સ્વામી વિવેકાનંદનું એ પ્રવચન


જાન્યુઆરી મહિનાની બારમી તારીખ એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિન.

સ્વામી વિવેકાનાંદ એટલે ભારતની અનેક એવી વિભૂતિઓમાંની એક, જેમના વિશે અત્યારે કદાચ બોલાય છે ઘણું, પણ એમના વિશે ખરી જાણકારી બહુ ઓછાને હોય છે. સ્વામી વિવેકાનંદની જ વાત કરીએ તો, એમની વાત નીકળતાંવેત, `સ્વામીજીએ અમેરિકાની એક વિશ્વધર્મપરિષદમાં ``મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો'' એવું સંબોધન કર્યું હતું અને એટલું સાંભળીને અમેરિકનો એમના પર ઓળઘોળ થઈ ગયા હતા' એવું અચૂક સાંભળવા મળે, પરંતુ એથી આગળ સ્વામીજીએ બીજી કઈ વાત કરી હતી એની ભાગ્યે જ કોઈને ખબર હોય છે.
આજે સ્વામીજીના જન્મદિનને નિમિત્ત બનાવીને, એમના જ શબ્દોમાં, 1893ના સપ્ટેમ્બરની 11મી તારીખે શિકાગોમાં `હૉલ ઑફ કોલંબસ'માં એમણે આપેલા પ્રવચન વિશે જાણીએ.
સ્વામીજીએ પોતે લખ્યું છે કે જગતભરના વિવિધ ધર્મોના વિદ્વાનોની જે ભવ્ય સભા અને વિદ્વન્મંડળી સામે બોલવાનું હતું એ જોઈને ``મારું હૃદય કંપી ગયું અને જીભ લગભગ સુકાઈ ગઈ!''
હવે આગળ,  સ્વામીજીના શબ્દોમાં જ...
``મેં એક ટૂકું ભાષણ આપ્યું. `અમેરિકાનાં બહેનો અને ભાઈઓ' એવું સભાને સંબોધન કર્યું, કાન બહેર મારી જાય એવો તાળીઓનો ગડગડાટ બે મિનિટ સુધી ચાલ્યો. ત્યાર બાદ મેં મારું વ્યાખ્યાન આગળ ચલાવ્યું...
``અમેરિકાનાં બહેનો અને ભાઈઓ ! તમે અમારું જે ઉમળકાભર્યું અને હાર્દિક સ્વાગત કર્યું છે તેનો પ્રત્યુત્તર આપવા માટે ઊભા થતાં મારું હૃદય એક અવર્ણનીય આનંદથી ભરાઈ જાય છે. જગતના પ્રાચીનમાં પ્રાચીન સન્યાસીસંઘને નામે હું તમારો આભાર માનું છું. સર્વ ધર્મોની જનનીના નામે હું તમારો આભાર માનું છું, અને તમામ વર્ગો અને સંપ્રદાયોના લાખો હિંદુઓની વતી હું તમારો આભાર માનું છું.
``આ વ્યાસપીઠ ઉપર બેઠેલા કેટલાક વક્તાઓનો પણ હું આભાર માનું છું, કેમ કે પૂર્વમાંથી આવેલા પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં તેઓએ તમને કહ્યું કે દૂર દૂરના દેશોમાંથી આવેલા આ લોકો જુદા જુદા દેશોમાં સહિષ્ણુતાની ભાવના પહોંચાડવાનું માન મેળવવાનો દાવો સબળ રીકે આગળ ધરી શકે એમ છે. જે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા તેનો પ્રતિનિધિ હોવાનું હું ગૌરવ અનુભવી રહ્યો છું. સર્વે ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવવામાં અમે માનીએ છીએ, એટલું જ નહીં, પરંતુ સર્વ ધર્મ સત્ય છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ. મને ગર્વ થાય છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. મને એ વાત કહેતાં અભિમાન થાય છે કે યહૂદી લોકોના એક પરમશુદ્ધ અવશિષ્ટ વર્ગને અમે અમારી વચ્ચે જાળવી રાખ્યો છે, જે વર્ષે અત્યાચારી રોમન લોકોએ એમના પવિત્ર મંદિરના ટુકડેટુકડા કરી નાખ્યા, તે જ વર્ષમાં એ વર્ગ દક્ષિણ ભારતમાં આવ્યો અને અમારી વચ્ચે વસ્યો. મને ગર્વ થાય છે કે મારો એક એવા ધર્મમાં જન્મ થયો છે કે જેણે મહાન જરથોસ્તી પ્રજાના અવશેષને આશ્રય આપ્યો છે અને હજી તેઓ સ્વમાન સાથે ત્યાં વસી રહ્યા છે. બંધુઓ!  તમારી સમક્ષ હું એક સ્તોત્રમાંથી થોડી પંક્તિઓનું ઉચ્ચારણ કરું છું કે જે સ્તોત્રનું હું છેક બાળપણમાંથી પારાયણ કરતો આવ્યો છું અને ભારતના લાખો મનુષ્યો દરરોજ એનું પારાયણ કરી રહ્યા છે : `જે પ્રમાણે ભિન્નભિન્ન મૂળમાંથી ઉદભવ પામેલી જુદી જુદી સરિતાઓના પ્રવાહો અંતે એક સાગરમાં એકત્રિત થાય છે, તેવી રીતે હે પ્રભો! મનુષ્યો પોતપોતાની રુચિ અનુસાર ગ્રહણ કરે તે બધા માર્ગો ભલે જુદા જુદા દેખાય, સીધા લાગે, વાંકાચૂકા ભાસે, છતાં એ બધા તારી પાસે જ પહોંચે છે.'
``અગાઉ કદાપિ ન ભરાયેલી ભવ્યતમ સભાની આ બેઠક, ગીતાએ પ્રબોધેલા પેલા અદભુત સિદ્ધાંતનું જગત સમક્ષ સ્વત: એક સમર્થન, એક ઉચ્ચારણ બની રહેલ છે કે `મારી પાસે ગમે તે વ્યક્તિ ગમે તે પ્રકારે આવે તો પણ હું તેને મળું છું. સૌ મનુષ્યો જે જે માર્ગો દ્વારા મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે તે તે માર્ગો અંતે મને મળે છે.' પંથવાદ, ધર્માંધતા અને તેના સંતાન સમું ધર્મઝનૂન - એ સૌએ ક્યારનોયે આ સુંદર પૃથ્વી ઉપર પોતાનો પગદંડો જમાવ્યો છે. તેમણે પૃથ્વીને હિંસાથી ભરપૂર કરી દીધી છે, અનેક વખત એને માનવરક્તમાં તરબોળ કરી મૂકી છે, સંસ્કૃતિને પાયમાલ કરી છે અને સમસ્ત પ્રજાઓને હતાશામાં હોમી દીધી છે. જો આવા ભયંકર દૈત્યોનું અસ્તિત્વ ન હોત તો માનવસમાજે આજના કરતાં અનેકગણી વિશેષ પ્રગતિ સાધી હોત. પણ તેમનો સમય હવે ભરાઈ ચૂક્યો છે. અને હું ખરા અંત:કરણપૂર્વક આશા રાખું છું કે આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો તે ઘંટ દરેક પ્રકારનાં ધર્મઝનૂનો, કલમ અને તલવારથી ચાલતા તમામ અત્યાચારોનો અને સમાન ધ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો.''

આ તો માત્ર પ્રારંભિક પ્રવચન હતું, પછીના દિવસોમાં સ્વામી વિવેકાનંદે હિન્દુ ધર્મના વિવિધ દ્રષ્ટિકોણ તો રજુ કર્યા જ, પણ એ પણ કહ્યું હતું કે ભારતને ધર્મ કરતાંય પહેલી જરૂર રોટીની છે. એમણે સ્વદેશની સમસ્યાઓનાં નિરાકરણ પણ સૂચવ્યાં હતાં અને ત્યારે સૌને પ્રતીતિ થઈ હતી કે સ્વામી વિવેકાનંદ માત્ર એક સંન્યાસી નહીં, એક સાચા સ્વદેશભક્ત પણ છે.

0 comments: