- મીનાક્ષી ઠાકર
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાતનાં તીર્થધામો માંથી)
असुंखा उध्धारा असंखपडिमाउ चेडआसंखा !
जहिं जाया जयउ तयं सिरिसत्तुंजय महातित्थं !!
જ્યાં અસંખ્ય ઉદ્ધારો, અસંખ્ય જિનપ્રતિમાઓ અને અસંખ્ય જિન ચૈત્યો થયાં છે, તે શ્રી શત્રુજય મહાતીર્થ જય પામો.
पायं पावविमुक्ता जत्य निकासीअ जंति तिरियावि!
सुगईये जयउ तयं सिरिसंत्त जयमहातित्थं!!
જ્યાં રહેનારા તિર્યંચજીવો પણ પ્રાય: કરીને, ઉત્તમ ગતિને પામે છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જય પામો.
जल-जलळ जळहि-रळ-वन-हरि-करि-विस विसहराइदुष्ठमयं!
नासई जं नाम सुई तं सित्तुं जयमहातित्थं!!
જેનું નામ સાંભળીને પાણ, અગ્નિ, સમુદ્ર, યુદ્ધ, વન સિંહ, હાથી, ઝેર, નાગ વગેરેનો દુષ્ટ ભયો દૂર થઈ જાય છે, તે શત્રુંજય મહાતીર્થ છે.
(શ્રીઆચાર્ય ધર્મઘોષસૂરિવિરચિત)
માનવસમૂહનું સંસ્કારઘડતર કરવામાં જેમ પર્વ, દિવસો, ક્રિયાકાંડ, તપ જપ, ધર્મોનુષ્ટોનો, ધ્યાન, દાન, પૂજા, ભક્તિ જેવા આચાર ધર્મો મહત્વનો ભાગ ભજવે તેમ એમાં તીર્થાત્રા પણ ઘણો મહત્વનો ફાળો આપે છે. તેથી એ પણ આચાર ધર્મુંનું એક અંગ જ છે. એટલા માટે જ બધી જ ધર્મસંસ્કૃતિઓમાં તીર્થધામનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે. અને જનસમુદાયને જીવનશુદ્ધિ માટેનો ધર્મપુરુષાર્થ કરવાનું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું તે તેનો હેતું છે. જેનાથી તરી શકાય-દુ:ખ કલેશમય સંસારસમુદ્રને પાર કરી શકાય. અથવા જે તારે તે તીર્થ : ‘તીર્થ’ શબ્દનો ભાવ સુવિદિત છે. આવાં તીર્થસ્થાનોમાં ગિરિતીર્થોનો પણ સમાવેશ થાય છે અને એનો મહિમા કંઈક જુદો જ હોય છે. જૈનસંઘનું શ્રી શત્રુંજય તીર્થ આવું જ એક વિશિષ્ટ મહિમાવંતુ ગિરિતીર્થ છે અને મહાતીર્થ તથા તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવગાન કરવામાં આવે છે.
ભાવનગર જિલ્લામાં શત્રુંજય (શેત્રુંજય)ની ટેકરીઓની સોડમાં આ નગર વસેલું છે. કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ મનોહર એવું આ સ્થળ જૈનતીર્થ તરીકે જાણીતું છે. 1977 ફૂટ ઊંચા દુર્ગમ શત્રુંજય પર્વત પર વિશ્વમાં ક્યાંય ન હોય એવો વિશાળ 900 વર્ષ પુરાણો 863 સુંદર સંગેમરમરનાં મંદિરોનો સમૂહ આવેલો છે. સમગ્ર ભારતવર્ષમાં જૈનો માટે આ મહત્વનું તીર્થ છે. પર્વત ઉપર વસેલું મંદિરોનું આવું નગર વિશ્વની અજાયબીઓમાંથી એક અજાયબી છે.
પાલિતાણા નગરનું પૂર્વનામ હતું, પાદલિપ્તપુર જૈનધર્મના પ્રભાવક આચાર્ય પાદલિપ્ત મૂળ પાટલીપુત્રના, પણ વિહાર કરતા કરતા ગુજરાતમાં પધાર્યા હતા અહીં જૈનાચાર્ય નાગાર્જુન પાસેથી રસસિદ્ધિ પ્રાપ્ત કરી અને ગુરુની યાદમાં શત્રુંજયગિરિ ઉપર એમની પ્રતિમા પધરાવી. મહાવીર સ્વામીની પ્રતિમા પણ પ્રસ્થાપી અને તળેટીમાં પોતાની સ્મૃતિમાં પાદલિપ્તપુર નગર વસાવ્યું. શત્રુંજયગિરિ ઉપર સંખ્યાબંધ જૈનાચાર્યોએ અંતિમ શ્વાસ લીધા હોવાનું મનાય છે, પર્વત ઉપર આવેલાં જિનાલયોમાંથી સૌથી પવિત્ર છે શ્રી આદીશ્વરનું મંદિર.
જૈનોના યાત્રાધામો મુખ્યત્વે પહાડો ઉપર આવેલાં છે. ગિરના, બિહારમાં આવેલું સમેત શિખર, શત્રુંજય ઉપર આવેલું શત્રંજય તીર્થ. આબુ પર આવેલા દેલવાડાનાં દહેરાં મહત્વના યાત્રાધામો છે. મુખ્ય મંદિર આદીશ્વર ભગવાન પ્રથમ તીર્થંકરનું છે. અન્ય મંદિરોમાં કુમારપાળ, વિમળશાહ, ચૌમુખી સાંપ્રતિ રાજા, આદિનાથ વગેરે છે.
પાલિતાણાનાં મંદિરો 11મી સદીમાં બાંધવામાં આવેલાં ગણાય છે. તેમાંના કેટલાંકનો 14મી અને 16મી સદીમાં નાશ થયેલો. હાલનાં મંદિરો 16મી સદી પછી બાંધવામાં આવેલાં છે. એવું કહેવાય છે કે, પાંડવોએ મહાભારતના યુદ્ધથી કંટાળીને અને વૈરાગ્ય પામીને જૈન પરંપરા પ્રમાણે આ ગિરિરાજ ઉપર આત્મકલ્યાણ સાધ્યું હતું. આ તો ઈતિહાસ યુગ પહેલાંના સમયની વાત છે. પણ ઈતિહાસ યુગના પણ સંખ્યાબંધ ગૌરવભર્યા પ્રસંગો આ તીર્થ સાથે જોડાયેલા છે. શાસનપ્રભાવક આચાર્ય પ્રવર શ્રી પાદલિપ્તસૂરિ, ગૂર્જર સમ્રાટ કુમારપાળના પ્રતિબોધક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્ય, સમ્રાટ અકબરના પ્રતિબોધક જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજી, તીર્થપ્રભાવક આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી, જેવા અનેકાનેક આચાર્યોની ચરણરજથી આ સ્થાન પવિત્ર થયેલ છે. વર્તમાન સમયમાં સેંકડો સાધુમુનિરાજો તથા સાધ્વીજી મહારાજો તેમજ હજારો ધર્મનિષ્ઠ ભાઈઓ-બહેનો એના નામસ્મરણથી પોતાના આત્માને પવિત્ર કરે છે. અને જૈનકુળમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ પોતાના જીવનમાં એકાદ વાર પણ આ તીર્થની યાત્રા કરવાનો અવસર પોતાને મળે, એવી ઝંખના સેવતી હોય છે. આ તીર્થધિરાજ ઉપરથી જૈનસંઘની શ્રદ્ધા ભક્તિ ખરેખર અનન્ય છે.
શેત્રુંજય તીર્થ ઉપર જવા માટે પાલિતાણા ગામથી ટેકરીની તળેટી સુધી જવા માટે સીધો વિશાળ બંને બાજુએ વડની છાયાવાળો સરસ રસ્તો છે. વચ્ચે વચ્ચે વાવો અને કૂંડો છે. તળેટીમાંથી ઉપર જવા માટે પહોળાં સરસ પગથિયાં છે. અને પગથિયાંની બંને બાજુએ પથ્થરના બે હાથી ઊભા છે. જૈનોના 24માંથી 22 તીર્થંકરોએ શેત્રુંજયના પહાડ ઉપર છે. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેમ કહેવાય છે. શેત્રુંજય પર 2.3 કિ.મી.નું કપરું ચઢાણ છે. સામાન્ય રીતે ચઢતાં દોઢ કલાક થાય છે. વૃદ્ધ માટે તે અશક્ય છે. તેથી તેઓ માટે ખાસ ડોળીને સગવડ છે. પહાડ પર ખોરાક અને સિગારેટ લઈ જવાની મનાઈ છે. કારણ કે આ સ્થાન ગવિત્ર ગણાય છે. પાણી આખા રસ્તે તેમજ મંદિરમાં પણ મળે છે. પ્રવેશદ્વાર પર દહીં વેરાય છે. એક સદીથી આ રિવાજ ચાલતો આવ્યો છે. મંદિરો સવારે છ થી સાંજે છ ખુલ્લાં રહે છે.
શેત્રુંજયના ડુંગરનો ચઢાવ ઘણો સીધો છે. પરંતુ પગથિયાં એટલાં સારાં છે કે યાત્રાળુ વગર શ્રમે ચઢી શકે છે. આ જૈન તીર્થસ્થાન હોવા છતાં રસ્તામાં એકાદ હિંગળાજ માતાનું અને એકાદ હનુમાનનું મંદિર પણ દેખાય છે.
વિશાળ પથ્થરની દીવાલ વચ્ચે આવેલા આ 863 મંદિરો નવ ખંડોમાં વિભાજિત થયેલા છે. દરેકનું નામ પોતાના મુખ્ય અધિષ્ઠાતા પરથી પડેલું છે. દરેક ખંડો એક સરખા કદના નથી. સૌથી મોટો દક્ષિણના પહાડને આવરી લે છે. જ્યારે નાના ખંડમાં બે મંદિરો એકબીજાથી કદ અને મહત્વમાં ઘણી અલગતાં ધરાવે છે. કોઈ મંદિર વિશાળ ગોળાકાર પરસાળ અને ઊંચા આરસનાં શિખરો ધરાવે છે તો કોઈ નાનામાં નાનું મંદિર એક મૂર્તિ સમાવાય એટલી જ જગ્યા ધરાવે છે.
આ મંદિરો પર તીર્થંકરોની હજારો મૂર્તિઓ અંકિત થયેલી છે. બધી મૂર્તિઓ એકસરખી છે. તફાવત માત્ર દરેક પ્રતિમાની નીચે લખાયેલી જાણકારીમાં પ્રતીકોમાં છે. તીર્થંકરો એ મહાપુરુષો હતા. તેઓ સત્ય તરફ દોરી જતા હતા. મોટા ભાગે તેઓની આંખ આરસી અથવા કાળા કાચની બનેલી હોય છે. જે તેઓ સર્વદ્રષ્ટા હોવાની હકીકત જણાવે છે. શત્રુંજયનું શિખર ઉત્તર અને દક્ષિણ એમ બે પટ્ટીઓમાં વહેંચાયેલું છે. આ દરેક પટ્ટી લગભગ 380 વાર લાંબી છે. બંને પટ્ટીઓ અને વચ્ચેની ખીણમાં જુદી જુદી કિલ્લેબંધી કરીને અંદર મંદિરો બાંધેલાં છે, પણ આ પટ્ટીઓની પાછી ટૂંકો પાડેલી છે. શેત્રુંજય ઉપર આવી કુલ દશ ટૂંકો છે. આ નાની મોટી ટૂંકાની આસપાસ રક્ષણ માટે કિલ્લા બાંધેલા છે અને તેને મજબૂત દરવાજાઓ રાખેલા છે, જે દરવાજા હંમેશાં સાંજે બંધ થાય છે.
બંને શિખરોનાં જુદા જુદા સ્થળેથી જુદો જુદો દેખાવ નજરે પડે છે. ઉત્તર તરફના શિખરને છેડેથી જોઈએ તો દક્ષિણ તરફનો આખો શિખર ભાગ તથા મધ્ય ખીણનાં મંદિરો સ્પષ્ટ દેખાય છે. એ શિખરપટ્ટીને મથાળે આદીશ્વર ભગવાનના મહાન મંદિરનું શિખર દેખાય છે. શેત્રુંજયનું આ પરમ પવિત્ર સ્થાન છે.
ઉત્તર-પૂર્વ તરફના દરવાજેથી દાખલ થઈ જમણી તરફના નાના દરવાજામાંથી ખરતરવસિંહ ટૂંકમાં પેસતાં જ જમણા હાથ ઉપર નરસી કેશવજી નાયકનું આ પર્વત ઉપરના આર્વાચીનમાનું એક ઈ.સ. 1862માં બંધાયેલું મંદિર દેખાય છે. આ મંદિર ખૂબ મોટું અને ધોળું છે. પગથિયાંઓની સપાટી આરસપહાણ જેવી બનાવી છે. છોને ધસવાની આ કળા આપણે ત્યાં સરસ ખીલેલી હતી, પણ હમણાં હમણાં એનો ઉપયોગ ન થવાથી એ કળા તદ્દન લુપ્ત થઈ જવાની બીક રહે છે. બે માળનું તેમજ બીજાં મંદિરોના ઘાટનું જ આ ચોથા તીર્થંકરનું છે, અને તેમાં લઘભગ 50 મૂર્તિઓ છે.
અહીંથી આગળ અંદરના દરવાજા માટે પશ્ચિમ તરફ ચાલતાં જમણા હાથ ઉપર પાંચ મંદિરો દેખાય છે. તેમાંનું પહેલું રૂષભનાથની માતા મરુદેવીનું છે. તેમાં આરસપહાણના હાથી ઉપર મરુદેવીની મૂર્તિ દેખાય છે. બીજું ઈ.સ. 1848માં મુંબઈના નરસીશેઠે છઠ્ઠા તીર્થંકર પદમપ્રભુ માટે બંધાવેલું છે. આ મંદિરમાં પદમપ્રભુની અને બીજા તીર્થંકરોની 23 મૂર્તિઓ આરસપહાણની અને સાત ધાતુની છે, અને મંડપમાં એ યક્ષની અને ત્રીજી શેઠશેઠાણીનો છે. જમણા હાથ પરનાં બીજાં ચાર મંદિરો ઈ.સ. 1831થી 1837 વચ્ચે બંધાયેલાં છે.
ડાબા હાથ ઉપરનાં મંદિરોમાંનું એક શા. કમળશી ભણશાળીએ ઈ.સ. 1618માં બંધાવ્યું છે, પણ એ સંપ્રતિ રાજાનું મંદિર કહેવાય છે બીજાં ત્રણ ઈ.સ. 1828થી 1831 વચ્ચે બંધાયાં છે અને પાંચમું વેલબાઈનું મંદિર ઈ.સ. 1734માં બંધાયું છે. આ ચૌમુખ મંદિરમાં કુલ 64 મૂર્તિઓ અને આઠ પાદુકાઓ છે. આ મંદિરો પૂરાં થાય છે, ત્યાં પુંડરીક દરવાજો છે. આ દરવાજાની અંદર જતાં સવા સોમજીનો ચોક આવે છે.
આદીશ્વર ભગવાનના દેવળમાં જવા માટે પુંડરીક દરવાજામાં પેસવું પડે છે. આ ટૂંક ઉપરનું મુખ્ય દેવળ આદિશ્વર ભગવાનનું જ છે. આ દેવળ ચૌમુખ ઘાટનું છે.
બે ફૂટ ઊંચી ઊભણી ઉપર ઊભેલું આ મંદિર સત્તાવન ફૂટ પહોળું અને સડસઠ ફૂટ લાંબુ છે. આખું મંદિર બે ચોરસ વિભાગમાં વિભક્ત છે અને તેની આગળ પૂર્વમાં ચોરસ મંડપ છે. મંડપમાંથી થોડાં પગથિયાં ચઢતાં અંદરથી ચોરસ 31 ફૂટનો અંતરાલ આવે છે. આ અંતરાલ ઉપર 12 થાંભલાઓ ઉપર રાખેલો ઘુમ્મટ છે. અંતરાલને મંડપમાં ઊઘડતાં દ્વાર છે. અને સામે જ ગર્ભગૃહનું દ્વાર છે. ગર્ભગૃહમાં શુદ્ધ આરસપહાણનું 12 ચોરસ ફૂટનું ઊંચું સિંહાસન છે. આ સિંહાસનની ચારે બાજુ ખૂબ જ કોતરકામ કરેલું છે. સિંહાસન ઉપર જુદી જુદી દિશામાં મુખ રાખીને બેઠેવી આદિનાથ ભગવાનની ચાર મૂર્તિઓ છે. જૈન મૂર્તિઓની ભ્રમર રત્નો અને છાતી ખભા તથા ગોઠણ ઉપર સોનાનાં પતરાં મઢેલાં હોય છે. મસ્તકે મુગટ શોભે છે.
રિગિરાજ શત્રુંજયનાં વિકાસના ત્રીજા તબક્કા દરમ્યાન સમગ્રપણે અવલોકન કરીએ તો, શ્રી શત્રુંજયના પર્વતનું બીજું શિખર આઠ ટુંકોનાં સંખ્યાબંધ જિન મંદિરોથી સુશોભિત બન્યું. અને કુંતાસરની ઊંડી ખાઈનું પૂરણ કરીને એના ઉપર શ્રી મોતીશાહ શેઠની વિશાળ નવમી ટૂંકની રચના થઈ. દરેકેદરેક ટૂકની માહિતી આ પ્રમાણે છે :
(1) નરશી કેશવજીની ટૂંક, વિ. સં. 1921 (પહેલી ટૂક)
(2) સવા સોમાની અથવા ચોમુખજીની ટૂંક, વિ. સં. 1675 (બીજી ટૂક)
(3) છીપાવસની ટૂંક, વિ. સં. 1791 (ત્રજી ટૂંક)
(4) સાકરવસી-સાકરચંદ પ્રેમચંદની ટૂંક વિ. સં. 1803 (ચોથી ટૂંક)
(5) ઉજમફઈની ટૂંક, વિ. સં. 1893 (પાંચમી ટૂંક)
(6) હેમવસી-હેમાભાઈ શેઠની ટૂંક, વિ. સં. 1886 (છઠ્ઠી ટૂંક)
(7) પ્રેમવસી-પ્રેમચંદ મોદીનો ટૂંક, 1843 (સાતમી ટૂંક)
(8) બાલાવસી-બાલાભાઈની ટૂંક, વિ. સં. 1893 (આઠમી ટૂંક)
(9) મોતીશાની ટૂંક, વિ. સં. 1893 (નવમી ટૂંક)
આમ દરેકેદરેક ટૂંકનું મહત્વ અલગ અલગ છે. પર્વત પરનાં મંદિરોની કલાકારીગરી આબુના દેલવાડાને મળતી આવે છે. મંદિરોમાં કેટલાક કીંમતી હીરા છે જે આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ કે હીલ ઇન્સ્પેકટરની પરવાનગીથી જોઈ શકાય છે.
ટ્રાસ્ટના મેજરની ઓફિસ સાગર પોળ દરવાજા પાસે પર્વત ઉપર આવેલી છે. આ પહાડની તળેટીમાં આગમ મંદિર, બાબુનું મંદિર અને કાચ મંદિર આવેલાં છે. આસપાસનાં જોવાલાયક સ્થાનોમાં તળાજા અને મહુવા ગણાવી શકાય. પાલિતાણા પહોંચવા માટે નજીકનું હવાઈ મથક કે રેલવે સ્ટેશન ભાવનગર ગણાવી શકાય. પાલિતાણામાં રહેવા માટે ઘણી હોટેલો, ગુજરાત પ્રવાસ નિગમની હોટલ, પથિકાશ્રમ વગેરે છે. આમ શેત્રુંજય પર્વત એ જૈન દેવાનું એક પ્રકારનું સ્વર્ગ છે. એમાં દેવોની વસતિ ઘણી મોટી છે.
શ્રી શેત્રુંજય તીર્થ એટલે ભગવાન વૃષભ દેવની અલૌકિક પ્રતિભાનું મહાકાવ્ય, જેના પૃષ્ઠે અનેક સંતપુરુષોએ સુવર્ણાક્ષરે લખેલ સમ્યગ્દર્શન, ભક્તિ અને સમર્પણનો ઇતિહાસ છે. જે ઈતિહાસનો એક અક્ષર પણ ભવ્યજીવના જન્મોજન્મનાં પાપપૂંજને પ્રજાળવા સમર્થ છે.
અમદાવાદથી રોડ રસ્તે પાલિતાણાનું અંતર 235 કિ.મી. છે.
0 comments:
Post a Comment