ છીએ !
છતાં મારે કબૂલવું જોઈએ કે ચા રકાબીમાં કાઢીને પીવી તે ગ્રામ્ય અને લીધી પ્યાલે પીવી તે આધુનિક રીત છે તેવી ગ્રંથિ મારા મનમાં પણ વસેલી છે, આથી હાઈ સોસાયટીમાં હાઈ-ટી સાથે કામ પાડવાનો પ્રસંગ આવે છે ત્યારે હું રકાબી નહીં કપ પર જ કળશ ઢોળું છું અને એટીકેટ સાચવ્યાનો સંતોષ અનુભવું છું. એટીકેટ સંદર્ભે એવો પ્રશ્ન પણ ઊભો ઊઠતો રહ્યો છે કે ચા સૂચવાટા બોલાવીને પીંવી કે રજમાત્ર અવાજ ન થાય તે રીતે ? મને લાગે છે કે આપણા બાપ-દાદાઓ આ સંબંધોમાં પૂરા પારદર્શી હતા ! ‘સબડકા વિના ધબડકાએ તેઓનો લગભગ જીવનમંત્ર હતો ! દાળ હોય કે દૂધપાક, તેઓ અચૂક તેનો સબડકો મારીને જ આરોગતા ! શેરમાં ગટરગંગાને કાંઠડે ન્યાત જમવા બેઠી હોય ત્યારે દાળ, કઢી કે દૂધપાકના સબપડકાઓને અવિરત પરમ્પરાથી પર્યાવરણ એવું સજીવ થઈ ઊઠતું કે વગર દિવાળીએ ય નાના નાના ફટાકડાઓ ફૂટતા હોય તેવો સાંભળનારને ભ્રમ થતો ! વસ્તુત: આ સબડકાપ્રીતિમાં આપણા પૂર્વજોની નિખાલસતાપૂર્ણ જીવનશૈલી વ્યક્ત થતી હતી ! જે કંઈ કરવું તે ઉઘાડે છોગ, ડંકે કી ચોટ પર કરવુ તે તેઓને મુદ્રલેખ હતો ! દાળ કે દૂધપાક જ સ્વાદિષ્ટ બન્યા હોય, જિહવાને પ્રિય લાગ્યા હોય તો તેનો આસ્વાદ, જાણે કશુંક પાપ કરતા હોઈએ તેમ છાનેછપને શા માટે લેવો ? આ વડવાઓનું ચાલ્યું હોત તો તેઓએ ચાના પણ ઘૂંટ ન ભર્યા હોત, સબડકા જ માર્યા હોત. પરંતુ એમાં કંઈ ફાવટ નહીં આવી હોય એટલે તેઓએ સૂસવાટા બોલાવીને ચા પીવાની પદ્ધતિ શોધી કાઢી. એકાદ સદી સુધી તેનું પૂર્ણ પ્રભુત્વ રહ્યું પણ ખરું , પરતું પછી એટીકેટ, મેનર્સ વગેરેનો હાઉ એવો સવાર થતો ગયો કે ચા પીવાની પેલી શ્રાવ્ય-દ્રશ્ય શૈલી નિંદાપાત્ર ઠરવા લાગી અને હવે મોટાભાગના ભણેલાગણેલા માણસો સૂસવાટા શું સિસકારા ય ન સંભળાય તેવી રીતે ચા પીએ છે. મારા પૂરતી વાત કરું તો હું યે મહદઅંશે સૂસવાટા રહિત શૈલીથી ચા પીઉં છું પણ કદીક મારી ભીતરી મૂળભૂત નિખાલસતા અને સહજતા પરનું એટીક્ટ અને મેનર્સનું ઢાંકણ ઢીલું પડે છે ત્યારે મને પણ સૂસવાટાશૈલીને શરણે જઈ અંદરથી હળવો થાઉંઉં છું. કેથાર્સિસ અનુભવું છું. મનુષ્ય પોતાની આદિમતા પરના અસભ્યતાના મહોરાને ફગાવી દઈ નરવો બનવા પ્રેરાય છે. દુગ્ધશર્કરા મિશ્રિત પર્વતોપ્તન્ન બાષ્પમય પેય અર્થાત્ એકાક્ષરી ચાનો હું પત્રકાર-લેખક હોવા છતાં મર્યાદિત પ્રેમી છું. તેથી જ તો મને આ મુજબનો શ્લોક રટવાની ઉત્કટ ઇચ્છા જવલ્લે જ થાય છે.

ચા દેવી સર્વ ભૂતેષું, સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા !’

0 comments: