- શાહબુદ્દીન રાઠોડ
(સાદર ઋણસ્વીકાર : ‘મુંબઈ સમાચાર’માંથી)
રાજકોટમાં નવીનકાકાનું નામ એક સેવાભાવી સજ્જન તરીકે જાણીતું. મિત્રો-સંબંધીઓની બીમારી હોય, પરિવારમાં આંતરિક ઝઘડા થયા હોય, ઉદ્યોગ-ધંધામાં વાંધા પડ્યા હોય તો નવીનકાકાની પાસે મિત્રો-સ્નેહીઓ પહોંચી જાય. બસ પછી સમસ્યા સર્જનારની સમસ્યા નવીનકાકાની સમસ્યા બની જાય. એ વાટાઘાટો કરે, દોડધામ કરે, ખર્ચ કરે પણ આવનારની મુશ્કેલી દૂર કરે. દુબઈમાં કિશોરભાઈને ધંધાની મુઝવણ હોય, લંડન ડો. દિલીપભાઈને પોતાના ગામમાં મંદિર બનાવી દેવાની સમસ્યા હોય, જિદ્દાહમાં જ. એહમદ બાશેખનો કોઈ પ્રશ્ન હોય નવીનકાકા બધે પહોંચી જાય. સૌને મદદરૂપ બને. મેં થાનગઢમાં મારું મકાન ‘આશિયાના’ બનાવ્યું. ઘરના બારીબારણાં નહોતાં એ પહેલાં તા. 5-10-1985ના રોજ અમે અમારું સ્ટેશન રોડનું જૂનું મકાન ‘સિદ્દીક મંઝિલ’ છોડી અહીં રહેવા આવી ગયા. રાજકોટ જઈ મેં નવીનકાકાને લાકડું ખરીદવાની વાત કરી. તેમણે મને કહ્યું: ‘તમને ઘનફૂટમાં ખબર પડે છે ? લાકડામાં કેટલી જાતનું લાકડું આવે તેનું તમને જ્ઞાન છે ?’
મેં કહ્યું: ‘વિષુવવૃત્ત પર બારે મહિના ભારે વરસાદ વરસતો હોવાથી ત્યાં વૃક્ષો પુષ્કળ થતાં હશે અને લાકડું કદાચ ત્યાંથી આવતું હશે.’
નવીનકાકા કહે: ‘તમે ઘેર જાવ. કાલે અહીંથી મિસ્ત્રી ત્યાં આવશે અને બારણાંનાં માપ લઈ જશે અને અહીં બધું તૈયાર થાય પછી ત્યાં આવીને ફીટ કરી જશે.’
તેમની સૂચના પ્રમાણે મિસ્ત્રી આવ્યો, બારીબારણાનું માપ લઈ ગયો. એ પ્રમાણે ત્યાં લાકડાની ખરીદી થઈ ગઈ, બારીબારણા બની ગયા. થાન પહોંચી ગયા અને મિસ્ત્રીએ લગાડી પણ દીધાં.
જેવો નવીનકાકાનો સ્વભાવ ઉદાર એટલાં જ ઉદાર અને સરળ રમાકાકી. રમાકાકીએ પતિની ઉદારતામાં અન્ય માટે થતાં ગજા બહારના ખર્ચમાં પણ કદી અવરોધ ઊભો નથી કર્યો.
વર્ષોથી મારો કાયમી ઉતારો નવીનકાકાનું નિવાસસ્થાન રહ્યું છે. શેરીમાંથી જતાં પરિચિતને નવીનકાકા બાવડું પકડીને ઘેર જમવા તેડી આવે આવી એની મહેમાનો માટેની લાગણી. એમાં સામેથી બપોરના બે વાગ્યે એક મહેમાને બેઠકમાં માથું કાઢ્યું. નવીનકાકા ખુશ થઈ ગયા. ‘આવો આવો’ મહેમાનને લઈ ગયા સીધા ભોજનખંડમાં. ડીનરટેબલ પર બેસાડી દીધા અને રમાકાકીને ત્રણ થાળી બનાવવાનું જણાવી દીધું.
મહેમાન ખુરશી પર બેઠા એ જ વખતે મહેમાન ન ભાળે તેમ નવીનકાકાને રમાકાકીએ હાથનો ઇશારો કરી નજીક બોલાવ્યાં અને સૂચના આપી. ‘જુઓ, લાડવા માત્ર છ જ છે. તમે વધુ આગ્રહ કરશો નહીં. તમને ટેવ છે. એટલે ફરીને કહું છું.’ નવીનકાકાએ સંમતિ આપી.
કાકા-કાકી અને મહેમાને જમવાની શરૂઆત કરી. ભોજન કરતાં કરતાં રંગમાં આવી ગયા. મહેમાનને આગ્રહ કરીને બીજો લાડવો પીરસી દીધો. ત્રણેનું જમવાનું ચાલું હતું. ત્યાં વળી ‘મારા સમ ન ખાવ તો !’ કરી નવીનકાકાએ ત્રીજો લાડવો મહેમાનની થાળીમાં મૂકી દીધો. ત્રણ લાડવા મહેમાનને પીરસ્યા બે પોતે લીધા અને એક રમાકાકીને પીરસતા છએ છ લાડવા પૂરા થઈ ગયા. પણ નવીનકાકાનો આગ્રહ ચાલુ જ રહ્યો. મહેમાન ના ના કરતા જ રહ્યાં. છેવટે મહેમાનની ધીરજ ખૂટી. મહેમાન કહે, ‘હવે જો તમે આગ્રહ કરશો તો હું ઊઠીને ચાલતો થઈ જઈશ.’ પછી નવીનકાકાએ આગ્રહ છોડ્યો. મહેમાને જમવાનું પૂરું કર્યું. હાથ ધોયા, પાણી પીધું અને સૂડીસોપારી લઈ બેઠક ખંડમાં સોફા પર બેઠા અને સોપારી કાતરી મંડ્યા ખાવા.
રમાકાકીએ કાકાને એકલા જોઈ ઠપકો આપવાનું શરૂ કર્યું: ‘તમને કેટવી વાર ના પાડી’તી કે આગ્રહ કરશો નહીં. છએ છ લાડુ પૂરા થઈ ગાય તોય તમે આગ્રહ કરવાનું બંધ ન કર્યું. મેં કેટલીવાર ઈશારાથી સમજાવવા મથામણ કરી. છેવટે ત્રણ ઠેબાં પગનાંય માર્યા. તો પણ તમે ન સમજ્યા ?’
નવીનકાકા રમાકાકીની વાત સાંભળી વિચારમાં પડી ગયા. પછી તેમણે કહ્યું: ‘તે તાણ કરવાની ના પાડી હતી એ હું ભૂલી ગયો અને તાણ કરી એ સાચું, ઈશારામાં મને સમજણ ન પડી એ પણ ખરું પરંતુ ઠેબું મને એકપણ નથી લાગ્યું.’
નવીનકાકાની વાત સાંભળી રમાકાકી અવાચક થઈ ગયાં અને બોલ્યા: ‘હાય હાય તો પછી મેં એ ઠેબા મહેમાનને વળગાડ્યાં ?’
મારે સ્પષ્ટતા કરવાની શુ જરૂર ?
એ મહેમાન હું જ હતો અને ઠેબા મને વાગ્યાં હતાં.
પીપળી ગામમાં અમે મહેમાન થયા ત્યારે ઘરધણીએ મને ક્યું: ‘મહેમાન ! ત્રણચાર તાંસળી દૂધ પી જાવ.’
મેં કહ્યું: ‘ન પીવાય. આટલું બધું દૂધ પીવાતું હશે ?’
ઘરધણી કહે: ‘પીવોને ભલા માણસ ! અમે એમ માનીશું કે ભેંસને પાડો ધાવી ગયો તો.’
પણ સરા ગામમાં એક પટેલ પરિવારે મને બહુ જ પ્રેમથી આગ્રહ કીર કરીને જમાડ્યો. હું પણ સારી રીતે જમ્યો. છેવટે જતાં જતાં ઘરધણીએ મને કહ્યું: ‘તમે કહેવા’વ માસ્તર પણ લોકવરણ જેટલું ખાઈ ગયાં.’
કો’ક દિ’ કાઠિયાવાડમાં તું ભૂલો પડ્ય ભગવાન અને થા મારો મે’માન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા.
0 comments:
Post a Comment