-રજનીકુમાર પંડ્યા
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાત ભાગ-2’માંથી)
“કેની કાલે સવારનો ઘેરથી ગયો છે. પાછો આવ્યો નથી.”
કેની એટલે કનું. મૂળ ગુજરાતી નામ અહીંના લોકોને બોલતાં ફાવે નહીં એટલે એ લોકોએ કેની કેની કહેવાનું શરૂ કર્યું. હવે જ્યારે કનુને કોઈ કનુ કહીને બોલાવે છે ત્યારે એ ખુદ પૂછે છે- “કોણ કનુ ? હું ઈઝ ધેટ ગાય ?”
જોકે એના બાપ એડી પોતાનું મૂળ નામ અનંત છે એટલું ભૂલ્યા નથી. જોકે યાદ રાખવાની પળોજણ છે-એના કરતાં ઓહાયો કોલમ્બસના બકુલ સુતરિયા નહીં સારા કે સમૂળગું નામ-અટક બધું જ બદલી કાઢ્યું.
રોબર્ટ નોરમાન ! મને “હું બકુલ સુતરિયા” એમ ઓળખાણ આપીને બીજી જ મિનિટે આવેલા ફોનના રિસિવર પર એમણે ‘યસ, રોબર્ટ નોરમાન સ્પિકિંગ’ એમ સામાને કહ્યું ત્યારે બે ઘડી મને ચિતભ્રમજેવું જ થઈ ગયેલું કે આ હું ‘લાખો કે લાખો નહીં ?’ (કાઠિયાવાડમાં માતાઓ દશકાઓ અગાઉ આવી એક બાળવાર્તા છોકરાંઓને કહેતી-હું પણ એમાં સામેલ).
એવી રીતે કેની કાલે સવારનો નીકળી ગયો છે પણ પાછો આવ્યો નથી, એમ જ્યારે અનંતભાઈને કહ્યું ત્યારે એ કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગમાં એટલા બધા તન્મય હતા કે એમને એમાંથી એમનું મસ્તક “ક્રેઈન”થી ઉચકવું પડ્યું. “શું કહ્યું ?” એમણે પત્ની લીલા ઉર્ફે લોલાને પૂછ્યું: “ક્યાં ગયો છે ?”
એક નો એક જવાન ક્યાં જાય છે એ કહીને પણ ગયો નથી.
“તારે પૂછવું જોઈએ ને ?”
“પૂછું તો એ એવું વિચિત્ર ભાષામાં બોલે કે એજ જાણે. મોંમાં પાણી ભરીને કોગળા કરતો કરતો બોલતો હોય.” લોલાબેન બોલ્યાં: “બાકી કંઈક બોલ્યો હતો જરૂર.”
“ હવે તારે રેકોર્ડિંગ કરી લેવું. પાછળથી મને સંભળાવવું.” એડી બોલ્યા- “આ ઈન્ડિયા નથી. અહીં લેટેસ્ટ ટેક્નોલોજી અવેલેબલ છે. શું ? તું આટલા વરસ પડધરીમાં રહી. પણ હું અને કેની બાવીસ વરસથી અહીં. યુ સી? સેટલ થયેલા છીએ. ત્યારે પણ હવે શીખી લેવું પડશે. બ્રેઈનને બહુ ટેક્સ નહીં કરવાનું. ટેકનોલોજી ક્યાં નથી ?”
“શું ઉંઉંઉં ?”
“મગજને બહુ તસ્દી આપવાની જરૂર નથી. મશીનો જ બધં કામ કરે છે. ઓટોમાઈજેશન.”
“શું ?”
“બધું આપમેળે થાય છે.” એડી બોલ્યા: “મેમરી રેકોર્ડર પણ છે. એકવાર એક પ્રોગ્રામ ફીટ કરી દેવાનો, પછી આપમેળે બધું થયા કરે. ટેલિફોનમાં આન્સરિંગ ટેપ કનેક્ટ કરેલી હોય, યુસી ? એ.સી. હીટર, લોન્ડ્રી, ઓવન બીજી બધી યુટિલિટી આપમેળે-ઓટોમેટિક ચાલુ થાય. બંધ થાય. તું જોતી નથી ? કોમ્પ્યુટર સાથે હું રાત-દહાડો માથાફોડી શેની કરું છું ? ડોન્ટ યુ સી ?”
એડી બહુ નમ્ર હતા. ઓછું બોલ્યા. બાકી આખા શિકાગોમાં એમનું નામ. કોમ્પ્યુટર અને અમની વચ્ચે ગોળ-મંકોડાનો સંબંધ. રિસર્ચ જો કોઈ હવે નવી થવાની હશે તો આપણા આ ઇન્ડિયન એડીના હાથે જ. ગમે તે ઘડીએ. કંઈ કહેવાય નહીં-પોપચાં પરાણે બંધ થઈ જાય ત્યારે જ. પથારી ભેગા થાય. બાકી જીવનના કોઈ રસ રહ્યા નથી, રોજિંદી ક્રિયાઓ માટે સમય કાઢવો પડે એ તો માથાનો ઘા. આજે આ એવું જ થયું. લોલાબેને ઢંઢોળીને કહ્યું કે ત્રીસ કલાકથી છોકરો ગુમ છે.
એકદમ ઝીણી આંખ કરીને એડીએ પૂછ્યું: “વોટ ?”
“કહું છું જરા તપાસ તો કરો !”
“તપાસ ? યુ મીન, સર્ચ ?”
લોલાબેને જવાબમાં આંસુ ઝળકાવ્યાં. એ સાલું જબરું ઓટોમોબાઈઝેશન હતું. એડી થોડાં મોઈસ્ચરાઈઝડ (ભેજવાળાં) થયાં. કોમ્પ્યુટરના કલપૂર્જા એક તરફ મૂક્યા. મોં પર જરા પાણી છાંટી પેપર નેપકિન ફેરવ્યો ને લીવીંગરૂમની ખુલ્લી હવામાં આવ્યાં. કેની... કેની... કેની... જુવાન છોકરો. આમ સીધો-પણ જુવાનિયા સીધામાં સીધા કેવા હોય ? નેરચલ છે. ચિંતા થાય જ. ક્યાં ગયો હશે ? તો પછી કહીને કેમ ન જાય ? આપણે ક્યારે ના પાડી ? એક્ઝશેન ટુર ? વિના કારણે લોંગ ડ્રાઈવ ? કોઈ બાળા સાથે ડેંટિંગ ? અરે ડ્રીંક્સ ? ડ્રાગ્સ ? એક્સિડેન્ટ ? શું થયું હોય ?
ત્યાં લોલાબેને એમના હાથમાં કોર્ડલેસનો હેન્ડસેટ પકડાવ્યો. એના ભાઈબંધોને ત્યાં ફોન તો કરો ? ક્યાંક ને ક્યાંક પત્તો મળી જાય. એના ભાઈબંધોના બધાના ફોન નંબરની આપણને ક્યાં ખબર છે ? એડી બબડ્યા ને કેનીના ઓરડામાં ગયા. ત્યાં મેમરીવાળા ફોન પર મિત્રોના ફોન ફીડ કરેલા હોય. એમાં નહીં હોય એના માટે જ ડાયરી જોવી પડશે. ડાયરી ? શીટ ? એનાં પાનાં ફેદવાં ? કેટલી પંચાત ? ઈલેકટ્રોનિક ડિરેક્ટરીમાં એના બધા મિત્રોના ફોન એકવાર ફીડ કરી દેવા. પછી બધાંને આપોઆપ ફોન થાય. આપોઆપ એમના જવાબ રેકોર્ડ થઈ જાય. આપો આપ...
જોકે આખરે તો અનેકવાર મેમરીવાળા ફોનનાં બટનો દાબ્યાં. પત્તો ન પડ્યો. કેની ક્યાંય નહોતો. એટલે પછી જૂની પુરાણી ડાયરીઓનાં પાનાં ફેરવ્યાં. એના મિત્રોના ફોન મળ્યા. મળ્યા એટલા દરેકને “હાય...” “હેલો...” “એક્સક્યુઝ મી” “વુડયુ માઈન્ડ ?” “યાહ...” “ઓકે...” ઓ નો ! માં ગૂંથી ગૂંથીને પૂછપરછ કરી પણ કેની ક્યાંય નહોતો,
સાંજથી મોડી રાત સુધી... પછી લોંગ ડિસ્ટન્સ કોલ થાય એટલા કર્યા, હોય કોલિફોર્નિયા પહોંચી ગયો હોય.
પણ આમ બને કેમ ? એડી અનંતરાય બનીને ખરેખર ચિંતામાં તરબળો થઈ ગયા. લોલાબેન તો હીબકે જ ચડ્યાં હતાં.
“કાલે જ અશોકભાઈ કહેતા હતા કે એક વિદ્યાર્થીએ પોતાના ઘરના ગરાજમાં જ મોડી રાતે ગાડી લઈ જઈ પાર્ક કરી. ગરાજ બધી કોરેથી બંધ કર્યું-ગાડીનું એન્જિન ચાલુ કર્યું અને એક્ઝોસ્ટ પાઈપ સાથે રબરથી નળી જોડીને કારમાં ખૂલી મૂકી દીધી. બસ પછી કાર બંધ કરીને સીટ પર માથું ઢાળીને બેઠો રહ્યો. સવાર સુધીમાં તો રામ રામ રમી ગયા. હાય હાય મા-બાપના કંકાસથી કંટાળીને –હાય હાય.”
“આપણોકેની શું કરવા એવું કરે ?” એડીએ પૂછ્યું. “આપણે ક્યાં ઝઘડો કરીએ છીએ ?”
“તમે નવરા જ ક્યાં પડો છો કે...” લોલાબેન બોલ્યાં.
“આ અત્યારે શું ચાલે છે ? ઝઘડો નથી ?”
“ પણ ત્યારે મારો કનુડો ક્યાં છે ? હાય... હાય...”
“પોલીસને ફોન કરવાનું જ બાકી રહ્યું. “એડી બોલ્યા.” મિસિંગ પરસન્સ બ્યૂરો-કરી દઉં?
“બીજું શું ? એમાંય મને પૂછો છો હજૂ ?”
એડીએ નિશ્વાસ નાખીને ફોનનો હેન્ડસેટ હાથમાં લીધો. લોલાબેનને કહ્યું-હું ફોન કરું છું. તું કેનીનો ફોટો એકાદો હાથવગો રાખ. એ લોકો તરત જ ફોટો માગશે.” એમણે ડાયલ કરવા માટે આંગળીઓને તૈયાર કરી.
પણ ત્યાં જ ડોરબેલ વાગી. કોણ હશે આ મધરાતે ? કેનીના કંઈ બૂરા ખબર ? આવી જ રીતે મધરાતે એકવાર છઠ્ઠી ગલી દૂર પેલા પાકિસ્તાનની વેપારી ઘેર ડેડ બોડી વાન આવી હતી. આવી જ રીતે. હાય હાય.
એમણે હાંફળા ફાંફળા દોડીને બારણું ખોલ્યું.
સામે કેની ઊભો હતો ! બિલકુલ સ્વસ્થ, સાજો સારો, હસતો એક જબરી ટાઢકનો શેરડો કોઠામાં ઊતર્યો. લોલાબેનની આંખમાં આંસુ આવ્યાં પણ એ બીજા રંગનાં. એમણે ઝડપથી જુવાન દીરકાનો હાથ પકડીને અંદર ખેંચી લીધો. મોટા જાડા, પગે પાટાપિંડી લાગે તેવા સફેદ શૂઝની લેસ છોડવાની પણ એને તક ન આપી. અંદર જ ખેંચી લાવ્યાં. ગાલે, મોઢે, માથે હાથ ફેરવ્યો.
કેનીને નવાઈ લાગી, “મોમ ! આવું કેમ કરે છે ? વોટ ઈઝ રોંગ ?” “અરે દીકરા !” લોલા બોલી: “આવું કરાય ? ? ક્યાં ગયો હતો ? અમને કોટલી ચિંતા કરાવી ? મારો તો જીન જ ઊડી ગયો હતો દીકરા !”
એડી પણ નજીક આવ્યા. ચહેરા પર નારાજગી ચડાવીને એમણે કહ્યું: “યાદ તો કરો. તમે સિંક પાસે શેવિંગ કરતા હતા. મેં એકવાર નહીં, બે વાર કહ્યું કે હું નવા ફ્રેન્ડ બેન્ડીને ત્યાં જાઉં છું. કાલે મોડી રાતે પાછો આવીશ. અરે હા ! યાદ આવ્યું “એ બોલ્યો:” એ વખતે તમને ગાલ પર સ્ક્રેચ થયો (ઉંઝરડો પડ્યો)ને તમે “આઉચ-” કહ્યું ! થોડું બ્લડ પણ નીકળ્યું મેં દોડીને તમને લોશનની બોટલ હાથમાં આપી. ભૂલી ગયા ?”
એડીનો હાથ સહસા જ પોતાના ગાલ પર ગયો. યસ, જરી ઉઝરડો હતો. જરા દુખ્યું પણ ખરું. એમણે કપાળે કરચલીઓ પાડી. મગજના કોમ્પ્યુટર પર “બ્લડ”નું પ્રોગ્રામિંગ ક્યાં હતું તે શોધી કાઢ્યું તરત જ મનમાં ચમતારો થયો. “ઓહ, યસ, યસ, યસ, યસ, કેની,” એ બોલ્યા: “હવે મને યાદ આવે છે. અરે બરાબર યાદ આવે છે, કહ્યું હતું. તેમને કહ્યું હતું, એ વખતે તું તારા હાથમાં ગાડીની ચાવી રમાડતો હતો-રાઈટ ? તારા બીજા હાથમાં કંઈક પેક હતું ખરું ? આ આખી વાત ‘બ્લડ’ની મેમરી ફાઈલમાં ચાલી ગયેલી, શીટ...”
“ઓહ...” એ સોફા પર બેસી ગયા. કહ્યું: “સોરી સોરી....”
લોલા અને કેનીએ પરસ્પર જોયું. ઓડી હજુ વિચારતા જ હતા કે પ્રોગ્રામિંગમાં ક્યાં ગડબડ થઈ ? કોમ્પ્યુટરમાં શું બ્લડ અને બ્લડ રિલેશનની એક જ ફાઈલ ?
0 comments:
Post a Comment