(સાદર ઋણસ્વીકાર : ‘માતૃમહિમા’માંથી)
અમદાવાદમાં રહેતા એક ઉચ્ચા વર્ગના સંસ્કારી પરિવારમાં એક પછી એક એમ કરતાં બે દીકરીઓનો જન્મ થયો. બંને દીકરીઓને મા-બાપે પ્રેમથી, વહાલથી, લાડથી આવકારી પણ ખોળાના ખૂંદનારની ખોટ પૂરી ન થતાં એમણે માનતાઓ માનવી શરૂ કરી. કોઈ કહે ઉપવાસ કરો, ફલાણા મંદિરે જાઓ, ફલાણા જ્યોતિષ પાસે જાઓ.
હજાર મોં, હજાર વાતો અને હજાર આશાઓ સાથે માએ તો શહેર આખું ખૂંદી નાંખ્યું.
અને છેવટે એમણે બાધા લીધી. ગિરનારના અંબાજીએ મોંમાં ચંપલ નાખીને ચાલતા જવાની. થોડાક જ દિવસમાં એ પ્રમાણે ચાલી નકળ્યાં. અંબાજી જઈ એમણે બાધા છોડી. માતાજીને લાખ વિનવણી કરી કે, ‘માતાજી ! મને ખોળાનો ખૂંદનાર દે.’ અને જાણે ચમત્કાર થયો એમ થોડાક જ મહિનામાં ત્રીજી પ્રસૂતિએ એ માની કૂખે દીકરો જન્મ્યો. ઘરમાં તો ખુશીનો કોઈ પાર રહ્યો નહિ. આ ખુશીમાં બે વર્ષ પછી ઓર વધારો થયો. બીજો દીકરો અવતર્યો. બે દીકરી અને બે દીકરા. નાનકડો પરિવાર કિલ્લોલ કરવા માંડ્યો.
દીકરા-દીકરીઓ મોટાં થતાં સૌ પહેલાં બે દીકરીઓનાં લગ્ન લેવાયાં. એક દીકરીને મુંબઈ પરણાવી. બીજીને ભાવનગર. બંને દીકરીઓને સાસરે વળાવતાં મા-બાપની આંખોમાંથી અનરાધાર આંસુ વહ્યાં. બંને દીકરીઓ એમની લાડકી હતી એમાંય નાની દીકરી તો સૌથી વધુ લાડકી.
દીકરીઓનાં લગ્ન બાદ દીકરાઓનાં લગ્ન અંગે વિચારણા શરૂ થઈ, પણ દીકરાઓ કહે હમણાં નહિ. નોકરી મળી જાય પછી વાત. થોડા સમયમાં એક દીકરાને નોકરી મળી. પણ એણે તો નોકરી મળતાં જ પોતાનાથી ઉંમરમાં મોટી એવી એક આદિવાસી કન્યા સાથે લગ્ન કરી લીધાં. કુટુંબથી અલગ થઈ રહ્યો. બીજો દીકરો-એને એક વીમા કંપનીમાં મોટા ઓફિસરની નોકરી મળી. એણે પણ લગ્ન કર્યાં. લગ્ન તો પોતાના સમાજમાં જ કર્યાં પરતું ઘરમાં નોકર-ચાકર એશ-આરામને કારણે વહુરાણીને ઘરડાં મા-બાપ સાથે જ રહે તે ખૂંચવા લાગ્યું. ખુરું જ કહ્યું છે કે :
પુત્ર આવી લાડી રે, પછી માબાપને મૂક્યાં કાઢી રે,
પુત્રને આવી મૂછ્યું રે, પછી માબાપને નવ પૂછ્યું રે.
વહુનો કંકાસ વધવા લાગ્યો. દીકરો કશું જ ન કહેતો હોવાથી વહુ તો વહુરાણી બની. કોઈએ પુત્રવધૂની વ્યાખ્યા કરતાં કટાક્ષમાં કહ્યું છે કે પુત્રથી વધે તે પુત્રવધૂ. ઘરડાં મા-બાપને દુ:ખ દેવા લાગી. મા-બાપનું આ દુ:ખ બહેનોથી જોયું ન ગયું. એક દિવસ મોટી દીકરી આવીને મા-બાપને પોતાને ત્યાં મુંબઈ લઈ ગઈ.
ત્યાં નાની દીકરીને ખબર પડી તો એ ઊપડી મુંબઈ. મા-બાપ પ્રત્યે ભાભીના દુ:ખની દર્દભરી કહાની સાંભળી એ તો છંછેડાઈ અને ભાઈ-ભાભીની ખબર લઈ નાખવાનો નિર્ણય કર્યો. પણ મોટી બહેને એમ કરવાની ના પાડી. છેવટે વારાફરતી બંને મા-બાપને મુંબઈ અને ભાવનગર રાખવા લાગી.
મુંબઈ-ભાવનગરની આ લાંબી યાત્રા દરમિયાન એક વાર માની તબિયત લથડી. ઉપચારો કરતાં આરામ થયો. એટલે માએ સૌથી નાની લાડકી દીકરીનું રટણ શરૂ કર્યું. એને જોવાની હઠ પકડી. મોટી દીકરી-જમાઈએ હઠનો સ્વીકાર કર્યો.
માની તબિયત એટલી સારી ન હોવાથી, દીકરી-જમાઈએ ભાવનગર જવા ભાડાની ટેક્સી કરી. ટેક્સીમાં દીકરી-જમાઈ અને સાસુ છેલ્લી વાતો કરી રહ્યાં હતાં. નાની દીકરીનું ખૂબ રટણ કર્યું અને વલસાડ આવતાં ગળે ડૂમો ભરાયો ને માના પ્રાણ નીકળી ગયા. મોટી દીકરી અને જમાઈ પર તો જાણે આભ તૂટી પડ્યું. એમણે કોણ આશ્વાસન આપે ? દીકરી-જમાઈએ હિંમત કરી ભાવનગરના બદલે અમદાવાદ જવાનો નિર્ણય કર્યો. ટેક્સી અમદાવાદ તરફ વળી. બહેનના મનમાં એમ કે ભાઈ મોટો ઓફિસર છે. એ આવે ટાણે જરૂર સહાય કરશે. ભાભી ભલે ગમે તેવાં રહ્યાં પણ એય આવા પ્રસંગે તો પડખે રહેશે જ. અને અગ્નિ સંસ્કાર તો દીકરાના હાથે જ થાય ને ? પણ હાય રે નસીબ –
બહેન માનો મૃતદેહ લઈ ભાઈના ઘરે પહોંચી તો ભાઈ-ભાભીએ કહ્યું, ના-ના આ મૃતદેહ અમારા ઘરમાં ન રાખો. અમારા ઘરમાં અશાંતિ ઊભી થાય છે. બહેન ખૂબ કરગરી. ‘ભાઈ ! આ તો આપણી જનેતા છે. જેના પેટે તું અવતર્યો છે એના મૃતદેહથી તારા ઘરમાં અશાંતિ કેવી રીતે થાય ? એ તો શાંતિ અને દયાની દેવી હતી.’ પરંતુ ભાઈ-ભાભીએ મૃતદેહ ઘરમાં રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી. બહેન તો મુંઝાઈ. રાત્રિના સાડાદશ વાગી ચૂક્યા હતા. એ પિતા કે બહેનને કેવી રીતે સમાચાર પહોંચાડી શકે ?
આખરે ટેક્સીવાળાએ ફાયર બ્રિગેડમાં ફોન કરી શબવાહિની મંગાવી અને વિદ્યુત્ સ્મશામ ગૃહમાં મૃતદેહ લઈ દીકરી-જમાઈ સમશાનગૃહે પહોંચ્યાં. એમને એમ કે ભાઈ તો માના અગ્નિસંસ્કાર કરવા તો આવશે જ ને ? ભાઈ આવ્યો અડધા કલાક પછી. એણે અગ્નિસંસ્કાર પહેલાંની કોઈ વિધિ કરી જ નહિ. સ્મશાનગૃહમાં જરૂરી વિગતો લખાવી 25 રૂ. આપી ચાલતો થયો. એણે ન તો માનાં અંતિમ દર્શન કર્યાં કે ન અંતિમ વિધિ. ઘરે આવીને એણે બીજે દિવસે નજીકનાં સગાંઓને માના મૃત્યુના સમાચાર આપ્યા અને કહ્યું કે અમે ક્રિયાકાંડ બંધ રાખ્યાં છે. બેસણું કે અન્ય કોઈ વિધિ અમે રાખી નથી.
મુંબઈથી આવેલી બહેન ને એના વરને ઘર સુધી આવવાનો પણ ભાઈએ વિવેક ન કર્યો. બહેન મુંબઈ પહોંચી. એણે ત્યાં જઈ માના બેસણાથી માંડીને અંતિમ ક્રિયાકાંડ કર્યું, પેલી નાનકડી ભાવનગરવાળી બહેનને આ સમાચાર મળ્યા ત્યારે એ મૂરચ્છા પામી ગઈ અને કેટલાય દિવસો સુધી પાગલની જેમ ફરતી રહી. છેવટે થાકી અને મુંબઈથી પિતાને ભાવનગર લઈ આવી. પિતા હવે જિંદગીના છેલ્લા દિવસો વિતાવી રહ્યા છે. પિતા આજે પણ કહે છે કે ભગવાને મને દીકરા કરતાં ચારેય દીકરી કેમ ન આપી ? આવા તો કેટલાય કિસ્સા આ સમાજમાં બનતા હશ ? ભગવાન બચાવે.
0 comments:
Post a Comment