શ્રીકૃષ્ણ ભગવાનના સમયમાં દિપાવલીનો ઉત્સવ આજના જમાના અનુસાર ઉજવાતો હતો કે કેમ તેનો ક્યાંય ઉલ્લેખ હોય તો ખબર નથી. ગીતાજીમાં પણ એ બાબતનો કયાંય હોય તો ખબર નથી. શરદ પૂર્ણિમાની રુપેરી ચાંદનીના અદભૂત અને પવિત્ર વાતાવરણમાં શ્રીકૃષ્ણ ભગવાન અનેક રુપ ધારણ કરી, વાંસળીના સુમધુર સુર રેલાવતાં, દરેક ગોપી સાથે આત્મીયતાથી મહારાસ રમ્યા હતા, એ અપ્રતિમ ભક્તિમય પ્રસંગનું વર્ણન શ્રીમદ્ ભાગવત્માં છે. ગોપીઓ અને શ્રીકૃષ્ણનો એ રાસ કોઇ સામાન્ય માનવીના મિલન જેવો ન હતો પણ એ તો આત્મા અને પરમાત્માના અવર્ણનીય મિલનનો અલૌકિક પ્રસંગ હતો. શરદ પૂર્ણિમાના બીજે દિવસે શ્રીકૃષ્ણ ભગવાન મથુરા ગયા. પછી તો કંસવધ કરી, મથુરાનું રાજ્ય કબ્જે કરવાને બદલે, શ્રીકૃષ્ણ ભગવાને તે કંસના પિતા ઉગ્રસેનને સોંપ્યું. ધર્મસંસ્થાપકે અપ્રતિમ ત્યાગનું આચરણ કરી ઉત્તમ દાખલો બેસાડ્યો.
કહેવાય છે કે ભગવાન શ્રીરામ રાવણનો વધ કરી, ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી, અયોધ્યા પાછા ફર્યા, તેની ખુશાલીમાં અયોધ્યાના લોકોએ જે ઉત્સવ ઉજ્વ્યો તે દિપાવલી. આમ દિપાવલી એ આનંદ અને ઉત્સાહનું પર્વ છે. દિપાવલીમાં વિષાદ કે ગમગીનીને ક્યાંય સ્થાન નથી. શક્ય છે કે ગોકુળમાં રહેતાં ગોપગોપીઓએ આત્મા અને પરમાત્મા અદભૂત મિલન સમા શરદોત્સવની પવિત્ર સ્મૃતિમાં જે ઉત્સવ મનાવ્યો હોય તે દિપાવલી હોય. કેમ કે એ પ્રસંગ જ અવર્ણનીય આનંદનો હતો. એમાં વિષાદ કે ગમગીનીને સ્થાન ન જ હોય. જીવનની સામાન્ય ખુશાલીથી આપણે ઘણીવાર ખૂબ આનંદ અનુભવીએ છીએ, તો જેને પરમ આનંદ સ્વરુપ શ્રીકૃષ્ણ ભગવાન સાક્ષાત્ મળ્યા હોય એના આનંદની સીમા ક્યાંથી હોય !
મથુરા ગયા પછી, શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવને ગોકુળ મોકલ્યા, અને વ્રજવાસીઓને શ્રીકૃષ્ણ વિરહમાં દુ:ખી ન થવા તથા શોક ન કરવા સમજાવવા કહ્યું. વ્રજમાં યશોદામૈયા, નંદરાય, રાધા તથા અન્ય ગોપગોપીઓની સ્થિતિ શબ્દોથી વર્ણવી શકાય તેવી ન હતી. કોઇની આંખમાં આંસુ ન હતાં, કોઇ ગમગીન ન હતું, ક્યાંય વિષાદ ન હતો. વિરહથી વ્યાકુળ થવાને બદલે અકલ્પનીય પાગલપન દરેકના વર્તનમાંથી છતું થતું હતું. કાંઇક અનેરી ઘેલછા નજરે પડતી હતી. શ્રીકૃષ્ણ ન હતા, છતાં ગોપ બળકો શ્રીકૃષ્ણ પોતાની સાથે રમવા આવતા નથી તેવી ફરિયાદ કરતા હતા, ગોપીઓ કાનુડો પોતાને ઘેર છાનોમાનો આવીને માખણ ખાઇ ગયો, તેવી ફરીયાદ કરતી હતી. મા યશોદા શ્રીકૃષ્ણની ફરિયાદથી તંગ આવી જઇ, તેને દોરીથી બાંધી દેવા દોરી શોધતાં હતાં. શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા જાય ત્યારે યમુનામાં ન્હાવા ન પડે તો સારું, એવી ચિંતા નંદરાય કરતા હતા. રાધા એવી ફરિયાદ કરતી હતી કે શ્રીકૃષ્ણ વાસંળી કેમ વગાડતા નથી? જ્યાં સુધી શ્રીકૃષ્ણ વાંસળી નહીં વગાડે ત્યાં સુધી હું તેની સાથે બોલીશ જ નહીં, વાંસળીના સૂર વિના હું બેચેન થઇ જાઉં છું. એમ કહી રાધા રીસાયેલી હતી.
કોઇએ ગજબ કહ્યું કે ``ઉધો, આયો ઉધો, લેકીન ગયો સીધો.'' ઉદ્ધવજી આવ્યા હતા આશ્વાસન દેવા, પણ અહીં તો કોઇને આશ્વાસનની જરુર જ ન હતી. શ્રી કૃષ્ણને ભૂલીને મનને બીજાં કાર્યોમાં પરોવવાની વાત કરવા, પરંતુ અહીં તો બધાં જ શ્રીકૃષ્ણમય હતાં. શ્રીકૃષ્ણ તો સર્વવ્યાપી છે, તેમની યાદમાં વિરહ વ્યાકુળ થવું યોગ્ય નથી એમ સમજાવવા, પણ અહીં તો શ્રીકૃષ્ણ ગોકુળમાં જ છે, તેમ લાગતું હતું. ઉદ્ધવજીને જ્ઞાન કરતાં હૃદયની શુદ્ધ ભક્તિ વધુ ચડીયાતી છે એવો અનુભવ થયો.
આપણા વિદ્વાન લેખક શ્રી દિનકરભાઇ જોષીએ તેમના ``શ્યામ એક વાર આવોને આંગણે'' પુસ્તકમાં એક ગજબ વાત લખી છે. શ્રીકૃષ્ણે કંસવધ કર્યો, તેથી મથુરાના લોકોને પોતાના ઉધ્ધારક તરીકે શ્રીકૃષ્ણ પ્રત્યે ખૂબ માન થયું, દરેક ઘરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ પૂજાવા લાગી. પરંતુ એકે વ્યક્તિ એવી ન હતી જેના હૃદયમાં શ્રીકૃષ્ણની મૂર્તિ હોય. જ્યારે ગોકુળમાં કોઇ ઘરમાં શ્રીકૃષ્ણની મૂર્તિની પૂજા થતી ન હતી, પણ એકે વ્યક્તિ એવી ન હતી જેના હૃદયમાં શ્રીકૃષ્ણની મૂર્તિ ન હોય.
શ્રીકૃષ્ણની મૂર્તિ જેમના હૃદયમાં કાયમ વસતી હોય, તેમના આનંદની સીમા જ ન હોય. ત્યાં કાયમ દિપાવલી ઉત્સવ જ હોય. સાચા સંતો કાયમ આનંદમાં જ રહેતા હોય છે. સુખ, દુ:ખ, લોભ, મોહ, કામ, ક્રોધ એ કોઇ સતાવતાં નથી. આપણે જો કાયમ આનંદમાં રહેવું હોય તો શ્રીકૃષ્ણને શરણે રહેવું જોઇએ.
દિપાવાલી આનંદ, ઉત્સાહ અન ઉલ્લાસ પર્વ છે. પરંતુ એ પ્રકાશનું પર્વ પણ છે. આપણે સૌ દીપ પ્રગટાવી અમાસનું અંધારું દૂર કરવા કોશિષ કરીએ છીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં 15મા અધ્યાયમાં 12મા શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે :
યદાદિત્ય ગતં તેજો જગદ્ભાસયતેખિલમ્ , યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ, તત્તેજો વિધ્ધિ મામકમ્ ....
સૂર્યમાં રહેલ જે તેજ સૂંપર્ણ જગતને પ્રકાશિત કરે છે તથા જે તેજ ચંદ્રમાં અને અગ્નિમાં છે તેને તું મારું તેજ જાણ.
આમ વિશ્વામાં જે કાંઇ તેજ છે, તે પરમાત્માનું જ છે. પરમાત્મા તેજપુંજ છે. નાનકડા દીવાનું તેજ પણ પરમાત્માનું જ તેજ છે. નાનકડો દીવો પ્રગટાવવાથી અધારું ભાગી જાય છે, એ તો આપણો પોતાનો અનુભવ છે. અજ્ઞાનનું, ધનના લોભનું, વિકારનું અંધારું ભગાડવું હોય તો પરમાત્માની ઉપાસના જરુરી છે. જીવનમાં આપણે જેને સર્વસ્વ માનીએ છીએ તે ધનથી વિમુખ થવાની, ધન તજીને દરિદ્ર થઈ જવાની વાત નથી. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે, લક્ષ્મીજી તો ભગવાન વિષ્ણુનાં પત્ની છે. પતિપત્ની વચ્ચે કોઇ મતભેદ નથી. પરમાત્માનું પૂજન એટલે લક્ષ્મીનો વિરોધ, એવું નથી. એટલે તો દીવાળીમાં ધનતેરસ અને લક્ષ્મીપૂજનનો ખાસ મહિમા છે. દિપાવલી એ પરમાત્મા અને લક્ષ્મીજી બન્નેનું પૂજન કરવાનો શુભ અવસર છે. માત્ર પરમાત્માનું પૂજન કરીએ તો જીવન વ્યવહાર ચલાવવામાં મુશ્કેલી પડે. અને પરમાત્માને ભૂલીને માત્ર લક્ષ્મીપુજન કરીએ તો જીવન અંધકારમય બની જાય.
દિપાવલીને બીજે દિવસે આપણે નૂતન વર્ષ ઉજવીએ છીએ. સંસારમાં સૌનું મંગલ થાય એવી શુભ ભાવના રાખીએ, સૌનું હિત થાય એવાં કાર્યો કરીએ તો પરમાત્મા આપણી પ્રાર્થના જરુર સાંભળે. સ્વનું નહીં પણ સૌનું કલ્યાણ કરવા કોશિષ કરવી, અને આપણે ન કરી શકીએ તો કમ સે ક્મ સૌનું કલ્યાણ ઇચ્છવું એ જ સાચો માનવ ધર્મ છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં સ્વને ભૂલીને `નિષ્કામ કર્મ'ને જ કર્મયોગ કહ્યો છે.
---------------------------
(અજ્ઞાત)
----------------------------
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment