- મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
(સાદર ઋણસ્વીકાર : ‘મુંબઈ સમાચાર’માંથી)
જીવનને જો વાટિકા સમજીએ તો એની વસંત બાળકના સ્મિત સિવાય બીજી કઈ હોઈ શકે ! આપણું વિદ્યમાન હોવું તે જો વસંત છે, તો પ્રાણ એ વસંતપંચમી છે. ભૂલકણો ઉલ્લાસ જ્યારે પોતાને જ વસંતુનું પાકું સરનામું પૂછે છે, ત્યારે એનો અંતરાત્મા પોતાના તરફ જ આંગળી ચીંધે છે.
બગીચાના દસ્તાવેજ પર આ બધાં ફૂલ તે વસંતની સહી છે અને પાંદડા સહી નીચેની તારીખો છે. જો કે – વસંત તો આ વાતનો મહેકતો ઇનકાર કરે છે અને કહે છે કે – ના રે, આ ફૂલ એ તો પાંદડાંની સભામાં સર્વાનુમતે પસાર થયેલો ઠરાવો છે !
આમ તો આ ફૂલ શરૂઆતમાં કંઈ સુગંધી નહોતાં. આ તો હવાએ ફૂલને વસંતેનું ચિત્ર દોરવા કહ્યું હશે અને એમણે હવાની ઇચ્છાની પૂર્તિ કરી, કાળના કાગળ પર વસંત ચીતરી. આપણે એને સુંગધનું નામ આપી બેઠા છીએ.
લૈલા – મજનુએ, સોહિની – મહિવાલે, શિરીન – ફરહાદે કે શેણી-વિજાણંદે શું પરસ્પર પ્રેમ જ ક્યો હતો ? ના, તેઓ તો વસંત- વસંત રમ્યાં હતાં !
અને બિચારી પેલી પાનખર ? શું પાંદડાંઓનું ખરવું તે જ પાનખર ? ના, પાનખર એ તો ઋતુએ મોસમની કરેલી નિષ્ફળ અદેખાઈ છે.
કોઈ એક સત્કાર – સમારોહમાં ઉપસ્થિત વી.વી.આઈ.પી. મહાનુભાવોનું એટલા બધા ફૂલહારોથી સ્વાગત કરાયું કે એક સગીર વાટિકા વેડાઈ ગઈ ! તેમ છતાં પણ એ વાટિકા ચૂપચાપ ફૂલોની ગેરહાજરી સાંખી રહી હતી. પણ, અચાનક એ છાતીફાટ રોઈ પડી, જ્યારે પેલી સભાના અધ્યક્ષે પોતાના મોંઘાદાટ વકતવ્ય દરમિયાન કહ્યું કે, “હવે આપણા વિકાસમાં વસંતનાં પરાગણ થશે !”
સુસજ્જ દીવાનખંડમાંની પેલી સરભ ફૂલદાનીને તમે ફૂલદાની કહો છો ? તમારી ગેરસમજણ છે. આ ફૂલદાની એ તો વસંતને આવેલો હાર્ટ-એટેક છે ! બાપડા આપણે વધુમાં ત્રણ હાર્ટ-એટેકમાં ખતમ ! પણ, આ વસંતને કંઈ હૃદય નથી હોતું. વસંત તો હાર્દિકતા છે !
વસંત એ તો વિભુની વાહિતી છે. કેમકે, એનો જન્મદિન પાંચમની તિથિએ આવે છે અને પંચ ત્યાં તો પરમેશ્વર ! અને આવી પમરાટની પરમેશ્વરા વસંતને જે ભજે છે, એની તાજગીને સાંપડે છે તથાસ્તુંનું વરદાન !
સારાં કાર્યો માટે વસંતપંચમી એક મુહૂર્ત છે. આ વાત સાંભળીને અડવી ડાળીનો મુક્કો ઉગામતી પાનખર ! સાંભળ તારે આપઘાત કરવો હોય તોયે આ વસંતપંચમી જેવું મુહર્ત બીજું કોઈ નથી હોં !
સુગંધ શું છે ?
સુગંધ તો એક સંસ્થા છે અને વસંતપંચમી આ સંસ્થાનો વાર્ષિકોત્સવ છે.
હું વસંતનો આશિક છું. મારું ચાલે તો હું વસંત સાથે વિવાહ કરું ! અમારું સહજીવન હોય, કલ્પદ્રુમ અને કલ્પલતા નામનાં બે સંતાન હોય... દિલચશ્પ દામ્પત્ય હોય... આવા સૌરભવંતાં સ્વપ્ન સેવ્યાં... પણ, વસંત ક્યાં ? એને શોધવી ક્યાં ? વસંતને શોધવા માટે હું ભમ્યો બગીચામાં... પણ ત્યાં તો કાંટા પણ હતા. હું રઝળ્યો જંગલોમાં... પણ ત્યાં તો શિકારીઓ પણ હતા. હું ભટક્યો મંદિરો-મસ્જિદોમાં... પણ ત્યાં તો માણસો હતા ! તો ક્યાં શોધવી મારી પ્રિયા વસંતને ?
મેં ટહુકાઓની ટેલિફોન ડિરેકટરીમાં વસંતના ફોન-નંબર શોધી જોયા... અસ્તિત્વની ઇન્કવાયરીમાં પૂછી જોયા... ભાગ્યના ભોમિયાને વસંતના સગડ આપવા કાલાવાલા કર્યા...
પણ રે ! ક્યાંય ન મળ્યું વસંતનું પગેરું !
છેવટે સાવ એકાંતમાં મેં મને પૂછી જોયું – “યાર ! મને આપને વસંતનો અતોપતો !”
મેં મને કહ્યું – “અરે ગાંડા ! એમાં શું મોટી વાત છે ! એક પ્રેમપત્ર લખી કાઢ અને કર ટપાલમાં રવાના વસંતના સરનામે.”
... અને મેં તો કામણની કલમમાં પૂરી સંવેદનાની શાહી અને ઝંખનાના સોનેરી કાગળ પર લખી કાઢયો એક પારજાંબલી પ્રેમપત્ર. , સ્નેહાંગિની વસંતને સંબોધીને બનાવ્યું આસોપાલવનું પરબીડિયું. ‘પ્રતિ’ કરીને મોટા અક્ષરે આલેખ્યું ‘વસંત’... અને ‘પ્રેષડ’માં લખ્યું ‘પ્રાણ’... અને હર્ષના આંસુ ટપકાવીને ચોંટાડ્યું પરબીડિયું... અને લગાડી ટિકિટ ચૂંબનની !
કચ્છી ખારેક જેવી રાતા રંગની ટપાલપેટીમાં જે ક્ષણે મેં આ પરબીડિયું પોસ્ટ કર્યું, એ ક્ષણથી વસંતના જવાબની રાહ જોવી શરૂ કરી !
પ્રત્યેક કલાક હવે મને સમયનાં બગાસા જેવડો મોટો જણાતો હતો. અને દિવસ તો બાપ રે ! સમયનું અટ્ટહાસ્ય ! રોજ પોસ્ટઓફિસે જાઉં અને છે કોઈ મારો પત્ર ?- એ પ્રશ્નનાં ઉત્તરમાં જ્યારે ઇનકાર મળતો હતો, ત્યારે ટપાલીને મારી ઓળખાણ આપવાની ઇચ્છા ફૂંફાડતી હતી- “હું કોણ છું ? જાણે છે ? અલી કોચમેન ડોસાનો જમાઈ છું... ધૂમકેતું જો વધુ જીવ્યા હોત, તો હું એમનો માનસપુત્ર હોત.”
છેક ચોથા દિવસે ટપાલી એક પરબીડિયું ફેંકતો ગયો... દિવસોનો ભૂખ્યો ભિખારી પકવાન પર તરાપ મારે એમ મેં પરબીડિયું હાથમાં લીધું... પણ, હું ચોંક્યો ! વસંતને લખેલું પેલું પરબીડિયું “સરનામું અધૂરું છે.” એવી નોંધ સાથે પાછુ આવ્યું હતું !... પણ, સરનામું તો પરુ હતું. વસંતનાં તે કંઈ ઠામ છેકાણા લખવાં પડે ! મતલબ કે, પત્ર તો બરાબર પહોંચવો જ જોઈએ. અને આંખો ચમકી... પત્ર વસંતના સરનામે પહોંચ્યો જ છે. તો તો હું જ વસંત ! મારી ભીતર જ વસંત વસે છે... હું રાજીપાથી ઉછળ્યો વસંત મારામાં સમાઈ ગઈ છે, જેમ મીરાં કૃષ્ણા સમાઈ ગયાં !
આમ વસંત પરત્વેનું ખેંચાણ શીખવી ગયું છે કે, વસંતનું વતન તો આપણી ભીતર છે.... એ જ કૃષ્ણ છે... ઋતુનામ કુસુમાકર.
લહેરખીઓ જો પનિહારીઓ છે, તો વસંત પનઘટ છે. પ્રતેયક ફૂલ વસંતનું વિઝિટીંગ-કાર્ડ છે... તેમ ફૂલને વાંચી શકો, તો વસંતનું સરનામું મળી જાય. બાકી ફૂલોથી ઘરને, ફલાવરવાઝને કે ફૂલહારને સમજાવવાથી જાવનમાં વસંત આવતી નથી.
“ ફૂલને ન ચૂંટવાનો કાયદો થશે,
તો જ ખુશ્બુની તબિયતમાં કાયદો થશે.”
ફૂલોનું ફોરવું, એ તો વસંત પ્રત્યે દાખવવામાં આવતી આમન્યા છે. હાં, ફૂલો જબરાં શિસ્તવાન છે. પાંદડાને તેઓ વડીલ માને છે. તેથી જ મર્યાદા જાળવતાં ફૂલો કદાચ કદીયે લીલો રંગ પોતે ધારણ કરતાં નથી... પોતે ભલે અઢળક રંગો-સજાવે, પણ લીલપ પર તો પર્ણોનો જ અબાધિત અધિકાર હોવાનું તેઓ સમજે છે ! ધન્ય હો !
વસંત યાત્રિકા છે, તુરુવને તીર્થધામ સમજતી વસંત સ્વયમ, એક યાત્રા છે, યાત્રાધામ છે ! વસંત સ્વયમ પ્રાર્થના છે અને તથાસ્તુ પણ છે...
વસંતને માત્ર બાગની, હવાની કે સમયની નિવાસિની ન સમજીએ... વસંતને વસવું છે આપણાં શ્વાસોમાં, આપણાં આશયમાં, આપણા જીવતરમાં...
પાનખરે ઠેરઠેર પડાવ નાખીને ધામા નાખ્યા છે. અંગ્રેજોએ ભારતમાં આવીને સુરતમાં કોઠી નાખી હતી, ત્યારે આપણને ખબર ક્યાં હતી કે, વ્યાપારના બહાને પ્રવેશેલા એ પ્રપંચીઓ આપણી મહાન રાષ્ટ્રગાથા પર કંલક બનશે !
વસંત એટલે વિશ્વસનીયતા...
વસંત એટલે સૌનું સહિયારું ઠામ-ઠેકાણું !
વસંત-એટલે વિકાસ તરફ ચીંધાતી આંગળી !
વસંત એટલે આપ નહીં, તમે નહીં, પણ તું !
પ્રત્યેક પળને વસંતપંચમીમાં વટલાવવાનું વાસંતી વલણ એટલે માણસાઈ...
ઉત્કૃર્ષને નોતરું આપવાની સમય દ્વારા અપાતી સલાહ તે વસંત... આવો, સંગાથે આવકારીએ આપણા પોતાપણાને !
આવ હે આત્મીયતા ! હે વસંત ! કવિ રમેશ પારેખે લખ્યું છે – વસંત ઇશ્વરના ગુના માફ કરવાની ઋતુ છે.
વૃક્ષ એક એવું કેલેન્ડર છે, જેનું પ્રત્યેક પાંદડું ઉત્સવનું પાનું છે. હા, તરુવરના તારીખિયાના દરેક પર્ણ પરની નસો વસંતપંચમી શબ્દની લિપિ છે.
ફૂલદાનીમાં તો ફૂલના મૃતદેહો હોય છે. ફૂલદાની એટલે ફૂલોની શબવાહિની ! એને ઘરની શોભા માનવી તે કેટલે અંશે શોભાસ્પદ ગણાય ? છતાંય મનાતી રહે છે.
ચૂંટાતાં ફૂલોની મરણચીસ ન સાંભળી શકતા આપણે બહેરા છીએ ! ફૂલોની અવગણના કરીને આપણે ગ્રીટિંગ કાર્ડસ પર પુષ્પગુચ્છનાં રંગદાર ચિત્રો પરસ્પરને પાઠવીએ છીએ ! - એનું પરિણામ એ કે ન ફળે એવી વંધ્યા શુભેચછાઓના કારખાના બની ગયા આપણે !
“ફૂલોને અવગણ્યાં તો ફૂલહાર ગુમાવ્યો ;
ફોરમને અવગણી તો ગુલઝાર ગુમાવ્યો !
આંગળીઓથી દૂર રહેતા અંગૂઠાએ-
વીંટી પહેરવાનો અધિકાર ગુમાવ્યો !”
વસંત તો સૃષ્ટિની સંસ્કૃતિ છે.
પાનખરની પણ એક છટા છે, વૃક્ષો પોતો જ પાંદડાં ખેરવે છે. તેથી ફરી નવાં પાંદડા આવે છે... સૃષ્ટિની એક અદા છે આ પાનખર ! પાનખર આવે છે, પણ ‘ફૂલખર’ નથી હોતી, કેમકે ફૂલોને માણસ ચૂંટી લે છે ! કુદરતી રીતે ખરવાનો મહેકતો મોકો ફૂલો પાસેથી આપણે ખૂંચવી લીધો છે !
“ એમ ના કર કે નખો નહોર બને ;
એમ કર કે હોવું ગુલમહોર બને !”
હે વસંત ! શા માટે તું દાખવી રહી છે તારું માત્ર સૌમ્ય રૂપ ? બતાવ તારું રૌદ્રરૂપ !... અને હણી નાખ અમારામાં પાંગરતી પાનખરને ! રુંવાંડે-રુવાંડે લવકતા રાવણનો વધ કરવા આવ હે વસંત ! આવ રામની અવેજીમાં ! જનકલ્યાણની જ્યોત અરાજકતાંની આંધીમાં ડોલે છે, અંધરારનો અળખામણો રાજ્યાભિષેક થવા પર છે. વસંત ! કેવળ કલિકાનું નહીં, કાલિકાનું રૂપ ધરીને પણ આવ ! વસંત ! અમને તું સુંગધ આપે છે... આભાર ! સ્નિગ્ધતા આપે છે... ધન્યવાદ ! લીલપ આપે છે, વાહ ! ફળ-ફૂલ આપે છે, સરસ ! પણ હે વસંતદેવી ! અમને ફળ નહીં, ફળશ્રુતિ પણ જોઈએ છે, અને એ માટે અમને સદબુદ્ધિ આપ !
0 comments:
Post a Comment