(સાદર ઋણસ્વીકાર : ‘પ્રભુની પાસે’માંથી)
- ફાધર વાલેસ
અરીસામાં બરાબર દેખાય એ માટે અરીસો સાફ હોવો જોઈએ. મનમાં ભગવાનનું પ્રતિબિંબ ઝિલાય એ માટે મન પણ સાફ હોવું જોઈએ. એ સરળ વાત ભૂલી જવાથી સાધનાનું અનેક વાર ધાર્યું ફળ આવતું નથી. હૃદય શુદ્ધ ન હોય તો ભગવાનનાં દર્શન કેમ થાય?
ધ્યાનશિબિરમાં ધ્યાનસાધના બરાબર જામી હતી. થોડા દિવસ થયા અને સૌ બનતો પુરુષાર્થ કરી રહ્યા હતા ત્યારે મેં એ વાત મૂકીઃ આપણે સૌ તપ કરીને અને મનનું એકાંત બરાબર સાચવીને ભગવાનને પામવા માટે ઉગ્ર સાધના કરી રહ્યા છીએ. કેટલાકને નવાઈ લાગે છે કે આટલો પ્રયત્ન કર્યો તો ભગવાન કેમ હજી મળ્યો નથી? ભગવાનનો સમય તો ભગવાન જ જાણે, અને એ દરેકની તૈયારી અને અનુકૂળતા જોઈને દરેકની પાસે જુદા જુદા સમયે આવે છે; પરંતુ એના આવવામાં વિલંબ થાય તો એનું એક સામાન્ય ને સંભવિત કારણ એ છે કે આપણું અંતર સાફ નથી. મહેમાન આવે ત્યારે ઘર મેલું હોય તો યજમાન ભોંઠો પડે, એટલે મહેમાનને ખબર પડે તો એ જરા મોડું કરશે જેથી ઘર સાફ કરવાની તક મળે. અને ભગવાનને તો ખબર કે આપણું ઘર કેટલું મેલું છે. એટલે એ આપણને એ તક આપે છે. એ તક લઈને આપણું ઘર સાફ કરી નાખીએ, જેથી મિલનનો આનંદ પછી પૂરો માણી શકીએ.
આપણા મન ઉપર એક અનિષ્ટ બોજો છે એનું કોને ભાન ન હોય? સ્વાર્થની શરમ છે, વાસનાની ભીંસ છે આળસની જડતા છે, ઈર્ષ્યાનું ઝેર છે. એનો અમંગળ સ્પર્શ હૃદય ઉપર છે. એનો ઉદાસ અનુભવ રોજ થયા કરે છે. બોલાવું ન હતું તે બોલાઈ ગયું, કરવું ન હતું તે તે કરાઈ ગયું. અને મનમાં રાખવા ન હતા એવા અઘટિત અશુદ્ધ વિચારો પણ એમને ફાવ્યું ત્યાં સુધી મનમાં જ રહ્યા. લાચારીનો વારસો છે. કર્મનું બંધન છે. માનવપ્રકૃતિની નબળાઆઈ છે.
વ્યસનની આગળ માણસ કેવો લાચાર બની જાય છે! દારૂ કે બીડી કે અફીણ કે સ્ત્રીમોહમાં સપડાયેલા માણસનું કશું ચાલતું નથી એમ એ પોતે કહે છે. હવે એવાં મોટાં વ્યસનો નહિ તો બીજાં નાનાં પણ એટલાં જ હાનિકારક અને જુલમી વ્યસનોમાં આપણે સૌ કંઈ ને કંઈ રીતે ફસાયા નથી શું? મિજાજનું વ્યસન અને સ્વાદનું વ્યસન ને આળશનું વ્યસન ને કૂથલીનું વ્યસન ને દિવાસ્વપ્નનું વ્યસન ને ફેશનનું વ્યસન ને આબરૂનું વ્યસન. જે જે કંઈ વળગી રહે, ચોંટી જાય, કેમે કરીને ન છૂટે અને કંઈ ને કંઈ ન કરવાનું કરાવતું જાય એ વ્યસન છે. એ સૂક્ષ્મ વ્યસનોના આપણે સૌ ભોગ બન્યા છીએ. એ ગુલામી છે. એ પરદેશી શાસન છે.
--------------------------------------
એનું ભાન આપણને થાય એ જાગૃતિનું પહેલું સોપાન છે. આપણામાં એ અશુભ તત્ત્વ છે, એ પાપનાં મૂળિયાં છે. એ પહેલો એકરાર છે. અપ્રિય છે, પણ અનિવાર્ય છે. આ દિવસો તો આપણે સૌ સાથે સાધના કરી રહ્યા છીએ એટલે સાત્વિક વિચારો છે અને પવિત્ર વાતાવરણ છે. તોય અહીંયાં પણ શું કોઈ વાર એવો અનુભવ નથી થતો કે મન ચંચળ થાય, સાધના શુષ્ક લાગે, ધ્યાન અશક્ય બને, ધર્મમાંથી શ્રદ્ધા ઊઠી જાય? માટે અહીંયા પણ એ અમંગળ તત્ત્વ દેખાય છે. એ આપણી જડ પ્રકૃત્તિ છે. એનું ભાન જોઈએ. પછી એનો ઉપાય જોઈએ. આપણે મુક્તિ મેળવવાની છે. તો બંધનના અનુભવ વિના મુક્તિનો અનુભવ કેમ થાય? બંધનમાં છીએ એ એકરાર વિના બંધનમાંથી છૂટવાનો દાવો કેમ કરાય? ભગવાને આપણને નીચે પડવા દીધા એટલા માટે કે ઉપર આવવાનો ઉગારો મળે. ભૂલા પડવા દીધા કે જેથી મિલનની કિંમત સમજાય.
ભૂલો થઈ તો એનું પ્રાયશ્ચિત કરીએ. ઘા પડ્યા તો એની દવા કરીએ. અને દવા કરવા માટે પ્રથમ તો ડોક્ટરની પાસે જઈને એને શરીર બતાવવાનું છે. અહીંયાં દુખે છે, અહીંયાં સોજો છે, અહીંયાં બળતરા છે. ડોક્ટરને મોઘમ તો ન કહેવાય કે ‘દુખે છે,’ પણ ક્યાં અને કેટલા દિવસથી અને કેટલું, અને શું ખાધું અને શું વાગ્યું. બધું કહેવાય. વિગતો અપાય. ને પછી ડોક્ટર નિદાન કરે. દવા લખી આપે. તો એ જ રીતે આપણે ભગવાનની પાસે દિલ બતાવવા માટે જઈએ ત્યારે ફક્ત સામાન્ય નિર્દેશથી “મેં ખોટું કર્યું છે; મને માફી આપજે” એમ ન બોલીએ,, પણ આત્માના જખમ બતાવીને સચોટ ઇલાજ માગીએ. માફી જોઈએ તે શાની જોઈએ? દવા જોઈએ તે શાની જોઈએ? ખોટુ કર્યું તે શામાં ને કેટલું ને કેવું કર્યું ? “મને માફ કરજો” એ કહેવું સહેલું છે; પણ “મારા આ ચોક્કસ અને શરમજનક ગુના માટે માફ કરજો” એ કહેવું સહેલું નથી. પણ ડોક્ટરને કહીએ છીએ. તો ભગવાનને પણ કહીએ.
--------------------------------------
ભગવાનની પાસે માફી આપવા માટે દયા છે, અને દવા કરવા માટે શક્તિ છે. ભગવાન માફ કરે ત્યારે ખાલી ગુનો દરગુજર કરે એમ નથી, પણ ગુનાનું મૂળ ઉખેડી નાખે. એ ફક્ત દેવું માફ કરે એમ નહિ પણ વેપાર-ધંધો ફરીથી શરૂ કરવા નવી મૂડી આપે. ફક્ત મલમપટ્ટા કરે એમ નહિ પણ રૂઝ લાવે, શક્તિ આપે, આરોગ્ય બક્ષે. એ ફક્ત બહારની ભૂલો માફ કરે એમ નહિ પણ અંદર રહેલું વ્યસન પણ મટાડી આપે. એ જ એની કૃપાની ખૂબી છે. તે મૂળ સુધી પહોંચે, અસર કરે, નવજીવન આપે. ભગવાનનો સ્પર્શ છે. પરમ વૈદ્યની દવા છે.
શામાં એ આરોગ્યદાન જોઈએ? શું, અહંકારનો તાવ છે, સ્વાર્થનો સોજો છે, કામવાસનાના ઘા છે ? શાનું વ્યસન છે, શાનું દર્દ છે, શાની ફરિયાદ છે ? જો ફક્ત સામાન્ય વાતો કરશો તો સામાન્ય દવા મળશે, પણ જો વિગતવાર મનની આખી વાત જણાવશો અને દિલનાં દર્દ સમજાવશો તો સચોટ દવા મળશે, રામબાણ ઉપાય મળશે. જે જે અંગમાં વિકાર છે તે બતાવો, આત્માના જે જે પ્રદેશમાં ખામી છે તે ઓળખાવો. એના ઉપર ઈશ્વરકૃપાનો ગુણકારક, વૈદકીય, આરોગ્યદાયક આશીર્વાદ ઊતરવા દો.
--------------------------------------
આ વાત હૃદયના એકાંતમાં એકલા ભગવાનને જણાવી શકાય. ડોક્ટરને ખાનગીમાં મળી શકાય. પણ શિબિરમાં આ સાધનાના કાર્યમાં આપણે બઘા ભેગા છીએ. ચોવીસ જણા છીએ. સહિયારો પ્રયત્ન છે. સમૂહ સાધના છે. એક કુટુંબના સભ્યો છીએ, એક દેહનાં અંગો છીએ. એકનો રોગ બીજાને લાગે; એકની શક્તિ બધામાં ફેલાય. ભગવાનનું કાર્ય આ સમૂહમાં ચાલુ છે. ધ્યાનશિબિર એનું કાર્ય છે એમ પહેલેથી જ આપણે સ્વીકાર્યું છે. પણ કાર્યમાં અવરોધ છે. એ કૃપાના પ્રવાહને આડે પાળ આવે છે. આપણા એ દોષો અને ભૂલો અને ગ્રંથિઓ અને વ્યસનો. એ ભગવાનની કૃપાને રોકે છે. એક અંગમાં લકવો છે એટલે લોહી વહેતું નથી અને આખા શરીરને એનું નુકસાન પહોંચે. એક ભાઈમાં આળસ છે એટલે ભક્તિ વહેતી નથી અને આખા સમૂહને એની આખા સમૂહને એની ખોટ લાગે. સમૂહની પ્રતિજ્ઞા માટે દરેક સભ્યની શુદ્ધિની જરૂર છે.
માટે બધા સાથે આ આત્મવિશ્વાસથી કાર્ય કરીએ. ભગવાનની માફી માગીએ અને એકબીજાની માફી પણ માગીએ. એકનો દોષ બીજાની પ્રગતિને રૂંધે એટલે એ તેનો ગુનેગાર બને, માટે આપણે સૌ એકબીજાના ગુનેગાર પણ છીએ. એકબીજાની માફી માગીએ. એકબીજાને માફી આપીએ. અને જેને નામે એ માફી આપીએ છીએ એ ભગવાનની પાસે બધા સાથે જઈને એની દયા અને એની કૃપા અને એની દવા એકબીજાને માટે અને સૌને માટે માગીએ. આરોગ્યયજ્ઞ છે. શક્તિનું દાન છે. સ્વાસ્થ્યનું વરદાન છે. શ્રદ્ધાથી ને સરળતાથી બધા આ રીતે આત્માની સારવાર કરીશું તો આખા સમૂહમાં તરત ફાયદો દેખાયા વગર નહિ રહે.
--------------------------------------
અને બધાએ એમ જ કર્યું. પ્રાર્થનામાં બેસીને, ભગવાનને ઉદ્દેશીને, નમ્ર ભાવે અને સંક્ષિપ્ત પણ સ્પષ્ટ ઉલ્લેખથી જેનું પ્રાયશ્ચિત કરવું હતું એ બધું કહેવા લાગ્યા. જાણે ગામનો આખો કચરો ભેગો કર્યો. સાફસૂફી થઈ. અને ઘરમાં સાફસૂફી કરીને ને પછી સ્નાન કરીને જે તાજગી અને રાહત અને સંતોષની સાત્વિક લાગણી અનુભવાય છે એ જ લાગણી સૌના દિલમાં અને આખા પ્રાર્થનાખંડમાં પ્રસરી ગઈ. અંગેઅંગમાં સ્ફૂર્તિ હતી. આખા દેહમાં—એટલે કે આખા સમૂહમાં પવિત્રતા હતી. પછી મેં પ્રાર્થના કરી : “હે ભગવાન ! અમને આવડ્યું એ બધું અમે કર્યું છે. હવે તારો વારો છે. અમે દર્દીઓ છીએ : તું ડોક્ટર છે બિમારી માંગીઓ અમે બતાવી છે, અમારી ભૂલો તારી આગળ કબૂલ કરી છે. એનો ઉપાય તારા હાથમાં છે. કરજે. એક વાત સ્પષ્ટ કહું કે અમે પ્રાયશ્ચિત્ત કર્યું છે એ ખાલી માનસિક રાહત મેળવવા માટે તો નથી કર્યું. માનસશાસ્ત્રના નિષ્ણાતો મનની ગ્રંથિઓ છોડવવા મનનો બળાપો કાઢવાનું કહે છે અને ભૂતકાળની ભૂલો વ્યક્ત કરવાનું કહે છે એવો આ પ્રયોગ નથી. આ મનોવિજ્ઞાનનો પ્રયોગ નથી, ધર્મનો પ્રયોગ છે. એનો આધાર વૈદક ઉપર નહિ પણ તારી કૃપા ઉપર છે. તારી ક્ષમા મળશે. તારી પાસેથી એ શુદ્ધિ, એ આત્મબળ, વ્યસનમાંથી એ મુક્તિ મળશે ત્યારે જાણીશું કે તારી શક્તિ સાચી છે અને તારી દયા અપાર છે. અમે બધા એકેએક જણ અને આખો સમૂહ તારે ચરણે છીએ. તારું નામ ઉજાળજે ભગવાન !”
ત્રીસ દિવસની શિબિરમાં એ સાતમો દિવસ હતો. અને સૌના અનુભવમાં જેમાં શિબિરે વળાંક લીધો અને ખરું ચઢાણ શરૂ થયું એવો એ દિવસ બન્યો. નહેર સાફ થઈ એટલે પાણી વહ્યું. રસ્તા સીધા થયા એટલે વેગ વધ્યો. આખો દેહ તંદુરસ્ત થયો. આખો સમૂહ ઉત્સાહમાં આવી ગયો. અને અમને સૌને પ્રતીતિ થઈ કે આ સ્ફૂર્તિ અને આ શક્તિ અને આ સિદ્ધિ અમારા બળથી નહિ પણ અમારું પ્રાયશ્ચિત સ્વીકારનાર કૃપાળુ ભગવાનની દયાથી આવ્યાં હતાં.
0 comments:
Post a Comment