ગ્રુપ ફોટાનાં ગમ્મતગુલાલ


- બકુલ ત્રિપાઠી

(સાદર ઋણસ્વીકાર : બકુલ ત્રિપાઠીનું તેરમું પુસ્તકમાંથી)

આ સંસારમાં ગ્રુપ ફોટા પાડવાને પડાવવા એ બેઉ ભારે ગમ્મતની વસ્તુ છે ! ખરેખર ગ્રુપ ફોટો પાડવો એ તો મુસીબતનું કામ છે જ ! ગ્રુપ ફોટો પાડવાનો એક સરસ અનુભવ મને એક વાર માથેરાનમાં થયેલો.

એક દિવસ હું એકલો ફરતો હતો ત્યાં એક પારસી બિરદરે આવીને ને પૂછ્યું : ‘તમને ફોટો પાડતાં આવડે છે ?’ મેં કહ્યું, આવડતું તો નથી પણ આત્મશ્રદ્ધા છે કે આવડશે !’ ‘કંઈ વાંધો નહીં એમણે કહ્યું, એમાં કંઈ જ અઘરુ નથી. આમ કેમેરા ગોઠવીને આમ ફોક્સ લેવાનું ને પછી જરા લાઈટ એન્ડ શેડનું ધ્યાન રાખીને બસ, સ્વીચ દબાવી એટલે ઓવર.
એ તો આવડે. મેં કહ્યું.

તો પછી એક ફેવર કરશો ? એમારે ફેમિલીગ્રુપ લેવું છે. હું ફોટો લેવામાં રોકાઉં તો મારા વિનાનું ફેમિલીગ્રુપ આવે તે પૂરું નહીં કહેવાય. મીનું ફોટો લે તો એના વિનાનું આવે...
...તે બી પૂરું નહીં કહેવાય, ખરુંને ?’ મેં વચ્ચે કહ્યું, પણ હું ફોટો લઉં તો પૂરું ગ્રુપ કહેવાય કેમ ?’
હાજી, એટલે તો તમને રિક્વેસ્ટ કીધી. બસ, એક જ મિનિટ સ્પેર કરશોજી ?’
પછી મેં રિક્વેસ્ટ સ્વીકારી ફોટો પાડ્યો. પચ્ચીસેક મિનિટ સ્પેર કરવી પડી. અડધી મિનિટ ફોટો પાડવાની અને સાડીચોવીસ મિનિટ ફોટા માટે બધાં ગોઠલાયાં તેની. કોણ બેસે ? કોણ ઊભું રહે ? ઘરડાં જમશેદજી અને સીલાંમાય બેસે અને યંગ કપલ ઊભાં રહે એમ સાવકનું કહેવું હતું અને સાવક અને કીટી બેસે એમ જમશેદજી ને સીલાંમાયનું કહેવું હતું. બે જણ બેસીને મોં પર સ્મિત લાવીને તૈયાર થઈ જાય ત્યાં સુધી બીજાં બે જણની ગોઠવણી ચાલે. એ ગોઠવણી ચાલે. એટલામાં પેલાં બે જણ થાકી ગયાં હોય એટલે એ હસતું મોં રાખવામાંથી આરામ લે અને બીજા બે જણ હસતું મોં રાખી. પોઝ આપીને ઊભાં રહેવાનું શરૂ કરે. એક બીજો ભાઈ જરાક વધારે ઊંચો હતો. એ જમણે ડાબે, આગળ પાછળ પોતે ક્યાં શોભશે એ ચિંતામાં ગાભરો ગાભરો થઈને જગ્યાઓ જ બદલ્યાં કરતો હતો, તો એક બાજુ પર પહેલેથી ગોઠવાઈ ગયેલા એક ભાઈ જમણા પગ પર ભાર રાખીને ઊભા રહેવું કે ડાબા પગ પર ભાર રાખીને ઊભા રહેવું એ નક્કી ન કરી શકવાથી બન્ને પગ પર વારાફરતી ભાર રાખીને ઊભા રહેવાના પ્રયત્નો કર્યા કરતો હતો, એટલે લાગતો હતો જાણે ઝૂલતો મિનારો. અને એક માજી તો સળંગ સુલુ કેમેરા સામે જોની બેટા... અરદેસર... અદી બેટા હસ જોઉં... એમ બગડેલા બટાટા જેવું મોં ના રાખીએ... દીકરા સાવક, એમ નાક પર આંગળી નહીં ઘસિયાં કર... વગેરે સૂચનાઓ જ આપ્યાં કરતાં હતા.

ઘણા ખરા ગ્રુપ ફોટામાં આવું જ થાય છે. ગ્રુપ ફોટામાં, પછી ભલેને એ કોલેજના વિદ્યાર્થી સંઘની કારોબારીનો હોય કે સેવા કે સંસ્કાર મંડળનો હોય, માનવભાવોની વિવિધતાનું સરસ પ્રદર્શન જોવા મળવાનું. ખરેખર હસતા, હસવાનો પ્રયત્ન કરીને હસતા દેખાતા, હસવાનો પ્રયત્ન કરવા છતાં રડતા હોય એવા દેખાતા, હસવાનો કે રડનો કશો જ પ્રયત્ન કર્યા વિના જન્મજાત શક્તિથી જ રડતા હોય એવા દેખાતા, રિસાયેલા ને ચિઢાયેલા, અહા, વર્ષ આખી જેની રાહ જોઈ હતી તે દિવસ આવ્યો, એમ વિચારતા હોય એવા મુગ્ધતાના ભાવવાળા, મને બેસાડ્યો છે બાજુએ, પણ હું ઓછા મહત્વનો માણસ નથી હોં ! એ તો મંત્રીએ અદેખાઈને કારણે અહીં બેસાડ્યો છે. એવું દર્શાવવા માટે અતિ-અતિ-અતિ ગૌરવનો ભાવ મોં પર લાવીને બેઠેલા, વટ પડે છે ને આપણો ! એમ ત્યારે !’ એવા સંતોષયુક્ત ભાવવાળા, ફોટોગ્રાફરે ક્યારે ચાંપ દબાવી એનું ધ્યાન ન રહેવાને કારણે જેની સામે જોઈએ છીએ એનું ન દેખાવું જોઈએ એની સામે ત્રાંસી આંખે જોઈ રહેલા એવા અનેક ચહેરા ગ્રુપ ફોટામાં જોવા મળે છે.

એકલા ફોટો પડાવીએ છીએ ત્યારે તો ઠીક હોય છે કે માત્ર આપણી અનુકૂળતા જ જોવાની હોવાથી, બરબર યોગ્ય ભાવ મોં પર આને ત્યારે જ ચાંપ દબાવડાવી શકા છે. પણ ગ્રુપ ફોટોમાં સગવડ તો પછી બધાની જોવાવાની. ફોટોગ્રાફર રેડી કહે કે તરત આપણે મોં પર સ્મિત લાવી દઈએ છીએ. પણ એ કલાકાર બીજા કોઈના મોંને સહેજ ઊંચું, સહેજ નીચું, હાં, હજી સહેજ નીચું, ના, ના, એટલું, બધું નહિ, સહેજ ઊંચું, કહેવામાં, વળી કોઈને જરાક હસતું મોં રાખો, હોં એવી સૂચના આપવામાં, એકાદ જણને નીચેની ઊઠાવી મૂકી પાછળ ઊભા રાખવામાં, બીજા કોઈ પાછળ ઊભેલા બે જણને જેમની જોડે ઊભા રહેવું હોય છે એમની પાસેથી વિખૂટા પાડી, જેમની પાસે ઊભા નથી રહેવું હોતું એવા પાસે ગોઠવવામાં, એ ગોઠવણીથી કચવાયેલાં દિલોને ઘા પર મીઠું ભભરાવતો હોય એમ સરસ લાગે છે એમ કહી દિલગીરીમાંથી વધુ દિલગીરીમાં ડુબાડવામાં, વગેરે કાર્યોમાં પાંચપંદર મિનિટ કાઢી નાંખે છે. દરમ્યાનમાં આપણાં મોં પરનું સ્મિત થાકીહારીને બગીચાના ફૂલને બદલે ચીનાએ બનાવેલા કાગળના ફૂલ જેવું થઈ જાય છે.

ને તોય આપણને સોને ફોટો પડાવવો ગમે છે. કદાચ કોઈ કોઈને નહીં ગમતો હોય, પણ મોટા ભાગનાને તો ગમે છે. એક કવિ હતા. એ ફોટો પડાવવાની વિરુદ્ધ હતા. એમણે ફોટો નહીં પડાવવા માટે કારણ પણ આપેલં :
તસ્વીર-એ-ગુલમે કભી
બૂ-એ ગુલ આઈ નહીં,
ઈસ લિયે તસવીર યારોં,
હમને ખીંચવાઈ નહીં !
ગુલાબના ફૂલની તસવીરમાં ગુલાબની સુંગધ નથી. આવતી. એટલે સ્તો કવિ કહે છે, અમે ફોટો પડાવતા નથી.

મને લાગે છે, કવિનું આ બહાનું ખોટું છે કવિ દેખાવમાં ગુલ જેવા નહીં હોય, ઇશ્વરની ભૂલ જેવા હશે, એટલે જ ફોટો પડાવવાની ના પાડતા હશે. બાકી ભાઈ, આપણે ખરેખરા છીએ એવા ફોટોમાં નથી દેખાતા એટલે તો કંઈ ફોટો પડાવવાની ના પાડી દેવાતી હશે ? અરે, તસવીર-એ-ગૂલમે બૂ-એ ગુલ આવતી નથી એ જ તો ફોટોગ્રાફીની કળાનું મોટામાં મોટું સુખ છે. કારણ આપણે બધાં ગુલ નથી તો ! આપણો ખરેખરો સ્વભાવ, ખરેખરી લાગણી, ખરેખરું અને પૂરેપૂરું વ્યક્તિત્વ હમેશાં ફોટામાં આવી જતું નથી એ જ સારું છે. જો એવું થતું હોત તો ફોટા પડાવવાની હિંમત જ આપણે કોઈ ના કરત ને ? કેમેરા જેટલો સાચો છે એટલો જ જૂઠો છે. એ સપાટી જુએ છે, અને ખૂબ ઝીણવટથી જુએ છે એટલા પૂરતો એ સાચો છે. પણ માત્ર સપાટી જ જુએ છે અને બીજું કંઈ નહિ, એટલે એ જૂઠો પણ છે અને એ એટલો જૂઠો છે એ ઘણી વાર લાગે છે ઠીક જ છે.

આમ એ કવિ સિવાય સૌ ફોટો પડાવવાની બાબતમાં એકમત છે. કબૂલ કરો કે નહિ, પણ (પોતે સારા દેખાય એવો ફોટો પડાવવાનો સહેજ પણ સંભવ હોય તો) સૌને ફોટો પડાવવો ગમે છે ! દરેક જણ તક મળતાં જ ફોટો પડાવે છે. ઘણી વાર એ ખબર પણ આવે છે. આના કરતાં જ ફોટો ન પડાવ્યો હોત તો સારું એમ વિચારીએ છીએ. અને પછી તક મળતાં જ ફરીથી ફોટો પડાવવા બેસી જઈએ અથવા તો ઊભા રહીએ છીએ !
એટલે જ મને થાય છે કે ફોટો કેમ પડાવવો એ વિષે કોઈએ પુસ્તક લખવાની જરૂર છે ! એમાં મોં કેવી રીતે હસતું રાખવું અને નજર ક્યાં ઠેરવવી એની અમૂલ્ય સૂચનાઓથી માંડીને તે લગ્ન વખતે બી. એ.ની ડિગ્રી લેતી વખતે કે પહેલી વાર પ્રમુખ થતી વખતે ફોટો પડાવવામાં મોં પર કયા ભાવ લાવવા અને કેવી રીતે એની વિશદ ચર્ચા કે લેખક દેખાવું હોય, ફિલ્મ એક્ટર દેખાવું હોય, હોઈએ એના કરતાં મોટા દેખાવું હોય, હોઈએ એના કરતાં નાના દેખાવું હોય, વગેરે વગેરે સંજોગોમાં કેવી રીતેનો ફોટો પડાવવો એ અંગેની ઉદાહરણ સહિતની વિચારણા અથવા તો મંડળના ગ્રુપ ફોટામાં કેવી રીતે આગળ જગ્યા પચાવી પાડવી, નાના ફોટામાં બહુ માણસો હોય ત્યારે છેલ્લી ઘડી બે જણના ખભા પકડી, સહેજ ઊંચા થઈ, દાર્જલિંગમાં હિમાલયનાં શિખરો વચ્ચેથી ઊગતા સૂર્યમી જેમ આપણું ડોકું કેવી રીતે આગળ લાવી દેવું, કોઈનો ફોટો લેવાતો હોય (પ્રમુખનો, વક્તાનો કે નેતાનો) વગેરે વગેરે અનેક વસ્તુઓ સમાવી શકાય. મને તો આવું પુસ્તક કોઈ બહાર પાડે તો ગમે. વાંધો એક જ વાતનો છે કે જો બધા જ ને ખરેખર સ્વસ્થતાથી ફોટો કેમ પડાવવો એ આવડી જશે તો... ફોટા પાડતી વખતે, ખાસ કરીને ગ્રુપ ફોટા પાડતી વખતે, જે ગમ્મત ઊભી થાય છે તે નહીં થાય !

0 comments: