- ડો. નવીન વિભાકર
(સાદર ઋણસ્વીકાર : ‘મુંબઈ સમાચાર’માંથી)
અનંત દૂર એટલેન્ટિક મહાસાગરનાં ઉછળતાં મોજાંને જોઈ રહ્યો. વેકેશન ક્લબ રિઝોર્ટનાં ‘લા કબાના’ નામના રિઝર્ટની ડેક પર રીક્લાઈનર – ઢળતી ખુરશીમાં, સ્વિમિંગ કોસ્ચ્યુમમાં, ભીંજાયેલા દેહને કોરો કરવા, બેઠો બઠો, દૂર અનંત મહાસાગરમાં નજર નાંખતો હતો. થોડે દૂર કિનારાથી, મીત ને મીતા બંને ભાઈબહેન બોટિંગ કરી રહ્યાં હતાં.
ક્યાંથી ક્યાં આવી ગયાં ! ક્યાં યુગાન્ડા, ક્યાં અમેરિકા ને ક્યાં આ અરૂબા ટાપુ ! દક્ષિણ અમેરિકાની પૂર્વે ! નિર્વાસિત થઈ અમેરિકા આવવું પડ્યું. સંઘર્ષ કરી વ્યાપાર ખેડયો ! પણ શરૂઆત ! દોમદોમ સાહ્યબી છોડી, સર્વસ્વ છોડી – ફરજિયાત છોડવું પડેલું. આવીને થોડો વખત તો રેફયુજી કેમ્પમાં રહ્યાં. ચર્ચની કમિટીએ થોડા મહિના મદદ કરી, પછી તેને ને કુંદનને કલાકના ફક્ત પાંચ ડોલરના હિસાબે મહિને આઠસો ડોલરનું કામ મળ્યું.
ત્રણ વરસ હાલાકી ભોગવી, છેવટે પોતે ટેલિકોમ એન્જિનિયર હતો ને મોટી કંપનીમાં કામ મળતાં, ધીમે ધીમે ઠરીઠામ થયાં. મીત આવ્યો, બે વરસે, મીતા આવી. મોટી કંપનીમાં ટેલિકોમનો અનુભવ લઈ પોતાની કંપની ખોલી. ચાર વરસની સખત મહેનતથી ટોચની કપંની બની ગઈ. બંગલો આવ્યો, જાહોજલાલી પાછી આવવા લાગી.
આજે વેકેશન ક્લબના રિઝોર્ટના ‘ટાઇમશેર’માં અરૂબા ટાપું પર રિઝોર્ટમાં સહકુટુંબ રજાઓ માણવા આવ્યા હતા. દૂર દૂર ઉછળતા સાગરનાં મોજાં જોઈ, લેઈક વિક્ટોરિયાના સમથળ પાણી યાદ આવી ગયા. લેઈકને કિનારે પોતાનો આવેલો બંગલો નજર સામે તરી આવ્યો. કિનારે પીયરની ડેકની સાથે બાંધેલી પોતાની બોટ હાલકડોલક થતાં દેખાઈ રહી.
“અનંત ! અરે એ અનંત ! શું વિચારમાં ખોવાઈ ગયા?” કુંદન આવીને પાસે બેઠી.
“કંઈ નહીં કુંદન ! બસ કંપાલા, એન્ટેલે, આપણો બંગલો આપણી કાર, બોટ યાદ આવી ગયાં!”
“અનંત, ચાલીસ વરસ થઈ ગયાં એ વાતને ! હજીય યાદ આવે છે?” 1971માં યુગાન્ડામાં લશ્કરી બળવો થયો. મેજર જનરલ ઈદી અમીને પ્રેસિડેન્ટ ઓબોટે સામે ‘કુ’ કર્યું ને સત્તાપલટો થયો અને ઈદી અમીને ઓબોટેની જાતિના લાખેક માણસોનો સંહાર કર્યો ને પછી એશિયનોની આર્થિક પકડ ને ધિક્કારવા તથા પ્રજાનું ધ્યાન બીજે દોરવા, યુગાન્ડાના બધા જ એશિયનોની ત્રણ જ મહિનામાં હાકલપટ્ટીનો હુકમ આવ્યો. માત્ર પચાસ રતલ વજનની બેગ્ઝ અને ફક્ત 100 ડોલર રોકડ જ લઈ જવા દેવાની પરવાનગી આપી. ત્રણ ત્રણ પેઢીથી જમાવેલો ધંધો, માલમિલકત, વાડીવજીફા મૂકી એશિયનો ચાલી નકળ્યો. બ્રિટિસ સબ્જેક્ટ-નાગરિકોને તો બ્રિટને સમાવી લીધા, બાકીનાને ‘નિર્વાસિત’રૂપે દુનિયાના બીજા દેશોએ લીધા. અમેરિકન ચર્ચ તરફથી અનંત અને કુંદન અમેરિકા આવ્યાં, પણ છેલ્લે નીકળતી વખતના પ્રસંગે અનંતને હચમચાવી દીધો હતો.
ત્રણ મહિનામાં જ નીકલી જવાનું હતું. બીજો કોઈ વિકલ્પ નહોતો. કુંદન પાસે બ્રિટિસ પાસપોર્ટ હતો. બ્રિટિશ એમ્બેસીમાં વીઝા લેવા જવા લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું. નંબર લાગ્યો ત્યારે અનંતને કહેવામાં આવ્યું કે તે પતિ તરીકે બીજા દેશના છે તેથી તેઓ અને પત્ની બ્રિટન ન જઈ શકે. અનંત મુંઝાણો. એ વખતે કુંદન સગર્ભા હતી. હવે ? અનંત હતાશાથી બ્રિટશ હાઈકમિશનરની ઓફિસની બહાર ઊભો હતો. ત્યાં તો ઇન્ડિયન હાઇકમિશનર બહાર નીકળ્યા ને અનંતથી બોલાઈ ગયું, “અરે નિરંજન ! તું અહીં?” ઇન્ડિયન હાઇકમિશનરે અનંત સામે જોયું. ‘અરે ! અનંત તું અહીં.?’ કોલેજમાંથી નીકળ્યા પછી આપણો કોઈ કોન્ટેક્ટ ન રહ્યો. શું વાત છે?”
અનંતે વસ્તુસ્થિતિ સમજાવી.
“ચાલ મારી સાથે, હું અમેરિકન એમ્બેસીમાં જાઉં છું. છે ઈચ્છા અમેરિકા જવાની ? તેઓએ એક હજાર ફેમિલીના વીઝા મંજૂર કર્યા છે. તારો ને કુંદનનો પાસપોર્ટ સાથે છે?”
ઇન્ડિયન હાઇકમિશમરની મદદથી બંનેને અમેરિકાના વીઝા મળી ગાય. શરૂઆતમાં કંપાલાથી ચોવીસ માઈલ દૂર એન્ટેબે એરપોર્ટ પર જતા એશિયનોને ચેકપોસ્ટ પર ઈદી અમીનના સૈનિકો ખૂબ રંજાડતા. ઘરેણાં, કિમતી વસ્તુઓ તો લઈ લેતા પણ સો ડોલરની રોકડ રકમ પણ ખૂંચવી લેતાં. હજી કંપાલામાં બધું સમેટવાનું બાકી હતું. તેથી કુંદનને પહેલાં ન્યૂયોર્ક મોકલવાનું નક્કી થયું
પ્લેન રાત્રે ઉપડવાનું હતું. અનંત તેના ડ્રાઈવર ‘ટેગે’સાથે બસની પાછળ એન્ટેબે એરપોર્ટ પર જવા ઉપડ્યો. કેટલીક ફલાઈટ્સ દુનિયાના દેશોમાં ઉપડવા રાહ જોઈ ઊભી હતી. ચેકીંગ થઈ જતાં, અનંત ને ટેગેએ જોયું કે રાતના બાર વાગી ગયા છે. હવે પાછા જવું મુનાસિબ ન લાગતાં આજુબાજુની હોટલમાં રાત રહી જવાનું નક્કી કર્યું, પણ ત્રણ જ હોટેલ હતી ને ફલાઈટ્સ બધી ડીલે થતા છેક સવારે કે બીજે દિવસે ઉપડતી. તેથી હોટેલો ભરાઈ ચૂકી હતી. હવે શું કરવું? અત્યારે રાત્રે પાછા ફરતા ચેકપોસ્ટ પર કોઈ સૈનિક ઊભી રાખી કારને કનડગત કરે તો ? પણ ટેગેએ કહ્યું કે જે થાય તે ઘરભેગા થઈ જઈએ.
બંને ઉપડયા. ટેગે તો આફ્રિકન હતો પણ પોતે તો ઇન્ડિયન હતો. શું થશે? અનંતના મનમાં ફફડાટ હતો. એન્ટેબેથી અડધે પહોંચ્યા હશે ને ચેકપોસ્ટ પર સૈનિકે રોક્યા. તે કારની નજીક રાઈફલ તાકતો આતો હતો. ટેગેએ તેની બાજુની બારી ખોલી. પણ સૈનિક અનંત હતો તે બાજુ આવ્યો. અનંતે ગભરાટથી બારી ખોલી, ને રાઈફલના નાળચાને સાવ અંદર જોઈ તેનાથી બોલાઈ ગયું, “યા અલ્લાહ!”
સૈનિક થંભી ગયો. અનંતને જ્યારે પણ કંઈ કામ સરખું ન થયું હોય ત્યારે “યા અલ્લાહ !” બોલવાની ટેવ હતી. બોલાઈ ગયું.
“વે વે ની ઈસ્લામ !” સ્વાહીલીથી તેણે પૂછ્યું (તમે મુસ્લિમ છો?) અનંત તો હેબતાઈ જવાથી જવાબ ન આપી શક્યો પણ ટેગેએ સમયસૂચકતા વાપરી કહ્યું “ન્ડીયો !” (હા) “નેન્ઢા !” “નેન્ઢા !” (જાઓ, જલદી જાઓ)
ને ટેગેએ કાર પુરપાટ મારી મૂકી.
ઈદી અમીન મુસ્લિમ હતો. પેલો સૈનિક મુસ્લિમ હતો અને અનંત તેથી બચી ગયો. માંડ માંડ બધું આટોપી, ટેગેને જે જોઈએ તે ઘરવખરી લઈ જવા દઈ, રોકડ રકમ આપી દઈ, માંડ માંડ અનંત અમેરિકા કુંદન ભેગો થયો.
આખો પ્રસંગ સાંભળી કુંદન બોલી, આપણે બધા જ એશિયનો તો યુગાન્ડાની બહાર નીકળી ગયાં, પણ ઈદી અમીન જ્યાં સુધી હતો ત્યાં સુધીની યુગાન્ડાની પ્રજાની દારુણ કહાણી વિશે કોણ લખશે ? એ પ્રસંગ યાદ આવતાં પણ લખલખું આવી જાય છે ને તને હજી યુગાન્ડા ને આપણે છોડી આવેલું બધું યાદ આવે છે ? અહીં હવે શું કમી છે ? આપણું આખું કુટુંબ તો સાથે છે !” “કુંદન ! જ્યાં મોટા થયા, જિંદગીનો સૌથી મોટો ભાગ ત્યાં ગાળ્યો ! કેમ ભૂલાય ! અને હવે સાઈઠ-પાંસઠની ઉંમરે ત્યાં જઈને શું કરીએ ? પ્રેસિડન્ટ મુસેવીની તો બધાને પાછા બોલાવે છે ? પણ હવે ભરોસો કેમ થાય ?”
ત્યાં તો મીત ને મીતા આવ્યાં. શરીર લૂછતાં બંનેની બાજુમાં બેઠા. “પપ્પા ! ખબર છે તમે યુગાન્ડાના મર્ચીસેન્ચ ફોલ્સ ને લેઈક વિક્ટોરિયામાંથી નીકળતી નાઈલ ને તેમાં રહેલા મગરો વિશે વાત કરતાં હતા. આપણે હવે પછીના વેકેશન માટે યુગાન્ડા જઈએ તો ? અનંત ને કુંદનની નજરો મળી. એક જ પ્રશ્ન તેમાંથી છલક્યો ! “જઈશું” એ એક જ પ્રશ્નમાં કેટકેટલા જવાબો હતો !
(સત્ય બનેલા બનાવ પરથી)
0 comments:
Post a Comment