ભગવાન સાથે વાતચીત

(સાદર ઋણસ્વીકાર : મનનો માળો ભાગ-2માંથી)
એક માણસે ભગવાનને પ્રાર્થના કરી કે, ‘હે ભગવાન! મારી બધી ખરાબ આદતો તું લઈ લે!
તો ભગવાને કહ્યં કે, ‘ના! એ બધી ખરાબ આદતો મારે લેવાની નથી પરંતુ તારે છોડવાની છે!
પછી એણે ભગવાનને એવું કહ્યું કે, ‘હે પ્રભુ! મારાં અપંગ બાળકને તું સારો અને સંપૂર્ણ બનાવી દે!
ભગવાને જવાબ આપ્યો કે, ‘ના! એનો આત્મા તો સારો અને સંપૂર્ણ જ છે. સારું કે અપંગ એ શરીર છે, અને શરીર તો ક્ષણભંગુર છે!
ત્યાર બાદ એણે ભગવાનને વિનંતી કરી કે, ‘હે નાથ! મને ધીરજ અને સબૂરી આપ!
ત્યારે ભગવાને કહ્યું કે, ‘ના! ધીરજ અને સબૂરી એ તો કસોટીઓની નીપજ છે. એ અપાતી નથી, માત્ર શીખી શકાય છે!
હવે ખૂબ જ મક્કમ નિર્ધાર સાથે એણે ભગવાનને કહ્યું કે, ‘હે દીનાનાથ! મને તું સુખ આપ!
આ વખતે ભગવાન હસી પડ્યા. હસતાં હસતાં ઘસીને ના પાડતાં એમણે કહ્યું, ‘ના બેટા! હું તો તને ફક્ત આશીર્વદ આપું છું. સુખ અને દુઃખ એ તો તારા મનની પેદાશમાત્ર છે.’
હવે એ માણસે દૃઢતાપૂર્વક માગણી કરી કે, ‘હે ભગવાન! મારી પીડાને તો તું શમાવી દે. તું જો તો ખરો આટલી બધી પીડાને લીધે હું કેટલો હેરાન થાઉં છું?
એની દૃઢતાથી જરા પણ વિચલિત થયા વિના ભગવાન બોલ્યા, ‘ના! આ પીડા અને દુઃખો જ તને દુન્યવી કારણોથી દૂર રાખીને મારા સુધી લઈ આવે છે. અને તું બરાબર સાંભળી લે, હું તને ગુમાવવા નથી માંગતો!
એ માણસને નવાઈ લાગી. બધી જ વાતમાં ના પડતા ભગવાન પાસે ફક્ત એક જ વખતમાં બધું જ માંગી લેવાના વિચારથી એણે કહ્યું કે, ‘હે પ્રભુ! તું મને એ બધી જ વસ્તુઓ આપી દે જેથી હું જિંદગીનો આનંદ માણી શકું!
ભગવાન બોલ્યા, ‘ના! એમ નહીં, હું તને જિંદગી જ આપું છું જેથી તું એ બધી વસ્તુઓનો આનંદ લઈ શકે! !
હવે પેલા માણસની ધીરજની હદ આવતી જતી હતી. એકેએક વાતે નનૈયો ભણતા ભગવાનને ગમતું કંઈક કહેવાની અને એ રીતે માંગી લેવાની ગણતરી સાથે એણે કહ્યું, ‘હે નાથ! તું મારા આત્માનો ઉત્તરોત્તર વિકાસ થાય તેવું કરી દે!
એના આશ્ચર્ય વચ્ચે આ વખતે પણ ભગવાને ના પાડી, અને કહ્યું, ‘હરગિજ નહીં! તારે તારી મેળે તારો વિકાસ સાધવાનો છે. પણ હા! હું તારામાં જરૂરી ફેરફારો ચોક્કસ કરીશ, જેથી તારી સાધના ફળે!
હવે એ માણસ બરાબરનો કંટાળી ગયો. શું માંગવું એનો પણ એને ખ્યાલ નહોતો આવતો. છતાં છેલ્લે એણે એમ માંગ્યું કે, ‘હે ભગવાન! તું મને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ હું બીજાં બધાંને કરી શકું એટલું તો શીખવાડ!
આ વખતે ભગવાન મંદ મંદ હસ્યા, જમણો હાથ ઊંચો કર્યો અને બોલ્યા, ‘હંમ...મ્...મ્... ! હવે બરાબર છે! હવે તને કંઈક સમજાયું હોય તેવું લાગે છે. જા, તથાસ્તુ! !

0 comments: