હસો ખડખડાટ

છેલ્લે તમે મન મૂકીને, આંખમાં પાણી આવી જાય કે પેટમાં દુઃખી આવે એવું ક્યારે હસ્યા હતા? યાદશક્તિને જોર આપવું પડે છેને? આપણા રોજિંદા જીવનની દોડધામને કારણે જીવનમાંથી હળવાશ ધીમે ધીમે ઓછી થતી જાય છે ત્યારે, ‘અખંડ આનંદ’ અને શ્રી નગીન દવેના સાદર ઋણસ્વીકાર સાથે, ખડખડાટ હસવાની પ્રેરણા આપતો આ લેખ...

એલોપથી, આયુર્વેદ, યુનાની, હોમિયોપેથી ઉપરાંત બીજી 135 જેટલી ચિકિત્સા પદ્ધતિઓ આજે પ્રચલિત છે તેમાંની એક છે હાસ્ય ચિકિત્સા. માણસ જ એવું પ્રાણી છે કે જે હસી શકે છે અને રડી શકે છે. મોટાં શહેરોમાં આપણે બગીચામાં ફરવા જઈએ તો વહેલી સવારમાં લાફિંગ ક્લબનાં સભ્યો મોટેથી ચિત્ર વિચિત્ર મુદ્રામાં મોટેથી હસતાં માલૂમ પડશે. તેઓ કૃત્રિમ રીતે ઠાહાકા મારીને ખડખડાટ હસે છે, અટ્ટહાસ્ય કરે છે.

આજે આપણી જિંદગી ભાગદોડની થઈ ગઈ છે. જીવન ધોરણ ચોક્કસ ઊંચું ગયું છે પણ માનસિક તણાવ વધ્યો છે. પૈસા કમાવાની લાહ્યમાં આપણે જાણે કે વાસ્તવિક જીવન જ ખોઈ બેંઠાં છીએ. આજે ચારેબાજુ પરેશાની ચિંતા અને હતાશા છે. થોડાં વર્ષો પહેલાં સ્વિઝર્લેન્ડમાં એક આંતરરાષ્ટ્રીય હાસ્ય સમારોહ યોજવામાં આવેલો. તેમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે પચાસના દાયકામાં સામાન્ય માણસ દરરોજ આઢારથી વીસ મિનિટ હસતો હતો તે નેવુંના દાયકામાં માંડ ચાર પાંચ મિનિટ જ હસતો હોય છે.

સાહિત્યમાં નવ રસનું નિરૂપણ છે. શૃંગાર, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભુત, શાંત કરુણ અને હાસ્ય. આપણાં પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં હાસ્યરસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. નાટકોમાં નટી, સૂત્રધાર ઉપરાંત વિદૂષકનું પાત્ર હોય છે જે તેની વિચિત્ર વેશભૂષા, અભિનય તેમજ અવળવાણી અને ઠઠ્ઠા મશ્કરીથી લોકોને હસાવે છે. પ્રાચીન નાટ્યશાસ્ત્રના રચયિતા ભરતમુનિએ હાસ્યના છ ભેદ કહ્યા છે. સ્મિત, હસિત, વિહસિત, ઉપહસિત, અપહસિત અને અતિ હસિત. જેમાં માત્ર મોં મલકે અને દાંત દેખાય નહીં એ મંદહાસ્ય એટલે ‘‘સ્મિત’’ જેમાં દાંતનો અગ્રભાગ દેખાય અને નેત્રો પ્રફુલ્લિત થઈ ઊઠે એ ‘‘હસિત’’ કહેવાય છે. અવાજ સાથેના હાસ્યને ‘‘વિહસિત’’ તથા કપટપૂર્ણ દ્રષ્ટિથી જોઈને કરેલા અટ્ટહાસ્યને ‘‘ઉપહસિત’’ કહે છે. ગમે ત્યારે કારણ વગર આંખોમાંથી આંસુ આવી જાય ત્યાં સુધી જોરશોરથી હસવું એ ‘‘અપહસિત’’ કહેવાય છે અને ખૂબ જોરજોરથી ખડખડાટ હસવું, અટ્ટહાસ્ય કરવું એ ‘‘અતિહસિત’’ કહેવાય છે.

અસાઇત ઠાકરે ભવાઈના વેશો લખ્યા. નાયક, ભોજક, તરગાળા, ભવાયા, આ વેશો ગામોગામ ફરીને ભજવતા. આ વેશોમાં હાસ્યરસનું પ્રાધાન્ય હતું. રાજા મહારાજાઓ અને શ્રીમંત શાહુકારો પણ ભવાઈનાં વેશો જોવા આવતાં. જૂઠણનો વેશ, કજોડાનો વેશ તો ખૂબ જ પ્રખ્યાત થયેલો. ભવાઈના વેશમાં રંગલો અને રંગલી તો ખરાં જ. રંગલો સ્ટેજ પર પગ મૂકે ત્યાં જ લોકો હસવા માંડે. ભવાઈના વેશોમાં આ રંગલો ખડખડાટ હસાવતો. સૌરાષ્ટ્રમાં રંગલાને નટારો કહેતાં. આ પાત્ર વિદૂષક પરથી જ ઊતરી આવ્યું છે. સુરુચિનો ભંગ ન થાય એવી રીતે આંગિક હાવભાવ, છબરડાઓ અને ભાષા પ્રયોગથી તે ખડખડાટ હસાવતા. તેમાં ગમ્મત સાથે જ્ઞાન હતું. આ હાસ્યરસ દ્વારા તેઓ સંદેશો પણ આપી જતાં. અતિ સૂક્ષ્મ કોટિનું હાસ્ય પણ તેઓ પીરસતાં, જો કે સ્થૂળ હાસ્યુનું પ્રધાન્ય રહેતું.

કાળક્રમે ભવાઈના વેશોની જગ્યાએ રામલીલા આવી. ગુજરાતી રંગભૂમિને પારસીઓએ અનેક નાટકો આપ્યાં. હિંદી અને ગુજરાતી નાટકોને ભદ્ર સમાજમાં સ્થાન મળ્યું. આ નાટકોમાં હાસ્યરસને સ્થાન હતું જ. દરેક નાટકમાં કોમિક મૂકવામાં આવતું. કોમેડિયન કલાકારો લોકોને પેટ પકડીને હસાવતા. ફિલ્મોનો યુગ શરૂ થતાં પણ હાસ્યરસનું સ્થાન તો અકળબંધ જ રહ્યું. દરેક ચલચિત્રમાં કોમેડિયન કલાકાર અચૂક હોય જ. જહોની વોકર, મા. ભગવાન, સુંદર, મહેમુદ, શોભા ખોટે, ટુનટુન, કેસ્ટ્રો મુખરજીએ લોકોને ખૂબ હસાવ્યા છે ટીવી યુગમાં પણ દરેક ચેનલ હાસ્યરસ પીરસતી જોવા મળે છે. દૂરદર્શન પરથી પણ ‘ગમ્મત ગુલ્લા’ જેવા હાસ્યરસના કાર્યક્રમો રજૂ થાય છે. ટીવીના માધ્યમથી દેશ કક્ષાએ ઘણા હાસ્ય કલાકારોએ કાઠું કાઢ્યું છે, જેમાં રાજુ શ્રીવાસ્તવ, પરાગ કંસારા, જોની લીવર વગેરેનો સમાવેશ થાય છે. લોકસાહિત્યના કાર્યક્રમોમાં હાસ્ય કલાકારોને સ્થાન મળે છે. શાહબુદ્દીન રાઠોક, ભીખુદાન ગઢવી, હરસુર ગઢવી અને સાંઈરામ દવે ઉત્તમ હાસ્ય કલાકારો ગણાય છે.

સાહિત્ય-જગતમાં પણ રમણભાઈ નીલકંઠ, જ્યોતીન્દ્ર દવે, ઓલિયા જોશી, દલપતરામ, બકુલ ત્રિપાઠી, મધુસુદન પારેખ અને વિનોદ ભટ્ટ વગેરે સાહિત્યકલાકારોએ ખૂબ જ હાસ્યરસ પીરસ્યો છે. શિષ્ટ સામાયિકો અખંડ આનંદ, નવચેતન, નવનીત-સમપર્ણ, કુમાર, પરબ અને શબ્દસૃષ્ટિમાં પણ હાસ્યકૃતિને સ્થાન મળે છે. અખબારોમાં હાસ્ય વ્યંગની કટારો નિયમિત પ્રસિદ્ધ થતી હોય છે.

પહેલાંના જમાનામાં રાત્રે વાળુ પાણી પત્યા પછી સૌ ટોળે વળીને બેસતાં. મહિલાઓના વૃંદમા વડીલ માજી સૌને વાર્તા કહેતાં જેમાં અક્કલ હોંશિયારી અને હાસ્યરસની વાતો જ હોય. દાદા દાદી પણ પૌત્રોને વાર્તાઓ કહી હસાવતાં. અલકમલકની વાતોમાં ટીખળ પણ થતું. જાગરણની રાત્રિઓમાં તે સમયે ફિલ્મો જોવાનું કે પત્તાં રમવાનું ચલણ બિલકુલ નહોતું. રાસ-ગરબા સાથે જુદીજુદી રમતો રમાતી. મશ્કરીઓ થતી અને સૌ ખડખડાટ હસતાં. જાગરણથી કોઈને થાક નહોતો લાગતો પરંતુ માનસિક તાજગી અનુભવાતી. આજે આવાં પ્રસન્ન રહેવાનાં માધ્યમો લુપ્ત થતાં જાય છે. લગ્નોમાં હાસ્યરસિક ફટાણાં, ગવાતાં, હવે તો લગ્નમાં લગ્નગીતો જ ગવાતાં નથી, ગામડામાં હજી થોડે ઘણે અંશે લગ્નગીતો ગવાય છે પણ ફટાણાંની જે હરીફાઈ થતી અને હાસ્યની છોળો ઊડતી એ હવે જોવા મળતી નથી.

ડો. વિલિયમ જેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ચિકિત્સા વિભાગના વડા હતા. તેમના મતે હસવા હસાવવાથી દૂર રહેનારા અને ખિન્ન રહેનારાઓને ગંભીર માંદગીઓ તરત જ લાગુ પડી જાય છે. હસવાથી એપીનેફ્રેમ, ડોપામાઇન વગેરે હોરમોન્સ ઉત્પન્ન થાય છે, જે દર્દનિવારક, એલર્જીનાશક અને રોગોથી મુક્તિ આપનારાં હોય છે. હસવું એક એવો વ્યાયામ છે જે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાની વૃદ્ધિ કરી માનસિક તનાવને દૂર કરે છે તેમજ વાતરોગ, પેટના વિકારોને દૂર કરે છે. ખડખડાટ હસવાથી શરીરમાં ઓડોર્ફિન નામના રસાયણમાં વૃદ્ધિ થાય છે. જે દર્દનિવારણનું કામ કરે છે. ખૂબ જોરથી હસવાથી શરીરમાં રહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સક્રિય થાય છે અને રોગોનો નાશ કરે છે.

આપણે જોઈએ છીએ કે ઘણા માણસો દિવેલિયું ડાચું લઈને ફરતાં હોય છે. સામાન્ય બીમારી પણ તેઓ સહન કરી શકતાં નથી. કોઈ જવાબદારી વહન કરી શકતાં નથી, નિર્ણય લેવામાં તો વારંવાર મૂંઝાયા કરે છે. હસવું તો તેમને આવડતું જ થી. ઘણાંને વારંવાર ગુસ્સો જ આવતો હોય છે તો પણ ઘમંડના કારણે ખૂલીને હસી શકતાં નથી. માત્ર સ્મિત કર્યાથી કે મોં મલકાવાથી કાંઈ થઈ શકવાનું નથી. માનસિક તાણથી દૂર રહેનારને શરદી, સળેખમ, શ્વાસ, ઉચ્ચ રક્તચાપ, માથાનો દુઃખાવો, પેટની તકલીફો, લોહીની ઊણપ, બેચેની, અનિદ્રા, ચક્કર, થાક, યાદશક્તિની કમી, કામમાં મન ન લાગવું તેમ જ હૃદયની બીમારી જેવા રોગો થતા જ નથી. આવા રોગોને જો શરીરમાં પ્રવેશવા ન દેવા હોય તો ખડખડાટ હસવું પડશે.

ખૂબ જોરથી હસો. ખડખડાટ હસો, કોલેસ્ટ્રોલ ચોક્કસ ઘટશે. ઈન્સ્યુલિનનો સ્રાવ યોગ્ય માત્રામાં થવાથી ડાયાબિટીસ ક્યાંય ચાલ્યો જશે. શ્વાસ રૂંધાવો, હાઈ બીપી, દમ, અસ્થમા પણ ટકી નહીં શકે. માનસિક તનાવથી શરીરમાં સ્ટોરાઈડ તત્વ પેદા થાય છે જેથી જીવનશક્તિમાં કમી આવે છે. હસવાથી સફેદ રક્તકણો સક્રિય થઈ જાય છે અને બીમારી પર ચારેબાજુથી આક્રમણ કરીને તેનો નાશ કરી નાખે છે. ખડખડાટ હસવું એ સ્નાયુની ઉત્તમ કસરત છે. તેનાથી શારીરિક થાક અને માનસિક તાણ દૂર થાય છે. મનુષ્યે દિવસમાં બે ચાર વખત ઠહાકા મારીને ખડખડાટ અટ્ટહાસ્ય કરવું જોઈએ. રોગને ભગાડવા છે તો પ્રસન્ન રહો. જે બનવાનું છે તે બનીને જ રહેવાનું છે તો પછી ચિંતા શાની ? ચિંતા ચિંતા સમાન છે. સ્વભાવ આનંદી રાખીશું તો ચિંતા ક્યાંય ચાલી જશે. ખૂબ જ ધન એકઠું થાય તો સુખ શાંતિ મળે તે વાત પણ ખોટી છે. આપણી એક ભજનવાણીના આ બોલ છેઃ ‘જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહીં અમીરી મેં’’

ડો. રેમન્ડ મૂડીએ કહ્યું છે કે હસવાથી તબિયત સારી રહે છે. અમેરિકન ડો. વિલિયમ ફ્રાઈ કહે છે કે ખડખડાટ હસવાથી માથાના દુઃખાવા સહિત તમામ દુખાવામાં રાહત મળે છે. પાચનતંત્ર અને ફેફસાંની ઉત્તમ કસરત થઈ જાય છે. મનોરોગીઓનો તો આ રામબાણ ઈવાજ છે. આજે દવાવાદ ઘર કરી ગયો છે. સામાન્ય માંદગી આવતાં જ આપણે દવા લેવા દોડી જઈએ છીએ. જો મન પ્રસન્ન હશે, સ્વભાવ આનંદી હશે તો રોગ દશ ગાઉ છેટો રહેશે. હસો અને હસાવો પણ જો જો માત્ર મોળું મોળું મલકવાથી કાંઈ નહીં થાય. ઠહાકા મારીને હસો, ખડખડાટ હસો.
--------------------------------

0 comments: