ડોક્ટરની નોંધપોથી


-ડો.પ્રફુલ્લ શાહ

(સાદર ઋણસ્વીકાર : અખંડ આનંદમાંથી)

સાસુ-મા


અમારા સોનલ હાઉન્ડેશન દ્વારા ટી.બી. સેન્ટર ચલાવીએ છીએ. સામાન્ય માણસને ટી.બી. થાય તો ખર્ચાળ દવાઓ લાંબો સમય તે ન લઈ શકે એટલા માટે અમે તેમને ફ્રી દવા, ત્રણ માસ ગૌશાળામાંથી એક લીટર દૂધ આપીએ છીએ જેથી વ્યક્તિ જલદી સારો થઈ કામ પર જઈ શકે. તેમનું નિદાન પણ અમે કરી આપીએ એટલે તેમને આર્થિક રાહત મળે.

એક દિવસે બે મોટી ઉંમરની બહેનો એક 18-20 વર્ષની લાજ કાઢેલ દીકરી લઈને મારા ક્લિનિકમાં દાખલ થયાં. તેમનો ચહેરો જોતાં અને ઉધરસ આવતી હતી તે પરથી અનુમાન થયું કે દીકરીને ફેફસાનો ટી.બી. હશે. છ માસથી તેને તાવ-ઉધરસ હતાં અને વજન ઘણું ઘટી ગયું હતું. એક્સ-રે, લોહી વગેરે તપાસતાં નિદાન થયું કે તેને બન્ને ફેફસામાં ટી.બી. છે.

ડોક્ટરને માટે આવા દર્દીની વાત કરવી મુશ્કેલ બને છે. મારી પાસે ઊભાં હતાં તે બહેનને પૂછ્યું કે,
બહેન, આ દીકરી તમારે શું થાય ?’ બહેને કહ્યું કે, સાહેબ મારે એક જ દીકરો છે અને મારી વહુ છે. મારે દીકરી નથી એટલે તેને દીકરીની જેમ જ રાખું છું. તેમને દીકરીના દર્દ વિષે વિગતથી સમજ આપી. તેઓ બેબાળકા બોલી ઊઠ્યાં, આ દર્દ તેને ક્યાંથી આવ્યું ?’ એમ બોલતી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. બીજી મોટી ઉંમરની બહેને કહ્યું કે, હું તેની મા છું. માની આંખો ભીની થયેલી પરંતુ ધ્રાસકો તો સાસુને પડેલો.

સાસુ-માએ મને કહ્યું કે,
સાહેબ, તમે ગમે તે કરો આ દીકરીને સારી કરો નહીં તો મારો દીકરો રખડી પડશે. અમે ગરીબ માણસો પૈસા નહીં એટલે નાના ડોક્ટરોની દવા લીધા કરતા પરંતુ કોઈએ તમારું નામ આપ્યું એટલે તમારી પાસે આવ્યાં છીએ. બહેનને ધીરજ આપી અને સમજાવ્યાં કે દીકરાની સારવાર બરાબર કરશો તો સારી થઈ જશે. દવા સાથે ગાયના દૂધની પણ વ્યવસ્થા થઈ જશે. બહેને આંસુ લૂછયાં અને તેને શાંતિ વળી.

દીકરીને મેં કહ્યું કે,
બેટા તું તો ભાગ્યશાળી છો. આ જમાનામાં તને માથી પણ વધારે લાડ કરાવે તેવા સાસુ મળ્યાં છે. તારા માટે તેમના અંતરમાં કેટલી લાગણી છે ! અમારી દવા અને તેમના આશીર્વાદથી તને સારું થઈ જશે.

સાસુ-માને જ્યારથી પુત્રવધૂનાં ટી.બી.ની ખબર પડી છે તે દિવસથી તેમની પડખે સુવડાવે છે. દિવસ-રાત તેનું ધ્યાન રાખે છે. દીકરી જલદી સારી થતી જાય છે. અને હવે તો બન્ને હસતાં ક્લિનિક પર આવે છે. દવા લઈને મારા બારણા પાસે આવી માથું નમાવી સંતોષ સાથે ઘર તરફ પ્રયાણ કરે છે. તેઓ જ્ઞાતિએ ભંગી છે પણ જન્મથી સંસ્કાર લઈને જન્મેલાં સાસુ-મા છે.

આજે સમય પલટાયો છે. સાસુ-વહુના સંબંધોમાં ઓટ આવી છે પરંતુ દુનિયામાં મીઠી વીરડીઓમાં કદી ઓટ આવતી નથી.
----------------------------------------


ગરીબ દર્દીની કહાણી


સૌરાષ્ટ્રમાં અને હું જ્યાં રહું છું તે સાવરકુંડલા વિસ્તારમાં મલેરિયા બારે માસ જોવા મળે. ચૌમાસાની ઋતુમાં મલેરિયાના દર્દીઓનો રાફડો ફાટે. ગામડાંમાંથી અસંખ્ય દર્દીઓ આવે. એવાં પણ ગામડાંઓ હાય છે. જ્યાં એક ઘર મલેરિયા વિનાનું બાકી ન હોય. એક બાજુ વરસાદ પછી લણવાની મોસમ હોય અને બીજી બાજુ મલેરિયાના ખાટલા ઘરમાં હોય. જો ઘરના મોભીને મલેરિયા થાય અને મટતાં વાર લાગે તો કમાવાનું વર્ષ બગડી જાય. ગરીબ દર્દીઓને ઘરમાં મચ્છરદાની તો ન હોય અને ચોમાસા પછી ગામડામાં ગંદકી એટલી વધારે હોય કે ઠેરઠેર ખાબોચિયામાં મચ્છરના થર જામ્યા હોય. આવી સ્થિતિમાં-

જ્યારે હું ક્લિનિકમાં દાખલ થતો ત્યારે એક દર્દી બાંકડા પર સૂતેલો. મોઢું લાલા લાલ અને કણસતો હતો. તેના માથા પર હાથ મૂકતાં તાવ મગજ પર ચડી ગયો હશે તેમ લાગ્યું. સામાન્ય રીતે ગામડેથી દર્દી આવે ત્યારે ગામડાના વૈદ્યરાજાએ અધૂરી સારવાર આપેલી હોય અને જ્યારે વધારે તકલીફ લાગે ત્યારે કુંડલા મોકલી આપે.

દર્દીને તપાસી તેની લેબોરેટરીની તપાસ માટે સૂચના આપી. તેને મલેરિયા હતો. તુરત બોટલ શરૂ કરવામાં આવી અને અંદર બીજાં ઇંજેક્ષનો પણ નાખવામાં આવ્યાં. બાટલો પૂરો થયા પછી બન્ને મારી રૂમમાં આવ્યા.

તેના દીકરા અને પત્ની સાથે એક ધાવણા ટાબરિયાને જોઈને ખ્યાલ આવી ગયો કે તેની આર્થિક પરિસ્થિતિ જરા પણ સારી નહીં હોય. મનોમન નક્કી કરી લીધું કે,
તેને દવા પણ લઈ આપીશું અને કોઈ ચાર્જ નહીં લઈએ.

બન્ને માણસો મારી સામે ખુરશીમાં ગોઠવાયાં. ભાઈએ પૂછ્યું કે,
સાહેબ, કેટલા પૈસા આપવાના છે ?’ મેં સામે પ્રશ્ન કર્યો કે, કેટલા રૂપિયા લાવ્યા છો ?’ તેણે ઉત્તર આપ્યો કે, સાહેબ, રૂ. 2000/- ગજવામાં છે.મારો બીજો સવાલ હતો કે, ભાઈ, તારી કમાણીના છે કે ઉધાર લાવ્યો છો ?’ દર્દીની આંખો ભીની થઈ ગઈ. સાચી વાત કહી કે એક ભાઈ પાસેથી વ્યાજે લાવ્યો છું. ત્રણ મહિને બમણા પૈસા આપવા તે શતે તે ભાઈએ મને પૈસા આપ્યા છે.

બન્ને માનવીઓને સમજાવ્યાં કે દવા આપું છું. તે બરાબર નિયમિત લેવી એટલે તાવ ઊતરી જશે અને સાથે શક્તિની દવાઓ પણ છે તે તાવ ઊતરી જાય પાછી લેવી. જેની પાસેથી પૈસા લીધા છે તેમને પાછા આપી દેજો.

મલેરિયાના તાવમાં બોટલ ચડાવવી પડે તો પણ બહુ જ ઓછા ખર્ચમાં દર્દીને સારું થઈ જાય છે.

આવાં અનેક લોકો મારી પાસે આવે છે. જેઓ વ્યાજે લીધેલા પૈસા આપી શકતા નથી અને પાયમાલ થઈ જાય છે. વ્યાજખોરને કદી કેમ દયા-કરુણા નહીં આવતી હોય
!

આવા ગરીબ માનવીઓના આશીર્વાદ એ જ મોટી મૂડી છે.
-----------------------------------------------

ભૂવા ભટકાયા

આપણા દેશમાં ખાસ કરીને અભણ માણસો ભૂવા-ભરાડીમાં વધારે માને. તેમને ચમત્કારમાં રસ. તદ્દન ગરીબ માણસ હોય અને ખબર પડે કે કોઈ એક સ્થળે
બાબા આવ્યા છે અને તેઓ કોઈ પણ દર્દ મટાડી દે છે એટલે કોઈની પાસેથી વ્યાજે પૈસા લઈને પણ ત્યાં પહોંચશે. બાબાના મંતરેલા પાણીનો કે ભસ્મનો ઉપયોગ કરશે અને નિરાશ થશે. છતાં ફરીથી બીજા કોઈ ભૂવાની વાત સાંભળે તો ત્યાં પણ દોડી જશે. ગમે તેટલી વખત ધક્કા ખાવા છતાં આ લોકો નિરાશ થતા નથી. તેના માટે ગુણવંત શાહના પુસ્તાકમાં વાંચેલું માણસ શ્રદ્ધા વગર તરી નથી શકતો અને અંધશ્રદ્ધા વગર ડૂબી નથી શકતો. અંધશ્રદ્ધાળુઓનો આપણાં દેશમાં તો તોટો નથી. તેવા જ એક કુટુંબની વાત કરવી છે.

નયના છોકરીનું નામ. 18 વર્ષે તેને મુંબઈ પરણાવી. બન્ને કુટુંબોનો ધંધો ઢોર-ઉછેરનો અને દૂધ વેચવાનો. બન્ને કુટુંબ સુખી, અને મિત્રો પણ ખરા. દીકરી પરણીને આવી એટલે સાસરિયામાં માન-પાન સાથે રહે. પરંતુ આખો દિવસ કામના ઢસરડાને કારણે જરા પણ નવરી ન પડે. મુંબઈની હવા ભેજવાળી, હવા તેને અનુકૂલ ન આવી. ઝીણો તાવ આવવો શરૂ થયો, સાથે ખાંસી પણ શરૂ થઈ. છતાં કામ તો કરવું જ પડતું. આવા કોલો ડોક્ટરને ઓછું માને એટલે ભૂવાને બોલાવ્યો. ભૂવાએ વળગાડ કહ્યો. તે માટે તેના પર જે પ્રયોગો કરવાના હતા તે કર્યા. ફરીથી જોશી મહારાજાને બોલાવ્યા. તેમણે સૂચવ્યા પ્રમાણે વિધિ કરી પણ દર્દ વધતું ગયું. પડોશમાંથી કોઈએ કહ્યું કે, ડોક્ટરને તો બતાવી જુઓ. ડોક્ટર પાસે ગયા. ડોક્ટર પૂરી તપાસ કરીને નિદાન કર્યું કે ફેફસાનો ટી.બી. છે. પરંતુ કુટુંબના કોઈને તેની ગંભીરતા સમજાઈ નહીં. આરામનું કહેવા છતાં કામ કરવાનું તો ચાલુ જ રહ્યું. એકાદ અઠવાડિયનું દવા આપી પરંતુ ચમત્કારિક ફેર ન લાગ્યો એટલે મોટા ભૂવા અને જોશી મહારાજને બોલાવવામાં આવ્યા. સમય પસાર થતો ગયો. એક દિવસ દીકરી બેભાન થઈ ગઈ. કુટુંબ આખું બેબાકળું બની ગયું. પડોશીઓની સલાહથી મોટી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તેનું નિદાન ટી.બી. મેનિન્જાઇટિસ
(T.B. Maningitis) થયું. તુરત દીકરીનાં મા-બાપને સાવરકુંડલા ખબર આપવામાં આવ્યા. અધ્ધર શ્વાસે તેઓ મુંબઈ પહોંચ્યાં. હોસ્પિટલમાં દીકરીના અચેતન દેહને જોયો અને તુરત તેને સાવરકુંડલા લઈ આવવાનો નિર્ણય કર્યો.

કુંડલામાં સોનલ ફાન્ડેશન દ્વારા ટી.બી.ના દર્દીઓની ફ્રી સારવાર થાય છે અને અનેક ટી.બી.ના દર્દીઓ સારવાર લે છે તેની તેમને ખબર હતી. તેઓ દીકરીને લઈને મારી પાસે આવ્યા.

ચાર-પાંચ જણાએ ઊંચકીને તેને મારા ટેબલ પર સુવરાવી. તે બે-શુદ્ધ હતી. અને તેનું એક અંગ ખોટું પડી ગયેલું તથા એક આંખે ઓછું દેખાતું હતું. તેની જરૂરી બધી તપાસ કરીને ટી.બી.ની સારવાર ઇંજેક્ષનો સાથે શરૂ કરી. ચાર દિવસ પછી બતાવવા જણાવ્યું પરંતુ આવ્યાં નહીં.

એક દિવસ અમે સાંજના ફરવા જતા હતા ત્યારે તેનો બાપ સાઇકલ પર જતો હતો અને મળી ગયો. તેને પૂછ્યું કે,
દીકરીને કેમ છે ?’ ગલ્લાં-તલ્લા કરવા લાગ્યો. અને છેવટે સાચી વાત કરી કે, સાહેબ, એક જાણકાર બાબા ઘરે આવીને કહી ગયા છે દીકરીને વળગાડ જ છે અને ભસ્મ આપી ગયા છે તે અમે આપીએ છીએ અને અમને તેઓ ખાતરીથી કહી ગયા છે કે એક અઠવાડિયામાં દીકરી બેઠી થઈ જશે. મને ગુસ્સો આવી ગયો. પરંતુ કાંઈ કહ્યું નહીં અને તેમને જવા દીધા.

દસેક દિવસ પછી મારા કમ્પાઉન્ડર ભાઈએ વાત કરી કે,
પેલા ભાઈ આવ્યા છે, પરંતુ મારી પાસે આવતા ગભરાય છે. મેં તેમને આવવા દીધા.

આવીને મને કહે,
સાહેબ આવી ભૂલ હવે ફરીથી કદી નહીં કરું, સાહેબ, મારી દીકરીને બચાવી લ્યો. તેને ફરીથી દર્દની ગંભીરતા વિષે શાંતિથી સમજાવ્યું. દીકરીની સારવાર મારા સૂચન પ્રમાણે કરવા અને દરરોજ મારો કમ્પાઉન્ડર ઇંજેક્ષન આપી જશે વગેરે વ્યવસ્થા ગોઠવી આપી. દરરોજ મને સમાચાર આપવા જણાવ્યું.

અમારા કમ્પાઉન્ડર અમને દરરોજનો રિપોર્ટ આપે. દિન-પ્રતિદિન સારું થવા લાગ્યું. સમયે-સમયે તેઓ મારી પાસે તપાસ કરાવી જતાં.

છ માસમાં દીકરી તદ્દન સારી થઈ ગઈ. તા. 17-4-
04ને દિવસે નયનાનાં બા તેને ચલાવીને મારી રૂમમાં લઈ આવ્યાં. મારા આનંદનો પાર ન હોતો. જે દીકરીનાં હાડકાં દેખાતાં હતાં અને બચવાની શક્યતા ઘણી ઓછી હતી તે દીકરી મારી સામે સ્ટૂલ પર બેઠી બેઠી હસી રહી હતી. ફક્ત આંખોમાં ઝાંખપ સિવાય તેને કોઈ તકલીફ રહી ન હતી.

મેં હસવામાં પૂછ્યું કે,
હવે તો કોઈ ભૂવા-ભરાડીને બતાવવું નથી ને ?’ તેની બાએ કહ્યું કે, તેના બાપુ અસલમબાબા પાસે લઈ જવાની વાત કરતા હતા પરંતુ અહીંથી બે જણાના મૃતદેહો પાછા આવ્યા એટલે તેમણે તે કાર્યક્રમ બંધ રાખ્યો છે. દીકરીને આંખમાં ઝાંખપ હતી તે સારી કરવા ત્યાં જવું હતું.

આ વાત ચાલતી હતી અને તેના બાપુએ રૂમમાં પ્રવેશ કર્યો. મેં સીધો જ સવાલ કર્યો કે, ક્યારે દીકરીને અસલમબાબા પાસે લઈ જવી છે
?’ હસવા લાગ્યા, સાહેબ, આપની માફી માગું છું. હવે કદી આવી વાત અમારી જબાન પર નહીં લાવીએ. તેના સોગંદ લઉં છું.

દીકરી અત્યારે ચાલી શકે છે. વજન 65 કિલો થઈ ગયું છે. પક્ષાઘાત મટી ગયો છે. કમરના દુખાવને કારણે વધારે વખત બેસી શકતી નથી. ચાલવામાં કોઈના ટેકાની જરૂર પડતી નથી.

આપણા દેશમાં લોકશિક્ષણની ઘણી જરૂર છે. આવા અનેક માણસો આવા ધુતારા પાસે ખુવાર થાય છે. જેમને અટકાવવા જોઈએ.
-----------------------------------------------

બદલાતા અર્થ

જે માત્રા કુટુંબ અને માલમતા જ નહીં, પણ કપડાં સુધ્ધાંનો તદ્દન ત્યાગ કરી આત્મશોધન માટે નિર્મમત્વવ્રત ધારણ કરતો અને મહાન આદર્શ નજર સામે રાખી જંગલમાં એકાકી સિંહની પેઠે વિચરતો તે પૂજ્ય પુરુષ નગ્ન કહેવાતો. ભગવાન મહાવીર આ જ અર્થમાં નગ્ન તરીકે પ્રખ્યાતિ પામ્યા છે. આમ એ શબ્દ શુદ્ધ ત્યાગ અને દેહમન સૂચવતો હતો. પંતુ હંમેશાં શબ્દોના વપરાશની મર્યાદા એકસરખી નથી રહેતી. તેનું ક્ષેત્ર નાનુંમોટું અને વખતે વિકૃત થઈ જાય છે. નગ્ન એટલે વસ્ત્રરહિત તપસ્વી, ને તે એટલે માત્ર એક કુટુંબની જવાબદારી છોડી વસુધા-કૌટુંબિક બનનાર અને આખા વિશ્વની જવાબદારીનો વિચાર કરનાર. કેટલાક માણસો કુટુંબમાં એવા નીકળે તે જેઓ નબળાઈને લીધે કૌટુંબિક જવાબદારી ફેંકી દે છે, અને તેની જગ્યાએ વધારે સારી અને વધારે વ્યાપક જવાબદારી સ્વીકારવાને બદલે આળસ અને અજ્ઞાનને લીધે તેઓ પોતાના કુટુંબને અને પોતાની જાત સુધ્ધાંને બિનજવાબદાર થઈ ભટકતા અને રખડતા રામ થઈ જાય છે. આવા તે રખડતા રામને તિરસ્કારસૂચક તરીકે અગળ પોતાની અરુચિ દર્શાવવા તરીકે નાગો (નગ્ન) કહ્યો. બસ
! ધીરે ધીરે પેલો મૂળ નગ્ન શબ્દ પોતાના મહાન તપ, ત્યાગ અને પૂજ્યતાના અર્થમાંથી સરી માત્ર બિનજવાબદાર એ અર્થમાં આવીને અટક્યો.” (સંકલિત)
(
દિવ્ય ભાસ્કર)
- પંડિત સુખલાલજી

0 comments: