`મને પૂરો વિશ્વાસ છે કે આ પુસ્તક સંબંધોને બગડવા નહીં દે, સંબંધો બગડ્યા હશે તો તેને સુધારવામાં મદદ કરશે. ઘણી વાર જીવનમાં એવી મુશ્કેલીઓ આવી પડે છે કે ત્યારે શું કરવું એની સૂઝ પડતી નથી. આવા મૂંઝવણના સમયે આ પુસ્તક તમારા માટે સદગુરુનું કામ કશે.
એક-એક પરિવારને સુખી અને હસતો-ખીલતો જોવો એ મારી અંતર-ભાવના છે...'
હમણાં વાંચવા મળેલા એક પુસ્તક `ઘર એ જ સ્વર્ગ'ની પ્રસ્તાવનામાં આ લખાયેલું છે. પુસ્તક જેમ જેમ વાંચીએ તેમ તેમ, એક તરફ કંઇક વધુ ઉપદેશ અપાતો હોય એવી લાગણી થાય તો બીજી તરફ, સાચી સદભાવનાથી, બદલાતા સમયમાં તાણ અનુભવતાં, સંબંધોનાં તાણાંવાણાંને અકબંધ રાખવાની કોશિશ પણ દેખાઈ આવે અને ઘણે અંશે સમાજની વર્તમાન સ્થિતિનું પ્રતિબિંબ ઝીલાતું લાગે એવું આ પુસ્તક છે.
જૈન ધર્મના ચિંતક અને રાજકોટમાં પીસ ઑફ માઇન્ડ ફાઉન્ડેશનના નેજા હેછળ યુવાનોની જીવનશૈલીમાં પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ શ્રી શ્રુતપ્રજ્ઞસ્વામીએ લખેલા આ પુસ્તક વિશે વધુ વાત કરવાને બદલે એના થોડા અંશો માણીએ...
કુટુંબજીવનની આચારસંહિતા
ઘરને સ્વર્ગ બનાવવા માટે આચારસંહિતા હોવી એ સૌથી પહેલી આવશ્યતા છે. આજે આપણે લગ્ન કરીને ઘર તો વસાવી લઈએ છીએ, પણ ઘર વસાવ્યા પછી એ ઘરમાં કેવી રીતે જીવવું એની આચારસંહિતાનું આપણને કંઈ જ ભાન નથી, તેથી જ ઘરમાં સુખ અને શાંતિ પડી ભાંગે છે. નિયમો વિનાનું ઘર અને મન બંને તોફાન ઊભાં કરે છે. પ્રકૃતિ પણ પોતાના નિયમો પ્રમાણે જ વર્તતી હોય છે. માણસે નિયમો તોડ્યા એટલે પ્રકૃતિનું સંતુલન બગડ્યુ, એટલે પછી પ્રકૃતિમાં પણ વિકૃતિ અને અસંતુલન ઊભાં થયાં.
ટ્રેન પાટા પર ન ચાલે તો શું થાય ? સૂરજ એના નિર્ધારિત સમયે ન ઊગે તો શું થાય? સમુદ્ર પોતાની મર્યાદા ભૂલે તો શું પરિણામ આવે ? બસ, આવું જ કંઈક માનવીના જીવનમાં બની રહ્યું હોય એમ લાગે છે. માનવીએ માણસાઈના પાયાના નિયમો તોડ્યા, તે મર્યાદાઓ ભૂલ્યો અને લાલસાઓનો ગુલામ થયો. મનની ગુલામીના કારણે પરિસ્થિતિઓએ મન પર માલિકી જમાવી દીધી. સ્વભાવ તેજ થયા, ઉતાવળ વધી, સહનશીલતા ઘટી, પરિણામે અશાંતિ વધી. અશાંત મન એ દરેક સમસ્યા અને મુશ્કેલીની જડ છે. સૌ કોઈ ઘરને સ્વર્ગ બનાવવા ઇચ્છે છે, પણ કોઈ એના નિયમોને પાળવા નથી માગતું. આ તો એવું જ થયું કે આંખો ખોલવા નથી માગતા અને સૂરજનાં દર્શન કરવા છે. શું આવું ક્યારેય સંભવિત બની શકેશે? ક્યારેય નહિ.
ઘરને સ્વર્ગ બનાવવાનો એકમાત્ર રસ્તો છે-ઘરની સ્વસ્થ આચારસંહિતા નક્કી કરીએ અને એના આધારે દ્રઢતાથી જીવવાનો પ્રયત્ન કરીએ. એ આચારસંહિતાના કેટલાક નિયમો આ પ્રમાણે છે :
(1) પરિવાર નાનો હોય :
આજના સમયમાં ગૃહસ્થ-જીવન જીવવું બહુ જ અઘરું છે. મોંઘવારી આકાશને આંબવા લાગી છે. ત્યારે માણસે પરિસ્થિતિને અનુકૂળ થવાની કોશિશ કરવી પડશે. આજના જમાનામાં મોટું કુટુંબ ઊભું કરવું એટલે જીવનભરની ચિંતા માથે ઓઢવા બરાબર છે. કુટુંબજીવનનાં સુખ અને શાંતિ નાના પરિવાર થકી જ પ્રાપ્ત થી શકશે. મોટા પરિવારના કારણે જરૂરતો વધે, વિચાર-વિવાદનું નિમિત્ત ઊભું થાય, એકબીજાના અહં ટકરાય, સભ્યોનાં મન કચવાય, આપસી દુર્ભાવો અથડાય, ચિંતામાં શક્તિ વપરાય. આ બધાથી બચવાની પહેલી શરત એ છે કે આપણો પરિવાર નાનો હોય.
(2) એક સમયનું ભોજન અને ભજન સૌ સાથે મળીને કરે :
માત્ર સાથે રહેવું એ જ પારિવારિક જીવનની સફળતા નથી, પણ સંપ, સહકાર અને સહિષ્ણુતાની ભાવનાથી સાથે રહેવું એમાં ઘરની શોભા છે. ઘરમાં સંસ્કાર અને અરસપરસ પ્રેમની ભાવના જાળવી રાખવાં હોય, તો સાંજનું ભોજન અને સવારની અથવા રાતની પ્રાર્થના સાથે કરવાં જોઈએ. ઘરનાં નાનાં-મોટાં સૌએ સાથે મળીને ભોજન કરવાના સંસ્કાર પાડવા જોઈએ. આ એક સંસ્કાર અનેક શુભ સંસ્કારોને આધુનિકતાની આગથી બળતા બચાવશે. સાથે ભોજન કરવાની પરસ્પર પ્રેમ વધશે, સ્નેહનો તંતુ વધારે મજબૂત થશે, એકબીજા પ્રત્યેની લાગણીઓમાં મીઠાશ ઊભરાશે, સહન કરવું સ્વભાવિક બનશે, એકબીજાનાં સુખ-દુ:ખને સમજી શકાશે, સેવા-સહયોગની ભાવનાથી ઘરની પવિતત્રા જળવાશે. આ કામમાં થોડી પણ ઢીલ કરવી એ ઘણું ગુમાવવા બરાબર છે.
એક સમયની પ્રર્થાના સાથે મળીને કરો. નક્કી કરો કે રાતના સૂતાં પહેલાં સૌ સાથે મળીને શાંત ચિત્તે ધ્યાનસ્થ થઈ, મંત્રનો જાપ કરીશું, ધર્મનો પાઠ બોલીશું, સ્તુતિવંદના કરીશું, સારી ચોપડીનું એક પાનું સમૂહમાં વાંચીશું. 10 મિનિટ પણ આ નિર્ણયનું દ્રઢતાથી પાલન કરવું એ સંસ્કારોની સુરક્ષા માટે એકમાત્ર સીધો અને સરળ ઉપાય છે.
(3) સાપ્તાહિક ગોષ્ઠિનું આયોજન કરો :
કુટુંબજીવનમાં હૃદયની ભાવના અને અંતરના વિચારોની આપ-લે થવી ખૂબ જ અગત્યની વાત છે. સાપ્તાહિક ગોષ્ઠિ એ માટે આવસ્યક છે. અઠવાડિયામાં એક વાર ઘરનાં બધાં સભ્યો સાથે બેસી જીવનની વ્યાવહારિક, સામાજિક, સ્વાસ્થ્યલક્ષી બાબતો વિચારે અને એકબીજાની અપેક્ષાઓનું ચિંતન કરી સમાધાન શોધે. કોઈ તકલીફ, મુશ્કેલી કે અવરોધ હોય તો એની પણ ખુલ્લા દિલતી ચર્ચા કરે. ઘરનાં બધાં સભ્યોનાં મન ખુલ્લી કિતાબ જેવાં હોવાં જોઈએ. સંકોચ કે ભયને વશ થઈ મનની વાત ન કહેવી એ યોગ્ય નથી. સૌને સમક્ષ સરળતાથી મૂકી શકે. આવી ગોષ્ઠિ વખતે માનસિક સંતુલમ અને સમાધાનની વૃત્તિ રાખવી ફાયદાકારક રહેશે. ગોષ્ઠિમાં જે નિર્ણય થાય તેનો કુશળતાપૂર્વક અમલ કરો.
(4) અપેક્ષાઓ અને જરુરતો ઓછી રાખો :
ઘરમાં જેટલું ફર્નિચર વધશે એટલી ફરવાની જગ્યા ઘટશે. જેનું ઘર ભૌતિક વસ્તુઓથી ભરેલું હોય એનું મન પણ ભોતિક બાબતોથી ભરેલું જ રહેશે. ઘરમાં જરુર પૂરતી જ વસ્તુઓ વસાવો. એ જ પ્રમાણે કોઈ પણ પાસેથી વધુ અપેક્ષાઓ રાખવી એ અશાંતિનાં બીજ વાવવા બરાબર છે. જેટલી અપેક્ષાઓ વધુ એટલી અશાંતિ વધુ એ યાદ રાખજો. અપેક્ષા વધુ રાખવાથી લોકો તમારી અપેક્ષા પણ વધુ કરશે.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment