(સાદર ઋણસ્વીકાર : ‘અખંડ આનંદ’માંથી)
-રિદ્ધિ દેસાઈ
શિક્ષક દિન
ગઈ કાલે અમે અમારા ક્લાસટીચરને ‘આવતી કાલે તમારાં હાડકાં ભાંગી નાંખીશું !’ એવી ધમકી આપી હતી. પરંતુ એને આચરણમાં મૂકી શક્યા નહીં, કેમ કે આજે ‘ટિચર્સ-ડે’ છે. ખિસ્સામાં પડેલાં ગોફણ, પિસ્તોલ અને રામપુરી ચાકુ નિ:સાસા નાખી રહ્યા છે. પણ ના ! આજે શિક્ષકો સાથે મારપીટ કરવી નથી. (એની માટે પ્રિન્સિપાલસાહેબ છે ને!)
જી હા. આજે તા. 5 સ્પટેમ્બર... શિક્ષક દિન ! આજે ગુરુજનોને સહેજપણ તકલીફ આપવી નહીં, એવો સંકલ્પ કર્યો. હાજરીપત્રકમાં આખા વરસની હાજરી અમે જાતે જ પૂરી લીધી. એટલું જ નહીં, સેફ્ટિપિનન વડે સાહેબનું કબાટ ખોલીને, એમાંથી પેપરનો થોકડો ઉઠાવી લાવીને, એમાં જાતમહેનતે માકર્સ મૂકી દીધા. આજે, સાહેબ અમને આગામી પરીક્ષા માટેની I.M.P. આપવાના હતા. એમ એમને અત્યંત વિનયપૂર્વક કહ્યું કે, સાહેબ, આપ નાહકની તકલીફ કરશો નહીં... પરીક્ષાના અઠવાડિયા અગાઉ પેપર ફોડીને અમે જાતે જ I.M.P. મેળવી લઈશું ! વર્ગના વીસપચીસ ઉદારદિલ વિદ્યાર્થીઓએ સાહેબના ટ્યૂશનનો ‘રેટ’ પૂછીને એમને યથશક્ય આનંદ આપવા પ્રયાસ કર્યો.
અનિવાર્ય સંજોગોને (એટલે કે ટીચર્સ-ડેને) લક્ષમાં લેતા, અમે ખોટું મન રાખીને સાહેબને ભાણાવવાની છૂટ ઓપી. એટલું જ નહીં, અમે સાહેબ પ્રતિ પૂરેપૂરું ધ્યાન પણ આપ્યું ! ભણાવતાં ભણાવતાં સાહેબે ચાર વાર બારી બહાર ફાંફાં માર્યાં, ત્રણ ચાર ગાઈડમાં ડોકિયું, તેર વાર માથું ખણ્યું, બાર વાર શરીર ખણ્યું, છ વાર નાકમાં આંગળી ખોસી, પાંચ વખત પાટલૂન ઊંચું ચડાવ્યું, બે વાર સાઈરન જેવા લાંબા ઓડકાર ખાધા, આઠેક વાર તેઓશ્રી ઘોડો હણહણતો હોય એવું ખાંસ્યા... ને અનેક વાર એમણે બારીના છજામાં બેઠેલાં ચકા-ચકીને ઉડાડ્યાં. એકંદરે ભણવાની મજાપડી.
બીજા પિરિયડમાં, જેમની પોતાની ફિઝીકના ઠેકાણા નથી. એવા 95 કિલોના ભોગીલાલભાઈ અમને ફિઝિક્સ ભણાવવા આવ્યા. આજે અમે ‘ગધેડા’ને સ્થાને ‘ઘોડા’ના માનવાચક નામે પોકાર્યા. બાય ધ વે, ઘોડો બહુ જ વફાદાર પ્રાણી હોય છે. એવું નાનપણમાં અમને એક ગુરુએ કહેલું. ગુરુની વિદ્યા આખરે ગુરુને જ કામ લાગી !
ઘોડાલાલ ઉર્ફે ભોગીલાલસાહેબ અમારી પરવાનગી લીધા વિનાજ અમને ન્યૂટનનો સિદ્ધાંત ભણાવવા માંડ્યા. એમનું ગળું દબાવી નાખવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ. પણ આજે ટીચર્સ-ડે હોવાથી અમે બીજો એક વૈકલ્પિક માર્ગ પસંદ કરતાં કહ્યું : ‘સાહેબ, આ કમબખ્ત ન્યૂટનિયો ક્યાં રહે છે, એ કહેશો ? એ પાજીનું એડ્રેસ લખાવશો ?’… ને સાહેબ બોખું હસી પડ્યા ! એમના આગળના બે દાંત અમે કેવી કલાત્મકતાથી તોડેલા ને પછી ‘આ હકીમ લુકમાનના ગધેડાના દાંત છે !’ એવું કહીને એક મ્યુઝિયમવાળાને, એ કેવી રીતે બઝાડેલા...એ યાદ આવતાં અમેય હસી પડ્યાં !
ત્રીજો પિરિયડ ફ્રી હતો એટલે ફિલ્મી મેગેઝીનોના અધ્યાનાર્થે અમે લાઈબ્રેરીમાં ગયા. ત્યાં સુભાષભાઈસાહેબ મંદાબહેનને સ્પર્શની પરિભાષા સદષ્ટાંત સમજાવતા હતા. અમે એને પણ શિક્ષણનો એક ભાગ જ ગણી લીધો. પંદર મિનિટ બેઠા, એમાં તો અમે ઘણુંબધું શીખી લીધું ! ગુરુનું દર્શનમાત્ર શિષ્ય માટે કલ્યાણપ્રદ હોય છે... જેણે કહ્યું છે એણે યથાર્થ જ કહ્યું છે !
દિવસના અંતિમ ત્રણ પિરિયડોમાં અમે મહાપરાણે મન પર સંયમ રાખ્યો. અમને ખામોશ જોઈને શિક્ષકોએ આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું : શું વાત છે ? આજે સૂરજ કઈ દિશામાં ઊગ્યો છે....
‘સૂરજ કઈ દિશામાં ઊગ્યો છે, જેનો જવાબ તો અમે તમને આવતી વકાલે આપીશું!’ કહીને અમે સાલ્લા આય મીન, માનનીય શિક્ષકગણની વિદાય લીધી.
શહીદ દિન
શહીર દિને શેરે પંજાબ હોટલમાં બેસીને ચિકન તંદૂરી ખાવી જ એવો વર્ષોથી નિયમ રાખ્યો છે. જોકે, એનું ખરું કારણ ત્યાંની દીવાલો પર લગાવેલા શહીદોના ફોટા જ છે ! ચિકન તંદૂરી ખાતાં ખાતાં શહીદોને અંજલિ આપવાનો લુત્ફ જ નિરાળો છે ! જમી લીધા બાદ ઓડકારના બ્યૂગલનાદ વડે શહીદ થયેલી ‘ચીકન’ અર્થાત્ મરઘીને પણ ભાવાંજલિ આપી. શહીદી સ્વાતંત્ર્ય માટે હોય કે કોઈની આંતરડી ઠારવા... આફ્ટર ઓલ, શહીદી એ શહીદી છે !
દેશ માટે મરી ફીટનાર શહીદો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા અમે મોર્નિગ શોમાં ‘શહીદ ભગતસિંહ’ ફિલ્મ જોવા ગયા. ફિલ્મના પૂર્વ ભાગમાં, ભગતસિંહ એની માશૂકાને ઊંચકીને સુક્કા ઘાસની ઝૂપડીઓ પર નાખે છે, એવું કારમું દ્રશ્ય હતું. એ જોઈને અમારાં વતનપ્રકોપ પ્રજ્વળી ઊઠ્યો ! ભગતે જે ઢબે એની પ્રેમિકાને પટકી હતી, એ જ ઢબે જો એણે અંગ્રેજોને પછાડ્યા હોત તો દેશને ઘણી વહેલી આઝાદી મળી ગઈ હોત... પણ જવા દો, શહીદ દિને આ બધો કકળાટ શું કરોવ !
હંમેશાં ‘સલમાન હેર-કટિંગ સલૂન’માં વાળા કપાવતો આ દેશભક્ત આજે ‘સરદાર હેર કટિંગ સલૂન’માં ગયો. દુકાનના પાટિયા પર મોટા અક્ષરે લખ્યું હતું - તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા !’ મેં ધ્રૂજતા અવાજે વાળંદને પૂછ્યું : ‘અલ્યા ! પહેલી વખત અસ્ત્રો પકડે છે કે ?’ એણે કહ્યું : ‘એ તો શહીદ દિન નિમિત્તે આવું લખ્યું છે.’ આપણને ‘હાશ’ થઈ. વાળ કાપતી વખતે નાયીએ રિક્વેસ્ટ કરી - જરા નીચું ભાળો... દેશભક્તિના તીવ્ર ભાવાવેશવશ આપણે કહ્યું : ‘સર કટા સકતે હૈ લેકિન સર ઝૂકા સકતે નહીં!’ વાળંદે ખિજાઈ જતાં કહ્યું : ‘સાહેબ, પછી કાતર વાગી જાય તો કહેતા નહીં !’… ને ઘરતીમાતા આ લાલે ઘરતીમાતા ભણી જોયું. સરહદ પર દુશ્મનોની ગોળીઓ ઝીલીને વીર સિપાહીઓ શહીદ થઈ જાય, એમ જોતજોતામાં તો માથામાંથી ઢગલો વાળ શહીદ થઈ ગયા !
ત્યાંથી ઘર તરફ કૂચ કરતાં સોનેરી સાડીવાળાં એક બહેન પાસેથી પસાર થયા... ને મારો દેશપ્રેમી અંતરાત્માં લલકારી ઊઠ્યો - ‘જહાં ડાર ડાર પર સોનકી ચીડિયા કરતી હૈ બસેરા...’ બહેને હાથ ઊંચો કર્યો. બહેન સેલ્યૂટ કરે છે, એમ સમજીને આપણેય સામા સેલ્યૂટ કર્યાં. બહેને તમાચો ઝીંકી દીધો ! મારી વતનપ્રેમની ભાવનાને કદાચ એ સમજી શક્યાં નહોતાં...
શહીદીનો રંગ કસુંબર છે, એ જોતાં સાંજે કેસરી ઝભ્ભો ધારણ કર્યો. કદાચ હું બાવો બની જવાના હોઈશ એવી ધારણાવશ ઘણાબધાવા ચહેરા પર પ્રસન્નતા દેખાઈ. શહાદતના કસુંબલ રંગે રંગાઈ જવા ઘસીટારામની દુકાનેથી અઢીલો જલેબી લઈને ખાધી. પેટમાં તોપના ધડાકા જેવી ગડગડાડી થઈ. પેટ પકડીને હું ઘર ભાગી દોડી રહ્યો હતો કે સામેથી એક ગોરાને આવતો જોયો. પછી તો પૂછવું જ શું ! સામી છાતીએ એની તરફ ઘસી જતાં મે બે વાર- ‘ક્વિટ ઇન્ડિયા ! ક્વિટ ઇન્ડિયા !’ એવો નારો લગાવ્યો. પેલા અંગ્રેજબચ્ચાએ ધડ દઈને ખિસ્સામાંથી એક કાગળ કાઢી બતાવતાં કહ્યું : ‘આય હેવ વીઝા ! સરકારી મહોરાવાળો વીઝા જોઈને, સરકારના દેશદ્રોહીપણા પર ફિટકાર વરસાવતો દુખિત દિલે હું ઘર તરફ વળ્યો.
શહીદ દિનના પાવન પર્વે આ વતન પરસ્તે રાતના ખાણામાં આપણા રાષ્ટ્રધ્વજ જેવા જ રંગનો ત્રિરંગી પુલાવ ખાધો ને પછી ‘ગુડ નાઇટ’ને સ્થાને ‘હે રામ !’ બોલીને એ જવાન પોઢી ગયો.
બાળ દિન
બાળદિને બાળકો કરતાંય નેહરુચાચાને ઘણું વધારે મહત્વ આપવામાં આવે છે, એ તો ખોટું કહેવાય ભાઈ! એમ તો નહેરુંચાચા કરતાંય અમને બાળકો વધુ પ્રિય છે. બાળ દિને બાળકો ગને એટલું લોહી પી જાય તો એમને ધરાઈને લોહી પીવા દેવું જોઈએ - એ મહાન સૂત્ર અમે જ તો આ દુનિયા સમક્ષ રજૂ કર્યું હતું !
આજે બાળ દિન નિમિત્તે ચિંટુ-પિંટુ માટે ચાવીથી ઊડતું એરોપ્લેન લીધું. એક જમાનો હતો જ્યારે બાળવર્ગમાં રમકડાની એ.કે. ફોર્ટિસેવનનો ઘણો મહિમા હતો, પણ જ્યારથી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હવાઈ હુમલો થયો છે, ત્યારથી બાળકોમાં એરોપ્લેનનો રીતસરનો ક્રેઝ પ્રવર્તે છે !
આજે બાળ દિને ઓફિસમાંથી હાફ સી.એલ. લઈને સીધો ચિંટુ-પિટું પાસે પહોંચી ગયો. પ્રેમથી છલકતા દિલે જ્યારે મેં એમની સમક્ષ એરોપ્લેન ધર્યું. ત્યારે એમની મમ્મુડીનો ચહેરો ગુલાબના ફૂલ જેવો ખીલી ગયોલો. એ ‘લાલ ગુલાબ’ને નેહરુચાચાની માફક કોટ સરસું ચાંપી દેવાની અદમ્ય ઈચ્છા થઈ ગઈ !
પ્રેમના પેગંબરો (કે એવું જ કંઈક) કહેવાતાં બાળકો સમક્ષ મેં એક રમકડાં કાઢવા માંડ્યા. એ જોઈને એમની મમ્મીએ તરત જ કહ્યું: ‘અરે! આટલું બધું લાવવાની શી જરૂર હતી ?’ મેં એની તરફ જોઈને એકદમ ભાવુંક થઈ ઊઠતાં કહ્યું: ‘મારું ચાલે તો હું આમની માટે પાતાળના તારા તોડીને લઈ આવું !’ ‘પાતળા તારા??’ - એ મૃગનયનીનાં નયણામાં આવો પ્રશ્ન નિહાળીને મેં કહ્યું : ‘હોય છે... તું આવે તો બતાવું ને? મારી વાત સાંભળીને એની આંખોમાં બાળક જેવી મુગ્ધતા છવાઈ ગઈ. બાળ દિનની એ પણ હકદાર ગણાય, એવું લાગતાં બાળકોને મીઠાઈ ખવડાવતી વખતે એક ચોસનું મેં એના મોંમાંય મૂકી દીધું. એના મીઠાઈથીય વધુ મીઠા, મુલાયમ અધરોષ્ઠનો સ્પર્શ થતાં મારી નસ નસમાં સેંકડો ગંધર્વ વીણાઓ વાગવા માંડી. બાળુડાંઓ માટે આણેલો શરબતનો બાટલો આપતી વખતે તો મેં- ‘પૃથ્વી પરનું અસલી શરબત તો તું છે પ્યારી !’ એવું કહી પણ નાંખ્યું... અલબત્ત, નજરોની ભાષામાં !
કહેવાય છે કે, બાળ દિને મોટેરાંઓએ બાળક બનીને બાળકો સાથે હસવું-ખેલવું જોઈએ. આ શિખામણને શિરોધાર્ય કરતાં મેં બાળકોને વાત્સલ્યપૂર્વક કહ્યું : ‘ચાલો બાળકો, આપણે સહુ સંતાકૂકડી રમીએ ! તેમ બંને સંતાઈ જાઓ... હું ને તમારી મમ્મી દાવ અપાવીશું...’ ભોળાં શિશુંઓ સંતાઈ ગયાં. ઉચિત તક જોઈને મેં મારી ઓફિસબેંગમાંથી એક રેશમી સાડી કાઢી. ‘મારા હૃદયની રાણી ! આ તારી માટે છે...’ હજી તો હું આવું કહેવા જ જતો હતો, ત્યાં તો બહાર ચિંટુ-પિંટુના પપ્પાના સ્કૂટરની ઘરઘરાટી સંભળાઈ ! બાળ દિન બબાલ દિન ન બની જાય, એ હિસાબે હું મારા ઘર તરફ ભાગ્યો... અલબત્ત, પાછલા બારણેથી !
મનની મુરાદ ખૂબ આવી નહીં. છતાંય એકંદરે બાળ દિન ખૂબ આનંનદાયક રહ્યો.
જાગતિક મહિલા દિન
‘આવતી કાલે બાર વાગ્યા સિવાય ઊઠવું જ નહીં !’ એવી પ્રતિજ્ઞા કરી હતી. પરંતુ “ટપાલી” નામની દુષ્ટ પુરુષજાતે ઉપરાછાપરી ડોરબેલ મારીને મારી ઉપર ભીષણ અત્યાચાર આચર્યો. એને બેચાર સંભળાવી દીધી ! જોકે, બધી ગાળો સ્ત્રીવિષયક હતી એટલે મનમાં ગ્લાનિ થઈ. બીજી જ પળે કલમ ઉઠાવીને બે ડઝન પુરુષવિષયક ગાળોનું નવસર્જન કર્યું. મન પ્રફુલ્લિત થઈ ગયું ! સવારે મારા ‘એમણે’ પ્રેમપૂર્વક બનાવેલી ચા વડે કોગળા કરતાં કરતાં એક ધિક્કારણીય દ્રશ્ય જોવાઈ ગયું. સામેવાળો બચુડિયો-આય મીન, બચુભાઈ, આંગણે ઊભેલી એક અબળા ગાયની ગોરી માંસલ પીઠ થપથપાવતા હતા. આ નાલાયક નરજાતિ, માદાજાતિની જાતીય પજવણી ક્યારે બંધ કરશે ?? મનમાં એવો આક્રોશ પ્રગટ્યો.
આજે જાગતિક મહિલા દિને રસોડામાં સ્ત્રીઓનો પ્રવેશ વર્જ્ય ગણાય, એવી આત્માનુભૂતિ થતાં મેં પતિયાને (‘પતિ’નું લાડવાચક નામ) કહ્યું: ‘રસોડાના રાજ્જા ! આજે રસોઈ તમે બનાવો!’ ‘કેમ ?’ એમણે કહ્યું એટલે મેં વિચારમગ્ન, તેજસ્વી મુદ્રામાં કહ્યું : ‘હું તમારી બનાવેલી રસોઈનો વિવેચનાત્મક અભ્યાસ કરવા માંગુ છું...’ અગિયાર વાગે ગરમાગરમ સોડમમયી રસોઈ તૈયાર થઈ ગઈ એટલે તરત જ મેં ભોજનાર્થે ફાઈવ સ્ટાર હોટેલની દિશામાં પ્રયાણ આદર્યું. મારા ‘એ’ હેબતાઈ ગયા. મને સારું લાગ્યું.
ફાઈવ સ્ટાર હોટેલના શિસ્તબદ્ધ વેઇટરો પ્રશ્નાર્થચિહન જેટલા વળી વળીને સર્વિસ કરતાં હતા. વળેલા પુરુષો કેવા સોહામણા દીસે છે !... મનમાં એવા સુંદર વિચારનું પ્રાગટ્ય થયું પેટ ભરીને જમ્યા બાદ, એ પુરુષ વેઇટરોને ફિટકારભરી દ્રષ્ટિની ટીપ આપીને મેં ત્યાંથી ચાલતી પકડી. રસ્તામાં એક સફંગાએ મને આંતરી-‘એકસ્ક્યૂઝ મી મેડમ, આ રૂમાલ આપનો છે ?’ કહીને એણે મારી છેડતી કરી. એને બે અડબોથ ઠોકી દીધા ને પછી રૂમાલ લઈને મેં ચાલવા માંડ્યું, કેમ કે ઓફકોસ, એ રૂમાલ મારો જ હતો.... એના બાપાનો થોડો હતો ?
સાંજે વેલણપાણિ મહિલા મંડળમાં ‘પુરુષોને સીધાદોર કરી નાખવાના એકસો એક નુસખા’ ઉપર પરિચર્ચા હતી. એમાં દરેક બહેને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વ્હીલચેરમાં આવેલાં એક વિકલાંગ બહેને તો ઊછળવાના પ્રયાસરૂપે ચેરમાંથી ઢળી પડતાં પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં. સભાના અંતે મોમેન્ટો (સ્મૃતિ ચિહન) તરીકે દરેક બહેનને લોખંડના મૂઠાવાળી એક એક લાકડી અર્પણ કરવામાં આવી. એક નવોઢાના કાનમાં જેમ ‘અખંડ સૌભાગ્યવતી થજે’ કહેવામાં આવે છે, એમ લાકડી આપતી વખતે દરેક બહેનના કાનમાં ‘પુરુષોનાં હાડકાંને ખંડિત કરી નાખજો’ એવો મંત્ર ભણવામાં આવ્યો.
સભાના વીરરસભર્યા વાતાવરણની અસર હેઠળ કેટલીક બહેનોએ હોલના ગુરખાને ઝપેટમાં લઈ લીધો. (જોકે, ગુરખો નેપાળી ભાષામાં ચિત્કારો કરતો હતો, એટલે જોઈએ તેટલો આનંદ મળ્યો નહીં.) ઘણી કુપિતાંગીઓએ ‘ચેરિટી બિગિન્સ એટ હોમ’ના ધોરણે પોતપોતાના દીકરાઓને ધીબેડી નાખ્યા. તો વળી, કેટલીક બાહોશ બહેનોએ હોલ બહાર ઊભેલા (પાંઉભાજીવાળા પુરુષને રુદ્ર તેજના તણખા બતાવ્યા. છ પાંઉભાજી ખાઈને એકના જ પૈસા આપ્યા ! એકદા-બે અલ્હડ ટાઈપની મહિલાઓએ તો રસ્તે ચાલતાં કો’ક અજાણ્યા પુરુષને આંતરીને બરાબરનો ધમકાવી નાખ્યો !
એકંદરે જાગતિક મહિલા દિવસ ઠીક ઠીક સફળ રહ્યો. તેમ છતાં જોઈએ તેટલો સફળ તો ન જ કહેવાય ખરું ને ?
વિશ્વ પર્યાવરણ દિન
સાહેબ, મિલની ચીમનીના ધુમાડાથી શહેરમાં કારમું પ્રદૂષણ ફેલાય છે. તો આવતી કાલે, વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરની મિલો બંધ રાખો તો ? મેં મિલ એસોસિયેશનના પ્રમુખ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. એમણે આંગળી વડે હવામાં હિસાબ માંડતાં કહ્યું: ‘પાંચ કરોડ, છન્નુ લાખ તેમ ચૂકવી દેજો...’ એ પળે જ મને ખાતરી થઈ ગઈ કે સ્વાર્થી માનવજાત અધોગતિના મુખમાં ધકેલાઈ રહી છે.
વિશ્વપર્યાવરણ દિનના મંગલ પ્રભાતે ચોખ્ખી હવાના પાનાર્થે જોગિંગ કરવા ગયો. આજની યુવાપેઢીને પર્યાવરણ બાબતે ઉજાગર કરવા આવશ્યક છે. એવું લાગતાં, મારી આગળ દોડી રહેલી મંજુબહેનની બકીને રોકતાં મેં કહ્યું : ‘હે યુવાનો ! વૃક્ષને પ્રેમ કરો... વૃક્ષને પ્રેમ કરો...’ એટલે એણે તરત જ કહ્યું : ‘એ તો ઠીક છે અંકલ, પણ આ ‘વૃક્ષ’ કેવો છે ? યંગ એન્ડ હેન્સમ છે ? હાઇટેડ છે ? ગારો છે કે કાળો છે ? એની છાતી પર સરસ મજાનું ટેટૂ છે ?’ મેં તમતમી ઊઠતાં કહ્યું : ‘મારા વાળા વૃક્ષની છાતી પર ટેટૂ-બેટૂ નથી, મોટી બખોલ છે... ને એમાં ખિસકોલીઓ રહે છે!’ છીઈઈઈ.... કહીને મોં બગાડતાં એ ચાલવા માંડી. મને સૃષ્ટિનો સર્વનાશ નિકટમાં જ દેખાયો.
મહેતા અને જાની સવાર સવારમાં પોળમાં ધ્વનિ-પ્રદૂષણ ફેલાવી રહ્યા હતા. રાસ્કલ, તેં મારા આંગણે કહોવાયેલો કચરો નાખ્યો ? પાજી, ગઈ કાલે તેં મારા ઓટલા પાસે મરેલી ઉંદરડી નાખેલી, તેનું શું ? નોનસેન્સ, તારી વાઈફના વાળનો, ભટકતી આત્મા જેવો ગુચ્છો ઠેઠ મારી બારી સુધી પહોંચી જાય છે! ઈડિયટ ! યૂ ઇડિયટ ! તારું આમ થાય... તારું તેમ થાય... ! પર્યાવરણ દિને એ બંનેને અપ્રાકૃતિક ભાષામાં ઝઘડતા જોઈને છાતીમાં કાર્બન-મોનોક્સાઈડ ભરાયો હોય એવી વેદના થઈ. મેં કહ્યું, ‘અલ્યા જડસુઓ ! આજના દિને, કમ સે કમ એકમેક પર ફિટકાર તો પ્રાકૃતિક ઢબે વરસાવો ! જેમ કે... તારા સાથે ઝાડ પડે ! તને માનવભક્ષી વેલાઓ ગ્રસે ! તારા મોંમાં કબૂતરનું ચકર પડે ! તને પાંદડાંનાં લૂગડાંય નસીબ ન થાય !તારા ઘર ઉપરની હવામાંથી ઓઝોનનું સ્તર ગાયબ થઈ જાય ! ધુમ્મસમાં તું કોઈ નારીવાદી મહિલા જોડે ભટકાય !... મારી વાત સાંભળીને એ બંને કટાણા મોંએ ઘરમાં ચાલ્યા ગયા. આજનો મનુષ્ય પ્રકૃત્તિથી કેટલો વિમુખ થતો જાય છે, એનુ એક વધુ પ્રમાણ સાંપડ્યું.
પર્યાવરણ સુરક્ષા સારું સાંજે ઘેર ઘેર ફરીને ‘વધુ વૃક્ષો વાવો...’નો પ્રાયવરણ સંદેશ આપવાનું નક્કી કર્યું. પ્રજાના બહોળા વર્ગે-‘અહીં તો ઓટલો બનાવવા જેટલીય જમીન નથી, ત્યાં વૃક્ષો ક્યાં વાવીએ ! અમારા માથા પર ?’ એવું છાશિયું કર્યું. ઘણા લાલચૂટાઓએ ‘મફફત જમીન આપવાની કોઈ સ્કીમ લાવ્યા છો કે ?’ એવું કહ્યું. કેટલાક ભૌતિકતાવાદીઓએ ‘પોટમાં પ્સાસ્ટિકનાં વૃક્ષો વાવીશું તો ચાલશે ?’ એવું આંખ મીચકારતાં પૂછ્યું એક સાવ મશ્કરા ટાઈપના આદમીએ પત્ની તરફ ઇશારો કરતાં કહ્યું : ‘આ એક વડનું ઝાડ જ નથી જીરવાતું, ત્યાં...’ એક શંકાશીલે-‘તમે લાકડાના વેપારી છો કે ?’ એવો બહૂદો પ્રશ્ન કર્યો. બેત્રણ ખિજાયેલા ડોસાઓએ, ‘એના કરતાં ઘરને બદલે ઝાડ પર જ રહીએ તો ?’ એવું ઘાંટો પાડતાં કહ્યું. ઘણા કુપિતાત્માઓએ-‘કેમ ? મનુષ્યોને પાછા ઝાડ-સંસકૃતિ તરફ લઈ જવા માંગો છો ?’ એવું પૂછ્યું. એક હરામખોરે ટોપલીમાં વાવેલાં ઘઉંના જવારા બતાવતાં કહ્યું : ‘આ સિત્તેર વૃક્ષો તો વાવ્યાં છે... હજુ બીજાં કેટલાં વાવીએ ?’ તો વળી, એક નપાવટે ‘તમે વાનરકલ્યાણ સમાજના પ્રમુખ છો કે ?’ એવું પણ પૂછ્યું.
યંત્રયુગના મનુષ્યોની ધીટતા પર મનોમન ફિટકાર વરસાવતો હું ઘર તરફ વળી રહ્યો હતો કે રસ્તામાં એક બર્બર ખૂનીને મેં ખૂન કરતો ઝડપ્યો ! તાબડતોબ મેં ડી.એસ.પી. સાહેબને બોલાવ્યા. ‘ક્યા છે ખૂની ?’ સાહેબે પૂછ્યું. એટલે મેં ખૂની તરફ અંગૂલિનિર્દેશ કરતાં કહ્યું: ‘આ રહ્યો ઉપરાછાપરી કુહાડીના ઘા કરીને, આણે એક માસૂમ વૃક્ષનું ખૂન કરતો મેં મારી સગ્ગી આંખે જોયો છે ! આય એમ આઈ વિટનેસ !...’ ને મૂઢ પોલીસવાળાએ ખૂનીને ગિરફતાર કરવાને બદલે મારી ઉપર ગુસ્સે થઈ જતાં કહ્યું : ‘પોલીસ સાથે આવી ભદ્દી મજાક કરતાં શરમ નથી આવતી ? (સ્વસ્તિવચન), આ વખતે જવા દઉં છું... હવે બીજી વાર આવો તમાશો કરશો તો (સ્વસ્તિવચન), જેલમાં ઘાલી દઈશ !’
વિનાશના પંથે જઈ રહેલા કળિયુગી મનુષ્યોને હવે તો શાક્ષાત્ પરમેશ્વર પણ નહીં બચાવી શકે... એવું બબડતો હું ઘરભેગો થયો. પર્યાવરણ દિન નિમિત્તે, રાત્રે બગીચાના ઘાસની નૈસર્ગિક શય્યા પર પોઢ્યો. કીડીઓએ ચટકા ભર્યા. શરીર પર મેંકોડા ચડી ગયા. નાકમાં મચ્છરર પેસી ગયા. ગંજીફરાકમાં દેડકો ભરાયો ને જીવાતોએ ફોલી ખાધો... જોકે માણસો કરતાં ઓછો !
0 comments:
Post a Comment