- ધૂમકેતુ
(સાદર ઋણસ્વીકાર : ‘લગ્નસાગર’માંથી)
બન્નેને હું કોલેજથી ઓળખતો હતો. એ છોકરાઓ ને એ છોકરી બન્ને મારા વર્ગમાં બેસીને ભણ્યાં હતાં. એમનાં લગ્ન થયાં ત્યારે હું અભિનંદન આપવા ગયેલો. તેઓ તો એનાં એ જ હતાં. એકની કીંમતી સાડી ને બીજાનાં સૂટ-બૂટ ખરાં, પણ હતાં તો એ જ છોકરો ને એ જ છોકરી. કોલેજના મારા વર્ગમાં બેસીને ભણ્યાં હતાં એ જ.
લગભગ એક વર્ષ એમને ઘેર પારણું બંધાયું એટલે હું ફરીથી ગયો. બાળકનું મોં જોવા. ને બાળકનું મોં જોયું, પણ સાથે સાથે તેનાં યુવાન માતાપિતાનાં મોં જોઈને હું અચંબો પામ્યો.
ગજબનો ફેરફાર થયો હતો બન્નેમાં.
મારી આગળ હવે કોલેજમા મારા વર્ગમાં ભણેલાં એ છોકરો ને છોકરી નહિ, પણ એક પુરુષ અને એક સ્ત્રી, પિતા ને માતા ઊભાં હતાં. એમનામાં થયેલું સૂક્ષ્મ પણ મૂળભૂત પરિવર્તન હું હર્ષથી ને આશ્ચર્યથી જોઈ રહ્યો, માણી રહ્યો. પછી મેં ફરીથી બાળકના મોં તરફ જોયું, અને એ ચમત્કાર કોના પ્રતાપે થયો હતો એ હું સમજી ગયો. પારણામાં સૂતેલા એ મોહક બાળકે પોતાનું મોં ઉઘાડતાં જ પહેલાં (અરે પોતાની આંખ ઉઘાડતાં પહેલાં પણ) એ છોકરાને માણસ બનાવ્યો હતો, એ છોકરીને માતા બનાવી હતી. કેવળ કાળ વીતવાથી જે પરિવર્તન થયું નહોતું, કેળવણીથી ને શિક્ષણથી, ડિગ્રીઓ ને વિધિઓથી એ છોકરા-છોકરીનાં જીવનમાં જે નવસ્વરૂપ આવ્યું નહોતું તે એ નિ:સહાય બાળકના આગમનથી આવ્યું હતું.
ઘેર ઘોડિયું હોય ત્યારે એ જોયા વગર પણ અને બાળકનું રડવાનું સાંભળતાં પહેલાં પણ ઘેર નાજુક મહેમાન છે એનો સૂક્ષ્મ ખ્યાલ ઘરની અંદર પગ મૂકતાં જ આવી જાય છે. બધાને એનું ભાન છે, એની જવાબદારી છે, એનું વહાલ છે; અને તેથી ઘરનું આખું વાતાવરણ કહી દે છે કે અંદર મોંઘો મહેમાન પધાર્યો છે. રાજગાદીએ બાળરાજા બિરાજે છે.
એ જ રીતે એની વાતો કર્યા વગર ને એની સમજૂતી માગ્યા-આપ્યા વગર પણ, પિતા અને માતા થયેલાં એ છોકરા-છોકરીના ચહેરા પર તેમનાં એ નવતર સ્વરૂપનાં લક્ષ્ણો અંક્તિ જોઈને હું તેમના નવા વ્યક્તિત્વ, નવા આત્મઘાટ, નવી જીવનપાત્રતાની ઝાંખી પામી શક્યો. અને જોકે તેઓ મને જૂના શિક્ષક તરીકે વંદન કરતાં હતાં, પણ તેમનો એ નવો અવતાર જોઈને હું એમને મનોમન વંદન કરી રહ્યો.
બાળક પોતાના પિતાને પુરુષ બનાવે છે.
બાળક પોતાની માતામાં સ્ત્રીત્વ ને માતૃત્વ પ્રગટાવે છે.
બાળક લગ્નને સફળ, અખંડ, અમર બનાવે છે.
પ્રેમનું બંધન.
એકતાનો સંકેત.
સમર્પણનું ફળ.
બાળક એ સ્ત્રીપુરુષને માતા-પિતા બનાવીને એમને સાચાં પતિપત્ની પણ બનાવે છે. બેની વચ્ચે આવીને બંનેને એકબીજાની સાથે કાયમ માટે બાંધી લે છે. બીજાને માટે ભોગ આપવાનું સરળ ને સહજ બનાવીને પ્રેમનો સાચો અર્થને મર્મ એમને સમજાવી દે છે. બાળકમાં આટલી શક્તિ છે. એ શું એટલા માટે ન હોય કે તે સીધું ઇશ્વરને ત્યાંથી આવ્યું છે ?
વિનોદિનીબહેનની એક હૃદયસ્પર્શી વાર્તા છે. માલિની લાડમાં ને વહાલમાં ઉછરેલી, પણ તેના દિલમાં ઉષ્માની ખામી હતી. ઘેર ને સાસરે એના વિશે એ જ ફરિયાદ હતી :
‘અમારી માલિની ખરેખર જલકમલક જેવી છે. દિનરાત પાણીમાં રહ્યાં છતાં જલબિદુંઓ જેમ કમલપુષ્પને ભીંજવી શકતાં નથી, તેમ જ અમારા હૂંફભર્યા પ્રેમાળ કુટુંબમાં આટલા વર્ષોના વસવાટ પછી પણ માલિનીનું હૈયું રસાળ નથી, સાવ લુખ્ખું છે. કુટુંબીઓના પ્રેમની ધારઓનાં વર્ષણ છતાં માલિની તદ્દન નિર્લેપ રહી છે !’ એના પતિ સંસ્કારી, સજ્જન, ધનવાન હતા. ઘેર સુખ હતું પણ હૂંફ નહોતી. શાંતિ હતી પણ વહાલ હોતું. ઘેર પારણું તો નહોતું. માલિની કહેતી, ‘મને તો છોકરાંની લપ ગમતી જ નથી. તરતનું જન્મેલું માંસના લોચા જેવું છોકરું જોઈને પણ મને તો ચીતરી ચઢે, અને બાળોતિયાં બગાડે અને ઊલટીથી ગંધાય. એવાં છોકરાંનો વિચાર કરતાં પણ મને તો કમકમાટી થઈ જાય છે !’ પણ કુદરતે બીજો રસ્તો કાઢ્યો. એક દિવસ માલિની બંગલામાં એકલી હતી ને જરા આસપાસ આંટો મારવા ગઈ ત્યારે નદીકિનારે કોઈએ ત્યેજેલું તાજું જન્મેલું બાળક એને જડ્યું. પહેલી વૃત્તિ તેને તો સૂગની જ થઈ, પણ ધીરે ધીરે એના દિલમાં સુષુપ્ત રહેલા માનવતા ને માતૃવના અંકુર ફૂટ્યા, બાળકને હાથમાં લીધું, ઘેર લઈ ગઈ, અણઘડ રીતે પણ વધતી જતી મમતાથી એમે નવડાવ્યું, દૂધ પાયું, સુવાડ્યું. લેખિકાની કલમ જ એનું વર્ણન કરી શકે એવી સૂક્ષ્મ રીતે એ નિ:સહાય બાળકે માલિનીનું હૃદય જીતી લીધું. અને માલિનીના પતિ પાછા ઘેર આવ્યા, માલિનીમાં થયેલો ફેરફાર એણે જોયો, કારણ જાણ્યું, ને બાળકને પોતાને ઘેર વધાવી લીધું ત્યારે એ નીરસ જીવનમાં ને એ સૂના બંગલાનાં નવું વાતાવરણ, નવો પ્રાણ આવ્યો. એણે સસરાને સમાચાર આપવા પત્ર લખ્યો ત્યારે છેવટે ઉમેર્યું, આ નવજાત શિશુએ આવી મને પ્રેમાળ પિતા બનાવ્યો છે, અને માલિનીને કોડીલી માતા બનાવી છે. મને તો સાચું પૂછો તો બાળક અને પત્ની હવે જ મળ્યાં છે. અમારા સદભાગ્યને સીમા જ રહી નથી.’
પારકું બાળક એવો ચમત્કાર કરાવી શકે તો પેટનું છોકરું શું ન કરાવી શકશે ?
અને પોતાનાં માબાપને માટે જ નહિ પણ આખા કુટુંબ ને આખી દુનિયા માટે પણ બાળક પ્રેરણાસ્રોત ને શક્તિનો ભંડાર બની શકે છે. બાળકને વહાલ કરતી માતાની મૂર્તિ એ પૃથ્વી પરની સૌથી મંગળ ને પાવનકારી મૂર્તિ છે. તેની પવિત્રતા સૌ સમજી શકે, તેનો સંદેશો સૌ ઝીલી શકે, તેથી પ્રેરણા સૌ પામી શકે.
આફ્રિકામાં યુટુંડી પ્રદેશમાં જંગલનાં ગામડાંઓમાં માતા પોતાના બાળકને ઝુલાવે ત્યારે આ હાલરડું ગાય છે :
‘સૂઈ જા. સૂઈ જા, મારા લાડીલા ! તારી બા તને હાથ ફેરવે છે : એ જાણે છે કે બાળકને એ ગમે છે. સૂઈ જા, મારા લાડીલા ! તારી બા તારું રક્ષણ કે છે, અને તું તારી બાનું રક્ષણ કરે છે. કારણ કે તારે લીધે જ પ્રભુએ તારી બાને શક્તિ આપી છે.
પ્રભુ તારા માટે મારાં સ્તનમાં અમૃત ભરે છે.
પ્રભુ તારા માટે મારાં અંગમાં સ્ફૂર્તિ આપે છે.
પ્રભુ તારા માટે દિલમાં વાત્સલ્ય પૂરે્ છે.
સૂઈ જા, મારા લાડીલા !
મારું સર્જન ને ઈશ્વરનું સર્જન!
ઈશ્વર વિના હું તમે જન્મ ન આપી શકત. ને મારા વિના ઈશ્વર પણ તને પેદા ન કરી શકત.
તેં જ મને ઈશ્વરનો સહકાર કરતી બનાવી છે !
સૂઈ જા, મારા લાડીલા !
તું જો ઊંઘીશ નહિ તો મને ચિંતા થશે. અને મને બીજી અનેક ચિંતાઓ છે...
સૂઈ જા. કારણ તે હું તારી બાજુમાં છું.
તું કદી એકલો પડવાનો નથી.
અને તું છે એટલે હું પણ હવે કદી એકલી પડવાની નથી.
એ તને હજી ખબર નથી ને ?
બીજાં કહેશે કે તું રૂપવાન નથી.
જૂઠું ! તું દુનિયામાં સૌથી સુંદર બાળક છે.
સૂઈ જા, મારા સાડીલા !
પ્રભુએ તને મને આપ્યો છે.
મેં તને પ્રભુને આપ્યો છે.
ને એ હવે આપણી બાજુમાં છે.
તું મારા હાથમાં છે, હું તેના હાથમાં છું.
સૂઈ જા, સૂઈ જા,
કારણ કે તારી બાને પણ ઊંઘ આવે છે....’
એ ગીતના સૂર સાંભળતાં આફ્રિકાના જંગલના સિંહ પણ નરમ ને ગરીબ બની જાય છે અને ગામમાં કોઈની હિંસા કર્યા વગર પાછા ફરી જાય છે એમ ત્યાંના લોકો કહે છે.
બાળકમાં જ ભાગવાનનાં દર્શ સુલભ છે.
તેના દિલમાં દુનિયાની બૂરાઈ હજી ચડી નથી, તેના મનમાં સંસારની ચિંતા હજી પેઠી નથી. બજારની ધમાલની વચ્ચે પણ એ નિરાંતે ઊંઘે છે કારણ કે એના હૃદયમાં શાંતિ છે, બધાંની આવજાની વચ્ચે એ આનંદથી રમે છે કારણ કે એના મનમાં વિશ્વાસ છે. એ નિર્મલ હૃદયમાં, એ અલિપ્ત મનમાં ભગવાનનો વાસો છે, ને તેના મહિમાની ને તેના પ્રેમની ઝાંખી એ બાળકની ધ્યાનમગ્ન આંખો દ્વારા દુનિયાને થાય છે.
જેના દર્શનથી દિલમાં પવિત્ર ભાવો ઊઠે, જેના આગમનથી યુવાન માતાપિતાના હૃદયમાં ને અંગેઅંગમાં અદભુત શક્તિનો સંચાર થાય, જેના સ્મિતથી આખું જગત હળવું ફૂલ બની જાય-એનું સાર્થક નામ બાળભગવાન જ હોય.
જે પ્રદેશમાં મનુષ્યો પ્રેમની ઈર્ષા કરે છે, યોગ્ય યુગલને ઈર્ષાથી જુએ છે, ત્યાં નરકની ગંધ પ્રગટ થાય છે. ત્યાં યૌવનમાં રસને બદલે વિકાર પ્રગટ થાય છે. ત્યાં પિવત્ર પ્રેમની સૃષ્ટિને બદલે વિલાસની બદબૂ છૂંટે છે.
0 comments:
Post a Comment