પશ્ચિમી દુનિયાના એક વદ્ધનો સંદેશ

(સાદર ઋણસ્વીકાર : સાંધ્યદીપ’માંથી)

- શ્રી ભવેનભાઈ કચ્છી

કુટુંબો તોડવાની, વડીલોને ધુત્કારવાની માનસિકતા તમારી ભવ્ય સંસ્કૃતિને અભડાવી ના જાય તેનું ધ્યાન રાખજો.

‘‘હેલો, હું ગ્રેહામ... એક અઠવાડિયા માટે આપ અમારા ઘરના મહેમાન છો. તમને લેવા માટે આવ્યો છું.’’

રોટરી ઇન્ટનેશનલના ગ્રૂપ સ્ટડી એક્સ્ચેન્જ કાર્યક્રમ હેછળ હું ઇંગલેન્ડના પ્રવાસે ગયો હતો. ચાર જુદા જુદા બ્રિટીશ કુટુંબ જોડે એક-એક અઠવાડિયું આ કાર્યક્રમ હેઠળ રહેવાનું હતું. તે લોકોના ઘેર કુટુંબના એક સભ્યની જેમ જ રહેવાનું. એકબીજાના દેશની સામાજિક, કૌટુંબિક, આર્થિક, ધાર્મિક તેમજ રહેણીકરણી વિષે આદાન-પ્રદાન કરવાનું, તસવીરો બતાવવાની, દિલ ખોલીને વાત કરવાની, સાથે હરવા-ફરવાનું.

આ અઠવાડિયું મારે ગ્રેહામને ઘેર રહેવાનું હતું તેથી તે તેમની ‘પોશ રે’નો કારમાં મને લેવા માટે આવ્યા હતાં. મજબૂત બાંધાના અને સફેદ દાઢી વધારેલ ગ્રેહામની ઉંમર ૬૫ વર્ષની હશે. તેમના ઘર સુધી કાર હંકારતા લગભગ ૪૫ મિનિટ લાગી હશે. રસ્તામાં તેમણે પરિચયનો સેતુ જોડતા નિવૃત્તિ પહેલાંની તેમના બિઝનેસ, પત્ની મેરી અને બે પ્યારા પરિવારના બે પ્યારા સભ્યો જોની અને જીની અંગે વાત કરી. મારા કુટુંબ, વ્યવસાય વિશે પણ પૂછ્યું.
ક્રિકેટ, ફૂટબોલ, ગાર્ડનિંગ અને વાંચન એ તેમના શોખ હતા. સરસ મજાનું સ્પોટર્સ ટી-શર્ટ-જીન્સ અને સ્પોટર્સ શૂઝ તેમણે પહેર્યાં હતા. ખૂબ જ પ્રસન્ન અને સુખી લાગે. રસ્તામાં તેમણે જોની અને જીનીના તોફાન, વ્હાલની વાતો પણ– હોંશપૂર્વક કરી. ઇંગ્લીશ લોકોને પ્રથમ પરિચયમાં બહુ અંગત પ્રશ્નો પૂછીએ તે વિવેકહીન લાગે છે. તેથી તે જે કહેતા હતા તે સાંભળ્યું પણ તેમના પરિવાર અંગે સામે ચાલીને કંઈ પૂછ્યું નહીં. હજુ તો પરિચય થયે જ ૩૦-૪૦ મિનિટ માંડ થઈ હતી.

ગ્રેહામનું ઘર આવી ગયું. લાલ ઈંટોનો બનેલ એ બંગલો લીલા ઘાસની લોન અને મીની ગાર્ડન વચ્ચે ઊભો હતો. કારનો અવાજ સાંભળતાં જ એક સુઘડ, સ્વચ્છ અને ખુશીની લહર દોડાવતી મહિલા બહાર આવી. તેણે પણ જીન્સ પેન્ટ અને જર્સી પહેરી હતી. તેના બધા વાળ સોનેરી-સફેદ હતા. તેણે લિપસ્ટિક, પાવડર, ફેસિયલ જેવી ટ્રીટમેન્ટ પણ લીધી હોય તેવું લાગ્યું.
‘‘મેરી... મીટ અવર ન્યુ ફેમિલી મેમ્બર’’ તેમ કહેતા ગ્રેહામે મેરીને ભેટતાં હળવું ચુંબન આપ્યું.

મેરી પણ વાત્સલ્ય ભાવ આપતાં મને ભેટી પડી. મને ગાલ પર તેણે વ્હાલથી ચુંબન આપ્યું.

લગભગ છ મોટા બેડરૂમ, પોશ ફર્નિચર, એન્ટીક પીસ, અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ કુકિંગ રેન્જ, આપણા ઓરડા જેવા બાથરૂમો, પુસ્તકો-અખબારો-સામાજિકોના ખડકલાથી સજ્જ બંગલો ભારતની તુલનામાં કોઈ સુપર રીચનો હોય તેવો લાગતો હતો.

આટલો મોટો બંગલો પણ તેમાં ગ્રેહામ અને મેરી બે જ જણાં રહેતાં હોઈ એક ઉચાટભરી શાંતિ જણાતી હતી. આજુબાજુના બંગલાઓ પણ દૂર-દૂર હતા. તેથી કોઈ અવાજ જ ના આવે. વાહનોની અવર-જવર હોય ત્યાં રહેણાંક વિસ્તારો નથી હોતા. શૌપિંગ પણ અલાયદા અને ખાસ કાર લઈને જવું પડે તેટલું દૂર હોય છે. નવી પેઢીના યુવાન-યુવતીઓ, બાળકો સવારથી સાંજ સુધી તેમની પ્રવૃત્તિમાં જ બહાર ગયા હોય.

મેં પણ વિચાર્યું કે ગ્રેહામ-મેરીના સંતાનો જોની અને જીની અને જીની જેવા નામ ધરાવતા પૌત્રો સાંજ સુધીમાં આવી જશે. તે સાંજે જ ઘર ભર્યું-ભર્યું થઈ જશે. બાકી ભારતથી ગયેલાને તો સ્મશાનવત્ -ગ્લુમી શાંતિ લાગે. વાદળછાયું વાતાવરણ આમાં વધારે ઉમેરો કરે.

ઘરમાં ઠેર ઠેર કોર્નરમાં અને દીવાલો પર સુંદર ફ્રેમમાં તેમના પુત્રો-પુત્રીઓ, જમાઈ, પૌત્રો વગેરેના ફોટાઓ, ગ્રુપ ફોટાઓ પણ હતા.
સવારના હજુ નવેક વાગ્યા હતા. બ્રેક ફાસ્ટ માટે મેરીએ ડાઇનીંગ ટેબલ પર બોલાલ્યા. ગ્રેહામને હું ભારતની તેમજ કુટુંબ અંગે વાત કરી રહ્યો હતો. ત્યારે તેની આંખ ભાવુક્ત, સાથે ભીની થઈ ગઈ હતી. પણ પછી તરત જ તેણે તેની દિનચર્યાની વાત માંડી. અચાનક ઉપરના રૂમમાં કંઈક અવાજ આવ્યો. ગ્રેહામ અને મેરીના ચહેરા પર ચમક આવી ગઈ. દાદરા પરથી ઊતરી એક અલમસ્ત સફેદ કૂતરું આળસ મરડતા નીચે આવ્યું તે સાથે જ ગ્રેહામ અને મેરી ડાઇનિંગ ટેબલ છોડી કૂતરાને હરખથી ભેટવા દોડી ગયા. મને જોતાં જ કૂતરું અજાણ્યો હોઈ ભસવા લાગ્યું. તે સાથે જ ગ્રેહામે લાડ મિશ્રિત ઠપકો આપતા કૂતરાને કહ્યુ ‘‘નો... નો. જોની, હી ઈઝ અવર ગેસ્ટ, ફેમિલી મેમ્બર.’’

જોની નામ સાંભળતા જ હું ચમક્યો. થોડી મિનિટો તો ગ્રેહામ, મેરી મને ભૂલી ગયા હોય તેમ કૂતરા જોડે રમવા માંડ્યા. તેને બિસ્કીટ, વગેરે આપ્યાં.

ગ્રેહામે એકદમ સહજતાથી કહ્યું, ‘‘તો આ છે એ ડેવિસ જોની જેની હું તમને રસ્તામાં વાત કરતો હતો.’’ હું જેને પુત્ર કે પૌત્ર માનતો હતો તે તો આ પાળેલો કૂતરો હતો. જો કે ગ્રેહામ અને મેરી તેને પૌત્ર જેટલો જ પ્રેમ કરતા હતા તે જુદી વાત હતી.

સ્વાભાવિકપણે મને ‘જીની’ કોણ છે તે જાણવાની ઉત્કંઠા હતી. મારાથી રહેવાયું નહીં. મેં પૂછી કાઢ્યું કે ‘‘મને જીનીની ઓળખાણ કરાવવાની બાકી છે.’’

તરત જ મેરીના ચહેરા પર પ્રસન્નતાની છોળ ઊડી. તેણે કહ્યું, ‘‘અરે તે તો સાવ આળસુ છે. રાત્રે મોડે સુધી આપણી પથારીમાં આવી તોફાન કરે અને તેને ઊંઘ આવે ત્યારે તેની કોટેજમાં સૂવા માટે ચાલી જાય. ચાલો, હું તેને ઉઠાડી આવું.’’ મેરી પાછળના યાર્ડમાં ગઈ.

એક કાબર ચીતરી બિલાડીએ પ્રવેશતાં ‘‘મ્યાંઉ... મ્યાંઉ...’’કરી ઘર ગજવી મૂક્યું.

‘‘જીની, શેક હેન્ડ વીથ અવર ફ્રનેડ.’’

પછી તો જોની અને જીનીના પરાક્રમની વાતો ગ્રેહામ અને મેરી તેમની આંખોમાં પાણી આવી જાય તે રીતે હસીને કરતા હતા. મારી આંખો પણ જુદા કારણોસર તેઓની વેદના અને એકાકીપણાને કેવી રીતે છુપાવે છે તે જોઈને ભીની થઈ ગઈ હતી.

પછી તો એક-બે દિવસ સાથે રહ્યા તેમાં જ એમ ઘણા નજીક આવી ગયાં. તેઓ હું જાણે તેમનો પુત્ર હોઉં તેમ ભરપૂર પ્રેમ, સત્કાર વરસાવતા હતા. જાણે તેમના જીવનમાં બહાર આવી ગઈ હોય તેવું લાગે. મારી ડગલે અને પગલે સતત કાળજી, ખાસ ઇન્ડિયન ફૂડ બનાવવા માટે રેસિપી બુક ખરીદી લાવ્યાં હતાં. તેમાંથી જોઈને ભોજન બનાવવાનો પ્રયત્ન કરતા હતા. બધું બતાવવા માટે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને કારમાં લઈ જાય.

તેઓએ ત્રણેક દિવસ પછી જ્યારે ભારતના કુટુંબજીવન અંગે મારી પાસેથી વાતો સાંભળી ત્યારે ગ્રેહામની આંખોમાં અશ્રુ છલકાતાં હતાં. તેણે કહ્યું કે ‘‘અહીં છોકરો કે છોકરી ૧૫-૧૭ વર્ષનાં થાય ત્યાં જ તેમની રીતે સ્વતંત્ર બનવા ઘર છોડીને ચાલી જાય છે. ૨૦ વર્ષ તો હદ થઈ ગઈ. કોઈ છોકરી જોડે લગ્ન વગર પણ મારો પુત્ર સંતાનો સાથે વર્ષો સુધી રહે. લગ્ન કરે કે ના કરે તે મહત્ત્વનું નથી. તેઓ એમ માને છે કે અમે તેઓને જન્મ આપી દીધો એટલે બસ. મારો એક પુત્ર આ ઘરથી ત્રણ માઈલ દૂર જ રહે છે, બીજો પુત્ર બીજા ગામમાં અને ત્રીજો પુત્ર ન્યુઝિલેન્ડ રહે છે. પુત્રી તેનાં બંગલામાં એકલી રહે છે. તેઓએ અમને કાઢી મૂક્યા નથી. તેઓ અમારા જીવનમાંથી ૧૭થી ૨૦ વર્ષની વયે નીકળી ગયા છે. તેઓને અમારી ભાવના, લાગણી પ્રેમ, અપેક્ષાની સહેજ પણ દરકાર નથી. ઘણા તો એમ કહે છે કે તમારા સેક્સ સંબંધનું અમે પરિણામ છીએ. આ માત્ર અમારા એકલાની વાત નથી. પશ્ચિમ જગતનો આ સહજ શિરસ્તો છે. જોની અને જીની એ જ અમારા જીવનની બહાર-લહેર અને મકસદ છે.’’

ગ્રેહામ અને મેરી સતત પ્રવૃત્તિમય, વાંચન અને આલબમો જોઈને જીવન વીતાવે છે. તેમના કેટલાક હમઉમ્ર સાથીઓને બીમારી અને હાથ-પગ ચલાવવાની તકલીફ હોય તેઓ નર્સિંગરૂમમાં જીવન પૂરું કરે છે.
ગ્રેહામ કહે છે કે ‘‘નવી પેઢી સંપૂર્ણ સ્વકેન્દ્રી, સ્વાર્થી અને ભૌતિક મસ્તીમાં જ ડૂબેલી રહે છે. તેમ ઇન્ડિયામાં બે રૂમમાં આઠ જણા રહી શકો છો. પણ અમે આઠ રૂમમાં બે જણા જ રહીએ છીએ.’’
મેં પૂછ્યું કે ‘‘તમારા સંતાનો તમને મળવા આવે? યાદ કરે?’’

મેરીએ ગ્લાનિના ભાવ સાથે જવાબ આપ્યો કે ‘‘હા, કોઈ વખત ‘ફાધર ડે’ કે ‘મધર ડે’ના દિવસે આવે અથવા કાર્ડ લખીને મોકલે. મારા સંતાનો એટલાં સારાં છે. બાકી પાડોશી માર્ગરેટના સંતાનો તો ‘ફાધર ડે’ના દિવસે પણ કાર્ડ નથી મોકલતાં.’’

મેં મનોમન વિચાર્યું કે ‘પશ્ચિમની દુનિયામાં એક બંગલામાં કૂતરા-બિલાડી સાથે રહી શકે છે. પણ કુટુંબના સભ્યો રહી નથી શકતાં.’

ગ્રેહામે નિઃસાસો નાંખતાં કહ્યું કે ‘‘મહેરબાની કરી તમારા નાગરિકોને કહેજો કે કુટુંબો તોડવાની વડીલોને ધુત્કારવાની માનસિક્તા તમારી ભવ્ય સંસ્કૃતિને અભડાવી ના જાય તેનો ખ્યાલ રાખજો. જીવનનું સુખ, ખુશી એ મોટા બંગલા, ગાડી તથા સ્વાર્થીપણાથી કદી મળતી નથી.’’

તેઓને આઘાત લાગે એટલે મેં પરિસ્થિતીની વાસ્તવિક્તાની ઝલક જરૂર આપી પણ, એમના કહ્યું કે અમારે ત્યાં પણ હવે વૃદ્ધાશ્રમોમાં ભરતી થવા માટેનું વેઇટિંગ લિસ્ટ છે.
(શ્રી ભવેનભાઈ : કચ્છી : પત્રકાર, કોલમિસ્ટ-‘ગુજરાત સમાચાર’ અમદાવાદ)

વુદ્ધાશ્રમો મા-બાપ અને સંતાનો વચ્ચેની ખાઈની નિશાની તો છે જ, પણ એ ખાઈ કેવળ સ્વાર્થજન્ય કારણોને લીધે ન હોય, જુદી જીવનપ્રણાલી, જુદી વિચારધારાને લીધે પણ હોય.

ઉપયોગ હોય ત્યાં સુધી આદર અને ઉપયોગ મટ્યો કે અનાદર-એ સાંસારિક સંબંધોનું સ્વરૂપ મોટાભાગે જોવા મળે છે. કોઈક એવી વ્યવસ્થા શોધી કાઢવી જોઈએ જેમાં કોઈનાં ઓસિયાળાં રહેવાપણું ન હોય, પરાધીનતા ઓછામાં ઓછી હોય.

આ બધાં દૃષ્ટિબિંદુથી જોતાં વૃદ્ધાશ્રમો તો સમાજ માટે વરદાન સમાન છે. માત્ર અસહાય વ્યક્તિનું સાધના-સ્થાન પણ તે બની શકે.
- કુંદનિકા કાપડિયા

0 comments: