સંકલ્પનું બળ


- રવિશંકર વ્યાસ (મહારાજ)
(સાદર ઋણસ્વીકાર : અરધી સદીની વાચનયાત્રામાંથી)
એક ઠાકોર હતા. એક વખત મારે તેમની સાથે અફીણ સંબંધી વાતો થઈ. તેમણે તે દહાડાથી અફીણ લેવાનું છોડી દીધું. પણ પંદર-વીસ દહાડા થયા પછી તેમણે કહ્યું, ‘‘જો, હવેથી કોઈને આવો ઉપદેશ દેતા ! કોઈને મારી નાખશો !’’
અને પછી તેમણે આપવીતી સંભળાવવા માંડીઃ ‘‘તમારા ગયા પછી મને તો ઝાડ થઈ ગયા, બોલવા-ચાલવાના હોશ રહ્યા નહીં, લગભગ બેભાન થઈ ગયો. પછી તો મેં ઈશારતો કરીને બૈરાંને બોલાવ્યાં અને ઇશારાથી સમજાવ્યું કે મને અફીલ ખવડાવો. અફીણ ખાધું, ત્યારે માંડ જરા હોશ આવ્યો.’’
પણ મેં તો ઠાકોરને ઝાટક્યાઃ ‘‘ભૂપતસિંહ ઠાકરો, અફીણ ખાધા વિના મરી ગયા હોત તો દુનિયામાં તમારા વિના શું ખાટુંમોળું થઈ જવાનું હતું ? ટેક ન પાળી શક્યા, તો ક્ષત્રિય શાના ? અફીણ જેવી ચીજ પણ તમને હરાવી ગઈ ? તેના વિના તમે મરવા પડ્યા ? તમે તો તમારું ક્ષિત્રયપણું પણ ગુમાવ્યું. ત્યારે હવે તમે જીવતા હો કે મરેલા, બંને સરખું જ છે. જો તમે વીર હોત તો જીતત. પણ તમે હાર્યા, અફીણ જીત્યું.’’
આટલું સાંભળતાં જ તેમને તો એટલું પાણી ચડ્યું કે અફીણનો દાબડો ફેંકી દીધો. અને પછી ન તો તેમને ઝાડા થયા કે ન બેભાન થઈ ગયા. કારણ કે આ વખતે સંકલ્પનું બળ હતું.
રવિશંકર વ્યસ (મહારાજ)

0 comments: