સાધકની ટપાલ


(સાદર ઋણસ્વીકાર : પ્રભુની પાસેમાંથી)

- ફાધર વાલેસ
શું એક મહિના સુધી મૌન પાળી શકાય ? અમે ચોવીસ ધર્મમિત્રોએ એક મહિના માટે એવો સંકલ્પ તો કર્યો હતો. બોલવાનું નહિ ને કોઈ ને મળવાનું નહિ ને બહાર જવાનું નહિ. એટલું જ નહિ પણ છાપું વાંચવાનું નહિ, રેડિયો સાંભળવાનો નહિ, ટપાલ ખોલવાની નહિ. એક મહિના માટે સંસાર સાથેનો વ્યવહાર બંધ. દુનિયામાં શું ચાલે છે એ ખબર નથી, અને એની પરવા પણ નથી. બોલીશું તો ભગવાનની સાથે બોલીશું, અને સાંભળીશું તો ભગવાનની વાત સાંભળીશું. એ આપણી ટપાલ ને આપણું અખબાર ને આપણી આકાશવાણી--એટલે કે અંતરવાણી. દુનિયાના માલિકની પાસે રહેવા માટે દુનિયાને ઘડી-બે-ઘડી તો ભૂલી જઈએ.

આપણને છાપાનું વ્યસન હોય છે. રોજ સવારે છાપું જોઈએ જ. અને એ ન વાંચીએ ત્યાં સુધી ચેન નહિ પડે. છાપું વાંચ્યા વગર કોણ કામે જવાની હિંમત કરી શકે ? લોકો ઉપવાસ કરે છે, ખાધા વગર પણ કોઈ દિવસ ચલાવી શકે છે, પણ છાપું વાંચ્યા વગર ચલાવી શકતા નથી, છાપાના ઉપવાસ કરતા નથી. દેશમાં ને દુનિયામાં કંઈ ખાસ ઝાણવા જેવું ચાલતું ન હોય, અગાઉથી ખાતરી હોય કે આજે છાપામાં કશું નથી, તોય હાથમાં લેવું પડે વાંચવું પડે, ખાસો સમય એની પાછળ ખર્ચવો પડે. ખરેખર છાપાનું વ્યસન છે.

પણ હવે જુદો અનુભવ થયો. એક દિવસ છાપું ન વાંચ્યું. બીજે દિવસે પણ ન વાંચ્યું. ત્રીસ દિવસ સુધી ન વાંચ્યું અને એ ત્રીસ દિવસ પછી મૌનમાંથી બહાર આવ્યા અને મહિનાનાં ભેગા છાપાઓનો ઢગલો જોયો ત્યારે એવું હસવું આવ્યું કે રોક્યું રોકાયું નહિ. જૂના સમાચાર, અર્થહીન મથાળા, વ્યર્થ લપલપાટ ! મહિનો ગયો, દુનિયા ચાલી, બધું હતું તે એવું ને એવું હતું એ જ પ્રશ્નો હતા અને એ જ ઝઘડા હતા અને એ જ વચનો હતાં અને એ જ ભાષણો હતાં. મહિના પહેલાં દુનિયા હતી તેવી જ તે હવે હતી. આપણે છાપું વાંચ્યું કે નહિ એથી કોઈ ફેર પડ્યો નહિ : દુનિયાને પણ નહિ અને આપણને પણ નહિ. હા, ફેર એટલો જ કે એ વ્યસનમાંથી છૂટ્યા, એ ગુલામીમાંથી મુક્ત થયા. હવે પછી રોજ છાપું ન વાંચીએ તોય ચાલે, અને વાંચીશું ત્યારે સ્વસ્થ મને અને અલિપ્ત ભાવે વાંચીશું. એક મહિનાના સંયમથી આટલો ફાયદો થયો છે ખરો.
ટપાલ માટે મને પોતાને થોડી સંકા હતી. મહિના સુધી આવતા પત્રો વાંચ્યા વગર પણ કેમ ચાલે ? આપણે કંઈ મોટા માણસો નથી, પણ કોઈ અગત્યના પત્ર આવે, કોઈ જરૂરી કામ નીકળે તો ? અને સામાન્ય પત્રો હોય તોય એનો જવાબ ઠેઠ મોડો મહિના પછી આપીએ તો શું લોકોને ખોટું ન લાગે ? માટે ટપાલ લેવી કે કેમ, ખોલવી કે કેમ, વાંચવી કે કેમ એ દ્વિધા મારા મનમાં હતી. એટલે મેં બધાની આગળ સ્પષ્ટતાથી વાત મૂકી : આ મહિના દરમિયાન ટપાલ લેવી કે ન લેવી એ દરેકની જવાબદારી રહેશે. અમુક પત્રવ્યવહાર આવશ્યક છે એમ લાગે તો એ ચલાવવાની સૌને છૂટ છે. પણ લોકોના (ને એમાંય મિત્રોના અને સગાંઓના) કાગળો વાંચવાથી આ સાધનામાં વિક્ષેપ પડી શકે એ ચોખ્ખી ચેતવણી આપવી જોઈએ. આપણી આ શિબિર ધ્યાન માટે છે, એકાંત માટે છે, એકાગ્રતા માટે છે. અને આપણું મન તો ચંચળ છે. મહામહેનતે મનને રોકી શકીશું, શાંત પાડી શકીશું, ધ્યાનમાં પરોવી શકીશું. મૌન છતાં અને એકાંત છતાં એ સાધના અઘરી હશે. તો હવે જો વચ્ચે ટપાલનો હુમલો આવે, સગાંસબંધીઓના સમાચાર આવે, સંસારનો વળગાડ આવે તો મન શી રીતે સ્થિર રહી શકશે ?
સંસારમાં રચ્યાપચ્યા હોઈએ ત્યારે સંસારની વાત સહેલાઈથી નિભાવી લેવાય, પચાવી શકાય; પણ અહીંયા આ મહિના દરમિયાન આપણા જીવનની હવા જ જુદી છે, ગતિ અનેરી છે. એમાં બહારની ખલેલ નહિ પાલવે, વિલાસિતાનો સ્પર્શ પણ નહિ જોઈએ. ધારો કે મનને ધ્યાનમાં સ્થિર કર્યું. વાતાવરણ જામ્યું. એકલીનતા સર્જાઈ. ને એમાં ઘરની ટપાલ આવી. સુખદુ:ખના સમાચાર મળે. સૌનું સ્મરણ તાજું થાય. દિલમાં લાગણી જાગે. વિચારોનું ચક્ર ચાલુ થાય. પછી ધ્યાનનું શું અને ભક્તિનું શું અને સાધનાનું શું ? એક નાનાસરખા કાગળથી દિવસોની જ મહેનત ધૂળમાં જઈ શકે. એવું જોખમ વહોરીએ ? અને બીજુ : આ ધર્મના કાર્ય માટે આપણે મોટો ભોગ આપ્યો છે, તો નાના ભોગ પણ આપીએ. મહિનાનો ભોગ આપ્યો છે તો ચાર કાગળિયાંનો ભોગ પણ આપીએ. જીભનું મૌન પાળીએ છીએ તો મનનું મૌન પણ પાળીએ. ભગવાનની પાસે જ આ આખો મહિનો રહેવું છે, તો એ દરમિયાન મનને શું બીજાઓની પાસે જવા કોઈની દઈએ ? રાજાના દરબારમાં બેઠા છીએ, તો એમાં બીજા કોઈની સાથે વાતચીત ચલાવાય ? રાજાનું માન રાખીએ. ભગવાનને પૂરું જ નૈવેદ્ય ચડાવીએ. માટે ટપાલ બિલકુલ ન જોવી એ ઉત્તમ. મહિનાની ટપાલ ભેગી કરતા જઈશું અને મહિનાને અંતે જોઈશું. જરૂર લાગે તો ટપાલ જોઈ શકીય, અને કોઈ પત્ર અગત્યનો લાગે તો ખોલીને વાંચી શકાય. વાંચ્યા પછી પણ જો જવાબ હમણાં લખ્યા વગર ચાલે તો ઉત્તમ, અને નહિ તો ટૂંકમાં લખી શકાય.

આપણને એમ લાગે છે કે આપણે અનિવાર્ય છીએ. આપણા વિના આપણને ઘેર ને આપણાં ધંધામાં ને આપણા વર્તુલમાં નહિ ચાલે. માટે આપણે હાજર ન હોઈએ ત્યારે પત્રો દ્વારા સંપર્ક રાખવાનો આગ્રહ રાખીએ છીએ. ઘેર અને ઓફિસે શું શું ચાલે છે એ ત્યાંથી લખતા જાય, અને આપણે સામી સૂચનાઓ જ્યાં હોઈએ ત્યાંથી લખતા જઈએ. આપણા વગર એ લોકો શું કરવાના હતા ! આપણી હાજરી નહિ તો આપણું ધ્યાન હમેશ એમાં જોઈએ ને !--એ જ આપણો ભ્રમ છે. એક દિવસ અચૂક એવો આવશે જેમાં આપણી હાજરી પણ ન હશે અને આપણું ધ્યાન પણ ન હશે, અને તોય ઘર અને ધંધો સારાં ચાલશે. તો પછી હવે આટલો આગ્રહ કેમ રાખવો, દુરાગ્રહ કેમ કરવો ? એક મહિના સુધી આપણે દૂર આવતા રહ્યા એટલા માટે આપણાં ઘરમાં ને ઓફિસમાં કશું થવાનું નથી. એ સરસ ચાલશે કદાચ આપણે હતા એના કરતાં હવે વધારે સારી રીતે ચાલશે. તો નિરાંતે ચાલવા દઈએ. દુનિયાને આપણી ગેરહાજરીનો લાભ આપીએ. દુનિયા આપણાં વિના ચાલી શકે એનો અનુભવ કરીએ. દુનિયાને એ ગમશે-- અને છેવટે આપણને પણ ગમશે.

છાપાનું વ્યસન છે તેવું ટપાલનું પણ છે. કાગળ હથમાં આવ્યો કે તરત એ વાંચ્યા વગર રહેવાતું નથી. કુતૂહલ થાય, ઇંતેજારી જાગે, બેચેન થવાય. એક નજર તો નાખવા દો, કે કોનો છે, શું કહે છે, શા માટે લખે છે. પૂરો તો પછી વાંચીશ, અને જવાબ પણ ગમે ત્યારે આપીશ, પણ કાગળમાં શું છે એ તરત ને તરત જાણવું છે. ને તે વિના ચેન નહિ પડે. તો એમાં પણ હવે થોડો સંયમ કેળવીએ તો ? પત્રો આવે તે હમણા ન વાંચીએ। મહિનાને અંતે વાંચીશું. એકાંતમાં છીએ તો પૂરું એકાંત માણવા દો. ધ્યાનના કાર્યક્રમની વચ્ચે ઘરનો પત્ર વાંચીશું તો મનમાં ઘરનું ધ્યાન આવી ગયું એમ સમજો, અથવા તો આપણે મનથી ઘેર પાછા ગયા એમ કહો. દેહ એકાંતમાં, પણ મન કુટુંબમાં. હાજરી આશ્રમમાં, પણ કલ્પના ઘરમાં. એટલે કે બહારની સાધના ઢોંગમાં ખપે, અને આખી મહેનત એળે જાય. એક નાનકડા કાગળથી આપણા પુરુષાર્થ ઉપર પાણી ન ફેરવીએ.

મહિનાને અંતે ભેગી થયેલી ટપાલ એકસામટી જોઈ ત્યારે મઝાનો અનુભવ થયો. કાગળો ઉતાવળ વિના વંચાયા, મુક્ત મનથી વંચાયા. જવાબો પણ સ્વસ્થતાથી લખાયયા. ઘણાખરા જવાબો વહેલા લખવામાં કે મોડા લખવામાં કોઈ ફેર ન હતો એ ત્યારે જણાયું, અને જેમાં વિલંબનો ખુલાસો આપવાની જરૂર લાગી એમાં સાચું કારણ ટૂંકમાં આપ્યું કે ધ્યાનશિબિરમાં હોવાથી અને ટપાલનું મૌન પણ હોવાથી વહેલો જવાબ આપી શકયો નહોતો. એ નમ્ર ઉલ્લેખથી કોઈને ખોટું લાગવાનો સંભવ નહોતો, ઊલટું સારું જ લાગવાનો વધારે સંભવ હતો. એટલે કામ તો થયું, ટપાલને માન અપાયું, અને ટપાલનો મોહ છૂટ્યો. સર્વ રીતે લાભ થયો !
શિબિરના એક ભાઈ ઉપર શિબિર શરૂ થવાને થોડા જ દિવસ થયા હતા ત્યારે ઘેરથી તાર આવ્યો. એમાં એના પિતાની તબિયત એકદમ બગડ્યાના અને નાજુક સ્થિતિ હોવાના સમાચાર હતા. મેં એને કહ્યું કે આ તો આપદ્ધર્મ છે, પિતા પ્રત્યેની ફરજ પહેલી આવે, અને એ પણ ભગવાનની આજ્ઞા છે, માટે શિબિર છોડીને તરત ઘેર જાઓ, અને જરૂર પડે ત્યાં સુધી પિતાની પાસે રહો. એ શિબિરમાં ખૂબ ઉત્સાહ સાથે લાગી ગયો હતો અને થોડા દિવસમાં અસાધારણ પ્રગતિ કરી હતી. પરંતુ મારી વાતનું વાજબીપણું એને સમજાયું એટલે મન કઠણ કરીને પણ એ તરત પોતાને ઘેર ગયો. ત્રણ દિવસ પછી એ પાછો આવ્યો, અને નમ્રતાથી કહ્યું : “મારા પિતાશ્રીની સ્થિતિ હજી નાજુક છે. પણ મેં એમને સમજાવ્યું છે કે મને ધ્યાનશિબિરમાં કેટલો બધો આધ્યાત્મિક લાભ થતો હતો, એટલે એમણે મને અહીંયાં પાછા આવવાની આજ્ઞા કરી. એ આજ્ઞા મેં માથે ચડાવી છે, અને ભગવાનને પ્રાર્થના કરી છે કે જ્યાં સુધી હું શિબિરમાં છું ત્યાં સુધી કંઈ અમંગળ થવા ન દે. એ ભરોસે હવે બમણા ઉત્સાહથી ધ્યાનની સાધનામાં લાગી જઈશ અને જેવું કહ્યું હતું તેવું કર્યું. દિવસે દિવસે એ અદભુત પ્રગતિ કરતો રહ્યો. અને શિબિર પૂરી થઈ ને એણે એ દિવસોમાં પોતાને નામે આવેલી ટપાલ જોઈ ત્યારે એમાં ઘરનો પત્ર હતો, ને એમાં પિતાશ્રીનો રોગ સાવ મટી ગયાના સમાચાર હતા. જાણે એ સંકેત દ્વારા ભગવાને અમારી મૌનસાધના ઉપર પોતાની મહોર મારી ન હોય !

0 comments: