ચરિત્ર
ડો. બી. ટી. ત્રિવેદી
(સાદર ઋણસ્વીકાર : ‘અખંડ આનંદ’માંથી)
મારા એક સ્વર્ગસ્થ મિત્રની વાત છે. ઘણાં વર્ષો પહેલાં જ્યારે મને મળે ત્યારે કાયમ એક સિગારેટથી બીજી સળગાવે - ચેન સ્મોકર - તેમણે એ વખતે મને કહેલ કે તેઓએ લગભગ રૂ. પચાસ હજારની સ્ટેર એકસપ્રેસ સિગારેટો પીધી હશે જેમાં એ જો સિગારેટ પીવાની બંધ કરે તો એક મોટા મહેલ જેવું મકાન બંધાઈ જાય. 1975ની સાલની આ કદાચ વાત હશે. મેં કહ્યું તમે સિગારેટો પીવાની બંધ કરો તો ચોક્કસ જેટલું જીવવાનું છે એના કરતાં પાંચ વર્ષ વધુ જીવશો. તો તેમણે કહેલ કે પાંચ વર્ષ વધુ જીવીને દુઃખી થવું એના કરતાં એટલા ઓછાં વર્ષ જીવીને આનંદથી સિગારેટો પીતાં પીતાં દુનિયા છોડવી વધુ સારું રહેશે. હું તો ચોંકી ગયેલો. પછી, ખાસ્સો સમય અમે મળેલા નહીં. પરંતુ એક દિવસ મને મળવા આવ્યા. દૂબળા પડેલ હતા. મારી સાથે એક કલાક બેઠા પણ સિગારેટ પીવાનું નામ સુધ્ધાં લીધું નહી. મેં પૂછ્યું, કેમ આજે એકેય સિગારેટ પીધી નહીં અને તે પણ એક કલાક સુધી વળી, તેમ તો રહ્યા ચેઇન સ્મોકર. તો તેમણે જવાબ આપ્યો. ‘‘હૃદયનો મોટો હુમલો આવ્યો. જાણીતા ફિઝિશ્યને કહ્યું કે સિગારેટ છોડી દો, શાંતિથી જીવવું હોય તો નહિતર ઊકલી જશો. અને મેં આજની ઘડી ને કાલનો દિ કરીને એ જ ઘડીથી સિગારેટ છોડી દીધી, અને આજે સુખી છું.’’ હવે તો તેઓ ઈશ્વરને પ્યારા પણ શાંતિથી થઈ ગયા છે. જીભ અને જડબાનાં કેન્સર પણ તમાકુ ચાવવાથી થતી એક દેન છે એ આપણે સારી રીતે જાણીએ છીએ.
તો આજે વાત કરીએ છે દક્ષિણ મુંબઈના શ્રી વિન્સેન્ટ નાઝરેથની. જેઓએ તમાકુ વિરુદ્ધ ઝુંબેશ માટે ભેખ લીધો છે. યુનિટ ટ્રાસ્ટ ઓફ ઇન્ડિયામાં સેક્રેટરી તરીકે કામ કરતા. તે વખતે 48 વર્ષની ઉંમરના આ ભાઈ ચર્ચગેટ રેલવે સ્ટેશન તરફ જતા હતા ત્યારે તેમણે ત્રણ નાની ઉંમરનાં બાળકોને સિગારેટ સળગાવતાં જોયાં, તે તરત જ તેમની પાસે ગયા. એક મોટા છોકરાને પકડ્યો અને ત્રણેયને ધમકાવ્યા. છોકરા હેબતાઈ ગયા. બાજુની દુકાનમાં ગયા. છોકરાઓએ સિગારેટ નીચે નાંખી દીધી હતી તે લઈને દુકાનદારે છોકરાને બતાવી.પછી વિન્સેન્ટભાઈ ત્રણેય છોકરાઓને નજીકના પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસ ઓફિસરે ગલ્લાંતલ્લાં કર્યાં અને ફરિયાદ લીધી નહીં. નાઝરેથભાઈએ સેલફોન ઘુમાવ્યો અને થોડી વારમાં એક છાપાની મહિલા રિપોર્ટર આવી. પોલીસે તરત જ ફરિયાદ દાખલ કરી અને દુકાનદારનો રૂ. 200/- દંડ કર્યો. કારણ કે કાયદો - ધ સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003 સગીર અગર માઇનોર બાળકોને આવા વેચાણની ના ફરમાવતો હતો. વિન્સેન્ટભાઈએ એ છોકરાઓને પૂછ્યું, ‘‘તમે સિગારેટ પીવાનું ક્યાંથી શીખ્યા ?’’ ‘‘ફિલ્મોમાંથી’’ મોટા છોકરાનો જવાબ હતો. ‘‘અમે તો ફક્ત એક્ટરોની નકલ જ કરતા હતા. બધાંનો આ જ જવાબ હતો. શ્રી નાઝરેથભાઈએ તેમને કહ્યું, ‘‘ધૂમ્રપાન ખરાબ વસ્તુ છે. તેનાથી કેન્સર થાય છે. ફરીથી કદી ધૂમ્રપાન કરશો નહીં. મને વચન આપો.’’ છોકરાઓએ તેમને વચન આપ્યું. બધા છૂટા પડ્યાં.
આ નાઝરેથભાઈએ છેલ્લાં થોડાંક વર્ષોમાં શાળાએ જતાં હજારો બાળકોને તમાકુથી થતા નુકસાનથી જાગૃત કર્યાં છે. નાઝરેથ જાણે છે તે તમાકુના દૂષણે સમાજમાં તેના પંજા સારી રીતે ફેલાવ્યા છે. અને આ દૂષણ દૂર કરવા તેમણે પોતાની પ્રાથમિક ફરજ સમજી અને નેમ લીધી. ઘણી દુકાનો અત્યારે પણ પાટીયું મારીને જણાવતી નથી કે તમાકુની બનાવટો ‘‘માઇનોર’’ છોકરાને વેચવામાં નહીં આવે. અરે ! ઘણી ઇમ્પોર્ટેડ તેમ જ દાણચોરીથી ઘુસાડેલી સિગારેટો પણ ધૂમ્રપાન આરોગ્યને નુકસાનકારક છે એવી ચેતવણી આપતી નથી, લખતી નથી. નાઝેરથભાઈને લાગે છે કે કોઈકે તો બોલવું જ પડશે. ઘણાં વર્ષો સુધી તેઓ કંઈ બોલ્યા નહીં. પરંતુ 1993માં એમના પાંચ વર્ષના દીકરા નીલને બ્રેઇન ટ્યૂમરનું નિદાન થયું અને 1994માં નીલ ગુજરી ગયો ત્યાં સુધી કેન્સર હોસ્પિટલમાં વારંવાર જવું પડતું અને કેન્સરના દર્દીઓની યાતનાઓ જોઈ ત્યારે તેમને લાગ્યું કે નીલની યાદગીરીમાં પણ કંઈક કરવું જોઈએ. આમ પાંચ વર્ષ નીકળી ગયાં. તેમણે હવે ક્યાંથી કેમ કરવું એના છેડા ભેગા કરવા માંડ્યાં.
અને 2002ની સાલમાં, 31મી મેના દિવસ જે વર્લ્ડ નો ટોબેકો દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે બાળકોના એક જૂથને તૈયાર કરીને મુંબઈની એક હોસ્પિટલમાં તેઓ લઈ ગયા અને કેન્સરના દર્દીઓ જેઓ તમાકુના બંધાણી હતા તેમની સાથે વાતો કરી. આ દર્દીઓ તેમનાં મોઢાં ખોલી શકતાં ન હતાં. કારણ કે તેમનાં જડબાં તેમજ દાંત કેન્સરગ્રસ્ત થયેલ હતાં. આ બાળકોએ કબૂલ કર્યું કે તેમના કેટલાક મિત્રો પણ ધૂમ્રપાનની આદતવાળા હતા. નાઝરેથભાઈએ કહ્યું કે જો તેઓ પણ તેમની આદતો છોડશે નહીં તો તેમની દશા પણ પેલા દર્દીઓ જેવી જ થશે.પછી તો શ્રી નાઝરેથે એક રીતસરનું તમાકુ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું જેને તેમણે ક્રુસેડ અગેન્સ્ટ ટોબેકો (કેટ-તમાકુ સામેનું ધર્મયુદ્ધ) નામ આપ્યું. નીલ ચેરીટેબલ ટ્રસ્ટની આ કામની પ્રવૃત્તિ બની ગઈ. હવે તેમણે સુધરાઈની શાળાઓમાં જવા માંડ્યું અને વિડિયો, ચોપાનિયાં, કોઈ સંગીતકાર કે કલાકારને લઈને શાળાના આચાર્યની રજા લઈને તમાકુના સેવનથી થતા ગેરફાયદા, નુકસાન વગેરે બાળકોને સમજાવવા માંડ્યા. અને છેવટે યુટીઆઈમાંથી તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ પણ પોતાની પત્ની તેમજ દીકરીની રજા લઈને, લઈ લીધી. હવે તો તેઓ એન્ટી ટોબેકો મિશનને ફૂલટાઇમ જોબ તરીકે ગણવા લાગ્યા.
2003ના તમાકુના કાયદા પ્રમાણે સિગારેટની જાહેરખબર છાપવી ગેરકાયદેસર ગણાય છે. પરંતુ, 2004માં ફિલ્મ મેગેઝીન ‘‘સ્ટારડસ્ટ’’માં આવી એક જાહેરખબર આ ભાઈની નજરે પડી. તેઓ મેગેઝીનની કોપી લઈને એફડીએ - ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (ખોરાક તેમજ ઔષધ નિયામકશ્રી)ની ઓફિસે ગયા. પરંતુ ત્યાંના અધિકારીઓએ કોઈ ફરિયાદ લીધી નહીં. નાઝરેથભાઈએ સીધી દિલ્હીની ગાડી પકડી અને કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયમાં ગયાં. ત્યાં પણ નન્નો મળ્યું. કહ્યું, આ એફડીએનું કામ છે. પાછા મુંબઈ આવ્યા. શાળાનાં 30 જેટલાં નાનાં ભૂલકાઓને લઈને ટીવી તેમ જ છાપાંવાળાને બોલાવીને એફડીએની ઓફિસે ગયા. આ લશ્કરને જોઈને એફડીએવાળાઓએ તાત્કાલિક ફરિયાદ લીધી, સ્ટારડસ્ટે માફી માંગી અને તેનો રૂ.10,000/- (દસ હજાર) દંડ પણ થયો.
આ કામ સહેલું પણ નથી. નાઝરેથભાઈને ધમકીઓ પણ મળે છે. લાંચની ઓફરો પણ આવે છે. તેમની પાછળ ગુંડાઓ પણ મોકલાય છે. એક વખત માર્કેટની ભીડમાં તેઓ જતા હતા ત્યાં તેમની પાછળ ત્રણ હથિયારધારી ગુંડા પડ્યાં હતા. તેવા વખતે તેઓ મનમાં જ પ્રાર્થના કરે છે અને કોઈ ગેબી પ્રેરણા વડે સરકી જાય છે. આમ પણ આપણાં નાઝરેથભાઈ રોજ દેવળમાં માસપ્રેયરમાં જતા જ હોય છે જે તેમને ખૂબ નૈતિક બળ પૂરું પાડે છે. 2005માં નાઝરેથભાઈએ એક પિટિશન તૈયાર કરી. એમાંસાત હજાર બાળકોની સહીઓ લીધી. ફિલ્મોમાં જે રીતે ફિલ્મ સ્ટારને સિગારેટ પીતા બતાવ્યા છે તેની વિરુદ્ધની પિટિશનમાં બાળકોએ સહી કરી હતી. તે અત્યારે સરકારમાં પડી છે. એનો જવાબ તો જ્યારે આવવો હોય ત્યારે આવે પરંતુ ત્યાં સુધી નાઝરેથભાઈ ઈશ્વરને, બાળકોને પ્રાર્થના કરવાનું કહે છે જેથી ઈશ્વર, ખુદા, ઈશુ ખ્રિસ્ત શાહરૂખ ખાનને સદબુદ્ધિ દે અને પેરણા આપે જેથી આ મહાન એક્ટર શાહરૂખ ખાન સિગારેટો પીતો મોડેલ ન બનતાં પબ્લિકનો એક એક સાચો રોલ મોડેલ બને. બાળકોની આવી પ્રાર્થના કદાચ એક દિવસ કામિયાબ નીવડે પણ ખરી. નાઝરેથભાઈને તો ઘણી વાર પ્રાર્થના ફળી છે.
બાળકો માટે નાઝરેથભાની બીજી યોજના પણ છે. બાળકોને તેમના જન્મદિવસે તેમનાં માબાપ જુદીજુદી મોંઘી ભેટો આપતાં હોય છે. તેમણે બાળકોને કહ્યું છે, ‘‘તમારા જન્મદિને તમે કોઈ ગિફટ માંગો નહીં. પરંતુ તમારાં માબાપ તમાકુને સેવન કરતાં હોય તો તે બંધ કરવાનું કહો. આ જ તો અમને આપેલી સરસ ભેટ છે એમ કહો.’’ નાઝરેથભાઈ કહે છે,’’ તંદુરસ્ત માબાપ એ જ તો બાળકો માટે મોટામાં મોટી શું ભેટ નથી ? અને આ જ તો સત્ય છે.’’
તાજેતરમાં જ શ્રી નાઝરેથને તમાકુ વિરદ્ધની ઝુંબેશ માટે મહત્તમ યોગદાન આપવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી એક પ્રશસ્તી-પ્રમાણપત્ર મળ્યું છે એટલે હવે નાઝરેથભાઈ ડબલ્યુએચઓમાં પણ જાણીતા છે. એ હકીકત છે. પરંતુ તેઓ તો કહે છે, ‘‘હું તો એક સીધોસાદો માણસ છું. હું જે કંઈ કરું છું તે તો સપાટી ઉપર એક ચૂંટણી ભરવા જેવું જ છે. ધીમે પણ ચોક્કસ ભારતનાં બાળકોને તમાકુ વિરુદ્ધના જંગમાં એક સેના તરીકે જોતરી શકાય છે. હું ધારું છું કે તે શક્ય છે. મને મારા નીલનો ટેકો છે. ધન્ય છે તમને, વિન્સેન્ટ નાઝરેથભાઈ ! લાખ લાખ સલામ !
0 comments:
Post a Comment