- બકુલ ત્રિપાઠી
(સાદર ઋણસ્વીકાર : ‘બકુલ ત્રિપાઠીનું તેરમું’ પુસ્તકમાંથી)
'ધીઉકાકા ! એહીં ! ધીઉકાકા !... મારે બતાતાનું શાક જોઈએ છે... ધીઉકાકા!' બાળકોના પોકારો થતા રહે અને અમારા ધીરુકાકા બટાટાના શાકનું વજનદાર અધમણુનું કમંડળ ઝુલાવતા ઝુલાવતા પંગતની આરપાર સડસડાટ ગતિ કરતા ચાલ્યા જાય.
મને ભૂતકાળનું એ ઉત્સાહભર્યું દ્રષ્ય હજી યાદ છે !
ધીરુકાકા પીરસવાના નિષ્ણાત. આરોગ્ય, દેહસૌષ્ઠવ ઘણું સારું ત્ર્યાસી વર્ષની વય છતાં અધમણિયું કમંડળ જમણા હાથે ઝુલાવતા ઝુલાવતા, કમળફૂલ સાથેની સૂંઢ ઝુલાવતા દેવમંદિરના હસ્તિસમાં તેઓથી રસોડામાંથી બહાર પડતા... ‘શિખંડ... શિખંડ !... શિખં...ડ ! શિખંડ !...’ ! સ્વાતંત્ર્યયુદ્ધના ઇન્કિલાબ ઝિંદાબાદના પોકારોના ઉમંગથી એ 'શિખંડ, શિખંડ' ઉચ્ચારતા. શિખંડ ભલે સુંવાળો પણ ધીરુકાકાનો કંઠ પ્રચંડ... ! પહેલો 'શિખંડ' શબ્દ ઊંચા અવાજે પોકારવાનો - 'શિખં...ડ' ! પછી બીજી વારનો શિખંડ શબ્દ એકદમ મંદ્ર સપ્તકમાં !
'શિખંડ... શિખંડ !' બહુ જ મજા આવતી એમને ! તમને પણ આવશે, પ્રયોગ કરી જુઓ. તમારા ઘરમાં કમંડળ ન હોય તો પ્લાસ્ટિકની ડોલ લો (તમારું ગજું પણ જોવું). પછી એ ડોલ ઝુલાવતાં ઝુલાવતાં 'શિખં...ડ શિખંડ' 'શિ...ખંડ શિખંડ' પોકારતાં ડાંફો ભરતાં ભરતાં ચાલો, તમારાં કમ્પાઉન્ડમાં કે શેરીમાં, સંગીત અને વ્યાયામની ચમત્કારિક અસર થશે તમારા તનમન પર. મેં કલ્પનામાં આ કરી જોયું છે. રણયુદ્ધમાં તલવાર લઈને ઘૂમતા હોઈએ એવું જોશ પ્રગટે છે. અંગે અંગમાં !
આ જ રીતે મોહનથાળ જેમાં 'મોહન'ને બદલે માત્ર 'મો' બોલવાનું. 'થા.ળ’ બોલતાં કે ‘ઠા...ર’ બોલતાં વાતાવરણમાં મોટા તાંબાપિત્તળના ‘થાળ’ જેટલી વિશાળતા અનુભવાવી જોઈએ ! ‘બટાટાનું શાક’માં શાક પર ભાર મૂકવાનો... ‘બટાટા’ ઝડપથી, ‘શા...ક’ પ્રલંબ.
‘દૂધીચણાની દાળનું શાક’ પોકારતી વખતે ‘દૂધીચણાની દાળનું એ પ્રથમ રનવે પર દોડતા પ્લેનની જેમ બોલવાનું અને ‘શા..ક’ વખતે ? પ્લેન આકાશમાં વિહરી રહ્યું હોય ! પ્રયોગ કરી જોજો !
જ્ઞાતિભોજન વખતે ધીરુકાકા પીરવા માટે અત્યંત ઉત્સાહી. એમના આરોગ્યની એ ચાવી હતી. તમે સૌ પણ શીખો. પગતને કમંડળથી પીરસવામાં (1) બાવડાં મજબૂત બને છે. (2) ખભાના સ્નાયુઓને વ્યાયામ મળે છે. (3) રુધિરાભિસરણ તીવ્ર બને છે. (4) પગના થાપા તો પહેલવાનશા પ્રફુલ્લી ઊઠે છે. (5) કંઠનું સામથર્ય વધે છે.
હવે તો પંગપદ્ધતિનું સ્થાન બુફેપદ્ધતિએ લેવા માંડ્યું છે એટલે શું કહું ? આપણને તક જ ક્યાં રહી છે આ શૌર્ય દાખવવાની ?
ધીરુકાકા 100 વર્ષ જીવત પણ બાળકોની માતાઓએ ગણગણતા ગણગણતા નાતના યુવાનો આગળ ઘણી ફરિયોદો કરી. ધીરુકાકાને કાને સાંભળવાનું ઓછું થયું હતું એ વાત ખરી – પણ ‘બટાટાનું શાક’ માગતાં બાળકોનો અવાજ ઝીણો એ પણ ખરુંને ! એ બાળકો મોટાં થાય અને ખોંખારીને ધીરુકાકા પાસેથી દૂધીચણાની દાળનું શાક માગી શકે ત્યાં સુધી ધીરજ રાખવા માતાઓ તૈયાર ન હતી ! વર્ષો સુધી ધીરુકાકા જ્ઞાતિભોજનની પંગતોમાં ધડધડાટ પેલે છેડે જઈ. ધડધડાટ પાછા આવી ‘શિખંડ પતી ગયો ! હવે શાક ફેરવી આવું !’ નો ઉત્સાહ દાખવતા... પણ સ્વયંસેવકોએ જ્યારે કહ્યું, ‘કાકા ! હવે તમારે પીરસાવનું હોય નહિ !’ ત્યારે કાકાએ ‘હજી ઘરડો નથી થયો. મણમણિયું શિખંડનું કમંડળ ફેરવી આવું ! તમારી તાકાત છે ?’ એવો સામો પડકાર ફેંક્યો ! છેવટે યુવાનોએ ડિપ્લોમેટિકલી ‘કાકા તમારે તો હવે સુપરવાઈઝ કરવાનું ! અમે શીખીશું ક્યારે ?’ની કાકલૂદી કરી ત્યારે ધીરુકાકાએ પીરસવાનું બંધ કર્યું. અને... બે જ વર્ષમાં 87ની વયે એ ગુજરી ગયા. પીરસવાનું ન હોય તો જીવ્યાનો અર્થ શો છે ?
આ કથા યાદ કરી એટલા માટે કે આધુનિક માનવસંસ્કૃતિનાં 2000 વર્ષ પૂરાં થયાં (એમ મનાય છે, સગવડ ખાતર). આગલાં 2000 કે 5000 વર્ષમાં આપણે વિકસાવેલાં સાંસ્કૃતિક મૂલ્યો હવે આપણે ખોવા બેઠા છીએ. લગ્ન-જમણવારોમાં પંગતનો રિવાજ આપણે ગુમાવી રહ્યા છીએ. પાશ્ચાત્ય બુફે આવી રહ્યું છે. લગભગ આવી ગયું છે.
હું જુનવાણી નથી. બુફેમાં બેક્ડ ડિશીઝ આવી છે. તો તમે જોજો મને કોઈ ભોજનસમારંભમાં. હું જરાય દિલચોરી કરું છું ? નહીં જ!
પણ આપણાં સંસ્કૃતિભૂષણ પટલા જવા માંડ્યા છે એ મને નથી ગમતુમ.
લગ્નસમારંભમાં ભૂદેવોને પ્રસંગ આવ્યે પાટલા ઉછાળતા આપણે જોયા છે. બુફેમાં તમે શું ઉછાળો ? પણ બુફેની વિરુદ્ધ મારી એ દલીલ નથી. હવે તો જમનારાઓમાં શૌર્ય પણ ક્યાં રહ્યું છે ? પંગતના જે ‘બોનસ’ ફાયદા હતા તેની વાત જવા દો. પણ મૂળભૂત જમવાનું તો બરાબર થવું જોઈએને નવા રિવાજોમાં ?
બુફેમાં એક પાયાની સ્વયંવિરોધી બાબત છે – તમે અમને જમવા બોલાવો છો, પણ પછી ઊભે ઊભે જમવાની ફરજ પાડો છો ! વળી ઉત્સાહથી જમાડો છો એટલે વાનગીઓની સંખ્યા ઠીક ઠીક, અને તાસકો મોટી (કાગળની હોય છે. વળી જાય છ, લચકી જાય છે, એ વાત નથી કરવી) ઉત્તમ એવી સુપેરે ભરેલી સ્ટેનલેસ સ્ટીલની તાસકો હોય, તો પણ, ટેબલ પરથી હોલના મધ્ય પ્રદેશ સુધી એને લઈ જવી એ શું સરળ વાત છે ? અને પાછું ‘હલ્લો, કેમ છો ?’ કરતાં જવાનું !
‘ડોબા, હું જમી રહ્યો છું. તે દેખાતું નથી ? અત્યારે હાથ ઊંચો કરવાનો ટાઈમ છે ? તમે તો શું ખાલી હાથ ઝુલાવતાં ઝુલાવતાં ટેબલ ભણી જઈ રહ્યા છો બેટા, પણ અમારા હાથમાં થાળી નથી ભળાતી ? તારું હલ્લો ઝીલીએ તો બેલેન્સ ગુમાવતાં દાળ ઢોળાય. તો કફની સાફ કરવા તું આવવાનો છે લલ્લુ ?’ આવા ક્રૂર શબ્દો સૂઝે મનમાં. પણ...
એ તો પછી આપણે જલદી જલદી જમી લઈએ ને, એના ભોજનનો મધ્યકાળ હોય ત્યારે ‘હલ્લો કેમ છો ?’ કહીને રીતસર શેકહેન્ડ માટે હાથ લંબાવીને એનું બેટાનું બેલેન્સ ગુમાવડાવવું એ જ માર્ગ રહે છે.
વાંક એનો કે તમારો નથી. વાંક આખીય ‘સિસ્ટમ’નો છે.
સાચું કહો, તમને હાથમાં અધ્ધર થાળી કે સુપેરે ભરેલી ડિશ રાખીને જમવાનું ફાવે છે ?
હા, ફાઈવસ્ટારથી માંડીને અડધા-પોણા સ્ટાર સુધીની હોટેલોમાં વેઈટરો વાનગી ભરેલી ટ્રે કે થાળીઓ ઊંચકીને સરકસના ખેલાડીઓની માક ટેબલો વચ્ચે ઘૂમતા દેખાય છે. એ લોકોના કૌશલને હું સલામ કરું છું પણ મારે કહેવું પડશે, એ લોકોએ ડિશોનું અધ્ધર બેલેન્સિંગ કરવા ઉપરાંત સૌની સાથે વાતો કરવાનું હોતું નથી.
આપણે માથે તો વળી ત્રીજું કાર્ય, જમવાનું ખરું !
બૂફેમાં ખાવાનું સારું હોય છે. પણ વાતો કર્યા વિના ખાધા કરીએ તો ભૂંડા લાગીએ. તમે જ વિચાર કરો. એક ખૂણામાં ઊભાં ઊભાં સપસપ સપસપ કોળિયા ભરતા હોઈએ તો ભિખારી જેવા નથી લાગતા આપણે ? કોઈ આવીને ઝૂંટવી જાય તે પહેલાં જેટલું પેટમાં પધરાવાય એટલું પધરાવી દેવું – એવું વિચારીને આપણે મંડી પડ્યા હોઈએ એવું લાગે છે !
એટલે જ આપણે ‘કેમ છો ? સારું છે.’ ‘આજે તો ખૂબ મેરેજીસ છે.’ ‘મંડપ જોરદાર છે એની ના નહિ ! શો ખરચો કર્યો છે જગજીવનદાસે ! ભાઈ પહોંચી વળે એવી પાર્ટી છે !’...આવી કે બીજી ઓળખીતાઓની, મિત્રોની, ફલાણા મળ્યાની કે ન મળ્યાની કે એવી બધી વાતો કર્યા કરવી પડે છે. આવું બોલવું પણ પડે અને સાંભળવું પણ પડે. ઊભાં ઊભાં જમતા હોઈએ ત્યારે હું બોલવા કરતાં સાંભળવાનું વધારે પસંદ કરું છું !’
કદાચ આ એક જ પરિસ્થિતિ એવી છે કે જ્યારે હું બોલવા કરતાં સાંભળવાનું વધુ પસંદ કરું છું !પણ હાથમાં ડિશ હોય એટલે શું થાય ? સંપૂર્ણ સાંભળ્યા કરવાની મારી તૈયારી હોય છે, પણ પેલાઓ આપણને ‘તમને શું લાગે છે ?’ વગેરે કહીને બોલવાનો ચાન્સ આપવાની દયા કરે છે જે હકીકતમાં એક જાતની ક્રૂરતા જ છે. અરે, એ બોલે તે આપણે બરાબર સાંભળીએ છીએ. એ દેખાડવાય ઊંચું જોવું પડે છે, ડોકું હલાવવું પડે છે, મોંમાં બટાટાવડું હોય તોપણ – ‘ખરી વાત છે, ખરી વાત છે’ એમ હોંકો ભણવો પડે છે ! અરેરે !
અને એમ કરવા જતાં પેલી ડિશ ? આપણું મન ગભરાયા કરતું હોય, ‘એય જો આ બાજુ ન સરે ! એય જો, પેલી બાજુ ન ઢળે !’ આની એટલી બધી ચિંતા થતી હોય છે કે જિંદગીમાં ક્યારેય હું સ્ટ્રેન, બ્લડપ્રેશર કે હાર્ટએટેકથી ગુજરી જાઉં એવા સમાચાર તમને મળે તો ઊભો ખાતો હોઈશ ત્યારે જ એ થયું હશે !
ખુરશીઓ હોય છે થોડી જ ! પહેલાં હું પૂછતો હતો ‘ખુરશીઓ ?’
‘ખાસ નથી રાખી.’
‘રાખવી જોઈએ.’
‘કેટલી રાખીએ ? ખુરશી દરેક જણ બબ્બે લઈને બેસે છે – એક વધારાની ! થાળી મૂકવા ! છતાંય થોડી રાખી છે.’
‘છે ?’
‘પેલી બાજુ.’
હું તો આખો ભોજનમંડપ વીંધીને બે હાથે મજબૂત ડિશ પકડીને જંગલમાંથી રસ્તો કરતો કરતો ત્યાં પહોંચવા તૈયાર હતો. પણ પેલા સ્વયંસેવક કહે ‘સિનિયર સિટિઝન્સ માટે !’
‘શું ?’
‘ખુરશીઓ રાખી છે વડીલો-વૃદ્ધો માટે.’
પછી વટના માર્યા આપણે તો દરિયાનાં મોજાં વચ્ચે સ્થિર ઊભા રહેવાનો યુવાનમાર્ગ જ લેવો પડેને ?
અને કેટલાક ઉમંગી, ઉત્સાહી ખટારાઓને તો એકદમ તરત જ આઘા ખસી જઈને માર્ગ આપ્યા વિના છૂટકો જ નહીંને ?
નથી જમનારને નિરાંત, નથી પીરસનારને આનંદ, કારણ ધંધાદારી પીરસનારાઓને ખરેખર પીરસવાનું તો હોતું જ નથી. માત્ર પીરસવા જેવી સહેજ સહેજ અદા કરવાની હોય છે. ઘણુંખરું તો સેલ્ફસર્વિસ જેવું જ હોય છે.
કોણ જાણે કેમ બુફેમાં સેલ્ફસર્વિસ હોય છે પણ ‘એક સાથે ક્ટસા ગ્રામ જમાશે ? જો ખૂટશે તો પાછા આવવા માટેનો માર્ગ કરવાની તાકાત છે ? વળી ફરીથી લાઇનમાં ઊભું રહેવું નહીં પડે એની કોઈ ખારતી ? જો વધારે લઈએ તો, ડિશમાં મોટા ઢગલા લઈને ઊભા હોઈએ તો... દુકાળમાંથી આવ્યા હોઈએ એવા નહીં લાગીએ ? એવી એવી ચિંતાઓ રહ્યાં કરે છે.
એક જણ શિખંડ લેવા હાથ લંબાવે છે ત્યાં પાછળવાળોય જલદી પતાવવાના શુભ ઉદ્દેશથી બટાટાનું શાક લેવા હાથ લંબાવે – પતંગના પેચ જેવી સ્થિતિ થાય ! બેઉ ‘એક્સક્યુઝ મી’ ‘એક્સક્યુઝ મી !’ કરે પણ હાથ લંબાવેલા તે લંબાવેલા જ રહે !
ત્યાં વળી આગળ નીકળી ગયેલા ગોરધનભાઈનાં પત્ની ગૌરીબહેન એમની ડિશનું ઝીણી નજરે ઇન્સ્પેક્શન કરીને શોધી કાઢે. ‘તમે રાયણનું રાયતું તો લીધું જ નહીં.’
‘ઓહ ! સોરી.’
‘લઈ લો ! સારું હોય એમ લાગે છે.’
હવે ગોરધનભાઈ પેલા બે જણાના પેચ વચ્ચે પોતાનો હાથ પાછળ લંબાવે – રાયતું લેવા.
હવે ત્રણ જણના પેચ !
‘એક્સક્યુઝ મી’
‘એક્સક્યુઝ મી’
‘એક્સક્યુઝ મી’
ત્રણેય સાવ સાચો વિવેક કરે, પણ મારો બેટો ચોક્કસ પોતાનો હાથ પાછો ખેંચે નહીં.
વેઈટર કે સ્વયંસેવિકાએ ફરીથી સુવ્યવસ્થા સ્થાપવી પડે.
હું આ લેખ લખું છું પણ હું જાણું છું મારું કંઈ ચાલવાનું નથી. પંગતોનો આનંદ ગયો છે તે ગયો જ છે. પંગતોની ભવ્યતા હવે ભૂતકાળનો વિષ બની જવાની. વીરનાયકોનો આ યુગ નથી – ધીરુકાકાએ હવે દંતકથા જ બની રહેવાના.
કુસ્તીબાજ જેવું સ્નાયુબદ્ધ શરીર વિકસાવવાની શક્યતાઓ હવે ગઈ ! બુફેપદ્ધતિ આપણને સૌને નિબર્ળ બનાવી રહી છે.
હવે તો એક જ માર્ગ રહ્યો છે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવાનો, આપણો ધર્મ હવે વિદેશોમાં જ ટકી રહ્યો છે – એન. આર. આઈ.ઓ દ્વારા ! ભોજન પંગતોને પણ એન. આર. આઈ.ઓમાં ફેશનેબલ બનાવવી પડશે.
મેં ફોન કર્યો ત્યાંના એક ગુજરાતી સમાજના મંત્રીશ્રીને તો એ કહે : ‘બકુલભાઈ, તકલીફ છે ?’
‘શું ?’
‘પાટલૂન પહેરીને પલાંઠી વાળવાની મુશ્કેલી છે.’
ઢીંચણથી ફાટે એવું કાપડ હોય છે અમેરિકાનું ? શરમ છે ! પેલાઓને પાટલૂનમાં પલાંઠી ફાવવાની નહીં એટલે હવે પાછો સવાલ થવાનો એમણે ધોતી-પીતાંબર ઈમ્પોર્ટ કરવાનો !
યંગર એન. આર.આઈ.ઓ માટે ધોતિયાં પહેરવાની ટેકનિકનું ડેમોન્સ્ટ્રેશન તો ઈન્ટરનેટ કોમ્પ્યુટર પર પ્રોવાઈડ કરીએ. પણ...
જવા દો ! આભ ફાટ્યું છે ત્યાં થીગડાં કેટલાં દઈશું ? એ નક્કી કર્યું કે બુફે-ડિનરમાં ઘરડા ગણાઈ જવાનું કબૂલ રાખવું ! પત્યું !
પણ 85 વર્ષના ધીરુકાકા જેવા શક્તિ અને ઉલ્લાસ ? એનું શું ? પંગતમાં પીરસવાનો એ વ્યાયામ હવે ક્યાં ?
જવા દો ! બુફે યુગમાં લાંબું જીવીનેય શું કામ છે ?
બાકી પંગતો ચાલશે કે બુફે ચાલશે... ભારતદેશમાં પરણવાનું તો ચાલુ રહેવાનું જ છે. આ આશ્વાસન અડીખમ છે.
અને તમારે બુફેપદ્ધિના યુગમાં લાંબું જીવવું જ હોય તો લો, શતાયુભવની શુભેચ્છાઓ પણ આ... આપી !
છેલ્લે એખ સૂચન – ચમચી બુફેડિનરમાં નીચે પડી જાય તો એ ઉપાડવા હાથમાંની ડિશ સાથે વાંકા તો ન જ વળશો... શું સમજ્યા ?
0 comments:
Post a Comment