માતા : પ્રેરણાતીર્થ


-ન્હાનાલાલ
(સાદર ઋણસ્વીકાર : લગ્નસાગરમાંથી)
તમે અને તમારાં બા.
એના જેવો ગાઢ, આત્મીય, પૂજ્ય સંબંધ દુનિયામાં બીજો નથી.

બા એટલે વાત્સલ્યધામ, બલિદાનમૂર્તિ, પ્રેરણાતીર્થ. તેમના મૂદુ સ્પર્શથી તમારું જીવન ઘડાયું છે, તેમની ગોદમાં તમે બોલતાં શીખ્યા, તેમની પ્રેમાળ નજર તમારા સમસ્ત જીવન ઉપર રહે છે. માતાનો પ્રેમ એ ખરેખર માણસને માટે જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે.

એ તમે જાણો છો, અનુભવો છો અને જાણીને ને અનુભવીને ધન્ય થાઓ છો. પણ એક વાત તો તમારા ધ્યાનમાં આવી હશે, અને આવી ન હોય તો હવે આવવી જોઈએ ને તે એ કે જેમ તમે ઉંમરમાં આવો છો તેમ એ પવિત્ર ને શાશ્વત સંબંધ એક નવું સ્વરૂપ પણ ધારણ કરતો જાય છે. નાના છોકરાને બાની બધી સેવાઓમાં આશ્ચર્ય જેવું કશું લાગતું નથી. બા છે એટલે એમ જ કરે ને ? સ્વાભાવિક છે. કહીએ એટલે આવે. માગીએ એટલે આપે. રાતોરાત બોલાવીએ એટલે ઊઠીને દોડી આવે. અને માંદા પડીએ એટલે એ રાતદિવસ જોયા વગર ને ખાવાનું-ઊંઘવાનું ભૂલી જઈને આપણા ખાટલાની પાસે જ રહીને આપણી સારવાર કરતી રહે. પણ એમાં કોઈને નવાઈ લાગતી નથી. અને એ છોકરો માંદગીમાંથી પાછો બેઠો થાય ત્યારે એ બધી સેવાઓ માટે બાનો આભાર માનવાનું એને સૂઝતું પણ નથી. હા, એક નાના છોકરાને મેં જોયો છે (તેને પાંચ વર્ષ પૂરાં થયાં નહોતાં) કે તે માંદો પડ્યો ને પોતાની બાની ચિંતા, પોતા માટેની સતત સંભાળ ને સારવાર એણે જોયાં ત્યારે બાને પાસે બોલાવીને કહ્યું; ‘બા, મને માફ કર, હાં, હું માંદો પડ્યો એટલે તને કેટલી બધી તકલીફ પડી ! હવે હું ફરીથી માંદો નહિ પડું, મેં નજરે જ એ પ્રસંગ જોયો ન હોત તો એ શક્ય છે તે હું માનત પણ નહિ, કારણ કે એવી સમજણ નાના છોકરાઓમાં તો શું મોટાઓમાં પણ ભાગ્યે જ જોવા મળે છે.

પરંતુ તમે હવે વાસ્તવિક પરિસ્થિતિ સમજતા થયા છો. સ્વાર્થને બદલે પ્રેમ, ફરજ ઉપરાંત લાગણી, મજૂરી કરતાં સેવા-એવા સૂક્ષ્મ ભેદ તમે પારખતા થયા છો. સાથે સાથે એ પણ તમે હવે જાણતા થયા છો કે જન્મ લેવો અને આપવો એ જેવી તેવી વાત નથી. એમાં વેદના છે, જોખમ છે. એ દિવસ માટે માતાની કેવી તૈયારી છે, કેવી પ્રાર્થનાઓ છે, કેવાં ભય ને ગભરામણ છે એ આપણે જડ પુરુષો તો પૂરી રીતે સમજી શકતા નથી પણ એનો થોડોક ખ્યાલ આપણને પણ છે. અને એ આશાઓ ને પ્રાર્થનાઓ ને વેદનાઓનો વિષ એક વાર તો આપણે જ હતા, નવો અવતાર લઈ આવનાર ઇષ્ટદેવ એ વખત તો  આપણો આ દેહ હતો એની જાણ થતાં એ આશાઓ રાખનાર ને એ વેદનાઓ સહન કરનારને એ અવતાર આપનાર જનેતાની આગળ આપણું શિર ને આપણું દિલ નવા ભાવથી ઝૂકી પડે છે.

પન્નાલાલ પટેલની એક વાર્તામાં એવો એક આડે માર્ગે ચડવા માંડેલો છોકરો આવે છે. હાથમાં પારકો માલ આવ્યો હતો ને તે કોનો છે એ જાણ્યા છતાં એ પાછો આપી દેવાની એની તૈયારી નહોતી. તેનાં બાએ એને ઘણી વિનંતી કરી, અધર્મને રાહે જવાથી શું શું થાય છે એ ઘણું સમજાવ્યું. પણ દીરકો એકનો બે ન થયો. છેલ્લે બાએ વહાલથી કહ્યું : ‘તેં હમણાં કહ્યું હતું ને, બેટા, કે પાપથી ડરીને ચાલ્યાં તો શું મળ્યું ? પણ દેખાય એવુંય મળ્યું છે, બેટા ! તને થશે... શું ? આ ઊભો છે એ દીકરો. મારી ચાળીસ વર્ષની ઉંમર સુધી બાળક ન હતું. ડોક્ટરોએ પણ કહ્યું હતું કે સંતાન નહિ થાય ને જોશીય કહેતા હતા કે તકદીરમાં દીકરો નથી. અમયે આશા છોડી દીધી હતી. તારા બાપુજીનો વિચારતો એવો પણ હતો કે બે-પાંચ વર્ષ પછી માસ્તરની નોકરી છોડીને કોઈ તીર્થધામમાં બંઉ જણાંએ જઈ વસવું. ત્યાં તો ભગવાને સારો દિવસ દેખાડ્યો ને તારા જેવા દીકરાએ અમારે ઘેર જન્મ ધર્યો. પણ... આટલું યાદ રાખજે, દીકરા, કે આજે હું કહું છું કે પુણ્યના રસ્તે જતાં ભગવાને મને દીકરો આપ્યો પણ ભવિષ્યમાં એવું નયે થાય : અરેરે આવો દીકરો મને આપ્યો !’
દીકરો પણ ગળગળો થઈ ઊઠ્યો ને માંડ બોલી શક્યો : ‘નહિ થાય એવું, બા !’ ને આંખો લૂછતો ચાલતો થયો પેલો પારકો માલ પાછો આપી આવવા. પોતાના જન્મના ઉલ્લેખથી એના હૃદયમાં વાત્સલ્યના અને માનવતાના ફૂવારા ફૂટ્યા હતા.

પોતાની આત્મકથામાં એક જાણીતા સ્વીડિશ લેખક તેના પહેલા બાળકના જન્મને પ્રસંગે પોતાના દિલમાં ઉદભવેલા ભાવો ને લાગણીઓ હૃદયસ્પર્શી મમતાથી આલેખે છે. બાળકના જન્મ પછી તેની બાને આજ પહેલી ઊંઘ આવી છે. તે હોઠ પર ધન્યતાનું સૌમ્ય સ્મિત રાખીને પાસેના ખાટલામાં ઊંઘે છે. પારણમાં એ તાજો અવતરેલી મહેમાન, એ નાજુક મોહક બાબો આંખો જોરથી બંધ કરીને ને નાનકડી મૂઠીઓ વાળીને ગાઢ નિદ્રામાં છે. તેનો બાપ એની તરફ અકથ્ય પ્રેમથી જોતો રહે છે. અને પોતાના દિલમાં ઊભરાતા વહાલના પૂરમાં પોતાની લાગણીઓ ને કલ્પનાઓને તણાવા દે છે. મારો દીરકો, મારો પહેલો દીકરો. એ મોટો થશે ત્યારે હું એને આ દિવસની વાત કરીશ. અને હા, જો કોઈ દિવસ જરૂર પડે, જો આ પિવત્ર સંસ્કારો ભૂલીને એનું જીવન ખોટો વળાંક લેશે ને એ આડે માર્ગે ચડશે... તો હું એની બાની વાત એને કરીશ. એને કહીશ કે ડોક્ટરોની સલાહ ને ધમકીઓ છતાં, એના દૂબળા શરીરનો વિશ્વાસ ન હોતા છતાં એણે સંતાન માટે માર્ગ ખુલ્લો રાખવાનો નિર્ણય લીધો અને રાખ્યો; કે ભૂખ ને શક્તિ બિલકુલ ન હોવા છતાં તે શ્રમથી ખાતી ને રોજ ફરવા જતી જેથી એ બાળકનો દેહ સારો બંધાય; કે વચ્ચે દર્દ આવતું ત્યારે એ માત્ર હસતી ને રાત્રે ઊંઘ ઊડતી ત્યારે એ શાંતિથી સૂઈ રહેતી. હું એને કહીશ કે આગળ જોખમ જોતાં એની બાએ ડોક્ટરને ખાનગીમાં બોલાવ્યો ને-મને પણ ખબર પડવા દીધા વગર-એને સીધો હુકમ કર્યો : ‘વાત જીવ ઉપર આવી પડે તો બાળકને પહેલું બચાવશો; મારું જે થાય તે થવા દેશો. (આજે જ બધું સુખેથી પતી ગયા પછી મને આની ખબર પડી છે.) અને એ પણ એને કહીશ કે જન્મની વખતે પણ પોતાનો એ દીકરો પોતાનો છે એનો અનુભવ માણવા માટે એણે (એ એને આપવા જતા હતા અને તેની એ નબળી સ્થિતિમાં ખાસ જરૂરી હતી તોપણ) બેહોશ થવાની દવા લેવાની ના પાડી. હાં, આ બધું હું મારાં આ દીકરાનો કોઈ દિવસ કહીશ. એને સારે રસ્તે વાળવા કોઈ દિવસ જરૂર પડે તો.
બાના આત્મભોગની એ પુણ્ય કથાથી સાચા પુત્રનું હૃદય પીગળ્યા વિના રહી શકે ખરું ?
ખરેખર માતાનું બલિદાન એ પુત્રના ચારિત્ર્યનો મંગળ પાયો છે.

માતૃત્વની મૂર્તિ તમારાં માતામાં ઓળખવાથી ને પૂજવાથી બીજું એક શુભ પરિણામ એ આવશે કે હવે બીજી બધી સ્ત્રીઓને પણ માતાના પિવત્ર સ્વરૂપમાં જોવાની વૃત્તિ તમારામાં આપોઆપ આવશે.

અને સ્ત્રીઓ એટલે ફક્ત પુખ્ત વયની સ્ત્રીઓ કે સ્થૂળ અર્થમાં માતાએ બની ચૂકેલી સ્ત્રીઓ એમ નથી, પણ સાથે સાથે કોલેજ-કન્યાઓ પણ ને પાડોશીઓ છોકરીઓ પણ ને તમારા સંપર્ક-ઓળખાણમાં આવતી બધી યુવતીઓ પણ.

તેઓ પણ માતાઓ થવા સર્જાયેલી છે.

તેમના દિલમાં પણ એ પ્રબળ સંસ્કારો પડેલા છે.

તેમની ખરી સાર્થકતા ને પૂર્ણતા પોતાના જીવનમાં આ માતતૃત્વની મૂર્તિનાં દર્શન દુનિયાને કરાવવામાં છે.

એ દર્શનની ઝાંખી જો તમે એમનામાં પામશો તો તમારા દિલના ભાવો શુદ્ધ ને નિર્મળ બનશે. તમે એમની પાસે નવા પ્રેમથી, નવા આદરથી, નવી આત્મીયતાથી જઈ શકશો.
અને વિશેષ તો જે ભાગ્યશાળી (કેમ નહિ ?) યુવતીની સાથે તમારો એ આગવો સંબંધ બંધાતો જાય છે, તે તમારી પસંદગીથી (કે નહિ તો અનુમતિથી) તમારી સાથે પ્રેમના સાંનિધ્યમાં આખી જિંદગી ગાળવા તૈયાર થતી જાય છે એની તરફ પણ જો આ દ્રષ્ટિએ જોશો તો અનું દિલ તમે વધુ સારી રીતે સમજી શકશો. એની સાચી કદર કરી શકશો, એની વધારે નજીક વધારે પવિત્ર રીતે પણ આવી શકશો.

એ તમારા પ્રેમનું પાત્ર છે એ સાચું છે ને સારું પણ છે, એ તમારી જીવનસાથી છે એ સાચું છે ને સારું પણ છે, એ તમારાં સુખનું નિમિત્ત છે એ પણ સાચું ને સારું જ છે (સુખથી ભડકશો નહિ, એ પણ ઈશ્વરનું સર્જન છે ને તેથી પવિત્ર પણ છે). પણ સાથે સાથે એ પણ ખાસ યાદ રાખશો કે એ નાજુક યુવતી, એ પ્રેમપાત્ર ને એ જીવનસાથી એ તમારાં ભાવિ બાળકોની માતા પણ છે.

એ નવી દ્રષ્ટિએ તમારો પ્રેમ એ પૂજા, મોહ એ ભક્તિ, સ્થૂળ સુખ એ પરમાનંદ બની જશે.

જેનો ઉલ્લેખ ઉપર કર્યો છે એ લેખક આગળ લખે છે : ‘મારા ગત જીવનમાં મેં ખોટું-ગુંદું ઘણું કર્યું હશે. પરંતુ હવે મારાં આ પત્નીને, આ નાજુક યુવાન સ્ત્રીને અમારા આ પ્રથમ બાળકને ખોળામાં તેડીને અત્યંત વહાલથી ને ગંભીરતાથી ધવરાવતી જોઉં છું ત્યારે મારા હૃદયનાં એવા પવિત્ર ભાવો એવા હુમલા સાથે ઉઠે છે કે હવે પછી આખાય જીવન માટે, બસ, સુંદર, પવિત્ર, મંગળ રીતે જીવવાનો જ ઉંડો નિશ્ચય મનમાં આપોઆપ બંધાઈ જાય છે. અને એ સ્ત્રી-માતાની છાયામાં લીધેલો મારે એ નિર્ણય એ સાધુ-ઋષિઓનાં મહાવ્રત કરતાં અફર છે ને કલ્યાણકારી છે. એવી ધન્ય પળોમાં મને આખી દુનિયાને અહીં તેડી લાવવાનું મન થાય છે, જેથી આ દ્રશ્ય જોઈને બધા પાવન થાય ને પ્રમનું સાચું સ્વરૂપ સમજે.
એ દ્રષ્ટિ જો તમારી બનશે તો નિર્ભય ને નિર્મલ હૃદયે તમે યુવાનીનો સંક્રાન્તિકાળ વટાવી શકશો અને નવા જીવનમાં મંગળ પ્રવેશ કરી શકશો.

જે જનેતાએ એક દિવસ તમારા દેહને જન્મ આપ્યો હતો તે હવે તમારા આત્માને નવું જીવન આપીને નવા ને સાચા અર્થમાં તમારી માતા બનશે.

સાચે જ માતા જીવનસ્રોત, આદર્શમર્તિ, પ્રેરણાતીર્થ છે.
લગ્ન પ્રાણવિકાસનું વ્રત છે,
સ્વર્ગપન્થનું પગથિયું છે,
માનવબાલનો ધમર્ય માર્ગ છે.
પરણવું તે તો પ્રભુતામાં પગલાં માંડવાં.

0 comments: