- જોરાવરસિંહ જાદવ
(સાદર ઋણસ્વીકાર : ‘મુંબઈ સમાચાર’માંથી)
‘નવ નોરતાં, દસે દશેરો વીસ વજૈયા (ખાસી દિવસ) અને પછી દિવાળી’
ભાતીગળ રંગોના પ્રચ્છન્ન રૂપો પ્રગટાવનારું અને માનવહૈયાંને હરખના હેલે ચડાવનારા પર્વ દિવાળીના સપરમા દિવસોમાં, લક્ષ્મીજી પોતાના આગણે રૂમઝૂમ પગલાં કરી જાય એવા શુભઆશયથી નવા વરસને વધાવવાનો ઉમંગથી ઓરડા, ઘરખોરડાં અને ઓસરીમાં સાફસૂફી કરવી, સોળયથી લીંપીગૂંપી, ખડીનાં પોતાં મારી અળેખચીતર દોરવાં, બારણે તરિયાં તોરણ બાંધવા, માટીના કળામય કોડિયાંમાં દીવડાનો પ્રકાશપૂંજ પ્રગટાવવો, શેરી અને ચોક શણગારવા, આંગણામાં રૂડાં રંગો વડે મંગલકામનાઓ વ્યક્ત કરવી અને આંગણામાં પ્રસન્ન સૌંદર્ય પ્રગટાવતી રંગોળી સજાવવી ભારતીય નારીઓની જાણે આગવી અભિવ્યક્તિ છે. રંગોળીની રૂડપ અને મનોહર રંગો માનવીના અંતરમાંય આનંદના રંગસાથિયા પૂરે છે. રંગોળીની પ્રાચીનતા વિશે જાણવું એ પણ એટલું જ રસપ્રદ છે.
કલાપ્રેમી માનવીના હૈયામાં આનંદનો અબીલગુલાલ ઉડાડી સૌંદર્યનો સાક્ષાત્કાર કરાવતી રંગવલ્લી અર્થાત્ રંગોળીનો ઉપયોગ ક્યાં, ક્યારે અને કેવી રીતે થયો હશે એ વિશેય આજેય સંશોધકોને સાદ દઈ રહ્યો છે. પણ એટલું તો આપણે અવશ્ય કહી શકીએ કે ધર્મનું અવલંબન લઈને ઉદભવેલી આ એક ઉત્સવલક્ષી અને શુદ્ધ ભારતીય કલા છે. ‘કામસૂત્ર’માં વાત્સ્યાયને 64 કલાઓ ગણાવી છે. એમાં રંગોળીની કળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચિત્રકલા કરતાંયે આ શુભ આલેખનોની શુકનવંતી કલા વધુ પ્રાચીન મનાય છે. સમાજના પ્રત્યેક સ્તર સુધી ભારતના પ્રત્યેક સ્તર સુધી ભારતના પ્રત્યેક રાજ્યોમાં તે વ્યાપેલી છે.
કણમાંથી મણ અનાજ આપતી અને ધનધાન્ય અને ધનધાન્યના ભંડારોને છલકાવી દેતી, માનવી અને પશુ-પ્રાણીઓને પોષતી પૃથ્વી, ધરતીમાતા પ્રત્યેની આપણી શ્રદ્ધા-ભક્તિ તથા તેનું ઋણ અદા કરવાના યતકિંચિત પ્રયત્નોરૂપે આરંભાઈને સમયાનુસાર આગવી કલારૂપે રંગોળીનું પ્રાગટ્ય થયું હોવાનું કલ્પી શકાય.રંગોળીની સૌપ્રથમ કલ્પના, એના તેજસ્વી, રૂપાળા રંગો અને આકારો ઉગમણા આભમાં ઊગતા કે આથમણાં આભમાં આથમતા સૂરજના સમયે ખીલતી સંધ્યાના રૂપસૌંદર્યમાંથી સાંપડી હોવાનું સહેલાઈથી સ્વીકારી શકાય એમ છે.
વાર, તહેવાર અને ઉત્સવ પ્રસંગે અવનવા આકરા-પ્રકારોવાળી રંગોળીઓ આજે બને છે. પણ ધરતીના વધામણા રૂપે થતી રંગોળી ઘઉં, કઠોળ, ચોખા, મગ, અડદ, મસૂર, તલ ઇત્યાદિ ધાન્યોમાંથી જૂના કાળે તૈયાર કરવામાં આવતી. ઇ.સ.ના ત્રીજા શતકના ઉલ્લેખોમાં ધનધાન્યની રંગોળીની રચનાના અનેક ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. એ કાળે ધનધાન્ય ઉપરાંત રંગબેરંગી વગડાઉ ફૂલોની રંગોળીઓ રચવામાં આવતી. સરસ્વતીના મંદિરોમાં તેમ જ કામદેવ અને શિવની પૂજા પ્રસંગે વિવિધરંગી પુષ્પો વડે ભાતીગળ અને ચિત્તાકર્ષક રંગોળીઓ રચવામાં આવતી. સાતમાં શતકમાં ‘વારાંગરચિંત’માં પંચરંગી ચૂર્ણ ધાન્ય ને ફૂલોની રંગોળીનો ઉલ્લેખ મળે છે. દસમા શતકના ‘નલચંદ્ર’માં ઉત્સવ પ્રસંગે ઘરઆંગણે રંગોળી બનાવવાના ઉલ્લેખો મળે છે.
અગિયારમાં શતકના વાદિમશાહના ‘ગદ્યચિંતામણિ’માં ભોજન સમારંભ સમયે ‘મંગલચૂર્ણરેખા’ કરવાનો ઉલ્લેખ મળે છે. હેમચંદ્રાચાર્યજીએ ‘દેશીનામમાલા’માં ચોખાના લોટની રંગોળી રચવાની વાત નોંધી છે. બારમી સદીના ‘માનસોલ્લાસ’ ગ્રંથમાં ‘ધૂલિચિત્ર’ અને શ્રીકુમારના ‘શિલ્પરત્ન’ ગ્રંથમાં ક્ષણિક ચિત્ર તરીકે રંગોળીનો ઉલ્લેખ મળે છે. ભાસ્કર ભટ્ટના ‘શિશુપાલવધ’ કાવ્યમાં રંગોળીની પરંપરાનું પગેરું 2000 વર્ષ પૂવે સુધી તો પહોંચે છે.
‘સૂરજ ઊગ્યો કે કેવડિયાની ફણસે કે વાણેલાં ભલે વાય રે’
આમ ગાનારી ગામડાગામની લોકનારીઓ અને પ્રકૃતિપ્રેમી જાણે છે કે પૂર્વ દિશામાં સૂરજનારાયણ ઉદિતમાન થાય એ પહેલાંના ઉષાના કેસૂડાવરણા રંગો રેલાય છે. આવી સૌંદર્યમઢી વહેલી સવારે ઊંબરો પૂજી, સાથિયો ને ચડતી દેરડી બનાવી આંગણામાં રંગોળી આળેખી રોજિંદા કાર્યોમાં પરોવાતી ભારતીયનારીનું સુભગ દર્શન સૌરાષ્ટ્રના ગામડાઓમાં સહજરૂપે જોવા મળે છે. આ સંસ્કાર અને સંસ્કૃતિનો જોટો જગતભરમાં જડવો મુશ્કેલ છે.
આંગણામાં વેરાયેલાં રંગોના સૌંદર્યની સાથે દેવતાઓને પ્રસન્ન કરવાની ભાવના પણ ભળી છે. છીંક આવે એવાં સ્વચ્છ આંગણામાં રંગોના અનેરા રૂપોમાંથી પ્રચ્છન્ન સૌંદર્ય સાદ પાડી ઊઠતું હોય ત્યાં દેવોનેય દોડી આવવાનું ને રમવાનું મન થાય છે.
રંગોળીની લોકકલાનું રૂપસૌંદર્ય ભારતવર્ષના પ્રત્યેક પ્રાંતમાં પથરાયેલું જોવા મળે છે. શુભપ્રસંગે, વારતહેવારે કે વરતવરતોલાની ઉજવણીના અવસરે સ્ત્રીઓ રંગોળી દોરી ઘરઆંગણાના વાતાવરણને મંગલમય બનાવી દે છે. રંગોળીના આ પરંતરા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવી રમવાનું મન થાય છે.
રંગોળીમાં બે શબ્દો સમાયેલા છે. ‘રંગ’ અને ‘ઓળી’. એમાં ઓળી એટલે કે ‘અવલી શબ્દ મરાઠીછે. જેનો અર્થ થાય છે લીટી. રંગો વડે લીટી દોરી ઉપસાવવામાં આવતી આકૃતિ એટલે રંગોળી. ગુજરાતમાં સાથિયા તરીકે ઓળખાતી રંગોળી બંગાળમાં ‘અલ્પના,’ રાજસ્થાનમાં માંડણા, મધ્ય પ્રદેશમાં ‘ચૌકપુરના’ આંધ્રમાં ‘મૂગ્ગુ’ અને તમિલનાડુમાં ‘કોલમ’ના નામે ઓળખાય છે. આ ‘કોલમ’ અર્થાત રંગોળી તરીકે આ કળા ઓળખાય છે.
કુમાઉ પ્રદેશમાં એને ‘ઐપણ’ અને કેરળમાં ‘પૂવિડલ’ના નામે રંગોળી જાણીતી છે. હિંદુ, જૈન અને પારસીઓમાં રંગોળીને અશુભ નિવારક ગણવામાં આવે છે.
ગુજરાતમાં દિવાળી ઉપરાંત ધાર્મિક અને માંગલિક પ્રસંગે રંગો વડે રંગબેરંગી રંગોળીઓ રચવામાં આવે છે. રંગોળી વિનાનું આંગણું અશુભ ગણાતું હોવાથી જૂના કાળે સાધુ-સંન્યાયીઓ રંગોળી વગરના ઘરની ભિક્ષા લેવાનું પસંદ કરતા નહોતા.
ઘરઆંગણામાં, ઊંબરા પાસે યજ્ઞવેદીની આસપાસ વરઘોડિયાની ચોરી કે લગ્નમંડપ આગળ અને ધાર્મિક વિધિ વખતે કરેલા સ્થાપન પ્રસંગે રંગોળી તો રચાય જ. આમ રંગોળીની પાછળ કલાસૌંદર્યના સાક્ષાત્કારની, અશુભ નિવારણની અને માંગલિક વાતાવરણ ઊભું કરવાની ભાવના પડેલી જોવા મળે છે.
ચિત્રકારની નજરે નિહાળીએ તો રંગોળી એ ભૂમિતિ ચિત્રો જ છે. તેમાં ભૌમિતિક ભાતોની સાથે પ્રતીકો અને મનોહર ચિત્રોના ભૂમિમાંડણાં હોય છે. રંગોળીના અનેકવિધ આકાર, પ્રતીકો જ આવેખાય.
શંખ, ચક્ર, પહ્મ, સ્વસ્તિક, સૂર્ય, ચંદ્ર, માછલી વગેરે આકૃતિઓમાં દેવદેવીઓના પ્રતીકો અને તાંત્રિકોન સંકેતોવાળા ભૌમિતિક આકારો જોવા મળે છે.
જ્યારે લોકજીવનમાં એના સરળ અને સહજ આકાર-પ્રકારો ને આલેકનો જોવા મળે છે. લોકનારીઓ અંતરમાં ઉમળકો આવેને તેવી આકૃતિઓ પોતાની હૈયાઉકલતથી આલેખે છે. એમાં પ્રકૃતિના રંગો અને નિજીદર્શન પણ દેખાય છે.
રંગોળીમાં સ્થળભેદે કેટલીક લાક્ષણિકતાઓ પણ ધ્યાન ખેંચે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં આકૃતિપ્રધાન અને અમુક પ્રમાણબદ્ધતાવાળી રંગોળી જોવા મળે છે, જ્યારે પૂર્વ ભારત તરફની રંગોળી લયપ્રધાન હોઈ એમાં ફૂલપાન, વૃક્ષવલ્લરી, પશુપંખી વગેરેના કળાત્મક આકારો જોવા મળે છે. આવા ચિત્રોમાં રંગોળીની રેખા ક્યાંય તૂટે નહીં તેનું પૂરેપૂરું ધ્યાન રખાય છે. રંગોળી કરતી વખતે રેખાનું તૂટવું અશુભ ગણાય છે. રંગોની વચ્ચે ખુલ્લી જગ્યા પણ રાખવામાં આવતી નથી. એની પાછળની લોકમાન્યતા એવી છે એના પર ખબરા નજર પડે છે.
અન્ય પ્રદેશો અને પ્રાંતોની રંગોળીના આકાર-પ્રકારોમાં ફેરફારો થયા હોવા છતા બંગાળની ‘અલ્પના,’ રાજસ્થાનનાં ‘માંડણાં’ અને કુમાઉ ક્ષેત્રની ‘ઐપણ’ રંગોળીની પરંપરિત શૈલી આજેય યથાવત્ જળવાઈ રહેલી જોવા મળે છે. ‘ઐપણ રંગોળીમાં જમીનને આછી ભીની કરી સ્ત્રીઓ ચોખાના લોટ વડે રંગોળી આલેખે છે.
એમાં દેવ-દેવીઓનાં પ્રતીકો સાથે ચોરસ કે ગોળ આકારમાં રંગોળી બનાવાય છે. એની વચમાં ચોકડી પડે છે.
ચોકડીના ચારેય ખૂણે ચાર રેખાઓ હોય છે. આ રંગોળીનું કેન્દ્રબિંદુ ભગવાન શિવજીનું આસન મનાય છે. આવી રીતે ખાસ પ્રસંગે બનાવેલી ‘ઐપણ’ દ્વારા નારીઓની પુત્રકામના માટેની ઇચ્છા અભિવ્યક્ત થતી જોવા મળે છે.
આજે ગુજરાત અને સૌરાષ્ટ્રનું લોકજીવન યંત્રયુગની આંધીમાં ઝડપથી ઉડવા માંડ્યું છે. ગ્રામસંસ્કૃતિ પર નગર અને પશ્ચિમની સંસ્કૃતિનું જબરજસ્ત આક્રમણ શરૂ થયું છે. તળપદ ગણાતો ધરતીનો માનવી પોતાની વિરાસતમાં પરંપરિત કલાવારસાને સર્પની કાંચળીની જેમ છોડતો જાય છે. પરિણામે ભવ્ય ભૂતકાળ ધરાવતો કલાવારસો કાળની કંદરામાં ઝડપથી વિલીન થતો જાય છે.
આજથી બે-ત્રણ દાયકા પૂર્વ સ્ત્રીઓ અને કન્યાઓ હાથ વડે રંગોળી રચીને અંતરનો આનંદ-ઊર્મિઓ અભિવ્યક્ત કરતી. એ પછી પૂંઠાના ને પતરાનાં બીબાં આવ્યા. તેમાં રંગ ભરો એટલે જમીન ઉપર મીંડાવાળી રંગોળી રચાઈ જાય. આજે પ્લાસ્ટિક અને પોલીથિન પર છાપેલી રંગોળીના સ્ટીકરોથી દિવાલીના દિવસોમાં બજાર ઊભરાઈ ઊઠે છે ઉંબરા, ઓસરી કે ટાઇલ્સ પર એને ચીટકાવી દો એટલે વાત પૂરી થઈ જાય. આવી મશીનમાં બનતી તૈયાર રંગોળીઓએ નારીની કલ્પનાસભર સર્જનાત્મકતા અને કૌશલ્યનો આનંદ ઝૂંટવી લીધો.
એક આગવી ભારતીય પરંપરા આપણી આંખ આગળ નાશ પામી. દિવાળી જેવું પર્વ એ આનંદનું ઉમંગનું પર્વ છે. એ વખતે બહેનો પરંપરિત રંગોળીઓ રચવાનીને પોતાના આંગળા સજાવે તો એની દીકરીઓ ફણ કરિયાવરમાં આ કલા-પરંપરા સાસરે લઈ જાય અને શ્વસુર ગૃહના આંગણા શણગારે અને રંગોળીની કલાપરંપરાને જીવંત રાખવાનો સંકલ્પ કરે તો પ્રસન્ન થયેલાં સક્ષ્મીજી એમના આંગણે જરૂર રમવા ઊતરી આવે. નૂતન વર્ષની વેળાએ આપણે આવું ન વિચારી શકીએ ?
0 comments:
Post a Comment