- ધ્રૂવ ભટ્ટ
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાત ભાગ-2’માંથી)
બેંગલોર જતાં પહેલાં દીકરાએ થોડાં સૂચનો કર્યાં હતાં, ‘તમારું ધ્યાન રાખજો. દવા બરાબર લેજો અને કંઈ પણ એવું લાગે તો તરત મોહનકાકાને કે રજનીભાઈને ફોન કરજો’
એ લોકો અતાઈને મારી પાસે મૂકી જતાં હતાં. નાની છે. એની નિશાળ ચાલું છે. બેંગલોરમાં ઘર મળી તો ગયું છે પણ હજી તે જોવાનું અને ન ફાવે તેવું હોય તો બીજું ઘર શોધવાનું રહે છે. આ બધામાં અતાઈ ખોટી હેરાન થાય.
ખાસ મહત્વનું તો એ કે અતાઈને અજાણ્યા પાસે મૂકવી પડે અને તે ટીવી પર આડું અવળું કંઈ જૂએ તો ? અમને બધાને સહુથી મોટી ચિંતા હંમેશાં એ જ રહી છે. કણ્ણગીનું અને મારું તો કામ જ એ કે અતાઈને ખોટી અને ભ્રામક વાતોથી દૂર રાખવી.
એમા આજે મેં જે જોયું તેણે મને ગભરાવી મૂક્યો. વાઈ, ચિંતા અને મૂંઝવણ આ ત્રયેણ લાગણીને દબાવવી મને અઘરી લાગી. નવાઈ એ વાતની કે પીપળો, આંબલી કે વડ મૂકીને એ મારા ઘરમાં, મોગરાના કૂંડામાં કેમ અને ક્યાંથી આવી પડ્યું !
નવાઈ કરતાં ચિંતા મોટી હતી તે એ અતાઈ સવારે જાગીને કૂંડું જૂએ તો ? અને એ જૂએ જ. રોજ નિશાળે જતાં પહેલાં કુંડામાં કેટલાં ફૂલ છે તે ગણવા તો બેસી જાય છે. કપડાં ગંદા થશે કે એવું કંઈ કહીએ તો તરત કહે, ‘હું ધ્યાન રાખું છું. એટલે નહીં થાય. સમજણ પડી ?’
જો અતાઈ એને જોઈ જાય તો બીચારી કેટલી ડરી જાય ! તે એ આવા વહેમોમાં માનતી ન થાય એટલે અમે રાતની વારતામાં પણ આનો ઉલ્લેખ ન થાય તેનો કેટકેટલો ખ્યાલ રાખીએ છીએ. કણ્ણગી તો એની શાળામાં જઈને શિક્ષકોને પણ કહી આવી છે કે અતાઈના વર્ગમાં ભૂલે-ચૂકે પણ વહેમવાળી વાત-વાર્તાઓ કરવી નહીં.
અતાઈ ત્રીજામાં હતી ત્યારે તેની ભાષાની ચોરડીમાંથી રામુ એન્ડ અ ઘોસ્ટનો પાઠ અતાઈ જૂએ તે પહેલાં જ કણ્ણગીએ ફાડી નાખ્યો હતો. એટલું જ નહીં, શિક્ષક એ પાઠ ક્યારે ભણાવવાના છે તે જાણી લાવીને એ દીવસે અતાઈને નિશાળેય જવા દીધી નહોતી.
ઘરમાં આવી વાત કોઈ સાંભળે નહીં, કોઈ કરે નહીં તેનો ખ્યાલ રખાતો, હું કોઈ સવારે અતાઈને લઈને ફરવા નથી જતો. કારણ કે વહેલી સવારે ફરવા આવતાં અમારી બગીચા પરિષદમાં ઘણા સભ્યો, કોઈવાર પોતે અથવા કોઈ સંબંધીએ ‘જોયું છે’ તેવું છાતી ઠોકીને કહેતા હોય છે.
હું આવી બાબતોનો પ્રખર વિરોધી એટલે પછું, ‘કેવું હતું કહો.’
સામેથી ‘તત પપ કાળું ધોળું ઝાડ જેટલું ઉંચું. ઊંધા પગ...’ જેવા ઢંગ-ધડા વગરના જવાબ આવે.
ચિંતા પછી આવે છે મૂંઝવણ. મંઝવણ એ છે કે કાલે સવારે જ્યારે હું પરિષદમાં કહીશ મેં જોયું છે અને કોઈ વર્ણન પૂછશે તો હું શું કરીશ ?
ખરેખર તે વર્ણવી શકાય તેવું નથી. ધૂમાડા જેવું ? ના. પગની જગ્યાએ પાતળી થઈ જતી પૂંછ જેવું ? ના. મોગરાની ડાળ પર આરામથી સૂઈ શકે તેવું મેં શું જોયું છે તે મારાથી કોઈ કાળે મોઢે વર્ણવી શકાય તેમ નથી.
વળી મારી વાત સાંભળીને કોઈ તે જોવા માગે તો અતાઈ નિશાળમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જો તે ઘરે હોય અને પરિષદનો કોઈ સભ્ય આવી ચડે તો ! મારે પિરષદમાં વાત કહેવી તો પડશે જ. એટલે તો અમે પરિષદને પારદર્શક-મિલન નામ આપ્યું છે. કશું છૂપાવી શકાતું નથી.
કહેવું જ પડ્યું. પહેલાં તો કોઈ માન્યું નહીં. પછી મોહનલાલે એકદમથી કહ્યું, ‘એ બધું પછી રાખો. સાંજે બગીચામાં વાત કરશું. પહેલાં તો તારે ઘરે જઈએ. કૂંડું સંતાડીએ કે ફેંકી આવીએ. તારી પોતરી જાગી જશે તો પત્યું. આખા ઘરની પાંચ પાંચ વરસની મહેનત પાણીમાં જશે.’
મોહનલાલની વાતને ટેકો કરતાં બીજું કોઈ બોલ્યું, ‘હાં, હા, છોકરીનાં મા-બાપ બેંગલોરમાં ઘર શોધતાં ફરે છે ને છોકરીના મનમાં બીક ભરાઈ જશે તો નામ તો તારું જ આવશે. એ કરતાં ચાલો.’
આ સાંભળતાં જ મને યાદ આવ્યું કે અતાઈને મૂકીને નવી નોકરી પર જતાં પતિ સાથે બેંગલોર જતી વખતે કણ્ણગીએ ‘પાંચ-છ દીવસમાં તો ઘર મળી જશે... આપણે શીફ્ટ થઈ જઈશું... અતાઈની સ્કૂલમાંથી દાખલો લેવાનું કરી રાખજો.’ જેવી સામાન્ય સૂચનાઓ પછી નમીને પગે લાગતાં ધીમા અવાજે મને કહેલું, ‘અતાઈને સાથે લઈને બગીચે ન જતા. અનિતા કહેતી હતી કે તેના સસરા એવી વાતો બહુ કરે છે...’
‘નહીં લઈ જાઉં. તું ચિંતા ન કરતીં.’ મેં જવાબ આપ્યો ‘હું હોઉં એટલે એ લોકો આવી વાતો કરતા નથી. છતાં નહીં જ લઈ જાઉં.’
ખેર, આખું ટોળું ઘરે આવે તેના કરતાં હું અને મોહનલાલ જઈએ અને કૂંડું ઠેકાણે પાડી દઈએ એવું નક્કી કરીને અમે આવ્યાં. અતાઈ હજી સૂતી હતી. જમનામાસી કામ પર આવી ગયાં હતાં.
હું અને મોહન થોડી વાર હીંચકે બેઠાં. કૂંડું ક્યાં નાખવું ? તે પ્રશ્ને ગુસપૂસ કરતા રહ્યા. પછી મોહન કહે, ‘એમ કર, હું એક જણને જાણું છું. એ એક વિઝિટમાં જ ભગાડી મૂકશે.’
‘તાંત્રિક ! મારા ઘરમાં’ કંકુ, ચોખા, નાળિયેર અને એવું નારે બાબા, કોઈ કાળે બનવા નહીં દઉં. મરી જઈશ તો ભલે પણ આ નહીં.’
‘તો શું તું જાતે ભગાડવાનો છું ?’ મોહને સહેજ રોષથી પૂછ્યું.
‘હવે અમે જ ભાગી જવાના છીએ. દીકરાને ઘર મળે, ગોઠવાય એટલે જતા રહેવાના છીએ. ચાર-પાંચ દીવસમાં તો આ ઘર ખાલી પછી ભલે તે એકલું અહીં રહે.’ મેં કહ્યું ‘ત્યાં સુધી કૂંડું ક્યાંક સંતાડી દઈએ કે ફેંકી આવીએ. અતાઈની નજરે ન ચડે એટલું ઘણું.’
‘હં.’ મોહન વિચારમાં પડ્યો. આ શહેરમાં કૂંડું ફેંકી આવવા જેવી અને જેટલી જગ્યા ક્યાં હશે તે અમે સમજી નહોતા શકતા. એમાંયે આ બધી વાત અતાઈ જાગે તે પહેલાં પૂરી કરવાની હતી. એ ઉપરાંત કૂંડું હાથમાં લેવાનો વિચાર અમને જરા અધરો લાગતો હતો. ખાસ કરીને મોહનને. કહે, ‘સાલું ક્યાંક આપણને ઝાલે તો ?’
ઝાલે તો કદાચ પહોંચી પણ વળાય. ન વળાય તો હવે જિંદગી કેટલી બાકી છે ? એટલે એ ચિંતા મને બહુ નહોતી. ચિંતા એ હતી કે અત્યારે, વહુ-દીકરાની ગેરહાજરીમાં મને કંઈ થાય તો અતાઈ ?
વળી, એ નાનકડી છોકરીને જે વિચાર, જે વાત, જે કથાથી દૂર રાખવા આજ સુધી એના મેં, મા-બાપે અને અમે પરિષદના પણ બધાએ મહેનત કરી છે તેનું શું ?
અકાઈના નાનકડા, સદા હસતા ચહેરા પર ભય, વ્યથા કે આશંકા જોવાની મારી સહેજ પણ તૈયારી નહોતી, મોહનલાલ પણ આમાં સંમત હતો. અતાઈ તો ઉધડતા આકાશ જેવી અમારા બધાની લાકડી.
અંતે નક્કી કર્યું કે અમારે બેઉ જણાએ મળીને કૂંડું બારીના છજા પર ચડાવી દેવું. અતાઈ ગમે એટલું કરશે તો પણ તે ત્યાં સુધી પહોંચી શકવાની નહીં. તે અમને પૂછે કે અમારી મદદ માગી શકે તે વિચાર અમને આવ્યો નહીં.
અમે ધીમે રહીને કૂંડા પાસે ગયાં. મોહનને તો કંઈ દેખાયું પણ નહીં. પણ અમે કૂંડું ખસેડયું તો ધીમો અવાજ આવ્યો, ‘એય, શું કરો છો ?’
કૂંડું હાથમાં હોત તો પડી જ જાત. હિંમતને ચાલી જતાં માંડ રોકીને મેં કહ્યું, ‘જો અમારા ઘરમાં એક નાનકડી પરી જેવી નિર્દોષ છોકરી છે. તે તને જોઈ જાય અને છળી ન મરે એટલે કૂંડું જરા ઉંચે મૂકીએ છીએ.’
‘કેટલે ઉંચે ? પ્રશ્ન આવ્યો.’
‘બસ, જરા આ બારીના છજે. તને ચક્કર નહીં આવે.’ મેં કહ્યું.’
‘ભલે, પણ કૂંડું તૂટે નહીં તે ખ્યાલ રાખજો.’
સરકસમાં ક્યારેય કામ કર્યું ન હોવા છતાં મેં અને મોહને બે સ્ટૂલ પર ચડીને કેટકેટલી કળા વાપરી ત્યારે કૂંડું છજા પર ગોઠવાયું તે કહેવા હું બેસવાનો નથી. ખરું કહેવાનું તો એ છે કે કૂંડામાંથી કોઈએ વિરોધ ન કર્યો, શાંતીથી ખસી ગયું, અમારા પર આવી ન પડ્યું. આ બધાનો અર્થ મેં અને મોહને એવો કર્યો કે ‘કેટલાંક નંગ સારાં પણ હોય.’
‘આવું કોઈ રીઝે તો ઘરને તારી દે. જરા સાચવી લે જે. કદાચ તારા પર મહેરબાન થાય.’ મોહને કહ્યું. પછી તેના દાદાના દાદાને કેવું ફળેલું તેની વાત માંડે પહેલાં અતાઈ જાગ્યાનો અણસાર આવ્યો એટલે તેણે ચૂપચાપ ચાલતી પકડી.
અતાઈ દૂધ પીએ, તૈયાર થાય, લેશન તપાસી લઈને થેલીમાં ચોપડા ભરે, પછી મોગરો લેવા બાગમાં જશે. આવું થાય તે પહેલાં મેં ચાર-પાંચ ફૂલ લાવીને મૂકી રાખ્યાં હતાં. તો પણ અતાઈ બાગમાં ગઈ જ. કૂંડું છજા પર ચડી ગયેલું જોતાંવેંત તેણે પૂછ્યું, ‘દાદા, મોગરાનું ઝાડ ઉપર કેમ મૂકી દીધું ?’
‘આટલું નાનું હોય તેને ઝાડ ન કહેવાય. બેટા, છોડ કહેવાય’ ખોટું બોલવું ન પડે તે રીતે વાત વાળવાના પ્રયત્નો કરતાં મને જોર પડ્યું.
‘હા. પણ...’ કહીને અતાઈ અચાનક અટકી ગઈ. થોડી વાર મારા સામે અને પછી ક્ષણેક કૂંડા સામે જોયું અને મેં આપેલાં ફૂલ લઈને ખભે દફતર ભરાવ્યું અને સોસાયટીને નાકે જવા દરવાજો ખોલતાં રોકાઈને મને કહ્યું, ‘દાદા, નવ વાગે દવા ખાઈ લેજો. ચિંતા ન કરતાં મમ્મીએ કીધું છે કે દાદા ચિંતા કરે તો બીપી વધે. તમે ચિંતા ન કરતાં. સમજણ પડી ?’
‘સારૂં’. મેં કહ્યું, ‘હવે તું જા, તારી બસ આવી જશે. રોજ તો દોડતી જાય છે.’
‘તમને તો કંઈ સમજણ નથી પડતી.’ અતાઈ બોલી, ‘હું દોડું તો તમને એ પડી... એ પડી... એમ થાય કે નહીં ?’
‘હા થાય તો ખરૂં.’ મેં કહ્યું.
‘બસ તો પછી તમને એવું થાય તો બીપી વધે. સમજણ પડી ?’
‘પડી. તું કહે છે તેવું થાય પણ ખરું. હવે તું જા.’
અતાઈ નાકે પહોંચી અને તેની બસ આવી ત્યાં સુધી હું ઝાંપે ઊંભો. જમનાબેન સવારનાં કામ પતાવીને ગયાં. હવે પાછા રસોઈ માટે દસ કે સાડા-દશે આવશે.
હું બાગમાં ગયો. થોડી વાર તો હીંચકે બેસી રહ્યો. પછી ઘરમાંથી સ્ટૂલ લાવીને બારી નીચે ગોઠવું છું ત્યાં પિરષદ-મિત્રો આવી ચડ્યા. મોહન બધાને લઈ આવેલો. મને ફાળ પડી. વાત આખી સોસાયટીમાં ફેલાઈ ગઈ.
‘આમ ગાલાવેલો થાય માં’. રજનીએ કહ્યું, ‘સ્ટૂલ માથે ઊભો થઈશ એમાં ક્યાંક પડીશ તો દવાખાનું આઘું રઈ જશે. નીચે બેસ.’
‘રમણિક તું ચા તો મૂક.’ મોહનલાલે એક મિત્રને કહ્યું અને વાત માંડી, ‘જો ભઈ, સાંભળ, આ અમે બધાંએ નક્કી કર્યું છે કે તારી પોતરીને આ વાતથી આધી રાખવામાં અમે તને મદદ કરશું. એને નવરી જ નહીં પડવા દઈએ. રમણિક એને લંશન કરાવવા આવશે. પછી પંકજિયો એને બજારમાં ફરવા લઈ જશે. એકા દા’ડો હું પિક્ચર જોવા લઈ જઈશ. આમ તારા જવાના દન સુધી અમે તારી હારે.’
રમણિક ચા બનાવીને આવ્યો ત્યાં સુધી આવી સુંદર વાતો થઈ. પછી રજની કહે, ‘જરા અગાસીએ જઈને છજા પર નજર તો કરીએ. જોઈએ કેવુંક છે.’
શરૂઆતમાં મેં ઘસીને ના પાડી; પરંતુ અંતે મારે હાર માનવી પડી. આમ છતાં આટલા બધા જણ મારી અગાસીએ ચડીને છજા પર તાક્યા કરે તો સોસાયટીમાં નવતર થયું ગણાય. પછી મોટાં છોકરાં રાતે વંડી કૂદીને પણ કૂંડું ઊતારે તે નક્કી એટલે સવારે નવેક વાગે એક જણ આવે અને મારી સાથે વાતો કરતા હોય તેમ અગાસીએ ઊભા રહીને કૂંડામાં જોઈ લે તેવું સમજવતાં મને નાકે દમ આવી ગયો.
‘પણ વચન આપો, અમે અહીંથી જઈએ નહીં ત્યાં સુધી તમારા ઘરમાં તમે કોઈને કંઈ કહેશો નહીં. હવે ચાર દીવસ છે અને મારે મારી અતાઈને સાચવી લેવાની છે.’
‘વચન, બાપાના બોલથી વચન’ –કહીને રજની સિવાય બધા ગયા.
હું અને રજની આગાસી પર જઈને ઊભા. કૂંડામાં જોયું ત્યાં જ અવાજ આવ્યો, ‘આજે પાણી નથી છાંટવાનું ?
‘લાવું, લાવું.’ કરતો રજની જલદી જઈને કળશ ભરી લાવ્યો. હળવે રહીને અમે ઉપરથી કૂંડા પર પાણી છાંટ્યું.
‘સરસ.’ કૂંડાએ કહ્યું, ‘પાણી વગર ન ચાલે એટલે તો અહીં છું. નહીંતર પીપળે, વડલે ન રહેત ?’
રજનીના મનમાં ડરતો હતો પણ તે દેખાવા દેવું ન હોય તેમ બોલ્યો, ‘અહીં કેમ આવ્યું ?’
‘પાણી માટે પહેલાં કહ્યું તે સંભળાયું નહીં ?’
રજનીના હોંશ ઉડી જતા ટકાવી રાખવા વાતનો દોર મેં હાથમાં લીધો અને કશા કારણ વગર પૂછ્યું, ‘કેટલું રહેશો ?’
‘જીવનભર.’
એક ભૂતના આવા જવાબનો અર્થ શું થાય ? આ મહાજ્ઞાની જગતમાં કોઈ આ જવાબને સમજી શકવાનું નહોતું. હું કે રજની તો બીચારા પામર જીવ. આનો શાસ્ત્રાર્થ શો કરીએ !
રજની અંદર અંદર ધ્રૂજવા માંડ્યો અને અકારણ બોલવા લાગ્યો, ‘સર્વભૂત હિતે રતા:..’ ‘યા નીશા સર્વભૂતાનામ્...’
‘રજની, રજની.’ મેં તેને ખભે હાથ દઈને કહ્યું, ‘ખોટા પાઠ કર્યા વગ હવે તું ઘરે જા અને ખબરદાર જો કોઈને કંઈ કહ્યું છે તો. આને તારા પર જ છોડી મૂકીશ.’ પછી, ‘આ નુકશાન કરે તેવું નથી, સારું છે.’ તેવું વારંવાર ઠસાવીને હું રજનીને દરવાજે વળાવીને પાછો આવ્યો ત્યારે મારી ચિંતા અનેકગણી વધી ગઈ હતી.
ઘડીભર મને થયું કે સાંજની ગાડીએ જ બેંગલોર જતો રહું પણ આમ અચાનક ચાલી જઉં અને આ કૂંડામાંથી કૂદીને બેંગલોર સુધી પહોંચી જાય તો ? મને લાગ્યું કે મારે વાત કરવી પડશે. અગાસીએ જઈને જોયું તો મોગરાની ડાળ પર તે શાંત, આનંદી અને ચમકદાર ચીજ હસતી હતી.
મેં કહ્યું, ‘અમે થોડા દીવસોમાં, કદાચ કાલ અહીંથી ચાલી જઈશું.’
‘કાલને કાલ નહીં. છોકરાને ઘર મળે, ગોઠવાય પછી એ તમને તેડવા આવે ત્યારે.’ જવાબ આવ્યો.
‘હા.’ ત્રિકાળજ્ઞાની પાસે અજ્ઞાનીએ હારવું પડે તેમ હતું, ‘કાલે એટલે કે ટૂંક સમયમાં,’ મેં જવાબ આપ્યો.
‘જ્જો.’
‘પછી ?’ મેં પૂછ્યું.
‘પછી કંઈ નહીં. પાણી મળશે ત્યાં સુધી તો હું સુખેથી અહીં રહીશ. નહીંતર બેંગલોરમાં પણ કણ્ણગીને ફ્લોનો શોખ તો આવો જ રહેવાનો.’
હાય, રે ! રીટાયર થયો તે દીવસથી કેટલું સુખમય હતું આ જગત. પુત્ર સારી નોકરીમાં હતો, કાણ્ણગી ભલે દક્ષિણની પણ મારું બહુ ધ્યાન અને માન રાખતી. એમાં આ અતાઈ. મારા જીવનને નાનાં સુખોથી ભરી દેવા જ જાણે નક્ષત્ર લોકમાંથી ઉતરી આવી છે. આટલી નાની છે તો પણ મારી મા ન કરે એટલી મારી ચિંતા તે કરે છે. કોઈ તો કહો કે આ પૃથ્વી પર કશુંય શાશ્વત કેમ નથી ? અચાનક આખું જગત બદલાઈ કેમ જાય છે ? અને આજે આ, જેમાં હું ક્યારેય માનતો નહોતો તે જ સામે આવીને શા માટે પડ્યું છે ?
મેં કશો જવાબ ન આપ્યો. નીચે આવીને જોયું તો જમનામાસી રસોઈ કરવામાં પડ્યાં હતાં. તેમણે મને જોયો અને કહ્યું. ‘બેબી કહેતી હતી કે તમને અગાસીમાં જવા દેવાના નથી. તમને બીપી છે.’
‘હા. ના, ના, હું તો અમસ્તો ખુલ્લી હવામાં ગયો હતો. બીપી હોય તેને ખુલ્લી હવામાં વધુ સારું.’ મેં ગુંચવાઈને જવાબ આપ્યો અને ઉમેર્યું, ‘અતાઈને કહેશો નહીં કે હું ઉપર ગયેલો. એ મને વઢી નાખશે.’
જમનામાસી હસ્યાં અને હું છાપું લઈને બેડરૂમમાં ગયો.
એકાદ ઝોકું પણ આવ્યું હશે. આંખ ખૂલી ત્યારે અતાઈ જમીન પર ઊંધી પડીને નોટમાં કંઈક લખતી હતી.
‘અરે, તું ક્યારે આવી ગઈ ?’ મેં પૂછ્યું.
‘ક્યારનીય’ અતાઈએ હાથની મુદ્રા કરીને સમય દર્શાવવાની કોશિશ કરતાં કહ્યું, ‘જમનામાસી રસોઈ કરીને ગયાં પણ ખરાં. તમે તો ઊંઘી જાવ પછી કાંઈ સમજતા જ નથી.’
‘હું તો જાગતાંય કશું સમજતો નથી. ઊંઘમાં તો ક્યાંથી સમજું ?’ મેં કહ્યું અને અતાઈ પાસે બેસીને પૂછ્યું, ‘દીકરીને ભૂખ નથી લાગી ?’
જમતાં જમતાં અતાઈએ અચાનક પૂછ્યું, ‘મોગરાને ત્યાં છેક બારી ઉપર કોણે મૂક્યો ?’
‘હં ? ઘડીભર જવાબ ન સૂઝયો. સ્વસ્થ રહેવાની કોશિશ કરતાં મારાથી કહેવાઈ ગયું, ‘માળીએ. આજે તે વહેલો આવ્યો હશે, હું જાગ્યો તે પહેલાં જ કદાચ.’
અતાઈ હસી પડી. કહે ‘તમે ભૂલકણા પણ થઈ જવાના, સવારે વહેલો ક્યાંથી આવે ? ઝાંપે તો તાળું હોય.’
‘હા, હા,’ મેં કહ્યું.
‘દાદા, ત્યાં છેક કેમ મૂક્યું હવે પાણી કેમનું પાઈશું’ અતાઈએ નવો કોયડો ઘડ્યો.
‘માળી પાશે. પાઈપ વડે છાંટીને પાશે.’ કહીને આગળ બીજું કંઈ બોલ્યા વગર અતાઈને ‘આ ખા. તે ખા.’ કહીને વાત વાળી લીધી. અતાઈ પણ વાત ભૂલી ગઈ તેમ ડાહી થઈને જમવા માંડી. થોડીવારે નિશાળની અને લેશનની વાતો કરી અને અમે જમવાનું પૂરું કર્યું.
બપોરે મારી પાસે રોકેટની વારતા સાંભળીને અતાઈ સૂઈ ગઈ પછી છાના માના ઊભા થઈને મેં મોહનને ફોન લગાવ્યો. ‘મોહન, આપણો માળી ક્યાં રહે છે ?’
‘અટાણે બપોરિયામાં માળીનું શું કામ પડ્યું ?’ મોહન કંટાળ્યો લાગતો હતો.
‘આ અતાઈને મેં કહ્યું કે કૂંડું માળીએ...’ કહીને મેં આખી વાત તેને સમજાવી અને ઉમેર્યું, ‘ગમે તે કર. કાલ માળી આવે અને અતાઈ તેને પૂછે તો કૂંડું એણે ચડાવ્યું છે એમ જ કહે. નહીંતર ભાંડો ફૂટી જશે.’
‘ના, ફૂટે દોસ્ત, ના ફૂટવા દઉં. તાપી પોતરી કાંઈ તારી એકલાની નથી. આપણે વચન આપ્યું છે તે પાળીશું શું સમજ્યો ? સાંજે માળીને કહી આવીશું. તું તારે નિરાંત રાખ.’
રાતે આઠેક વાગે મોહન ઘરે આવ્યો. અતાઈ લેશન કરતી ઊભી થઈને તરત પાણી લઈ આવી. માળીવાળું કામ પતી ગયું છે તે સૂચવતો ઈશારો કરીને મોહને અતાઈ સાથે વાત કરવા અમસ્તુ જ પૂછ્યું, ‘અલી અતા, તું તો બેંગલોર જવાની ખરું કે ?’
‘હા, મોહનદાદા; પણ મારું નામ અતાઈ છે. એકલું અતા નહીં. ઈ.ઈ.’ અતાઈ પોતાને લગતી કોઈપણ બાબતે બહુ સ્પષ્ટ રહેતી.
‘તે અતાઈ એટલે શું’ મોહને વાત ચાલુ રાખી.
‘એટલે જાતે જાતે કરવાનું એમ. સમજણ નથી પડતી ?’ કહીને અતાઈએ મારો ટેકો માગતી હોય તેમ મને પૂછ્યું, ‘સાચું ને દાદા ?’
‘તારી ઊંમરે સમજાય એટલા ભાગે સાચું.’ મેં કહ્યું, ‘પણ અતાઈ એટલે ગુરુ પાસે ગયા વગર સિદ્ધ થયેલો ગાયક.’
‘મેલને છાલ. ગાયક ને ફાયક. આ તારું કામ થઈ ગયું તે કહેવા આવેલો’ કહીને મોહન ચાલ્યો ગયો.
અતાઈએ માળીને કંઈ જ પૂછ્યું નહીં. અમે કોઈએ કંઈ વાત કાઢી નહીં. કાણ્ણગી એકલી અમને લેવા આવે છે તે સમાચાર પણ આવી ગયા. બે-એક દીવસમાં તો અમે જઈશું તે યાદ આવતાં જ મને યાદ આવ્યું કે કોઈએ મને કૂંડામાં પાણી સતત રહેવું જોઈએ તેવ ચેતવણી આપી છે.
સવારેમાળીને કડક સૂચન આપી કે અમે ન હોઈએ પછી પણ તેણે ટ્યૂબથી છંટકાવ કરીને કૂંડું ભીનું રાખવાનું છે. માળીને આ કામના પૈસા નિયિમત મળે તેવી વ્યવસ્થા ગોઠવવા હું મોહનને ત્યાં ગયો. માળી પર ધ્યાન રાખવાનું કહીને મેં મોહનને કહ્યું, ‘અને જો, અમે જઈએ કે તરત કૂંડાને સીમેન્ટ લગાવીને છજા પર ચિટકાવી દેજે. નવો ભાડૂઆત તે ઉતારી ન લે એવું કંઈક કરજે. કંઈક વારતા ઘડી કાઢજે. ગમે તે પણ કરજે.’
કારણ પૂછે નહીં તો મોહન શાનો ? મારે કહેવું પડ્યું કે, ‘પાણી નહીં મળે તો તે બેંગલોર આવવાની ધમકી આપે છે.’
‘ચાલ.’ મોહને ઝભ્ભો પહેરતાં કહ્યું, ‘પોતરી ઘરે છે ?’
‘ના. એ તો નિશાળે ગઈ.’
‘તો ચાલ કંઈક ગોઠવીએ.’ મોહન મારી વાત સાંભળવા પણ રોકાયો નહીં. મારા ઘરે સીધો અગાસી પર જઈને ઊભો.
ચડીને પાળ પરથી કૂંડામાં ડોકાઈને એણે કહ્યું, ‘તમે કોણ છો ?’
‘અત્યારે તમે જૂઓ છો તે છું. એ પહેલાં મુસાફર.’ કૂંડું બોલ્યું.
‘તે મુસાફરીમાં જ... ?’ મોહને પૂછ્યું.
‘હા. એક રણમાં ફસાઈ જવાયું. રાત તો જેમ તેમ કાઢી. સવાર પડી ને જાગીને જોઉં તો પરબ દીસે નહીં...’
મોહન કશું જ બોલ્યા વગર નીચે ઊતરી ગયો. આગળના કમરામાં બેસીને તેણે વિચાર્યા કર્યું. કેટલીયે વારે તેણે કહ્યું, ‘તું ચિંતા ન કર. હું કંઈક ગોઠવીશ. અત્યારે તો આ તારી અતાઈ એને જોઈ ન જાય એટલું જ સાચવી લઈએ. પછી પાણીબાણી બધું હું કરીશ. એવું હશે તો કૂંડા સમેત મહાદેવની જળાધારી નીચે ગોઠવી દઈશ. પૂજારી આપણો જ છે.’
વાત કરીને મોહન ગયો. જતાં જતાં ફરી એકવાર કહેતો ગયો, ‘તારી પોતરી અમારી છે. એને ખબર નહીં પડે. આ વચન.’
અતાઈ આવી. તે કંઈ પૂછી ન બેસે તેવી બીક હવે મને લાગવા માંડી હતી. તે મારા સામે જોઈ રહી પછી પૂછ્યું, ‘તમને બીપી થયું છે ?’
‘ના હું તો મજામાં છું.’ મેં કહ્યું.
‘નથી. તમને તાવ હોય એવું લાગે છે.’ અતાઈએ કહ્યું અને મારો હાથ પકડ્યો. પછી કહે, ‘તમારે બગીચામાં ફરવાનું નથી. સૂતા રહેવાનું છે. મમ્મી મને કહી ગયા છે કે મારે તમારું ધ્યાન રાખવાનું છે. સમજણ પડી ?’
મને થયું કે અતાઈને કહું કે ધ્યાન તો મારે તારું રાખવાનું છે. સમજણ પડી ? પરંતુ હું કંઈ બોલી ન શક્યો.
બપોરે તો કણ્ણગી આવી ગઈ. આવતાં વેંત તેણે મુઅર્સ એન્ડ પેકર્સને બોલાવી લીધાં. ફટાફટ સામાન બંધાવા માંડ્યો. નાનકડી અતાઈ આ આખી પ્રક્રિયા જોવામાં મસગુલ થઈ ગઈ. કાલ-પરમદી સામાન રવાના થશે કે તે રાતે જ કે બહુ બહુ તો પછીની સવારે અમે ખાસ ભાડેથી આણેલી મોટી કારમાં બેસીને અહીંથી વિદાય થવાના.
અતાઈ આખો વખત ઘરમાં ફરતી રહી. એકએક ચીજ બરાબર પેક થાય તે તેણે જોયું. પેકીંગ કરનાર સાથે જાણે વર્ષોથી દોસ્તી હોય તેમ વાતો કરતી ગઈ. ક્યારેક તો એ લોકોએ કેવું પેકિંગ કરવું જોઈએ તેની સલાહ આપવા પણ બેસી જતી.
અંતે સામાન ગયો. સોસાયટીના સભ્યો એક એક કરીને મળી ગયા. અતાઈને કણ્ણગીને શુકન ભેટ આપી ગયા. અહીંના પાઠ્ય-પુસ્તકો બેંગલોરમાં નહીં ચાલે કરીને અતાઈ કોઈને આપી આવી.
સાંજે મોહનને ત્યાં જમીને બેઠાં ત્યાં અમારી પરિષદના બધા મિત્રો અમને મળવા આવ્યા. ગોળાકારે ખૂરશીઓ ગોઠવીને બેઠા હતા. કણ્ણગી રસોડાની સફાઈમાં મદદ કરીને બહાર આવીને બેઠી.
એ વખતે ઓચિંતી અતાઈ આવી. વચ્ચોવચ્ચ ઊભા રહીને તેણે કહ્યું, ‘દાદા, પેલું કૂંડું ઊતરાવી દોને. ગાડીમાં મૂકવાનું છે.’
મેં ગભરાઈને મોહન સામે જોયું. તેણે મને બચાવી લેતો હોય તેમ કહ્યું, ‘બેટા એ કૂંડું તો અમારે ઘરે રાખવાનું છે.
‘પણ એ તો મમ્મીએ વાવ્યું છે.’ અતાઈ રડમસ થઈને બોલી. તે પછી ક્યાંય સુધી, અતાઈ થાકે ત્યાં સુધી કંઈને કંઈ દલીલ કરીને અમે કૂંડું સાથે લેવાની ના પાડ્યા કરી. કણ્ણગી વચ્ચે પડે તે પહેલાં અતાઈ જીદ છોદી દે તો સારું તેમ અમને લાગ્યું તે ક્ષણે અતાઈ મૌન ઊભી.
અમે હાશકારો અનુભવીએ તે પહેલાં અતાઈએ તેની મા સામે જોઈને આજીજીભર્યા સ્વરે કહ્યું, ‘મમ્મી, દાદા બીવે નહીં એટલે મેં કોઈને કીધું નથી. પણ એ કૂંડામાં મારું પાળેલું ભૂત છે.’
કણ્ણગી ભલે દક્ષિણની; પણ તે આટલી શ્યામ તો ક્યારેય નહોતી. હું અને મોહન એક-બીજાને તાકી રહ્યા. રજની નીચું જોઈને બેસ રહ્યો હતો. પંકજ ઊઠીને કમરામાંથી બહાર નીકળી ગયો.
મમ્મી અસ્વસ્થ છે તેવું લાગતાં જ અતાઈ તેના તરફ ગઈ અને પોતાના બેઉ હાથમાં માનું મોં પકડીને કહ્યું, ‘મમ્મી, બીવાય નહીં. એ કાંઈ ગંદુ નથી. બહું સારું છે. મારું પાળીતું.’
રજની હોશમાં આવ્યો અને અતાઈની વાતને ટેકો કરવા કે પછી આવે વખતે કશુંક બોલવું પડે તેવું લાગતાં સાવ કારણ વગર બોલી પડ્યો, ‘હા. આવા ભૂત ફળે તો ગુલામ થઈને રહે. તમે માગો તે આપે.’
અતાઈ લાગણી જ રજની તરફ ફરીને બોલી, ‘એવું કરે એને તો જિન કે’વાય. ભૂત કોઈ દી કાંઈ લાવી નો દે સમજણ પડી ?’
રજની જે નહોતો સમજતો હું, કણ્ણગી, મોહન કે બીજું કોઈ પણ ક્યાં સમજતું હતું. ?
0 comments:
Post a Comment