“કર્મણ્યેવાધિકારસ્તે...” શ્રી કૃષ્ણોપદેશનું અનુસરણ


-પ્રકાશ લાલા

(સાદર ઋણસ્વીકાર : ગુજરાત ભાગ-2માંથી)

સવારના પોરમાં પડોશી પ્રવીણભાઈને ત્યાં, રોજ પોતાના-કમ-અને પડોશીઓના જ્યાદા લાભાર્થે હાઈ વોલ્યુમમાં રેડિયો આદુ-મરચાં-કોથમીર વાગતો હોય છે.... આખો દિવસ ફિલ્મી, પોપ ને ટેપ ને ડિસ્કો ગીતો પ્રસારિત કરતો રેડિયો આદુ-મરચાં-કોથમીર સુપ્રભાતે થોડું ભક્તિ-સંગીત રજૂ કરે છે તે માટે એનો આભાર !!
આજે ઊંઘ ઊડી ત્યારે પ્રવીણભાઈના ઘરમાં આ રેડિયો ઉપરથી પ્રસારિત થઈ રહેલ ભજન કાને પડ્યું. આ ભજનમાં આવતો કનૈયા શબ્દ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવ્યું ને મનમર્કટ ચકરાવે ચઢ્યું !!
કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથના સારથિ હતા. સારથિ યાને કે ચાલક-ડ્રાઈવરનું કામ તો હુકમ મુજબ ચૂપચાપ વાહન હંકારે જવાનું છે. શ્રી કૃષ્ણએ, મહભારતના યુદ્ધ વખતે, યુદ્ધભૂમિ ઉપર અર્જુનના સારથિ હોવા છતાં, ચૂપચાપ રથ હંકારે જવાના બદલે, ગાંડીવધારીને ઉપદેશ-વચનો કહ્યાં. આ કદાચ પ્રોટોકોલ ભંગ થયો કહેવાય, પરંતુ સારથિ શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા સંભળાવી અર્જુનને મોક્ષનો માર્ગ ચીંધ્યો હતો એ કેમ ભુલાય ?’ એટલે આ આખીય વાતનો સાર એટલો પ્રોટોકોલ મર્યાદાભંગ કરીનેય કંઈક બોલતા રહેવું જોઈએ અને ડ્રાઈવરના બોલવાથી પોતાને કોઈ લાભ થવાનો છે તેમ સમજી માલિકે તે સાંભળવું જોઈએ !!
શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રમાં પાર્થને પ્રબોધેલ અને વાયા શ્રીમદ્ ભગવદ્ ગીતા એન્ડ ધેન વાયા દાદજી અમને બાળપણમાં જ ભારપૂર્વક શીખવાડાયેલ શ્લોક કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન... અર્થાત્, ફળની આશા રાખ્યા વિના જ કર્મ કર્યે જા... એ અમારા ઉપર એવી તો જડબેસલાક અસર જમાવી દીધી હતી કે, નાનપણથી લઈ આજલગી જાણે-અજાણ્યે અમે ચુસ્તપણે કર્મણ્યેવાધિકારસ્તે...ને અનુસરતા રહ્યા છીએ...

શાળાકાળ દરમિયાન પાસ થવાના ફળની આશા રાખ્યા વિના, ભણવા સિવાયનાં બધાં જ કર્મો-ધીંગામસ્તી-તોફાન, ચાલુ પીરિયડે કંઈક અળવીતરું કરી ટીચર્સને ઈરીટેટ કરવા, પ્લેગ્રાઉન્ડ ઉપર રમવાની રમતો કલાસરૂમમાં રમવી વગેરે વગેરે-અમે કરતા રહેતા, પરિણામે ફુલ્લી પાસ થવાના ફળની પ્રાપ્તિથી વંચિત રહેવાનું દુર્ભાગ્ય અને શિક્ષકોનો માર, શાળામાંથી કાઢી મૂકવાની આચાર્યશ્રીઓની નોટિસ, ઘરે પિતાશ્રીના હાથનો ભરપૂર મેથીપાક વગેરેની પ્રાપ્તિનો સુયોગ સધાતો, પણ ઊંડો વિચાર કરીએ તો આ બધું વડીલોના વાંકે જ ને ? દાદાજીએ કર્મણ્યેવાધિકારસ્તે...ના સંસ્કાર સિંચ્યા ન હોત તો  આવું થોડું થાત?
કહે છે કે, નાનપણમાં પડેલા સંસ્કારની છાપ વ્યક્તિમાં દ્રઢ થતી હોય છે. તેથી જ કદાચ આજે ય અમે સવારે વહેલા ઊઠાશે જ એવા ફળની આશા કે ચિંતા કર્યા વિના, પરોઢિયે પાંચનું એલાર્મ ગોઠવીને સૂઈ જવાનું કર્મ કર્યે જઈએ છીએ. પછી ભલેને સવારે પાંચ વાગતાં જ એલાર્મની ઘંટડી રણકી ઊઠે, ઊંઘમાં જ એ બંધ કરવા અમારો હાથ પ્રવૃત્ત બને, એ દરમિયાનમાં અમારા મૂકેલા એલાર્મના અવાજથી અમારા સિવાય ઘરમાં ને આસપાસનાં ઘરોમાં બધા જાગી જતાં હોય....! પરંતુ અમે ફળની આસક્તિ વગર ઊંઘ્યા કરીએ છીએ.

કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં કદાપિ નહીં... માટે કર્મ ન કરવામાં આસક્તિ ન રાખએ ગીતોપદેશમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે કોલેજકાળમાં અમે પરીક્ષામાં કોપી-ચોરી કર્મ કરતા રહ્યા... જો કે તેથી ડિગ્રી રૂપી ફળ મળ્યું એ તો  કેવળ હરિઈચ્છા બલિયસી જ એમ નમ્રપણે અમે માનીએ છીએ !

અને આમ જુઓ તો સમાજમાં અમારા જેવા કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન એ ગીતાના શ્લોકને અનુસરનારા ઘણાય છે. હિંસા-લડાઈનું અંતિમ ફળ તો માર-ધિક્કાર-કાયમી દુશ્મનાવટ-અશાંતિ-જાનમાલનું નુકસાન જ આવવાનું છે, એવી ખબર હોવા છતાં આ ફળ ઉપર આપણો અધિકાર નથી, આપણે તો કેવળ આવાં કર્મો જ કરવાનાં એમ માની વર્તનારાં કંઈ ઓછા પડ્યા છે ! કોઈ જ પ્રકારના ફળની સ્પૃહા વગર જ અન્યની નિંદા-કુથલી કરવાનાં કર્મો કરતા રહેવાવાળા લોકોને શું કહીશું ?
ખાવી તો કટકી જ ખાવી, નહીં તો ઉપવાસ ખેંચી નાખવાના સિદ્ધાંતવાળા કેટલાક એના છેવટના ફળની પરવા કરે છે. ખારા ? તો કર્મ ન કરવામાં આશક્તિ ન રાખના બોધ અનુસાર, ભ્રષ્ટાચારનાં કર્મો કરતા નથી રહેતા?
અરે, ગુટખા-તમાકુ-શરાબ સેવનનાં કર્મો કરનારા અને મૃત્યુરૂપી ફળની લગીરેય આશા નહીં રાખનારા વિરલાઓને વંદન જ કરવા ઘટેને !
હે ઘનશ્યામ, બંસીધર, સુદર્શન, ગિરધર, શ્રી કૃષ્ણ ભગવાન તમારા પ્રબોધેલા કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન...ને આ રીતે અનુસરતા તમારા ભક્તો ઉપર સદાય પ્રસન્ન રહેશોને ?

0 comments: