મળે તે આનંદ, ન મળે તે નિજાનંદ

(સાદર ઋણસ્વીકાર : સાંધ્યદીપ’માંથી)

- શ્રી સ્વામી અધ્યાત્માનંદજી

જીવન સંધ્યાના ઓવારે ઊભેલા વૃદ્ધો માટે જ નહીં, પ્રત્યેક માનવી માટે સ્વામી અધ્યાત્માનંદજી પાસે રસપ્રદ અને અતિઉપયોગી વાતોનો ખજાનો છે. આ ખજાનાને એમની રીતે જ ખુલવા દઈએ...

સંસારમાં પ્રત્યેક માનવીને સુખ અને શાંતિ જોઈએ છે. મહાત્મા ગાંધીજી આપણને સ્વનિર્ભર બનવાની શીખ આપી ગયા છે. આપણી સંસ્કૃતિએ આપણને ચાર આશ્રમો આપ્યાઃ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. દુઃખની વાત એ છે કે આ આશ્રમોમાંથી આજે આપણે શ્રમ કાઢી નાખ્યો આથી જીવન ‘બેશ્રમ’ બની ગયું. આ બેશ્રમપણું અંદરથી આતંક ફેલાવે છે. જીવન બંધાઈ ગયું. જે બંધાય એ ગંધાય. Rest is rust. આના પરિણામે શરીરમાં અને જીવનમાં બધી અંધાધૂંધી ફેલાઈ ગઈ.

‘આ બધી અવસ્થામાં યોગ સંતુલન આપે છે. શારીરિક અને માનસિક સંતુલન. થોડો પણ યોગાભ્યાસ નિયમિતરૂપે કરવામાં આવે તો જીવન લયબદ્ધ બને. સરળ ભાષામાં કહું તો ખૂબ સારી ભૂખ લાગે, કબજિયાત ન રહે, માંદા ન પડાય અને સારી ઊંઘ આવે. શરીરમાં સ્ફૂર્તિ રહે, થાક ન લાગે અને મન પ્રસન્ન રહે.

યોગ એટલે શું? યોગનો અર્થ માત્ર આસન કે પ્રાણાયામ નથી. યોદ શબ્દ युज ધાતુમાંથી આવે છે. યોગ એટલે જોડવું. પોતાની જાત સાથે જોડાવું. આપણી ઉંમર ગમ તેટલી થઈ હોય, હજી આપણે જાત સાથે જીવતાં શીખ્યા જ નથી. આપણે બહાર જ જીવીએ છીએ. બહારના સૌંદર્યથી વધારે સુંદર અને વિશાળ વિશ્વ આપણી અંદર છે. એ વિશ્વ આત્મનિરીક્ષણથી પ્રાપ્ત થાય, આત્મપરીક્ષણથી પ્રાપ્ત થાય. આ જાણકારી યોગ આપે છે. આ અનુશાસન યોગ શીખવે છે. માતા આપણને જન્મ આપે છે. મૃત્યુ તો આવીને મળવાનું જ છે પરંતુ જીવન મેળવવું પડે છે. જીવન જીવવાની જડીબુટ્ટી છે, જળકમળવત્ જીવવું. કશું ગાંઠેન બાંધવું. ફાયદો થાય, નુકસાન થાય, ગુસ્સો આવે કે ચિંતા થાય, બધું ખંખેરીને જીવવું.

વાનપ્રસ્થાશ્રમ આવે એટલે વ્યક્તિએ પોતાના ઘરમાં મહેમાન બનીને રહેવું જોઈએ. એટલું જ નહીં, સારા મહેમાન બનતાં શીખવું જોઈએ. આને તમે સમજણયોગ કહી શકો. આ સમજણયોગ પ્રાપ્ત થાય તો જીવનસંધ્યા સલૂણી બની જાય. સારા મહેમાન કોને કહેવાય? જે પોતાનું બધું કામ પોતે જ કરી લે અને યજમાનને પૂરતી મદદ કરે. આવા મહેમાન કદી કોઈને ભારે પડતા નથી, ઉલ્ટું લોકો આવા મહેમાનને હંમેશા આવકારે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે ઉંમર મોટી થાય પછી પોતાનું કામ જાતે જ કરવું. આનાથી પોતાને શારીરિક શ્રમ રહે અને આવતી પેઢીને પ્રેરણા મળે. બધી બાબતમાં ચાલશે, ફાવશેનો સિધ્ધાંત સ્વીકારી લે તો કુટુંબમાં વૃદ્ધો ક્યારેય અનાદર ન પામે.

મોટી ઉંમરે પણ યોગ શીખી શકાય એવું  જણાવતાં સ્વામીજી કહે છે કે અનેક વૃદ્ધો મારી પાસે યોગ શીખ્યા છે. ૮૦ વર્ષની વય પછી પણ લોકો યોગ શીખ્યા છે અને સારી રીતે કરી શકે છે. વૃદ્ધ લોકો માટે સૂક્ષ્મ વ્યાયામની તેઓ ભલામણ કરે છે. સૂક્ષ્મ વ્યાયામ એટલે શરીરના બધા જ સાંધાઓ માટેનો વ્યાયામ. હાથ, પગ, અંગુઠા, આંગળીઓ, થાપા, કમર, આવા બધા સાંધાઓ માટેનો સૂક્ષ્મ વ્યાયામ ગમે તે વયના લોકો કરી શકે. પ્રાણાયામ કરી શકે. પ્રાણાયામથી કરેલી ચેતના પ્રાપ્ત થાય છે! શીતલી અને શીતકારી પ્રાણાયામના અભ્યાસથી મન શાંત થાય છે, ઉદ્વેગરહિત થાય છે. સ્મૃતિ જળવાઈ રહે છે. પાચનશક્તિ વધે છે. ઊંઘ સારી આવે છે. ખોરાક અને ઊંઘ વધારે પડતાં હોય તો એના પર આ પ્રાણાયામથી નિયંત્રણ પણ લાવી શકાય છે.

આપણે પ્રસન્ન રહેતાં શીખવું જોઈએ. સદા પ્રસન્નતાથી જીવવાની કળા આપણે ભૂલી ગયા છીએ. ભાવનગરના ગિજુભાઈ, જેને આપણે ‘મૂછાળી મા’ તરીકે પણ જાણીએ છીએ. તેમણે આનંદી કાગડાનું સરસ ગીત આપ્યું. આ કાગડો કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એ હસતો અને ગાતો જ રહે, આનંદમાં જ રહે. આપણે પણ હર હાલમાં આનંદમાં રહેવાની કળા શીખવી જોઈએ. લોકો હિમાલય જાય, બદરીકેદાર જાય, જાત્રા કરવા જાય પણ બધે પોતાનો સ્વભાવ તો સાથે જ લઈને જાય. ચિડાઈ જવાનો, ખટપટ કરવાનો, ક્રોધ કરવાનો, પંચાત કરવાનો સ્વભાવ છોડી ન શકે અને ક્યાંયથી આનંદ પ્રાપ્ત ન કરી શકે.

દિવ્યજીવનનો પાયો છે, પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવું. આ કેવી રીતે થઈ શકે? સારા ગ્રંથોના વાંચનથી, એના પર વિચારવિનિમય કરવાથી અને યોગનો અભ્યાસ કરવાથી. સ્વામી શિવાનંદજીના વચનો ટાંકતા એમણે કહ્યું કે સદગુણોનું ચિંતન કરશો તો સદગુણ આવસે. દુર્ગુણોનું ચિંતન કરશો તો દુર્ગુણો આવશે. મા આનંદમયીના વચનો ટાંકતા સ્વામીજીએ જણાવ્યું કે સુખી થવું હોય તો બીજાના ગુણ જુઓ અને પોતાના દોષ જુઓ.

મનની શાંતિ માટે ધ્યાન અદભુત ચીજ છે. ધ્યાન માટે એમણે પાંચ મૂલ્યવાન સૂચનો આપ્યાં.

૧. દરરોજ એક જ સમયે બેસવું.
૨. દરરોજ એક જ સ્થાને ધ્યાનમાં બેસવું.
૩. દરરોજ એક જ રીતે ધ્યાન કરવું.
૪. ધ્યાન સગુણ પણ કરી શકાય અર્થાત્ મૂર્તિ ફોટા વગેરે સામે પણ કરી શકાય અને આંખ બંધ કરી નિર્ગુણ ધ્યાન પણ કરી શકાય.
૫. ધ્યાન મંત્રસહિત પણ કરાય. ધ્યાન મંત્રરહિત પણ કરાય.

પાંચ મિનિટથી શરૂઆત કરી ત્રણ કલાક સુધી ધ્યાનમાં બેસવાની ટેવ પાડી શકાય.

સેટેલાઈટ રોડ પર આવેલા શિવાનંદ આશ્રમના શાંત, પવિત્ર વાતાવરણમાં પ્રખર વિદ્વાન, તેજસ્વી અને ૫૮ વર્ષના યુવાન સ્વામી અધ્યાત્માનંદજીનો વાણીપ્રવાહ અસ્ખલિત વહ્યે જતો હતો. જીવન જીવવાની રત્નકણિકાઓ એમાં વેરાયે જતી હતી. માત્ર ૨૫ વર્ષની ભરયુવાનવ વયે એમણે સંન્યાસ સ્વીકાર્યો. આને તેઓ પૂર્વજન્મના સંસ્કારનું પરિણામ ગણે છે. પોતાની જાતને ગૃહસ્થ જણાવતાં એમણે કહ્યું, ‘‘જે ગૃહમાં સ્થિત થઈને રહે એ ગૃહસ્થ. આત્મા મારું ઘર છે. હું આત્મામાં જ રહું છું અને અનાત્માનો વિચાર નથી કરતો આથી હું ગૃહસ્થ છું. શાશ્વત ગૃહસ્થ જ ચિરંતન સંન્યાસ પ્રાપ્ત કરી શકે.’’

૧૯૭૪થી સ્વામીજી લોકોને યોગશિક્ષણ આપી રહ્યા છે. આજુ સુધીમાં કુલ ૫૮૭ યોગશિબિરો કરી ચૂક્યા છે. દેશ-પરદેશમાં અને કાશ્મીરના લેક જેવા માઈનસ ડીગ્રી તાપમાન ધરાવતા પ્રદેશમાં પણ તેઓ યોગાસન શિબિર કરી ચૂક્યા છે. એમની સજ્જતા અદભુત છે. પોતે ડોક્ટર નથી પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગશિક્ષણ આપે છે. તબીબીવિદ્યાને એમણે પચાવી છે. પોતાના કાર્યના દરેક પાસાંને સંપૂર્ણપણે જાણવાનો અને એ રીતે પૂર્ણતા લાવવાનો એમનો અભિગમ કોઈને પણ પ્રેરણારૂપ બને એવો છે. આથી જ શિવાનંદ આશ્રમના યોગશિક્ષકોમાં યોગની અધિકારિતા અને તબીબી પદવીઓનો સુભગ સમન્વય જોવા મળે છે. સંપૂર્ણ ચેતનાજાગૃતિ (Total Awareness)નો જીવનમંત્ર આપનાર સ્વામી અધ્યાત્માનંદજીના પ્રભાવક વ્યક્તિત્વનાં બંને પાસાં અનુભવવા જેવાં છે, મનને વશીભૂત કરતી એમની જ્ઞાનભરી વાણી અને બીજી જ પળે બાજુમાં બેઠેલા દાદજીને એક ટુચકો કહીને આશ્રમને ગુંજાવી દેતું એમનું ખડખડાટ હાસ્ય.

શ્રી લતાબેન હિરાણીની કલ્યાણપથના યાત્રીઓની મુલાકાતના આધારે

1 comments:

ઈશ્વરભાઈ પટેલ said...

Post a Commentસર ,આપે ભુજ સરસ માહિતી આપેલ છે, આભાર.
મારું અને મારી પત્નીનાં બેંકમાં સંયુક્ત ખાતાં છે.તો અમો બન્ને અમારું રાજીખુશીથી સંયુક્ત વસિયત કરી શકીએ કે અલગ અલગ કરવાં પડે તે જણાવવા વિનંતી.મારી પત્નીની પાવર ઓફ એટર્ની મારા નામે કરીને હું એકલો વસીયત કરું તો માન્ય ગણાય કે કેમ તે વિષે માર્ગદર્શન આપ્વે વિનંતી છે.