(સાદર ઋણસ્વીકાર : ‘પ્રભુની પાસે’માંથી)
- ફાધર વાલેસ
ધ્યાન-શિબિરનો પહેલો દિવસ હતો. ઊત્સાહી ભક્તો ભેગા થયા હતા. કેટલાક દૂરથી આવ્યા હતા, જુદા જુદા પ્રાંતમાંથી આવ્યા હતા. હજી ઘણાને મુસાફરીનો થાક હતો, હજી નવાં સ્થળ ને સંજોગોથી તેઓ પરિચિત થયા નહોતા. પણ હમણાં એ જ રીતે બધા મૌન ઘારણ કરવાના હતા એટલે પહેલી વાત મેં એમને એ કરી અને પહેલો આગ્રહ આ રાખ્યો : શિબિર શરૂ થઈ ચૂકી છે. આપણી સાધના અત્યારથી જ શરૂ થઈ, આપણો પ્રયત્ન અત્યારથી ચાલુ છે. હવે કશાની રાહ જોવાની નથી, કોઈ પણ વિલંબ કરવાનો નથી. ધર્મના કાર્યમાં ઢીલ નહિ પાલવે. ભગવાનની સેવામાં મોડું કરવું ન શોભે. કેટલાકને તો મુસાફરીનો થાક હશે. પણ હવે થાક ઉતારવા ન બેસીએ. એકબે દિવસ આરામ કરીએ, મોડે સુધી ઊંઘીએ, તાજા થઈ જઈએ અને પછી ધીરે ધીરે સાધનામાં જઈશું - એવું તો ન કહીએ. આ મહિનો ભગવાનના કાર્ય માટે આપણે ફાળવી આપ્યો છે, તો એ પૂરેપૂરો ભગવાનને સોંપીએ. એમાંથી એક-બે દિવસની ચોરી આપણે ન કરીએ મહિનો શરૂ થયો એટલે આ જ સાચું મુહૂર્ત અને આ જ શુભ ઘડી ગણાય. માટે પૂરા દિલથી આપણે સૌ આ પુણ્ય કાર્યમાં અત્યારથી ઝંપલાવીએ.
મનમાં રસ જાગે એની રાહ તો ન જોઈએ. અનુકૂળ મનોભાવ સર્જાય એની રાહ પણ ન જોઈએ. મનોભાવ આવશે અને રસ પડશે અને ભક્તિ જાગશે અને વાતાવરણ સર્જાશે. બધું થશે. પણ એ થાય એની રાહ આપણે ન જોઈએ. રસ હોય તો રસ સાથે, અને રસ ન હોય તો રસ વિના-પણ આજની સાધના આજથી શરૂ. સ્ફૂર્તિ હોય તો ભક્તિ સાથે, અને થાક હોય તો થાક સાથે; ભક્તિ હોય તો ભક્તિ સાથે, અને મંદી હોય તો મંદી સાથે-પણ આજથી કામ શરૂ અને ધ્યાન શરૂ અને ઉપવાસ શરૂ અને સાધના શરૂ. રાહ જોવો બેસીએ તો કંઈ ન વળે. આરામ કરવા માંડીએ તો મહિનો નીકળી જાય. ગાડી ઊપડવાની છે, તો તરત ચડી જઈએ. પૂરી તૈયારી છે કે કેમ એ તપાસવા બેસીશું તો ગાડી ચૂકી જઈશું.
આપણી પાસે આ પુણ્ય કામ માટે એક પૂરો મહિનો છે એ એક મોટું વરદાન છે - અને મોટું જોખમ પણ છે. જોખમ એટલા માટે કે મહિનો જોઈને મનને સહજ લાગે કે આપણી પાસે ઘણો સમય છે એટલે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. ધીરે ધીરે કામ થાય. આરામથી આગળ જવાય. પછી જે થવાનું હશે તે એનો સમય પાકશે ત્યારે થશે. ભગવાન દર્શન દેશે તો એના સમયે દેશે, અને સાક્ષાત્કાર કરાવશે તો એના સમયે કરાવશે. ઘણા દિવસો છે માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધીરેથી ચાલીશું તોય પહોંચી જઈશું.
એ મોટું જોખમ છે, અને એથી શિબિરનું આખું કામ બગડી શકે એમ છે. સમય ટૂંકો લાંબો છે એનો સવાલ નથી, પણ સમય ભગવાનનો છે એનો સવાલ છે. આ મહિનો આપણે બીજાં બધાં કામ અને જવાબદારીઓ બંધ કરીને ફક્ત ધર્મની સાધના કરવાનો સંકલ્પ કર્યો છે, માટે એ મહિનો હવે ભગવાનનો છે, અને ભગવાનનો છે એટલા માટે હવે એના એક-એક દિવસનો ઉપયોગ (પહેલા દિવસનો ઉપયોગ પણ) ભગવાનની સેવામાં જ કરવાનો છે. મોડું નહિ ને અધૂરું નહિં ને ધીમું નહિ. પહેલા દિવસથી ઉત્સાહથી કામે લાગશે એનો મહિનો સફળ થશે; અને પહેલા દિવસે જે આળશ કરશે તે બીજે દિવસે પણ કરશે અને ત્રીજે પણ કરશે, અને એનો મહિનો નકામો જશે, અને આટલા સમયનો ભોગ આપ્યા છતાં આ વિરલ તક ગુમાવ્યાનો અફસોસ રહેશે. કોઈ ને આળસ લાગતી હોય તો મારી સલાહ છે કે આજે ઉપવાસ કરે અને એથી સાધનામાં લાગી જાય. કોઈનું મન શુષ્ક ને રિફત હોય તો મારી સલાહ છે કે આજે જ રાતે જાગરણ કરીને ધ્યાનમાં બેસે અને એથી જોર સાથે ધર્મનું કાર્ય આરંભે. રાહ જોવાની નહિ. મોડું કરવાનું નહિ.
પછી મેં એમને વાત કહીઃ ગાંધીજી અને મહાદેવ ભાઈની મહાદેવભાઈ ગાંધીજી તરફ આકર્ષાયા ત્યારે એમની પાસે રહીને એમનું કામ કરવાની તૈયારી બતાવી. કોઈ ઓળખાણ નહોતી ને સંબંધ નહોતો, પણ દસ મિનિટની વાતચીતમાં ગાંધીજીએ મહાદેવભાઈનું પારખું કર્યું અને કહ્યું, “તમે મારા અંગત મંત્રી બની શકો છો.” મહાદેવભાઈએ પૂછ્યું, “હું ક્યારે કામ શરૂ કરવા આવ્યું?” ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યોઃ તમે આવી ચૂક્યા છો. બસ, તમારું કામ અત્યારથી શરૂ થાય છે.” મહાદેવભાઈને ઘેર જઈને ખબર આપવી હતી અને થોડો સામાન બાંધવો હતો; પણ ખબર પત્રથી આપી શકાય, અને સામાન પાછળથી મંગાવી શકાય. મુખ્ય વાત નિષ્ઠાની હતી, સમર્પણની હતી. સેવા આપે તે અત્યારથી આપે, મંત્રી બને તે અત્યારથી બને. એમાં કસોટી છે ને એમાં મહત્વ છે. તક જેવી તક અને નિર્ણય જેવો નિર્ણય. આપવાનું છે તે અત્યારથી આપો, અને કામ કરવાનું છે તે અત્યારથી કરો. પહેલે દિવસે ન કર્યું તો બીજે દિવસે કરાશે એનો શો વિશ્વાસ! ઊપડવાનું મુહૂર્ત ચૂક્યા તો પછી વચ્ચેથી ઊપડી જવાશે એ વાત કોણ માને! ગાંધીજીની કસોટી સાચી હતી. અને મહાદેવભાઈનું ઝવેર પણ સાચું હતું. એ ત્યાં ને ત્યાં ગાંધીજીની પાસે બેઠા, અને કાયમને માટે એમની સાથે રહ્યા.
એ ગાંધીજીનું તેડું હતું. હવે આ ભગવાનનું તેડું છે. એ પણ હવે આપણને કહી રહ્યા છેઃ “આવો. એટલે કે આવી ચૂક્યા છો, તો અત્યારથી કામે લાગો. આજથી. આ ઘડીથી. પાછળથી નહિ ને વચ્ચેથી નહિ. તમારી નિષ્ઠા છે તે બતાવો, ઈંતેજારી છે તે સિદ્ધ કરો.” એ ભગવાનનું આમંત્રણ છે. પડકાર છે. અને એ એની કૃપા છે. આશીર્વાદ છે. એ બોલાવે તે શું ઓછું સદભાગ્ય કહેવાય? એ એના સાંનિધ્યમાં એક આખો મહિનો રહેવાની તક આપે એથી મોટી ધન્યતા હોઈ શકે? તો એની કદર કરીએ, એને ખોટું ન લગાડીએ.
ને હજી મેં બીજી એક વાત કહી : આપણે અહીંયાં સાધના કરવા આવ્યા છીએ તે આપણી મેળે આવ્યા નથી - ભગવાનના બોલાવેલા આવ્યા છીએ. કોઈ એમ ન માને કે, મેં શિબિરની જાહેરાત જોઈ એટલે અધ્યાત્મિક સાધના કરવાનો સંકલ્પ થયો, પછી મેં નિર્ણય લીધો. મહિનો ફાળવ્યો, તૈયારી કરી અને મારા બળે અહીં ઉપસ્થિત થયો. ના. પ્રેરણા ભગવાનની હતી. અને પ્રેરણાનો અમલ કરવાની શક્તિ પણ ભગવાનની હતી. અને પ્રેરણાનો અમલ કરવાની શક્તિ પણ ભગવાનની હતી. એમણે જ જાહેરાત વંચાવી અને સંકલ્પ જગાડ્યો અને અહીં સુધી પહોંચાડ્યા. એમની યોજના છે, આપણી નહિ. એમનું આમંત્રણ છે, આપણો તો સ્વીકાર જ છે. એ બોલાવે અને આપણે આવીએ, એ જગાડે અને અને આપણે જાગીએ. આપણે અનુસરવાનું છે, જવાબ આપવાનો છે, સહકાર જ આપવાનો છે. પણ પહેલી વાત એની, પહેલી ચાલ એની, પહેલી ગતિ એની.
અને એમાં ભારે આશ્વાસન છે. યોજના ભગવાનની છે એટલે તે સફળ બનાવશે ને! જો શિબિરની સફળતાનો આધાર આપણા ઉપર હોત તો ભારે ચિંતા રહેત. આપણો શો ભરોસો? શરૂ કરીએ અને છોડી દઈએ, આરંભે શૂરા પણ અંતે ઢીલા, આદર્શ મોટો પણ વ્યવહાર પાંગળો. પણ હવે શિબિર ભગવાનની જ છે. એની યોજના છે અને એની જવાબદારી છે. એ જોઈ લેશે. એ પાર પાડશે. એ સિદ્ધ કરશે. એમના ખેંચાયેલા આપણે સૌ અહીં આવ્યા છીએ, તો એમને ખેંચવા દઈશું, કરવા દઈશું, કરાવવા દઈશું, શિબિર સલામત છે અને આપણે સલામત છીએ કારણ કે શિબિર ભગવાનનું કામ છે અને આપણે ભગવાનના હાથમાં છીએ.
એવી વાતો થઈ. અને સામેથી એ સાધકોનો ઉત્સાહ હતો એટલે એ વાતની ધારી અસર થઈ. સૌ તે જ ક્ષણથી કામે લાગ્યા. સૌ શિબિરને ભગવાનનું કામ સમજીને એના કુપાપાશમાં આવવા તૈયાર થયા. સૌની સરખી ઇંતેજારી હતી. પણ એક અપવાદ હતો. એક જણ શિબિરમાં આવ્યો હતો તે કંઈક જુદા ખ્યાલથી આવ્યો હતો. એને સાધના કરવાની ખાસ ઇચ્છા ન હતી, પણ ખાલી થોડા દિવસ શાંત એકાંતમાં, સૌમ્ય વાતાવરણમાં રહીને માનસિક આરામ કરવો હતો. એને આ બધી વાતો ન રુચી. એ અકળાયો. સાધના અને ધ્યાન અને તપ અને ઉપવાસ એના મનમાં નહોતા. શિબિર ભગવાનનું કામ છે એ વાત એના મગજમાં ન આવી. ઊલટો, પોતાની ભૂલ જોઈને મૂંઝાયો, પસ્તાયો, ગુસ્સે થયો. એણે કોઈને કશું કહ્યું નહિ (મને પણ નહિ), પણ શિબિરના ત્રીજે દિવસે પોતાનો સામાન બાંધીને એ ચૂપચાપ જતો રહેવા તૈયાર થયો. પણ એમાં એક ઘટના બની.
સવારે સમૂહ પ્રાર્થનાનો કાર્યક્રમ હતો, તો કોઈને વહેમ ન જાય એ માટે એ બધાની સાથે પ્રાર્થનામાં બેઠો. પ્રાર્થના તો મૌન પ્રાર્થના હતી, અને તે એક ખૂણામાં મૂઢ ભાવે બેઠો હતો. ક્યારે આ પૂરું થાય અને હું એમાંથી છૂટી ભાગું એટલો જ વિચાર એના મનમાં હતો. પણ ભગવાનનો હાથ બધે પહોંચે છે. તે એના હૃદયને સ્પર્શી ગયો. એની આંખો ખૂલી ગઈ. ત્યાં બેઠાં બેઠાં એને સમજાયું કે સંસારનાં સુખ મિથ્યા છે, મનનો સાચો આરામ આળસમાં નહિ પણ જાગૃતિમાં છે, સાધનાનો માર્ગ ઉત્તમ છે, અને એ માટે આ શિબિર દુર્લભ તક હતી. એનું દિલ પીગળી ગયું. એની આંખમાંથી ડબડબ આંસુ પડવા લાગ્યાં. તે એ વખતે તો કશું બોલ્યો નહિ, પણ શિબિરને અંતે એણે કૃતાર્થ ભાવે પોતાનો એ અનુભવ સૌની આગળ જણાવ્યો અને ભગવાનના મહિમાની સ્તુતિ કરી. શિબિરને ત્રીજે દિવસે બનેલા એના એ અનુભવ પછી એનું મન અને દિલ ધ્યાનમાં એવાં તો લાગી ગયાં કે આખો મહિનો ક્યાં નીકળ્યો એનું એને ભાન જ રહ્યું નહિ. એની સાધના બીજી સાધના માટે પ્રેરણારૂપ બની. નાસી જવાની અણી ઉપર હતો એની શિબિર પણ સફળ ગઈ અને બીજાઓની સફળતામાં પણ મદદરૂપ બની. અને એ કોઈના હાથે થયેલું કામ વહોતું-ભગવાનના હાથે જ થયેલું હતું. ખરેખર શિબિરનું કામ ભગવાનનું કામ હતું.
0 comments:
Post a Comment