-ડો. સનત ચવાણ નિવૃત્ત અગ્રમુખ્યવનસંરક્ષક
સાદર ઋણસ્વીકાર ‘સૃષ્ટી’માંથી
ગીર એક અદભુતપૂર્વ, પ્રાકૃતિક વિશિષ્ટતા અને સૌંદર્ય ધરાવતી વન્ય ભૂમિ છે. તેને સહેલાઈથી "સમજવી" ખૂબજ મુશ્કેલ છે, પરંતુ "માણવી" બહુ જ સહેલી છે. આપણે ગીરને કદાચ ગરવી ગુજરાતના સિંહ માટે જ જાણીએ છીએ. પરંતુ એક વાર તેમાં સમાયેલી અદભુત વિવિધતા, લાક્ષાણિકતા અને વન્ય જીવો વિશે જાણીએ, તો ચોક્કસ આપણે ગીર સાથે પ્રેમ કરવા લાગીશું. મારો અનુભવ કહે છે કે, જો કોઈ પણ પ્રાકૃતિક સૌંદર્ય અભયારણ્ય કે રાષ્ટ્રિય ઉદ્યોન, બચાવવું હોય તો અંત:કરણપૂર્વક તેને ચાહવા લાગો. તમારે એમ જ માનવું જોઈએ કે "આ તો મારૂં જ છે, ગમે તે ભાગે મારે તેને બચાવવું જ જોઈએ".
હવે આપણે જરીક વિચારીએ કે એવું તે ગીરમાં શું છે, કે જેની વિશિષ્ટતા આપણને ત્યાં હંમેશાં ખેંચી લાવે છે. ગીર એકંદરે પાનખર જાતના વનોની સપાટ તેમજ ડુંગરાળ ભૂમિ છે. જ્યાંના વૃક્ષો ચારેક મહિના પાંદડારહિત, બોડા થઈ જાય છે. તેમાં કાંટાળા (ઝેરોફાઈટિક) જંગલો બાવળની કાંટ, ઘાંસિયા વીડી વિસ્તારો, નદી-નાળા કાંઠાના ભેજવાળા "રીવરાઈન" જંગલો, પૂર્વ ગીરમાં ધાવડાનાં જંગલો અને તળાવો (રિઝર્વોયર)નો પણ સમાવેશ થતો હોય છે.
આ રીતે જુદાં જુદાં વનોના પ્રકાર, જમીનની સપાટીમાં ફેરફાર (સપાટ, ઢોળાવવાળી અને ડુંગરાળ જમીન) વરસાદ અને હવામાનના ભેજમાં ફેરફાર, ઈત્યાદીને લીધે ગીરનું વાતાવરણ જુંદા જુદાં પ્રકારના વૃક્ષો, ઘાસ અને છોડવાં, લેવા વગેરે માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર કરે છે. આમ જુદી જુદી "હેબીટેટ" જાતજાતના પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓ માટે યોગ્ય થઈ રહે છે.
ગીરના "બોટાનિકસ સર્વે" દરમિયાન ત્યાં 448 પ્રકારની વનસ્પતિ હોવાનું જાણવા મળ્યું છે. આ વૃક્ષોમાં અગત્યના છે, સાગ, સાદડ, ખેર, હરમો, બાબરખેર, ધાવડો, કડાયો, કાકડ, મોદડ, કલમ, ચરલ, અર્જુન, સાદડ, રોહણ, બોરડી, ઘુટ બોરડી, વડલો, પીપળો, સિરસ, કાળો સિરસ, સફેદ સિરસ, બિયો, કરંજ, મીંઢળ, મડીઠ, સીમલ, બીલી, અરડુસો, સાલેડી, અરીઠા, ગરમાળો, ગોરડ, જાંબુડા, આંબલી, આમળા, દુધલો, કાળુંકડો, ખાખરો, ધ્રામણ, રંગારી કે આલ, ટીમરૂ, આશિત્રો વગેરે વિશેષ છે. વેલાઓમાં અગત્યના એવા માળવેલો, ખેરવેલ, ગળો, વેવડી, કવચનો વેલ, કાળો કટકીયો, કંથાર અને કંથારો વગેરે વિશેષ છે. હવે જોયું ને જુંદા જુંદા ઝાડોનો વિચાર કરતાં થાઓ તો ઘણું લાંબુ લીસ્ટ થાય અને એક વસ્તુનો ખ્યાલ રાખો કે આ દરેક દરેક વૃક્ષ, વેલ, છોડ ગીરની વન્ય સૃષ્ટિમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
પ્રાણીઓ તેના પાન ફળ-ફૂલ, છાલ, મૂળીયા વગેરે દરેક અંગ પર પોતાના ખોરાક, રહેણાંક અને આશરો વગેરે માટે આધાર રાખે છે, એટલે જ આપણે જોઈએ છીએ કે સિંહ-સિંહણ માટે કરમદાંના ઢુવા ના હોય તો ગીર ગીર રહે ખરું ?
હવે જોઈએ વન્ય પ્રાણીઓ તણા અભાયારણ્યોમાં ગીર ભારતભરમાં (અને કદાચ દુનિયાભરમાં) એક જ એવો "પ્રોટેક્ટેડ એરીયા" છે, જ્યાં દુનિયાનાં બે મોટા માંસભક્ષી શિકારી પ્રાણીઓ (પ્રિડેટર્સ) મોટી સંખ્યામાં (ભારતભરમાં સૌથી મોટી સંખ્યામાં) જોવા મળે છે. આમ છેલ્લા વસ્તીના અંદાજ પ્રમાણે સિંહની સંખ્યા 300 ઉપર અને દીપડાની સંખ્યા પણ લગભગ 300ની નજીક પહોંચી ગઈ છે. દેશભરમાં જ્યાં વાઘ-દીપડાની સંખ્યા કૂદકે ને ભૂસકે ઘટતી જાય છે. ત્યારે ગીર એક જ એવું અભયારણ્ય છે, જ્યાં આવો વિક્રામ શક્ય થયેલ છે.
ચિત્તલ-સાંભરની સંખ્યા તો વધવામાં છે જ, પરંતુ બીજા ઓછા ધ્યાનમાં લેવાતા પ્રાણીઓમાં જોઈએ તો 1970ની આસપાસ મગરોનો શિકાર રાજ્યભરમાં ચામડા માટે, મોટા પાયાપર થતો રહેલ. કમલેશ્વર તળાવ એ દેશભરમાં સૌથી વધુ મગરોની સંખ્યા ધરાવતું, એક માત્રા એવું મનુષ્ય રહિત તળાવ છે. ત્યાં મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા 1074 સુધી મચ્છી પકડવાનો કાર્યક્રમ મોટા પાયા પર ચાલતો. તે તાત્કાલિક અસરથી (1974થી) બંધ થતાં મગરોની સંખ્યા વધી છે. આજે ત્યાં 300થી વધુ પુખ્તવયનાં મગરો હોવાનો અંદાજ છે. તેમજ એંસી થી સો જેટલા મગર કમલેશ્વરનાં કાંઠે પોતાનાં ઈંડાં મૂકે છે, છોડીયા ગુનો, બિલિયાટ ગુનો, કનકાઈ, બાણેજ, મચ્છુન્દ્રિ તળાવ, રાવળ તળાવ, મધુવંતી તળાવ બધે જ હવે મગરોએ તેમનો ડેરો નાંખ્યો છે.
રાત્રીનાં ક્યારેક ગીરમાં નિકળ્યા હોવ, ત્યારે ક્યારેક દીપડા જોડે, ઝરખ જોડે ભેટો પણ થયેલ છે. આવું 'થ્રિલ' ભાગ્યેજ ક્યારે નશીબ આવે તેમાંય ક્યારેક શેઢાડી (શાહુડી), ખુરખુર પિંછાડાનાં અવાજ કરતી "ઝીક-ઝાક" ચાલતી જોવા મળે ત્યારે તે ખરેખર દિલ જીતી લે છે. ગીરમાં જોવા મળતી અન્ય ખૂબીઓમાં ઢાલ કચાબો, વીજ કે વેઝુ, જબાદીયું કે ઘોરખોદીયું, અજગર, લીલો કાચિંડો છે. એકવાર તો વાણીયાવાવ નાકે, રાત્રીનાં નાકા પાસેના આંબલીનાં મોટા વૃક્ષ પર વાંદરાઓની ચિચિયારી અને કોલાહલ સાંભળી, ચોક્કસ દીપડો હશે એમ સમજી ત્યાં ના બીજા બે નાકા ગાર્ડ દોડીને ગયા. અને જોયું તો મોટા અજગરે વાંદરાને વીંટાળી નાંખેલો અને ડાળી પરનું સમતુલન ગુમાવીને વાંદરા સાથે વીંટળાયેલ અજગરો બંને જમીન પર પટકાયા.
આ રીતે ગીર પક્ષીઓ માટે પણ પ્રખ્યાત છે. જાતજાતનાં ફ્લાયકેચર્સ, લક્કડખોજ (વુડપેકર્સ), ઘુવડ તેમજ શિકારી પક્ષીઓ વગેરે જોવા મળેશે - પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ "ઈકોસિસ્ટમ" એટલી નાજુક છે કે એક પણ ખોટું પગલું મોટો સર્વનાશ વેરી દેશે. વન્ય પ્રાણીનું આપણું જ્ઞાન વિકસવા લાગ્યું તે પહેલાં આપણે વર્કીંગ પ્લાનના પ્રિસ્ક્રીપ્શન મુજબ જંગલોનું "કલીયર ફેલીંગ" કરી, સાગરના પ્લાન્ટેશ કરેલા અને એમાં મોટા વૃક્ષો કપાઈ જતાં ગીરમાંથી "ચિલોત્રો" અદ્રષ્ય થઈ ગયો અને સાગમાં વધુ થવાથી "પેલેટેબલ" છોડ અને ઘાસની જાતો ઓછી થવા લાગી. ગીરના વનમાં દેશમાં સૌથી વધુ મોર જોવા મળે છે.
ગીરનો આનંદ માણવો છે ? ગીરમાં આગ લાગે ત્યારે માહોલ કાંઈ ઓર જ હોય છે. અન્ય પક્ષીઓ ભાગી જાય ત્યારે કાળિયો કોશિ આગમાં ઝઝુમી જીવડાં પકડતા હોય છે. (એટલે સ્વ. શ્રી ધર્મકુમારસિંહજીને આ પક્ષી વધુ ગમતું) તરત જ આગ પછી બે દિવસમાં તો નવા કુમળા પામ, ડાળીઓ બાવળ, હરમો, આશિત્રો, બરડીમાં ઉગી નીકળે છે, તેમજ કુણી લીલી ઘાસની ફૂટ સૂકા ઘાસના થુમડામાંથી નીકળે છે, તે જ રીતે ડુંગરાપર સિંહ વરસાદમાં બેઠો હોય અને પછી પાણી કાઢવા શરીર જોરથી ઝટકે, અને પાણીના તુશાર ચારે કોર ઉડે એ જોવાનો અનેરો આનંદ કોઈ ઓર જ છે. આગ લાગે ત્યારે કડાયો બહારથી બળતો નથી, પરંતુ તેના થડના અંદરના પોલાણમાંથી આગની જ્વાળાઓ નીકળે છે.
હવે તમે જ કહો કેવું છે મારૂં ગીર ? તમને ગમ્યું કે નહીં ? ગમ્યું ને, તો પછી તમે ગીરમાં જરૂર આવો અને તેને માણવાની અને સમજવાની કોશિષ કરો.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment