સૌરાષ્ટ્રે સોમનાથં ચ


- મીનાક્ષી ઠાકર
(સાદર ઋણસ્વીકાર : ગુજરાતનાં તીર્થધામો માંથી)
આર્યનું સાગરતીર્થ પુરાણ,
તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
ગીતાના ગાનારા મહારાજ
પાર્થના સારથિનાં જ્યાં રાજ્ય,
ગ્રીસરોમથી ય જૂનાં
કુરુ પાંડવથીયે પ્રાચીન,
સોમનાથ, ગિરિનગર, દ્વારકા
યુગયુગ. ધ્યાનવિલીન
ઊભીને કળસિન્ધુને તીર
બજાવે બંસરી ભવ્ય સુધીર
ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ !
રમણીય ગુર્જર ભૂમિની પશ્ચિમે કચ્છથી દમણ સુધીનો સાગકાંઠો વિશાળ છે. સુંદર છે, સમૃદ્ધ છે ને આકર્ષક છે. તેમાંય સોમનાથનું ભવ્ય મંદિર સમયની અનેક પડછાટો પછીય અડીખમ, અણનમ, ભવ્યતા અને પવિત્રતાની સાક્ષી પૂરતું ઊભું છે.

સૌરાષ્ટ્રના દક્ષિણે આવેલ લીલીનાઘેર વિસ્તારમાં વેરાવળથી માત્ર 6 કિ.મી.ના અંતરે દરિયાકિનારે આવેલું સોમનાથનું મંદિર બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શંકર આ તીર્થોમાં અનંતકાળથી રહ્યા છે અને અનંતકાળ સુધી રહેશે.

આખા કાઠિયાવાડનું ક્ષેત્રફળ બાવીસ હજાર ચોરસ માઈલ અને લંબાઈ 160 માઈલ તથા પહોળાઈ 215 માઈલ છે. પૂર્વમાં ખંભાતના અખાતથી, ઉત્તરમાં કચ્છના અખાતથી અને પશ્ચિમમાં તથા દક્ષિણમાં અરબી સમુદ્રથી બંધાયેલો આ દ્વીપકલ્પ ખંભાતના અખાત અને કચ્છના અખાત વચ્ચે ગુજરાત સાથે જોડાયેલો છે. આ બે અખાતને જોડનારી સીધી લીટી નળ નામની કોઈ મોટી નદીનું તળ હોય એમ લાગે છે. એક કાળે બેટરૂપ અને અત્યારે દ્વોપ-કલ્પરૂપ આ પ્રદેશમાં જમીન, ઝાડપાન, જનાવરો અને અને માણસો ગુજરાતથી જુદાં પડે છે. પ્રાચીન કાળમાં એ દૂધ અને મધની નદીઓનો દેશ ગણતો. એની સમૃદ્ધિથી આકર્ષાઈને અરબસ્તાન, તર્કસ્તાન, ઉત્તર આફ્રિકા અને યુરોપના અગ્નિ ખૂણાના ભાગનાં વેપારી વહાણો સુરાષ્ટ્ર-હાલનાં સૌરાષ્ટ્ર-નાં બંદરોમાં આવતાં. પ્રાચીન અવશેષો અને પ્રાચીન દેશી તથા પરદેશી ઉલ્લેખો પરથી એવું જણાય છે કે કાઠિયાવાડનો દક્ષિણ પ્રદેશ, ઘણું કરીને ઉત્તરમાં ભાદર નદી, પશ્ચિમમાં માધવપુર, પૂર્વમાં તુશીશ્યામ અને દક્ષિણમાં સમુદ્રથી બંધાયેલો નાનો પ્રદેશ પ્રાચીનકાળમાં આર્યોએ વસાવેલો હશે અને એ જ પ્રદેશને પ્રભાસક્ષેત્ર કહે છે.

ભારતકાળમાં પ્રભાસ તીર્થસ્થાન હતું. એ સ્થળે સરસ્વતી, હિરણ્યા અને કપિલા એમ ત્રણ નદીઓનો સમુદ્રના કાંઠા ઉપર સંગમ થાય છે.

પ્રભાસમાં શિવનું કાલભૈરવ લિંગ આવેલું છે. આ શિવલિંગની ચંદ્ર ભારે ઉપાસના કરતો. આથી દેવો ચંદ્ર ઉપર પ્રસન્ન થયા અને ચંદ્રને વરદાન આપ્યું કે ભગવાન સદાકાળ ભક્તને નામે જ ઓળખાશે આથી ચંદ્રના નામ ઉપરથી આ શિવલિંગ સોમનાથના નામે ઓળખાયું. સ્કંદપુરાણના પ્રભાસખંડમાં સોમનાથ લિંગનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે. એ સ્વયંભૂ લિંગ અત્યંત ક્રાંતિમાન છે. સૂર્યના બીંબ જેવું તેજસ્વી છે. સર્પથી આવૃત્ત છ અને તે ભૂગર્ભમાં આવેલું છે.
સોમનાથનું મંદિર ધાર્મિકતા સાથે પૌરાણિકતા અને ઐતિહાસિકતા પણ ધરાવે છે. આ મંદિર સૌ પ્રથમ ઈસવીસનના ચોથા સૈકામાં બંધાયું હોવાનું અનુમાન છે. (ડો. રસેશ જમીનદાર) આ મંદિરના અવશેષો અહીંના સંગ્રહાલયમાં પ્રદર્શિત છે. અરબી ઇતિહાસકાર અલ બીરૂનીએ આ તીર્થક્ષેત્રની મુલાકાત લીધી હતી. અહીં મસ્જિદો પણ આવેલી છે.

ઈ. સ. 1024ની સાલમાં મહંમદ ગીઝનીએ આ ઐતિહાસિક સોમનાથના મંદિરને લૂંટ્યું હતું. ભૂતકાળમાં આ મંદિરની જાહોજલાલી પુષ્કળ હતી. દરરોજ ગંગા નદીમાંથી ગંગાજળ અને કાશ્મીરમાંથી ફૂલો લાવવામાં આવતાં. રોજ દસ હજાર ગામડાંની આવક મંદિરોમાં આપવામાં આવતી. રોજની પૂજા માટે એક હજાર બ્રાહ્મણ રોકવામાં આવતા. મંદિરમાં નૃત્ય અને સંગીત માટે 350 નર્તકીઓ રહેતી હતી. બસો મણની સોનાની સાંકળ વડે ઘંટનાદ કરવામાં આવતો. મંદિરમાં 56 જેટલા રત્નજડિત સ્થંભો હતા. આ દરેક સ્તંભને ભારતવર્ષના જુદા જુદા શૈવધર્મી રાજાઓએ સુવર્ણના પતરાથી મઢાવ્યો હતો. તેના ઉપર હીરા, પન્ના, મામેક મોતી, ગોમેદ, પોખરાજ વગેરે રત્નોનું જડતર કરવામાં આવ્યું.  ઈંટોથી બંધાયેલ ગર્ભગૃહની વચ્ચે આવેલા સોમનાથ મહાદેવનું લિંગ દસ ફૂટ ઊંચું અને 6 ફૂટ જાડું હતું. આ લિંગ ચાર ફૂંટ જેટલું જમીનમાં દટાયેલું હતું. ગુજરાતના સોલંકી રાજા ભીમદેવે બુંદલખંડની જીતમાંથી મેળવેલી સોનાની પાલખી સોમનાથના મંદિરને અર્પણ કરી હતી. એ રીતે ઘણાય રાજાઓ સોમનાથના મંદિરને ભેટો ધરતા હતા. એ વખતે જ મંહમંદ ગીઝનોએ ચડાઈ કરી અને વીસ લાખ રૂપિયાની રકમ જેટલી લૂંટ કરીને ગીઝની પાછો ફર્યો. આ પછી થોડા દિવસોમાં સોલંકી રાજા ભીમદેવે ચડાઈ કરી આખું ગુજરાત કબજે કર્યું અને સોમનાથનું મંદિર બંધાવવા માટે વિમળશાહને જણાવ્યું. આ મંદિર ઘણું મહાકાય હતું. આ મંદિરના ગર્ભગૃહમાં દાખલ થવા માટે ત્રણ માર્ગો હતા. છત્રીસ થાંભલા ધરાવતો ભવ્ય ગૂઢમંડપ ઉત્તમ સોલંકી શ્રેણીની ઝાંખી કરાવતો ઊભો છે. મંદિરોની છતના મળેલા અવશેષો ઉપરથી સાબિત થાય છે કે ગૂઢમંડપની કોતરણી અદભૂત હશે. ગૂઢમંડપ બે મજલાવાળો હશે. ભીમદેવના સમયમાં પાશુપત સંપ્રદાયના આચાર્યોને સોમનાથની ગાદી સોંપવામાં આવી હતી. આ આચાર્યોએ આશરે ત્રણસો વર્ષ સુધી સોમનાથના મંદિરની ગાદી શોભવી હશે.

ઈ. સ. 1225માં ભાવ બૃહસ્પતિએ સોનમાથની પ્રશસ્તિ લખેલી છે. આ પ્રશસ્તિનો ભાંગેલો પથ્થર પ્રભાસપાટણમાં જ ભદ્રાકાળી આગળના મંદિરની એક દીવાલમાંથી મળ્યો છે. પ્રશસ્તિમાં સોમનાથ મંદિરની પ્રખ્યાત દંતકથા આપી છે જેમાં લખ્યું છે : સોમનાથનું મંદિર પ્રથમ સોમે (ચંદ્રે) સોનાનું બંધાવ્યું પછી બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું. કૃષ્ણે લાકડાનું બંધાવ્યું અને ભીમદેવે પથ્થરનું બંધાવ્યું. અને છેવટે કુમારપાળના વખતમાં સોમનાથના એ વખતના મઠપતિ ભાવ બૃહસ્પતિની દેખરેખ નીચે મોટા પાયા પર આ મંદિરની મરામત કરાવવામાં આવી.

સોમનાથનું મંદિર સૌ પ્રથમ મહંમદ ગીઝનીએ 1297માં, અલાઉદ્દીન ખીલજીના સરદાર અફઝલખાંએ સંવત 1374માં, ત્યારબાદ 1390માં, 1451માં, 1490માં, 1511માં, 1530માં અને છેલ્લે ઔરંગઝેબે ઈ. સ. 1701માં લૂટ્યું. આમ આ મંદિર સત્તર વાર લૂંટાયું. સોમનાથના મંદિરની તેજપ્રતિભા ઝાંખી થઈ ગઈ. પરંતુ જેટલી વાર મંદિર તૂટ્યું તેટલી વાર ફરીથી બંધાયું છે. ઈ. સ. 1783ની સાલમાં મહારાણી અહલ્યાબાઈએ આ સોમનાથ મંદિરની નજીકમાં જ બીજું મંદિર બંધાવ્યું હતું. જૂના મંદિરોને મસ્જિદના રૂપમાં ફેરવી નંખાયેલ હોવાથી બાજુની એક જગ્યા પસંદ કરીને મરાઠા શૈલીનું સુંદર મંદિર બંધાવ્યું જે હાલમાં મોજૂદ છે.
સોમનાથ મૂળમંદિદર દરિયાની સપાટી બરોબર હતું. સમુદ્રનાં જળ દરરોજ સોમનાથના લિંગને અભિષેક કરતાં હતાં. દરિયાનાં પાણીની અસર ન થાય તે માટે એ સમયે સોમનાથનું મંદિર સોનાથી બંધાવાયું હશે. સમય જતાં આ ભાગનું પુરાણ થવા લાગ્યું હશે. એટલે સોમનાથનું મંદિર ફરીથી ઊંચી ઊભણી ઉપર બંધાયું હશે.

નૂતન સોમનાથના મંદિરના પાયાનું ખોદકામ થતું હતું ત્યારે ભરતીની ઊંચામાં ઊંચી સપાટીની સાથે સરખાવતાં એ સપાટીથી તેર ફૂટ નીચાઈએ પાયામાંથી પુરાણા મંદિરની જગતિ મળી આવી હતી, આ મંદિરના પાયાના ખોદકામ દરમિયાન મૈત્રક કાળથી માંડીને સોલંકી કાળ સુધીના શિલ્પ સ્થાપત્યના અવશેષો મળ્યા હતા. જેમાં ઘણાં ઉત્કૃષ્ટ કોટિનાં મૂર્તિશિલ્પો તથા શિલ્પખંડો મળી આવ્યાં હતાં. જેમાં શિવ, ત્રિપુરાન્તક, નટરાજ, ભૈરવ, યોગી વગેરેના અવશેષો નોંઘપાત્ર છે. ભમદેવ પહેલાંના અને કુમારપાળના સમયના ઘણા અવશેષ સ્થાનિક મ્યુઝિયમમાં વ્યવસ્થિત ગોઠવાયેલા છે. નૂતન મંદિર બાંધવાનું નક્કી કરવામાં થોડી મુશ્કેલી પડી હતી. સ્વતંત્રતા મળી તે વખતે નેતાઓએ કહ્યું કે બિનસાંપ્રદાયિક ભારત રાજ્યે સોમનાથનું મંદિર શા માટે બાંધવું ? પરંતુ મક્કમ મનમાં, ધાર્યું કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું મંદિર ફરીથી બંધાવવા નિર્ણય કર્યો અને ભારતવર્ષે પોતાનું જૂનું ગૌરવ ફરી પ્રાપ્ત કર્યું.

સોમનાથનું મંદિર એ તો ભારતવર્ષના ચિંતકોને મન ધર્મસહિષ્ણુતાનું પ્રતીક છે. વેરનો બદલો વેરથી નહીં, પણ પુરુષાર્થથી પ્રાપ્ત કરનાર હિન્દુ ધર્મની ધર્મસહિષ્ણુતા સોમનાથમાં મૂર્તિમંત થાય છે. ધર્મશાળાઓ, આરામગૃહો, મહેમાનગૃહો વગેરેમાં યાત્રિકોને સગવડ મળે છે. સોમનાથમાં કોઈ પણ યત્રિકને ધર્મ, સ્વાસ્થ્ય અને પર્યટનનો ત્રિવિધ લાભ મળે છે.

સોમનાથ મંદિરની આસપાસ જોવાલાયક સ્થળોમાં, જૂના મંદિરના ફોટોગ્રાફસનું મ્યુઝિયમ-સોમનાથ મંદિરના જૂનાં શિલ્પોનો સંગ્રહ ભલિકાતીર્થ જ્યાં શ્રીકૃષ્ણને તીર વાગ્યું હતું અને અગ્નિદાહ દેવાયો હતો તે, પ્રભાસપાટણ પાસેનું હિંગળાજ માતાનું મંદિર, સૂર્યનારાયણનું મંદિર, સિદ્ધનાથ મહાદેવનું મંદિર, બળદેવજીનું મંદિર, રામચંદ્રજી અને કૃષ્ણ  ભગવાનનાં મંદિરો, ભીમેશ્વરનું મહાદેવ, નરસિંહજીનું મંદિર, ત્રિવેણીસંગમ, આદિપ્રભાસ અને જલપ્રભાસ નામના કુંડો આવેલા છે.

સોમનાથની આસપાસનાં જોવાલાયક સ્થળોમાં ચોરવાડ 25 કિ.મી. સાસણગીર 45 કિ.મી. દૂર આવેલું છે. સાસણમાં સિંહોની વસ્તી છે. સોમનાથ જવા માટે કેશોદ સૌથી નજીકનું એરપોર્ટ છે. જ્યારે સોમનાથથી પાંચ કિ.મી. દૂર આવેલા વેરાવળ સ્ટેશન સુધી અમદાવાદથી ટ્રેન રસ્તે સહેલાઈથી જઈ શકાય છે. વેરાવળ-સોમનાથ વચ્ચે બસ સર્વિસ છે. તેજમ અમદાવાદથી સોમનાથ 406 કિ.મી. દૂર હોવા છતાં ગુજરાત એસ.ટી. તથા ખાનગી લક્ઝરી બસો ઘણી જ દોડે છે.

સોમનાથના મંદિરની સામે જ સોમનાથ ગેસ્ટ હાઉસ, કામાણી ગેસ્ટ હાઉસ, પી.ડબલ્યું.ડી.ના ગેસ્ટ હાઉસ, સોમનાથ ટ્રસ્ટની ધર્મશાળાઓ વગેરે આવેલાં છે; જ્યારે વેરાળમાં પ્રવાસી બંગલો, પ્રવાસ નિગમું ગેસ્ટ હાઉસ, સરકીટ હાઉસ વગેરે આવેલાં છે. આમ ગુજરાતમાં તો વિવિધ રસ-રુચિવાળા લોકોને આકર્ષે એવાં ઘણાં પ્રવાસધામો અને તીર્થસ્થાનો છે. કવિએ યોગ્ય જ ગાયું છે કે-
જય સોમનાથ, જય દ્વારકેશ,
જય બોલો અંબાજી માતાની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ
યશગાથા ગુજરાતની,
જય જય ગરવી ગુજરાતની.

1 comments:

taneruehling said...

Slotty Resorts Casino Resort - Mapyro
Welcome to Slotty Resorts 익산 출장마사지 Casino Resort, the place to be when it comes to 김해 출장안마 gaming, dining, hotel 광주 출장마사지 and more! · 여주 출장마사지 Discover the casino. Rating: 4 김포 출장안마 · ‎1,021 reviews · ‎Price range: $$