(સાદર ઋણસ્વીકાર : ‘પર્યાવરણ સેતુ’માંથી)
અમદાવાદથી 60 કિ.મી. દૂર આવેલું નળ સરોવર ગુજરાતનો એક મહત્વનો જળપ્લાવિત વિસ્તાર છે. તે રાજ્યનું સૌથી મોટું પક્ષી અભાયારણ્ય છે. નળ સરોવર એક પ્રાકૃતિક, છીછરું તળાવ છે. ચોમાસા દરમ્યાન તેની સરેરાશ ઊંડાઈ 3 મીટર જેટલી હોય છે. જે ચોમાસા બાદ 50 થી 100 સે.મી. જેટલી છીછરી થઈ જાય છે. ઉનાળામાં સરોવળનો ઘણો ભાગ સુકાઈ જાય છે.
નળ સરોવર પહેલાં દરિયાનો એક ભાગ હશે તેવું માનવામાં આવે છે. તેની માટી મધ્યમ કાળી છે અને તળાવનો ઢાળ ખૂબ જ ઓછો છે. અહીં વાર્ષિક વર્ષા 100થી 200 મિ.મી. જેટલી રહે છે. નળ સરોવરનું પાણી નાનાં ઝરણાંઓ, બ્રાહ્મણી અને ભેગાવો નદીમાંથી આવે છે.
આ જળપ્લાવિત વિસ્તારમાં 48 પ્રકારની લીલ, 72 પ્રકારની પુષ્પધારી વનસ્પતિ અને 76 પ્રકારનાં ઝુપ્લેન્કટન જીવો નોંધાયા છે. અહીં પક્ષીઓની 250 જેટલી જાતિઓ નોંધાઈ છે જેમાં 158 જેટલી પાણી પર નભનારી જાતિઓનો સમાવેશ થાય છે. તેમાં બતક, હંસ, બીટર્ન, ફૂટ, કોર્મોરેન્ટ, સુરખાબ, સારસ, બગલા, કલકલિયો વગેરેની પ્રજાતિઓ જોવા મળે છે. સાઈબીરિયા, મધ્ય એશિયા અને યુરોપનાં સ્થાતંર કરી જનારાં પક્ષીઓ માટે તે રહેઠાણ પુરું પાડે છે. તેઓ ઓક્ટોબરમાં આવવાનાં શરૂ થાય છે અને જાન્યુઆરીમાં તો તેમની સંખ્યા ખૂબ જ વધી જાય છે. જ્યારે આ ક્ષેત્ર સૂકું થવા માંડે એટલે માર્ચ-એપ્રિલમાં આ પક્ષીઓ જતાં રહે છે.
આ વિસ્તારમાં ખેતીવાડી, નૌકાવહન પ્રાણીઉછેર મુખ્ય આજીવિકાનાં સાધનો છે. આમાંથી પર્યાપ્ત આજીવિકા ઉપલબ્ધ ન હોવાથી કેટલાક લોકો વૃક્ષો કાપવાનાં કે પક્ષી મારવાનાં કામ કરે છે. તેઓ આસપાસની વનસ્પતિઓને કાપી તેનો ઇધણ તરીકે અથવા પશુચારા માટે ઉપયોગ કરે છે.
પક્ષીઓનાં સ્થળાંતરની ઋતુમાં ખેતરોમાં વવાયેલા પાકને ઘણાં પક્ષીઓ ખાઈ જાય છે. સારસ જેવાં પક્ષીઓને તેના માળા માટે વધુ વિસ્તાર જોઈએ છે. વળી, આ પક્ષીઓને પવિત્ર ગણાતાં હોવાથી ખેડૂતો તેમને તેમનાં ખેતરમાંથી કાઢતાં ખચકાય છે. આ બધાંને કારણે ત્યાંના સ્થાનિક લોકોને પક્ષીઓ સામે વાંધો પડ્યો છે.
0 comments:
Post a Comment