- બકુલ ત્રિપાઠી
(સાદર ઋણસ્વીકાર : ‘બકુલ ત્રિપાઠીનું તેરમું’ પુસ્તકમાંથી)
‘પ્લીઝ’ શબ્દ અંગ્રેજીમાં છે.
મને એ શબ્દ બહુ ગમે છે. તમે એને ગમાડતા થઈ જાઓને – પ્લીઝ !
કારણ પ્લીઝ શબ્દ એ લ્યુબ્રિક્નટ જેવો છે. એ માનવ વ્યવહારને સુંવાળો કરે છે. જેમ મશીનના વિવિધ ભાગો ઘર્ષણ અનુભવે, લાંબે ગાળે ઘસાઈ જાય, મશીન બગડે કે તૂટી જાય, તમે માનવ વ્યવહારમાં પણ વારંવાર વાણીઘર્ષણ ચાલ્યાં કરે છે.
દાખલા તરીકે આ સંવાદ...
‘આઘો ખસ !’
‘તું મને કહેનારો કોણ ? રસ્તો તારા બાપનો છો ?’
આ સંવાદ માનવ સંબંધોનો પ્રતિનિધિરૂપ સંવાદ છે. ભારત દેશનો તો ખાસ પ્યારો સંવાદ છે.
હવે જેમ ડાયાબિટિસવાળાને ઇન્સ્યુલીનનું ઇજેક્શન આપવાની એના લોહીમાં ખાંડનું મીઠાશનું પ્રમાણ સરખું થઈ જાય છે તેમ આ સંવાદને ‘પ્લીઝ’ નામના ઇન્સ્યુલીન સાથે બોલવાથી પરિસ્થિતિ એકદમ સુધરી જાય છે.
‘જરા બાજુએ જશો ? પ્લીઝ !’
‘હેં ? હા... હા... સોરી... હોં... હા... હાં...’
આમ એકદમ જ સંવાદનું સ્વરૂપ બદલાઈ જાય છે. અથવા જુઓ, આ બીજી ઘરગથ્થુ દાંપત્ય પરિસ્થિતિ.
‘એ ચ્હા બનાવજે... મારે મોડું થાય છે.’
‘મોડું થાય છે તે તમારે એકલાને થાય છે ? મારેય કંઈ કામકાજ હોય કે નહીં ? બેસો જરા ! હમણાં ચ્હા આપં છું ! ના રહેવાતું હોય તો હોટલમાં પી આવો ! આખો દા’ડો ઓર્ડરો કરતા જ શીખ્યા છો.બૈરી એટલે તો જાણે ગુલામ....’
(ખાસ નોંધ : આ વાણીપ્રવાહ હજી ઘણો વધુ લાંબો ચાલતો હોય છે, જીવનમાં ! પણ સમય અને કાગળની કરકસર ખાતર સંવાદ અહીં આપણે આગળ ચલાવતા નથી.)
હવે આ સંવાદમાં કઢીમાં જેમ મીઠોલીમડો નાખીએ છીએ કે ચ્હામાં જેમ ફૂદીનો નાંખીએ છીએ તેમ ‘પ્લીઝ’ નાખો !
‘જીવનસખી ! પ્લીઝ તમે મુક્ત હો તો શ્રમ લઈને તમારા આ પ્રિય પતિ માટે મીઠી મધુરી ચ્હા બનાવી લાવશો, પ્લીઝ...’
ના, હોં ! વાચક મિત્ર ! આ તો ચ્હામાં વધારે પડતી ખાંડ નખાઈ ગઈ ! તમારી પ્રિયા કાં તો આંખો વિસ્ફારિત કરીને તમારી સામે જોઈ રહેશે કાં તો આ સાંભળતાં એ ખુશ થવાને બદલે એનું મગજ છટકશે અને એ ગાંડાની ઇસ્પિતાલવાળાને ફોન કરવા દોડશે. ‘મારા વરનું ચસક્યું છે ! નાટકવાળા જેવું બોલે છે ! જલદી આવો ! એકદમ જલદી !’
એટલે માત્ર પ્રમાણસર ‘પ્લીઝ’ ઉમેરીને આપણે વાત આગળ ચલાવીએ.
‘પ્લીઝ, સાડા સાત વાગ્યા, હવે જો કદાચ તમે ચ્હા બનાવી હોય તો... પ્લીઝ...’
કટ !
આ સંવાદમાં અવાસ્તવિકતા એટલી જ કે આ છૂપા આક્ષેપ સાથેની વિનંતી પછી પત્ની ચ્હા બનાવી આપે એ શક્ય છે. બરાબર છે. પણ પોતે હજીય ચ્હા નથી બનાવી. એવી ફૂવડ છે એ ગર્ભિત સૂચન એને નહીં ગમે અને મોઢું ચડાવશે. સતીઓના ઓરીજીનલ મોડેલ હવે બજારમાંથી અદ્રશ્ય થઈ ગયાં છે. તમારા કોઈ કાકા, મામા કે ફુઆને ત્યાં કદાચ એકાદું મ્યુઝિયમ મોડેલ પડ્યું હોય તો જુદી વાત !
તો આપણે વાત કરતા હતા ‘પ્લીઝ કહેવાની !’
પ્લીઝ શબ્દ આમ તો ઘણો ઉપયોગી છે, જો સમજપૂર્વક વપરાય તો.
જો કે પ્લીઝ નહીં કહેવાના કેટલાક લાભ છે એ પણ ભૂલવું ન જોઈએ.
દાખલા તરીકે પેલો અગાઉનો પહેંલો સંવાદ લો.
‘એય, આઘો ખસ !’
‘તું મને કહેનારો કોણ ? રસ્તો તારા બાપનો છે?’
આ સંવાદ પદ્ધતિ વિશિષ્ટ ભારતીય પદ્ધતિ છે અને એના કેટલાક લાભ અવશ્ય છે.
(1) ‘આઘો ખસ’ બોલનારાના મનમાં શક્તિશાળી હોવાનો ભાવ ઊભો થાય છે આપણા દેશમાં દરેક માનવી પોતાને વિષે ત્યારે જ ગૌરવ અનુભવી શકે છે જ્યારે એ બીજાના ગોરવનો ભંગ કરે છે ત્યારે ! કોઈનેય તુચ્છકારથી ‘આઘો ખસ’ એવું કહેવાથી આપણે આપણો આત્મા એ જ પરમાત્મા છે એવું ગૌરવપીર્વક અનુભવી શકીએ છીએ.
હવે પેલાનો જવાબ જુઓ.
‘તું મને કહેનારો કોણ ?’ આવો જવાબ દેખીતો તોછડો લાગે છે પણ ખરેખર એ ‘સર્વમાનવી સમાન છે’ એ ભાવના વ્યક્ત કરે છે. કોઈ કોઈને કશું જ કહી ન શકે એવા ભરપૂર સ્વાતંત્ર્યનો આદર્શ આ વાક્યમાં છે. ‘તું મને કહેનાર કોણ ? કોઈપણ મને કહેનાર કોણ ? હું સર્વ શક્તિમાન છું. સર્વોચ્ચ છું. શ્રેષ્ઠ છું. શું સમજ્યો ? ડફોળ !’ આવો આ શબ્દોનો વાજબી ભાવાનુવાદ કરી શકાય ! અને એમાં જ્યારે ઉભરાય છે આ શબ્દો – ‘રસ્તો તારા બાપનો છે ?’ ત્યારે તો એક એકસ્ટસી ઉન્નત આનંદક્ષણ પ્રગટે છે ! રસ્તો તારા બાપનો નથી, ભલે મારા બાપનો નથી, પણ તારા બાપનો તો નથી જ. અને કદાચ મારા બાપનો હોય પણ ખરો, પણ તારા બાપનો તો નથી નથી ને નથી જ ! આ નિવેદન તમારા મનમાં જાણે અશ્વમેઘ યજ્ઞનો તમારો ઘોડો પેલાના પાટનગરના રાજમાર્ગ પરથી ગૌરવભેર દોરી જાવ છો એવો સૌર્યસંતોષ તમારા મનમાં જગવે છે.
આમ પ્લીઝ નહીં કહેવાના પણ માનસિક ફાયદા છે જ.
પરંતુ જેણે પ્લીઝ વાપરવાનું હોય એવા નમ્ર લોકોને માટે સગવડ કરવા ‘પ્લીઝ’ શબ્દને આપણે માત્ર અંગ્રેજી ભાષાનો નહીં પણ વિશ્વભાષાની શબ્દગણતા થઈ જવું જોઈએ. પ્લીઝ એ મૂળભૂત માનવ ભાષાનો શબ્દ છે. ઈશ્વરે માણસ સજર્યો અને એનામાં સ્વાર્થી વૃત્તિઓ અને લડાયકવૃત્તિઓ પ્રગટેલી જોઈ પછી ઈશ્વરને જરા પસ્તાવો થયો ! અરે મેં ક્યાં આ બાફી માર્યું ? પણ પછી પ્રાયશ્ચિત તરીકે એણે માનવજાતના સંઘર્ષો નાબૂદ તો ન થાય તો પણ ઘટાડવા માટે બે શબ્દો આપ્યા, એક શબ્દ તે ‘પ્લીઝ...’
અને બીજો શબ્દ તે.... ‘સોરી’!
‘સોરી’ શબ્દ ઘણો ભયંકર છે !
બીજાને માટે ભયંકર નહીં, આપણે પોતાને માટે ભયંકર !
કશુંક કંઈક બીજાને અગવડભર્યું આપણે કરી બેસીએ છીએ પછી એને ‘સોરી’ કહીએ છીએ ત્યારે પેલાને સારું લાગે છે. જાણે આપણે એના ઘા પર મલમ લગાડતા હોઈએ એવું લાગે છે. ગુનો થતા તો થઈ ગયો, ઈજા કરતાં તો કરાઈ ગઈ, કડવું બોલતાં તો બોલાઈ ગયું પણ હવે સોરી ! હું દિલગીર છું ! ક્ષમા કરો !
આપણા રોજિંદા જીવનમાં આપણે એકબીજાના સન્માનને અભિમાનને ઈજા તો કરીએ છીએ જ. પણ આ ઈજાઓ માનસિક વધારે હોય છે. કંઈ આ એટલી બધી ભયંકર હોતી નથી. જો થોડી વારે ‘સોરી’ કહી દઈએ તો ઝઘડો પતી જાય છે. આમેય સંબંધ તોડી નાખવાનું તો બેમાંથી કોઈનેય પોસાવાનું નથી, તો પછી શા માટે નાની નાની તકોને સોરીના ફેવિકોલ કે સિનેસોલથી સાંધી ન દેવી ? જિંદગી આખી કંઈ રિસાયેલા ચિઢાયેલા રહેવાવાનું નથી !
પશ્ચિંમમાં આ વિવેક ઘણો ખીલ્યો છે.
પણ આપણે ભારતીય સંસ્કૃતિના ચાહકોએ ‘સોરી’ની ટેવ પાડવા જેવી નથી ! સોરી કહેવામાં એક ફાયદો છે. સામાને સારું લાગે તે ! પણ એક ગેરફાયદો છે, આપણી વાણિયા મૂછ નીચી થાય તે ! આપણો અંદરનો અહંકાર ઘવાય છે સોરી કહી દેવામાં. અંતે આપણા બિચારા અહંની આપણે દરકાર નહીં કરીએ તો બીજું કોણ કરશે ? આપણા અહંકારને બિચારાને આપણે નહીં પંપાળીએ તો કોણ પંપાળશે ?
માટે કોઈનેય સોરી કહેવાની ફરજ આપણે આપણી જાતને પાડવી નહીં !
પશ્ચિમમાં સોરી ખૂબ પ્રચલિત છે. આપણે ત્યાં ‘માફ કરો’, ‘ક્ષમા કરો’ ‘હું દિલગીર છું.’ ન છૂટકે જ બોલાય છે ! આપણે જાણીએ છીએ કે આપણા હૃદયમાં પરમાત્મા વસેલો છે અને આપણે પારકાને સોરી કહીએ છીએ ત્યારે આપણી અંદરના પરમાત્માને અપમાન થયા છે ! આપણે વળી કોઈને શેનું સોરી કહીએ !
બસમાં કે ટ્રેનમાં કોઈની કોણી કોઈને અડી જાય તો પળવારમાં વિદેશીઓ તરત એકબીજાને કહી દે છે ‘સોરી’.
આપણે પરસ્પર જ્ઞાનતુષાતુર પ્રજા છીએ. આપણે તરત સામું પૂછીએ છીએ, ‘આંધળો છે ?’
પછી પરસ્પર ઓળખાણ વધારવી હોય તો પેલો કહે, ‘તારો બાપ આંધળો ! અહીં તારો કાકો બસમાં ચડી રહ્યો છે તે દેખાતું નથી ?’
ચાલ્યું !
આપણું સ્વમાન જળવાય છે, જોનારાને મનોરંજન મળે છે અને સંસાર આગળ ચાલે છે !
જો કે બેઉ વ્યક્તિ પરસ્પર સંકળાયેલી જ હોય. દાખલા તરીકે મિત્રો, કુટુંબીજનો કે પતિપત્ની ? તોય સોરી તો ન જ કહેવું. પેલાને કંઈ ઈજા થાય અને પેલો બૂમ પાડી ઊઠે તો કહેવું ‘એમાં બૂમો શેનો પાડે છે ?’ કે ‘પોચકું શેનો મૂકે છે ?’ અને ઉમેરવું ‘થતાં થઈ ગયું હવે ! એમાં આટલી રાડારોળ શી કરવાની ?’ અથવા ઘાટા પાડવા (જો તાકાત હોય તો ! ) ‘ખબરદાર ! કટકટ નહીં જોઈએ, કહ્યું ને ? બસ !’
સોરી કહેવું એ ગુલામી માનસનું પ્રતીક છે. શૂરવીરો વખત આવ્યે લડી લે કે ભાગી જાય પણ સોરી ન કહે.
અને કદી કોઈને શાબાશ પણ ન કહે !
આ પણ સમજી લેવા જેવું છે. કદી કોઈની પ્રશંસા ન કરવી. કોઈ પોતાની કંઈ સારી વસ્તુ બતાવે ત્યારે સામું શું કરવું ? મોઢું બગાડવું !
આ મોઢું બગાડવાની જીવનકળા તો ખૂબ ઉપયોગી છે. ક્યાંય કશુંય સારું જોયું નથી કે તરત મોઢું બગડ્યું નથી ! ક્યાંય કશું કોઈનું સારું સાંભળ્યું નથી અને હોઠ વાંકા વળ્યા નથી ! આ સિદ્ધાંત જાળવનાર ગમે તે ઉમ્મરનો હોય પણ બીજા સૌનો આપોઆપ મુરબ્બી બની જાય છે !
તમને વાતવાતમાં મોઢું બગાડતાં આવડે છે ? અહીં આ ક્ષણથી જ પ્રેક્ટિસ શરૂ કરી દો ! ઉપલો હોઠ જરાક પાછળ, નીચલો હોઠ જરાક આગળ રાખો, આંખો ઝીણી કરો. નસકોરા સાંકડા કરો. કપાળા પર કરચલી લાવો... હવે સામાવાળા જાણે મરેલો ઉંદરડો હોય એમ એની સામે નજર માંડો.
પતિ સવારે ઊઠીને ગુડમોર્નિંગ કહે તો પત્નીઓ મોઢું બગાડવું.
પત્ની સરસ ચ્હા કરે તો પતિએ કદી ‘સરસ થઈ છે’ ન કહેવું. એરંડિયું પીતા હોય એવું મોં કરીને ચ્હા પી જવી.
પતિ ગમે તેવા સારાં કપડાં પહેરે પત્નીએ મોં બગાડીને પૂછવું, ‘આજે કેમ આ કપડાં પહેર્યાં ?’
‘કેમ ? ખબર છે ? કેમ પૂછ્યું ?’
‘આ તો અમસ્તી જ પૂછતી’તી ! આજે આ પેન્ટ કેમ પહેર્યું ?’ અને પછી મોં બગાડવું.
જમતી વખતે આદર્શ પતિ શું કરે ? રસોઈ પીરસાય એટલે થાળીમાં પણ અમુક અમુક નહીં પણ અમુક અમુક પીરસાયું હોય એમ જોવું.
પછી પત્નીના મોં સામે જોવું.
પછી ફરીથી થાળી સામે જોવું, પછી ખભા ચડાવવા અને ખાવા માંડવું.
આમ ને આમ આનંદપૂર્વક આખો દિવસ ગાળી શકાય. ઘણું જ ગૌરવવંતુ લાગે છે. મોં બગાડવા માટે કારણ નહીં. આપવું. બસ મોં બગાડ્યા કરવું. તમે ઓફિસમાં બોસ હો. સતત મોં બગાડ્યા કરવાથી તમારો પ્રભાવ વધી જશે. તમે કર્મચારી કારકુન હો તો સતત મોં બગાડતાં રહેની તમે બોસનાય બોસ હોવાનું ગૌરવ એટલીસ્ટ તમારા મનમા અનુભવી શકશો ! પડોશીઓ સામે તો ‘કેમ છો ?’ પૂછતાંય મોં તો બગાડવાનું જ ! સતત મોં બગાડવાથી બસ કંડક્ટર નોકરીનો દુ:ખોમાં રાહત અનુભવી શકે છે. ઘણા કાપડિયાઓ તાકો ઉકેલતાં પણ મોં બગાડી શકે છે ! 16 વર્ષથી મોટી ઉંમરની છોકરીઓએ માને જોઈને મચકોડવું. ભવિષ્યમાં વરને ઠેકાણે રાખવાની કળાની અત્યારથી જ પ્રેક્ટિસ થવા માંડશે.
સવારે ઊઠતાં જ ઘડિયાળ સામે જોઈને મોં બગાડવું. દિવસ આખો મોં બગાડતા બગાડતાં સુખેથી વીતી જશે.
આજની જિંદગીમાં ક્યાંય સુખ નથી. બધે જ બધા બધાને દુ:ખ આપતા ફરે છે.
તમને મારે આ કળા શીખવવી છે, જીવનના દુ:ખના દરિયા વચ્ચે તરતા રહેવાની !
ત્રણ નિયમ પાળો !
પ્લીઝ શબ્દ કદી મોંમાંથી ઉચ્ચારવો નહીં.
સોરી તો કોઈનેય કદી કહેવું જ નહીં !
અને કોઈને શાબાશ, વાહ, સરસ કહેવું નહીં. કશુંય સારું જોઈને મોં બગાડવું !
ચાલો તો, આ લેખ પૂરો થવા આવ્યો છે. લેખ ઉપર કે પુસ્તક પર લેખકનું નામ ફરીથી વાંચો અને મોઢું બગાડો !
બગાડ્યું ?
શાબાશ !
હવે આ ચોપડી બંધ કરીને પછાડો !
ગ્રેટ !
ઘણાં આગળ વધશો ! શુભેચ્છાઓ !
કેવાં તો નસીબ છે ! એક
દિવાળીએ અમારો દાંત
તૂટી ગયેલો – ચેવડામાં
કડક ચણો આવી ગયા
થી ! આ દિવાળીએ
અમારો નખ તૂટી ગયો !
પછી તો શું થયું એની
સાંભળો ગમ્મત કથા...
0 comments:
Post a Comment