ભાષક જાગતો સારો...


(સાદર ઋણસ્વીકાર : સર્જકનો સમાજલોકમાંથી)
ગુજરાતી મારી માતૃભાષા છે અને હું એને ખૂબ ચાહું છું. મારી માતૃભાષા માટે મને ખૂબ પ્રેમ તો છે જ, પણ એથીય વધુ ગૌરવ છે, એનું ગૌરવ જાળવવા માટે હું સતત સજાગ છું અને રહીશ, બીજાઓને પણ આ બાબતે વધારે જાગ્રત કરીશ, આવું માનનારા ભાષકો જે ભાષાને મળે-આવા અઢળક કહેતા તમામ ભાષકો માતૃભાષાના પૂર્ણ ચાહકો હોય. તે ભાષા કદી મરતી નથી.
ગુજરાતી ભાષા માટે આવું માનનારા કેટલા ભાષકો છે, વારુ ?! આપણે ઇચ્છીએ કે આવા ચાહકોની ગુજરાતી ગિરાને કદી ખોટ ન હજો ! શું દેશમાં કે શું પરદેશમાં, મા તે મા જ હોય છે, માતૃભાષા પણ મા જ છે. ને દરેકને પોતાની મા માટે પ્રેમાદર હોય જ વળી. જેમ જન્મ આપનારી જનેતા ગરીબ કે અભણ હોય તોય એનાં સંતાનોને માટે તો એ જ શ્રેષ્ઠ છે, એનો કશો વિકલ્પ ન હોય. માતૃભાષાનું પણ આવું જ છે.
જે માતૃભાષા ઘર-કુટુંબ-સમાજમાંથી ‘ગળથૂથી’ સાથે  મળી અને પછી રક્તની રગરગમાં ભળી તે કોઈ જન્મારે છૂટતી નથી. એ તો શરીરની ત્વચાની જેમ હોય છે. આ વાણી જ મારું અંદરનું ‘અસ્તર’ છે ! કવિ દલપતરામે માતૃભાષાને પ્રેમ કરવાની, અને અવનવાં શોભાશણગાર આપવાની વાત કહેલી. પોતાની માતૃભાષા માટે પોતે વકીલ છે - ‘હું ગુજરાતી વાણીરાણીનો વકીલ છું.’ એમ એ કહેતા રહેલાં.
નર્મદે માતૃભૂમિને અને દલપતે માતૃભાષાને ચાહવાનું - અનપેક્ષ રીતે, સહજભાવે અને પૂરા ઉમળકાથી ચાહવાનું - શીખવ્યું હતું. નવી પેઢીઓને આપણા આ વારસો જોઈએ એટલી ચોકસાઈ અને પૂરી તમાથી નથી આપ્યો. આપણે દિલચોરી કરી, બેદરકારી દાખવી ને ક્યાંક શરમ અનુભવીઃ પરિણામે આજે માતૃભાષા તરફ આકંઠ પ્રેમાદર દાખવનારાઓ ઘટતા જાય છે. દુઃખની વાત છે કે ભણેલો વર્ગ જ માતૃભાષાને બેદરકારીથી પ્રયોજે છે.
શિક્ષક અને સર્જકઃ આ બન્નેની, માતૃભાષાને સદાય પ્રસન્ન, પ્રવાહમય અને આનંદપ્રદ રાખવાની જવાબદારી ગણાય. આજે તો હજારો શિક્ષકો તથા અધ્યાપકોને ગુજરાતી ભાષા સાચી, સારી બોલતાં-લખતાં-વાંચતાંય આવડતું નથી. સમાજના બીજા વર્ગોની બેજવાબદારી પણ શરમજનક છે. ભણેલા તથા ભદ્ર સમાજ માટે આ શોભાસ્પદ નથી.
મહાત્મા ગાંધીજી જોડાણીદોષવાળાં પુસ્તકોની હોળી કરાવતાં. આજનાં છાપાં તથા ટીવી જેવાં માધ્યમો તો વાતે વાતે ભાષાદોષ અને માતૃભાષાદ્રોહ કરતાં દેખાય છે. અનેક પ્રકારના દોષો છે - એ બધા ગણાવવા બેસીએ તો પાર નહિ આવે ! સાચી જગ્યાએ સાચો શબ્દ પ્રયોજાય તોય ભયો ભયો ! આચાર્ય કક્ષાના માણસો પોતાની શાળા-કોલેજના કોઈ અવસરે-પ્રસંગે પાંચ મિનિટનું વક્તવ્ય પણ-ભાષોદોષ વિનાનું-કરી શકતા નથી.
શબ્દોના વ્યામોહમાં ખોટી જગ્યાએ શબ્દ મુકાઈ જાય છે અને અનર્થ થાય છે. એક વિદાય થતા આચાર્યને, શુભેચ્છા પાઠવવાના પ્રારંભમાં, નવા વરાયેલા આચાર્ય શુભાશિષો પાઠવે છે ને કહે છે કે ‘હું સમગ્ર શળા પરિવાર તરફથી એમને શ્રદ્ધાસુમન અર્પું છું.’ આમ કહી ફૂલગુચ્છ આપનારા એ રાજી થાય છે ! ભાષાને શિક્ષક સંબોધન કરતાં કહે છે : ‘મંચસ્થ ઉપર બિરાજમાન મહાનુભાવો !’ : આ બધા નવી પેઢીના ભાષાવિદો છે !
હા ! જીવતા માણસને માન આપવા અધકચરો વક્તા ‘મરહૂમ’ (મર્હૂમ) વિશેષણ લગાડે છે. ઉચ્ચારદોષો ને વાક્યદોષો તો અપરંપાર છે. કોઈ પણ સમારંભમાં જાઉં છું ત્યારે આ બધાંને લીધી ત્રાસ થાય છે. આ બધા ભાષા ઉપર જુલમ કરનારા આતંકવાદીઓ જ છે.
પોતાનાં પુસ્તકોમાં ભાષાદોષો રહી જશે એવી બીકને લઈને સ્વામી આનંદ, ફુરસદ વિના પોતાનાં પુસ્તકો છપાવવા આપતા નહોતા. ‘મુદ્રારાક્ષસ માત થતો નથી’ એ ખરું. પણ પ્રયત્નો તો સાચી દિશામાં થતા જ રહેવા જોઈએ. સુરેશ જોષી એમના એક નિબંધસંગ્રહમાં રહી ગયેલા ભાષાદોષોને લીધે નારાજ થયા હતા અને નોંધ લખી હતીઃ ભાષાભૂલો એટલી બધી છે કે શુદ્ધિપત્રક મૂક્યું નથી...? ભૂલ તો, નહીં પણ આ લખનારથીય થાય છે, પણ મૂળ વાત છે સભાનતાની, ભૂલો થાય તો સુધારી લેવાની તત્પરતા હોવી જોઈએ.
ગામડાંનાં લોકો જે બોલે છે તે અશુદ્ધ ભાષા ના કહેવાય. એ તો એમની તળ બોલી છે. તળ બોલી કે શિષ્ટ બોલીઃ બન્નેનું કાર્ય પ્રત્યાયનનું છે. એ બેઉ ભાષારૂપો છે. એમાં કોઈ એક ચઢિયાતું નથી કે બીજું એક ઊતરતું નથી, પણ બન્ને એની જગ્યાએ યોગ્ય છે. શિક્ષણમાં, વ્યાખ્યયામાં, પાઠ્યક્રમોમાં શિષ્ટ ભાષા પ્રયોગ સ્વીકારેલો છે. એ ઉચિત પણ છે. છતાં જરૂર પડે તો શિષ્ટ ભાષક તળબોલીનાં શબ્દરૂપો લઈને ભાષાને વધારે ધારદાર બનાવી શકે છે.
ભાષા તો વહેતી નદીનાં જળ જેવી છે. એ તળાવ જેવી બંધિયાર બને તો ગંધાઈ ઊઠે. શબ્દોનેય વારાફેરા આવે છે. રૂઢિપ્રયોગો, કહેવતો પણ જમાને જમાને અવનવાં આવે છે એમ ભાષા તથા ભાષક સમૃદ્ધ થતાં જાય છે.
દૂધમાં સાકરની જેમ, બીજી પ્રજા આપણામાં ભળી જાય છે એમ, બીજી ભાષાના શબ્દો કે વાક્યભાતો આપણી ભાષાના નાદ-લય, અર્થ તથા વૈયાકરણી માળખામાં મળીભળી જાય છે ત્યારે એ શબ્દો પછી ઊછીના નથી રહેતા. ભાષાઓ વચ્ચે આવું આદાનપ્રદાન ઇચ્છનીય, બલકે આવકાર્ય પણ છે.
છતાં એક વાત જરૂર નોંધીએ કે કૃતક રીતે બે ભાષાઓનું મિશ્રણ કરીએ તો એમાં માધુર્ય નથી પ્રગટતું. ‘વર્ણસંકરતા’ ખટકવાની જ. બિનજરૂરી અને ઠઠારા માટે અથવા આડેધડ બીજી (ખાસ તો અંગ્રેજી) ભાષાના શબ્દો આપણી ભાષામાં ઘુસાડીએ છીએ ત્યારે આખી રચના જ બેઢંગી અને બનાવટી બની રહે છે. ‘ફાધરને હોસ્ટિલમાં એડમિટ કર્યા છે.’ આ વાક્યની સામે તમે બોલી જુઓ - ‘બાપુજીને દવાખાને દાખલ કર્યા છે.’ - કર્યું વાક્ય વધારે, પોતીકું લાગે છે. ?
મા-ને મૂકીને માસીને વળગીએ ત્યાં સુધી તો ઠીક, પણ દાસી તો દાસી જ છે  એ રૂપાળી હોય અને ભણેલી કે સોને સજાવેલી હોય તોય એ મા તો નથી જ નથી ! ‘ફાધર કાર બાય કરવામાં ડિસએગ્રી થાય છે’ જેવાં તો કેટલાંક વાક્યો સાંભળીને થાકી જવાય છે. ગમ્મત માટે ઠીક છે, બાકી માતૃભાષાને તેમાંય આપણી માતૃભાષાની સમૃદ્ધિ તો ઉત્તમ વાચકોને પૂછજો ! ભાષક નબળો હોય, ભાષા તો સમક્ષ ને સમર્થ હોય છે. ભાષાને પ્રયોજનારા ઉત્તમ સર્જકો આવે છે ને ભાષા તથા આપણે સમૃદ્ધ થઈએ છીએ.
કેટકેટલી જગ્યાએ નર્યાં ખોટ્ટાં લખાણો હોય છે. માત્ર જોડણીદોષો નહિ, પણ વાક્યદોષોનો ય પાર નથી. રસ્તા પર આવતાં પાટિયાં જુઓઃ
‘આગળ નાડું સાંકળું છે.’
અહીં ‘ળ’ની જગ્યાએ ‘ડ’ની જગ્યાએ ‘ળ’ વાપર્યો છે. આવી બીજી પણ પારાવાર ભૂલો દેખાય છે. આ બધું ચલાવી ન લેવાય. આની સામે ઝુંબેશ ચલાવવી જોઈએ. વિદ્યાસંસ્થાઓમાં આ માટે કામ પ્રારંભાવું જોઈએ. અંગ્રેજી-હિન્દી એટલી હદે અને એવી બેઢંગી રીતે આપણી વાક્યરચનામાં નહિ જ આવવા જોઈએ જેથી આપણી ભાષા વરવી અને નધમિયાતી લાગે ! !
દરેક વાતની એક સીમા હોય છે ને હવે એ હદ આવી લાગી છે. લેખકો, વિવેચકોની ભાષા પણ વધુ ને વધુ પ્રત્યાયનક્ષમ હોવી જોઈએ. અર્થવિલંબન કરીને પણ અવગમન તો સાધવાનું જ રહેશે. પણ કોણ ધ્યાન રાખે છે ?
નવી પેઢીનાં છોકરાંનાં નામ પૂછીએ ત્યારે આઘાત લાગે છે. ઘણાં નામોને અર્થ જ નથી હોતો... ને કેટલાંક સરસ નામો ધરાવનારા પોતાના નામનો અર્થ પણ નથી જાણતા ! બધાંને ધન્ય છે ! દેખાદેખીથી પડાતાં નામો અને બેદરકારીથી લખાતાં દુકાનોનાં પાટિયાં ઓછાં થાય તો રાહત મળે, બંગલો સરસ હોય, પણ એનું નામ ?
બધાં પ્રિયજનોનાં નામના પ્રથમાક્ષરોથી બનેલાં નામ સૌથી વધુ ત્રાસદાયક હોય છે. ને બંગલાનાં નામોની જોડણી તો 90 ટકા ખોટી જ હોય છે. ! અનુસ્નાતક કક્ષાનાં વિદ્યાર્થીઓની વાક્યરચનાઓ વ્યાકરણ-દોષોથી છલકાતી હોય છે.
ખોટી માહિતી અને અધકચરી સમજણઃ અખાની શણગટ વહુ યાદ આવે. એમ.ફિલ થયા પછીય અરજી કે અહેવાલ લખતાં 95 ટકા યુવકોને નથી આવડતું... ત્યારે માતૃભાષાપ્રીતિની વાત કોની આગળ કરીશું?... ફોન... ઇ-મેઈલે તો પત્રલેખન પણ ભૂલવી દીધું. ‘કેટલી બધી મજાઓ’- ને ગળે નખ દેખાઈ ગયો છે ! ! માતૃભાષાનો ચાહકો... જાગી જવાનું આ ટાણું  છે...

0 comments: