ખોટા ભ્રમમાં રહેશો નહીં

આરોગ્ય
 
-ડો. કેતન ઝવેરી


(સાદર ઋણસ્વીકાર : અખંડ આનંદમાંથી)

આજકાલ અમુક આસન કે પ્રાણાયામ કરવાથી વર્ષો જૂનો રોગ ગણતરીના દિવસોમાં નાબૂદ થઈ જવાનો દાવો કરનારા યોગાચાર્યો અને યોગ શિક્ષકો ઠેરઠેર જોવા મળે છે. એકસાથે હજારો લોકોને યોગ શીખવનારા કે ટી.વી., કેબલ દ્વારા યોગ શીખવનારા ઘણા લોકો પણ આવા બે ફામ દાવઓ કરતા જોવા મળે છે. આવા મોટા મોટા દાવા કરનારા માટે એટલું સારું છે કે આપણે ત્યાં અમેરિકા જેવી કાયદાપ્રણાલી નથી, નહીં તો આવા મોટા દાવાઓ કરીને કરીને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ હજારો કેસ એમની ઉપર થઈ ચૂક્યા હોત અને કરોડોની સંપત્તિ કે વૈભવી આશ્રમો બનાવનારાઓના બધા પૈસા વળતર ચૂકવવામાં પૂરા થઈ ગયા હોત.

અમેરિકામાં યોગ શીખવાથી જમીનથી અધ્ધર બેસી શકાય કે પાણીમાં ચાલી શકાય એવું કહીને એક આધુનિક ગુરુએ એક શિષ્યને યોગ શીખવવાનું શરૂ કર્યું. શિષ્યએ ખાતરી માંગી કે શું હું યોગ શીખીને હવામાં જમીનથી અધ્ધર બેસી શકીશ? ગુરુએ ખાતરી આપીને કહ્યું, ‘‘જરૂર.’’ થોડાં વર્ષોના સઘન યોગાભ્યાસ પછી ગુરુ કે શિષ્ય કોઈ  હવામાં અધ્ધર બેસી ન શક્યા! શિષ્યે ગુરુ ઉપર લાખો ડોલરનો છેતરપિંડીનો કેસ કરી દીધો જે કોર્ટે માન્ય રાખી ગુરુને બરાબરનો દંડ કર્યો. બેચાર દિવસમાં જ ડાયાબિટીસ જેવી કાયમી બીમારીને અમુક જાતના આસન કે પ્રાણાયામ દ્વારા સંપૂર્ણપણે મટાડી નાખવાનો હાસ્યાસ્પદ અને ખોટો દાવો કરનારા ભારતીય ગુરુઓ ભારતમાં જ આવી પોલંપોલ ચલાવી શકે છે. કેટલાય લોકો બિચારા પોતે કાયમી બીમારીમાંથી કાયમી છુટકારો મેળવી શકશે એવી આશામાં ને આશામાં આવા શિબિરોમાં જતા હોય છે. અને થોડાં વર્ષે એમને સમજાય છે કે પોતે ઝાંઝવાના જળ પાછળ દોડી રહ્યા છે ! કેટલાય લોકો ખોટા પ્રચાર અને મોટી વાતોમાં આવી જઈને પોતાની દવાઓ બંધ કરી દે છે અને જ્યારે શુગર મપાય ત્યારે એમને ભાન થાય છે કે ડાયાબિટીસ મટાડવાનો દાવો કરનાર આસન-પ્રાણાયામ કરવાથી અને ચાલુ દવાઓ બંધ કરી દેવાથી ડાયાબિટીસ મટાડવાને બદલે વધી ગયો છે !

યોગ એ કોઈ ચિકિત્સા પદ્ધતિ નથી. યોગ એક જીવન પદ્ધતિ છે. શરીર અને મનને સ્વસ્થ રાખવા માટેની તાલીમ યોગના અભ્યાસથી મળી શકે છે. તાણમુક્ત જીવન જીવવાનાં રહસ્યો યોગાભ્યાસથી મળી શકે છે અને ઘણા બધા રોગો જે માનસિક તાણ સાથે સંકળાયેલા છે એ રોગોમાં જો માનસિક તાણ સાથે ઓછી થાય તો ચોક્કસ રાહત પણ અનુભવાય છે. પરંતુ રોગોમાં થતી રાહત એ એક આડઅસર છે. યોગની મુખ્ય અસર અથવા મુખ્ય આશય શરીર અને મનને સ્વસ્થ રાખવાનો જ છે. યોગાભ્યાસનું આયોજન મુખ્યત્વે તંદુરસ્ત વ્યક્તિ માટે તંદુરસ્તી અને મન-દુરસ્તી જાળવી રાખવાના આશયથી થયું હોય છે.

મોટા ભાગના લોકો એવું માને છે કે યોગ એટલે આસન. મોટા ભાગના યોગના શિક્ષકો પણ યોગનો અભ્યાસ આસનો સુધી સીમિત રાખે છે ! ઘણા યોગ શિક્ષકોને પૂછવામાં આવે કે, ‘‘રાજ્યોગ એટલે શું’’ તો તેઓ નિરુત્તર થઈ જાય છે. હકીકતમાં જે પતંજલિ ઋષિએ સેંકડો વર્ષો પહેલાં યોગ શીખવ્યો છે તે રાજ્યોગ ઉર્ફે પતંજલિ યોગ ઉર્ફે અષ્ટાંગ યોગ આજે ગણ્યા ગાંઠ્યા શિક્ષકો જ જાણે છે અને શીખવે છે. આ રાજયોગની વ્યાખ્યા છે ‘‘યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ’’ - યોગ એટલે  મનની વૃત્તિઓને નિયંત્રણમાં રાખવાની પ્રક્રિયા. અત્યારના જેટયુગમાં જે માણસ પોતાના મન પર નિયંત્રણ ધરાવે છે તે માનસિક સ્વાસ્થ્ય મેળવી સફળતાને વરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-આ આઠ અંગોમાં રાજયોગનો અભ્યાસ થાય છે. આ બધાં અંગોને માત્ર જાણવા નહીં પરંતુ એને જીવનમાં ઉતારવો જરૂરી છે. આજના યુગમાં કાયમ માનસિક તાણ હેઠળ જીવતા હજારો લોકો જો પોતાના જીવનમાં અષ્ટાંગ યોગને સ્થાન આપે તો ચોક્કસપણે તણાવમુક્ત થવાથી એમનું વ્યક્તિગત સ્વાસ્થ્ય અને આખા સમાજનું સ્વાસ્થ્ય સુધરે.

ટૂંકમાં, યોગ એ કોઈ ચિકિત્સા પદ્ધતિ કે ફિઝિયોથેરપી નથી. યોગ એ જીવનમાં ઉતરવાની અને જીવવાની એક પદ્ધતિ છે જે તમને મન અને શરીરની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. સાદી ભાષામાં યોગ એ સ્વસ્થ રહેવા અને રોગો અટકાવવા (પ્રિવેન્શન) માટેની કાયમી સાધના છે, નહીં કે રોગ મટાડવાની દવા.
(‘આપણું સ્વાસ્થ્ય’માંથી)

0 comments: