કંકોતરી


(સાદર ઋણસ્વીકાર : લગ્નસાગરમાંથી)

તમારી કંકોતરી મળી.

તમારા શુભ લગ્નના સમાચાર વાંચ્યા.

અભિનંદન.

થોડા દિવસ પહેલાં આપણે મળ્યા હતા ત્યારે તમે તમારા લગ્નનો કશો ઉલ્લેખ નહોતો કર્યો. જાણે લગ્ન કરવું કોઈ ગુનો હોય એમ તમે એનો એકરાર કરતાં શરમાઓ છો અને બેળે બેળે મોડા મોડા ટપાલથી ખબર આપો છો કે આખરે અમે પણ ફસાયા !
પણ એ ગુનો નહિ, પુણ્યનું કામ છે.

મેં તમને એવું ઘણી વાર નહોતું સમજવ્યું ? કંઈ નહિ. ભૂલી ગયા હશો તો બધું હવે જલદી યાદ આવશે અને ખાતરી થશે કે લગ્નના મૂળમાં પુણ્ય જ છે. કદાચ તમારો સંકોચ આ પણ હોય : પવિત્ર કાર્યની જાહેરાતનો, કે કદાચ તમે હવે પહેલી વખત સ્વતંત્ર વ્યક્તિ તરીકે સમાજની આગળ ઊભા થાઓ છો એનો ક્ષોભ હશે, કે અંતરનો પ્રેમ ખુલ્લો મૂકતાં ક્ષોભની સાહજિક લાગણી હશે. ખબર નથી. તમનેય ખબર ન પણ હોય. પણ વાંધો નથી. એ મૂદુ સંકોચ યુવાન માણસની શોભા છે. એના શુભ સંકેતથી તમે નવા જીવનમાં મંગળ પ્રવેશ કરી શકશો.

કંકોતરીમાં તમારા નામની જોડે જે છોકરીનું નામ છે એ મને અજાણ્યું લાગે છે. જેની સાથે તમે કોલેજમાં ખાસ ફરતા હતા એ છોકરી તો આ નથી ને ? મેં તમને ત્યારે તો કહેલું કે આ સંબંધ લાંબો ન ટકે, ખાલી મોહ છે,  છોકરવાદ છે. પણ તમે માન્યું નહિ, ખોટું લગાડ્યું, અને જુસ્સામાં કહી પણ સંભળાવ્યું કે, હું લગ્ન કરીશ તો એની સાથે કરીશ, ને નહિ તો આખું જીવન બ્રહ્મચારી રહીશ. અને એ છોકરી પછી ગઈ, તમને તરછોડીને ગઈ ત્યારે, તમે કેવા રડ્યા, તેના પ્રેમપત્રો હાથમાં દબાવીને, મસળીને કેવા રડ્યા, ને મેં તમને આશ્વાસન આપ્યું કે દુનિયામાં બીજી ઘણી છોકરીઓ છે, અરે તમારી જ્ઞાતિમાં ને પેટાજ્ઞાતિમાં પણ છે, અને તે બધી પરણવા આતુર છે ને તેમનાં માતાપિતા એમને પરણાવવા એથીય વધુ આતુર છે માટે બાવાજી થવાની ખાસ આવશ્યકતા નથી; પણ તમે એ પણ માન્યું નહિ ને પાછું ખોટું લગાડ્યું ને કંઈક કહી પણ સંભળાવ્યું. તોય જેમ પહેલાંનો મોહ શમી ગયો હતો તેમ પછીનો આઘાત પણ ઓછો થયો, ઘવાયેલી ગાલણીઓનું સમાધાન થયું, અને છેલ્લે તમારી એ ભીષ્મપ્રતિજ્ઞા તૂટી-બીજી કોઈ સદભાગીને પુણ્યવાન કન્યાની તપશ્ચર્યાથી. અને બંને નામ એક જ કંકોતરીમાં છપાયાં.

આ આખી કથા એ સદભાગી કન્યાને કહેવાની જરૂર નથી, હા. તમે કેવા હતા એ નહિ પણ હવે કેવા છો ને તેની પ્રેરણાથી કેવા થવાના છો એ જ જાણવું છે. અને વખત છે ને એની પાસે બીજી એવી જ કથા પણ હશે. કદાચ એ પણ બીજા કોઈ યુવકને મૂકીને આવી હોય.. તેથી એણે ભૂતકાળની વાતો કરવી નથી. સાંભળવી નથી. ગઈ ગુજરી તે ગઈ ગુજરી. હવે નવું જીવન. લગ્નમાં પુણ્ય છે, ને એ પુણ્યથી ભૂતકાળનું સંચિત કર્મ બળી જાય છે.

કંકોતરીમાં તમારાં માબાપનાં નામો છે. લગ્નના સમાચાર અને નવદંપીને આશીર્વાદ આપવાની વિનંતી એમની તરફથી છે. આજકાલ તો કંકોતરીમાં માબાપનાં નામ જોઈને રાહત અનુભવાય છે. ખાલી વરકન્યાનાં નામ અને અમે અમારા લગ્નમાં આવવા તમને આમંત્રણ આપીએ છીએ એવું કેટલીક કંકોતરીઓમાં વાંચીએ છીએ ત્યારે સહેજ વહેમ જાય છે કે દાળમાં કંઈ કાળું તો નથી ને ? અને જતાં પહેલાં ખાતરી કરવી પડે છે કે આપણને લગ્ન રજિસ્ટર કરનાર મેજિસ્ટ્રેટની ઓફિસમાં નહિ પણ ખરેખર કન્યાને ઘેર કે કોઈ પ્રતિષ્ઠિત સ્થળે બોલાવે છે અને ત્યાં નવદંપતી સિવાય બેઉ પક્ષના મુરબ્બીઓ પણ મળશે અને સાચું કુટુંબ-સંમેલન થશે.

લગ્ન તો તમે બે કરો છો એ વાત સાચી. એટલે લગ્ન તમારું જ છે, અને અમે આવીએ છીએ તે તમારે ખાતર આવીએ છીએ (અમે એટલે તમારા મિત્રો ને તમારાં પત્નીની બહેનપણીઓ, બાકી તો બીજાં બધાં અને ઘણાંખરાં તમારા બાપુજીને ખાતર આવે છે એ તમારા ધ્યાનની બહાર નહિ હોય). પરંતુ યાદ રાખો કે અમુક વરસ પહેલાં બીજું એવું લગ્ન થયું ન હોત (આજે તમારાં માતાપિતા છે તેમનું) તો આજનો શુભ પ્રસંગ તમારે માટે આવ્યો ન હોત. અને એ ખ્યાલ પણ કરો કે અમુક વરસ પછી બીજું એવું લગ્ન થશે (તમારા આજના પ્રેમના ફળસ્વરૂપ તમારા ભાવિ સંતાનનું) ત્યારે તમે બે વરકન્યા મટીને માતાપિતાની કોટિમાં આવી ગયા હશો અને એ નવા લગ્નમાં, એ નવા કુટુંબમાં તમારું સ્થાન રહે એમ તમે ઇચ્છતાં હશો. એ લગ્નોની પરંપરામાં તમારું આજનું લગ્ન બેસે એમાં એની સાર્થકતા છે. અને તેથી આજના વડીલોના આશીર્વાદ પામીને તમે કાલે એ આશીવાર્દ બીજાને આપવાનો અધિકાર પ્રાપ્ત કરી શકશો.
અને તમારે માટે નહિ તો આજે પહેલી વાર તમારો હાથ લઈને ચાલનાર એ કોમળ કન્યાને માટે તો ઘર છોડીને બીજે ઘેર જવાનો આ પ્રસંગ છે એનો વિચાર પણ તમારે કરવાનો છે. સ્ત્રીની નાજુક લાગણીઓનો ખ્યાલ જડ પુરુષને નથી એ સ્ત્રીજાતની કાયમની ફરિયાદ અને લગ્નજીવનના કંકાસનું મુખ્ય કારણ છે. તો આજથી તને એ લાગણીઓ ઓળખતાં અને એને માન આપતાં શીખો જેથી નવું જીવન પહેલેથી જ સુખી બને. એ કોમળ કન્યાને આજે રડતી જોશો ત્યારે એમ ન માનશો કે એ હજી પોતાનાં માબાપની ઓશિયાળી છે અથવા તો તમારે માટે એને ઓછો પ્રેમ છે. પ્રેમ પૂરેપૂરો છે, અને નવું કુટુંબ રચવાના તમારા કરતાં એને વધારે કોડ છે. પણ માબાપથી એ વિખૂટી પડે છે એટલે રડે છે. (શું સમાજનો અન્યાય નથી લાગતો કે જેનું હૃદય વધારે કોમળ છે તેની પાસે તે વધારે ભોગ માગે છે ?) એને રડવા દેજો. એમાં તમે સહેજ ખોટું લગાડશો કે અધીરાઈ બતાવશો તો નવા જીવનની પહેલી ભૂલ કરી બેસશો, એના હૃદયમાં તમારું આગવું સ્થાન છે પણ પોતાનાં માતાપિતાનું પણ કાયમનું સ્થાન છે. એ તો ગામડાની નવવધૂની જેમ પહેલો ઝઘડો થતાં પિયેર નાસી જવાની નથી, પણ તેને હજી એનાં માતાપિતાની જરૂર છે એ હકીકત છે, અને એ હકીકતનો સ્વીકાર તમે પૂરા દિલથી કરો એ તમારા બંનેના બંનેના હિતમાં છે.

એટલે જ હું કહેતો હતો કે તમારાં અને એમનાં માતાપિતાનાં નામ જોઈને મને આનંદ થયો હતો. તેમનું સ્થાન તમારી કંકોતરીમાં છે, તમારા લગ્નમાં છે, તમારા નવા જીવનમાં છે.
ઇશ્વરકૃપાનો ઉલ્લેખ પણ કંકોતરીમાં છે એ વિશેષ ગમ્યું. હાલ એવી કંકોતરીઓ મળે છે પણ ખરી કે તે એક પવિત્ર ધાર્મિક વિધિ માટેનાં આમંત્રણ છે કે કોઈ નાટકની ભજવણીની ટિકિટ છે એ કહેવું મુશ્કેલ છે. શ્રી ગણેશની મંગળમૂર્તિને બદલે વૃક્ષની ડાળી પર ચાળા કરતાં પંખીનું યુગલ, ઓમ અને સ્વસ્તિકને બદલે ફૂદડી ને તારિકા ને પ્રેસમાં હાથ લાગી એવી ગમે તે અર્થ વિનાની નિશાની ધર્મનું માનનિશાન નહિ, સંસ્કારનો ઉલ્લેખ નહિ, વિધિનો ખ્યાલ જ નહિ. એ જ ક્રમ લાગે છે. પ્રથમ ઇશ્વરનું નામ ગયું. પછી માતાપિતાનાં નામ ગયાં. પછી કોણ જાણે શું જશે-કારણ કે ઇશ્વરને કાઢ્યા પછી ગમે તે કાઢી શકાય. પણ સાચો ક્રમ ઊલટો જ છે. લગ્નજીવનને ફરી પવિત્ર ને મંગળ ને સુખી બનાવવા સૌથી પ્રથમ ઇશ્વરને વચ્ચે બોલાવવો જોઈએ, સૌથી પ્રથમ શ્વરનો આશીર્વાદ યાચવો જોઈએ. માતાપિતાના આશીર્વાદ તો એ જ મૂળ આશીવાર્દના પડઘા છે, તેથી ઇશ્વરકૃપા ખરેખર સફળ લગ્નનો પાયો છે. તમારો જન્મ થયો ત્યારે તમારાં બાના હોઠ પર ઇશ્વરનું નામ હતું. આજે તમારું લગ્ન થાય છે ત્યારે એ પણ તમને અગ્નિની આસપાસ પગલાં ભરતા જોઈ ધીરેથી ઇશ્વરનું નામ ઉચ્ચારતાં રહે છે. એમની પાસેથી એ મંત્ર લઈને પરિણીત જીવનમાં મંગળ પ્રવેશ કરી શકશો.

હજી તમારી કંકોતરી સામે જોઈ રહ્યો છું. તમારું નામ ને એનું નામ સાથે વાંચું છું. ધીરેથી ઉચ્ચારું છું. એ બે નામોનો સારો મેળ બેસે છે. સાથે સુંદર લાગે છે. મધુર રણકો છે. તે ફરીથી ઉચ્ચારું છું. અને હૃદયના ઊંડાણમાંથી વહાલના ઉમળકા સાથે પ્રાર્થના ને આશીર્વાદ ઊઠે છે કે તમે બંને સુખી થાઓ, સુખી ઘર વારસો, સુખી કુટુંબ રચો, અને આજનો શુભ દિવસ ખરેખર શુભ ને પવિત્ર ને સુખી જીવનનો દ્યોતક બનો.

ભગવાન તમારું શ્રેષ્ઠ કલ્યાણ કરો, બેટા.

0 comments: