વૈષ્ણવ તીર્થ-ડાકોર


- મીનાક્ષી ઠાકર

(સાદર ઋણસ્વીકાર : ગુજરાતનાં તીર્થધામો માંથી)

ગુજરાતને સીમાડા નથી.
ગુજરાત એક જીવંત અને જાગ્રત અસ્તિત્વ ધરાવતું રાજ્ય છે, જે દ્રઢ સંકલ્પ દ્વારા કાર્ય કરવામાં પોતાનું જીવનસાફલ્ય સમજે છે. ગુજરાત વિસ્તરે છે-જ્યાં ગુજરાતીઓ પોતાની ઈચ્છાશક્તિ અને સંકલ્પબળથી સર્જે છે ત્યાં ! ‘ગુજરાતના ઘડતરમાં પર્વતો, નદીઓ અને તીર્થોએ અનન્ય ફાળો આપ્યો છે. ગુજરાતી સંસ્કૃતિને ઓળખવામાં ગુજરાતીઓ, દેશવાસીઓ અને વિદેશીઓએ માત્ર ધાર્મિક ઉદ્દેશથી જ નહિ પરંતુ પ્રવાસના ઉદ્દેશથી પણ તીર્થધામોની મુલાકાત લીધેલી છે.

ખેડા જિલ્લામાં આવેલા ડાકોરનું રણછોડજીનું મંદિર એક અસાંપ્રદાયિક વૈષ્ણવ તીર્થ છે. શ્રી કૃષ્ણનું દ્વારકા પછીનું અન્ય તીર્થસ્થાન ડાકોર છે. ડાકોર આણંદથી 19 માઈલ દૂર છે. ડાકોર એ વૈષ્ણવ સંપ્રદાયના લોકોનું એક મહાન યાત્રાધામ છે. ડાકોરમાં રણછોડજીનું ભવ્ય અને વિખ્યાત મંદિર આવેલું છે.

એવું કહેવાય છે કે, ડાકોરના મંદિરની રણછોડજીની મૂર્તિ દ્નારકાથી જ આવેલી છે. આમ જોવા જઈએ તો આ ભક્ત બોડાણાની ગૌરવગાથા છે. વજેસીંગ અથવા બોડાણા નામનો એક રજપૂત રણછોડરાયજીનો પરમ ભક્ત હતો. તે ડાકોરનો વતની હતો. રણછોડજીને ચડાવવા માટે એણે પોતાના હાથમાં તુલસી ઉગાડ્યા હતા. એ વખતે મુસાફરીનાં સાધનો નહોતા. પગે ચાલીને જવાનું અને તુલસીનો છોડ હાથમાં રાખવાનો. પ્રભુનો સાક્ષારત્કાર, પ્રભુની સાચા હૃદયથી કરેલી ભક્તિવાળા ભક્તને જ થાય છે. દિલના ભાવ વગરની ભક્તિ લૂખી હોવાથી પ્રભુની ઝાંખી કદાપી થતી નથી.

અદવેષ્ટા સર્વ ભૂતાનાં, મૈત્રી:કરણ એવચ
નિર્મમો નિરહકાર
:સમ દુ:ખ સુખ ક્ષમી,
સંતુષ્ટ સતત યોગી યતાત્મક દ્રઢ નિશ્ચય,
પ્યાર્પિતમનો બુદ્ધિ યોર્મ ભક્ત
: સંપે પ્રિય,
યસ્માન્નો દિજતે લોકો લાકોન્તો દ્વિજતચય

હર્ષામર્ષ યોદ્વેગે મુક્તા ય
:સય મેં પ્રિય.

જે પ્રભુનો ભક્ત સર્વ ભૂતોનો દ્વેષ કરતો નથી, મિત્ર ભાવે વર્તનાર કરુણાશીલ, મમતા વિનાનો, અહંકારમુક્ત, સુખ દુ:ખમાં પ્રભુની કૃપા માનનાર ક્ષમાશીલ, સદા સંતોષી, યોગી-નિષ્ટ મનને વશ કરના, દ્રઢનિશ્ચયી પ્રભુમાં સ્થિર મનવાળો હોય તે પ્રભુને અતિપ્રિય હોય છે. આવા પરમ ભક્તો લાખોમાં કોઈ જવલ્લે જ હોય છે, તેનાં માટે પ્રભુને અન્નય ભાવ ઊભરાયા વિના રહેતો નથી. તેવા ભક્તને આધીન ભગવાનને થવું પડે છે. આનો પ્રત્યક્ષ પુરાવો ડાકોરજીનો છે.

આમ સાચા ભક્ત બોડાણા વરસો સુધી ડાકોરથી ચાલીને દ્વારકા જતા, એમ કરતાં એ વૃદ્ધ થયા, ચાલીને દ્વારકા સુધી જવાની તાકાત તેનામાં રહી નહિ, એટલે રણછોડરાયે એમને સ્વપ્નમાં દર્શમ દીધાં અને દ્વારકાથી ડાકોર આવવાની ઈચ્છા દર્શાવી. આથી વજેસીંગ ગાડું લઈને દ્વાકા ગયા અને ત્યાંથી રાત્રે ભગવાનની મૂર્તિ ગાડામાં મૂકીને ડાકોર તરફ ભાગવા માંડ્યું. સવાર થતાં દ્વારકાધીશના પૂજારી ગૂગળીઓને ખબર પડી એટલે તેઓ કાબાઓને લઈને બોડાણાથી પાછળ પડ્યા. પરંતુ ભક્ત બોડાણા તો મળસકુ થતાંમાં ડાકોર પહોંચી ગયા. સ્તામાં ઉમરેઠ અને ડાકોર વચ્ચે જ્યાં તેમણે ગાડું ઊંભું રાખેલું ત્યાં ભગવાનના પગલાં છે. અને ત્યાં લીમડાના ઝાડની ડાળ ભગવાનને ઝાલેલી તેથી એ લીમડાની ડાળ મીઠી થઈ ગઈ હતી. તેમ કહેવાય છે. ડાકોર આવી ભગવાને કહ્યા પ્રમાણે રણછોડરાયની મૂર્તિ ગોમતી તળાવમાં પધરાવી દીધી. દ્વારકાથી આવેલા ગૂગળીઓ પાછા ન ગયા અને તળાવકાંઠે ઉપવાસ કરતા બેઠા. આથી રણછોડરાયજીએ સ્વપ્નમાં કહ્યું કે, મારા વજન જેટલું સોનું બ્રાહ્મણોને આપી વિદાય કરી દો. પરંતુ આ ગરીબ ભક્તના ઘરમાં સોનું ન હતું, છતાં પણ ભગવાનના આગ્રહથી ભક્તવત્સલ ભગવાન સોનાની વાળી બરાબર વજનમાં થયા અને દ્વારકાથી આવેલા બ્રાહ્મણોને કહ્યું કે,
દ્વારકામાં દામોદર વાવમાં હું આ જ સ્વરૂપે જ છું. મને એ વાવમાંથી કાઢીને દ્વારકાના મંદિરમાં પધરાવો.

વાત સાચી નીકળી, દ્વારકા અને ડાકોર બંને મૂર્તિઓ એકસરખી છે. દ્વારકાની મૂર્તિને પણ રણછોડરાયજી કહી સંબોધવામાં આવે છે.

ખેડા જિલ્લાના બોમ્બે ગેઝેટિયર્સમાં જણાવ્યું છે કે, ડાકોરમાં લવાયેલી મૂર્તિ ઈ.સ. 1155માં આવી, જ્યારે સદગત તનસુખરામ મનસુખરામ ત્રિપાઠીએ ઈ.સ. 1800ની સાલ આપી છે. પરંતુ કવિશ્રી ગોપાળદાસ જણાવે છે કે, સંવત 1212ની કાર્તિકી પૂર્ણિમાએ આ મૂર્તિ ડાકોરમાં લાવવામાં આવી હતી.

એમ માનવામાં આવે છે કે, ઠાકોરનં હાલનું મંદિર સતારાના વતની અને પેશવાના શરાફ ગોપાલ જગન્નાથ તાંબેકરે ઈ.સ. 1772માં એક લાખ રૂપિયાનો ખર્ચ કરી બંધાવ્યું હતું. (ગુજરાત સર્વસંગ્રહ)

ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર ઘણું મોટું છે અને 18મા શતકના મંદિરના નમૂનારૂપ છે. તેને પશ્ચિમે અને ઉત્તરે બે દરવાજા છે. મોટા દરવાજાની અંદર પ્રવેશીએ તો વિશાળ ચોકની વચ્ચે મંદિર દેખાય છે. આ મંદિરનાં થોડા પગથિયાં ચઢીને સભામંડપમાં જતાં રણછોડરાયજીનાં દર્શન થાય છે. રણછોડરાયજીની અને દ્વારકાધીશની બંનેની મૂર્તિઓ એકસરખી છે. બંનેને ચાર હાથ છે. ડાબી બાજુના ઉપરના હાથમાં ચક્ર અને નીચેના હાથમાં શંખ છે, જમણી બાજુના ઉપરના હાથમાં ગદા અને નીચેના હાથમાં પદ્મ છે. મંદિરની દક્ષિણે શયમગૃહ છે જ્યાં ગોપાળલાલજી અને  લક્ષ્મીજીની મૂર્તિઓ છે. રણછોડરાયજીના મંદિરની સામે થોડે દૂર ગોમતી નામનું એક તળાવ છે. તેનો ઘેરાવો ચાર ફર્લાંગ લંબાઈમાં અને એક ફર્લાંગની પહોળાઈ છે. એના કિનારા પાકી બાંધણીના છે. તળાવમાં થોડે દૂર એક પુલ બાંધેલો છે. અને એ કિનારા પર નાના મંદિરમાં જ્યાં રણછોડરાયને ત્રાજવામાં તોળ્યા હતા ત્યાં તેમની ચરણપાદુકાઓ છે અને ઘાટ પર શ્રી ડંકનાથ મહાદેવ તથા ગણપતિનાં મંદિરો છે. ગોમતી તળાવ પર પશ્ચિમ બાજુએ ત્રિકમજીનું મંદિર છે, લક્ષ્મી મંદિર છે, તેની પાસે જ ભક્ત બોડાણ તથા તેમનાં પત્ની ગંગાબાઈનાં મંદિરો છે. કવિ ગોપાળદાસે ગાયું છે કે,
ધન્ય બોડાણો ધન્ય એ જાત, ધન્ય નગરી વંદેશ ગુજરાત, ધન્ય પરગણું, ધન્ય એ ગામ, ધન્ય ગોમતી ડાકોર નામ!

ડાકોરમાં નાનાં મોટાં ઘણાં મંદિરો છે, ડાકોર મંદિરનું સુવર્ણ સિંહાસન જોવાલાયક છે, દર માણેકઠારી પૂનમે અને જન્માષ્ટમીએ દ્વારકાની જેમ ડાકોરમાં મોટો મેળો ભરાય છે. એ દિવસે લાખો લોકો દર્શન કરે છે, સાથે સાથે સાકર, માખણ અને તુલસી ભેટ ધરે છે. સાંપ્રદાયિક કરતાં વિશેષત
: સાર્વજનિક ગણાતું આ મંદિર શિખરબંધ છે. વચલું શિખર ખૂબ ઊંચું છે અને વિશાળ છે. સુવર્ણના સિંહાસનમાં બિરાજતી રણછોડરાયજીની મૂર્તિ કાળા પથ્થમાંથી બનાવેલી છે. એક મીટર ઊંચી અને અડધો મીટર પહોળી છે.

ડાકોર તીર્થમાં રહેવા માટે અનેક ધર્મશાળાઓ છે, દામોદર ભવન, મોરાર ભવન, વલ્લભનિવાસ, અને અદ્યતન હોટલો પણ છે. ડાકોરમાં રથયાત્રાને દિવસે તથા દર શુક્રવારે વરઘોડો નીકળે છે. દ્વારકાની જેમ ડાકોરમાં પણ આદ્ય શંકરાચાર્યનો મઠ છે. દ્વારકાની ગાદીનો જ આ ફણગો છે.

ડાકોરથી 11 કિ.મી. દૂર સલુન્દ્રા નામે ગામ છે, જ્યાં ઠંડા અને ગરમ પાણીના કુંડ છે. આસપાસનાં જોવા લાયક સ્થાનોમાં મહિ અને ગળતીના સંગમ પર સુંદર પિકનિક સ્થળ ગલતેશ્વર છે. અહીંયાં ગલતેશ્વરનું કલાપૂર્ણ મંદિર પણ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ મહત્વનું છે. કારણ રાજા ચંદ્રહાસની રાજધાની અહીં હતી. ડાકોરના વાયવ્ય ખૂણામાં સૂઈ નામનું ગામ છે ત્યાં સુરેશ્વરધામ નામનું મહાદેવનું મંદિર છે. પૂર્વ દિશાએ રક્ષાપુર ગામ છે જ્યાં રણમુક્તેશ્વર મહાદેવ નામનું મંદિર અને ગાલવ ઋષિનો આશ્રમ છે.

સમગ્ર ભારતવર્ષમાં ઠેકઠેકાણે નાનાં મોટાં મંદિરો, દેવાલયો, દેરીઓ પથરાયેલા છે. વૈષ્ણવો, શૈવો, માતાજીના ભક્તો તેમજ જૈન, અને બુદ્ધના પણ અનુપમ કારીગરીથી ઓપાતાં મંદિરો છવાયેલાં છે.

ડાકોર વિશે ગુજરાતની અસ્મિતાને જણાવતાં જૂના કવિએ ગાયું છે કે,
જે કો કાશી કેદાર જાય, ડાકોર જઈને ગોમતી નહાય, જે કોઈ રાખશે એનો વિશ્વાસ, મનના મનોરથ પૂરશે આશા.

0 comments: