સદાબહાર રહો તમે, પારસીઓની જેમ


જિંદગીમાં, જેમ પ્રારંભે જીવન જીવવાની કળા શીખવી બહુ અઘરી લાગે છે તેમ જીવનની સંધ્યાએ બાકી જીવન ભરપૂર રીતે જીવી લેવાની અને ધીમે ધીમે જીવન સંકેલવાની કળા પણ સહુ કોઈને સાધ્ય હોતી નથી. સામાન્ય સમાજો કરતાં જેમાં વૃદ્ધોની સંખ્યા વધુ છે એવા પારસીઓમ વૃદ્ધાવસ્થાને કેવી રીતે જુએ છે અને એની સમસ્યાઓના ઉકેલ લાવવા મથે છે? જાણીએ જાણીતાં લેખિકા અને કોલમિસ્ટ શ્રી બેપ્સી એન્જિનિયરના સાદર ઋણસ્વીકાર સાથે,  એમની હૂંફાળી કલમે...

સદાબહાર પારસી કોમ અને વૃદ્ધાવસ્થા

સદાય સ્મિતસભર સુંદર હસતો આનંદી ચહેરો હોય અને જેની ભાષામાં પણ એક મીઠાશ વિવેક અને હ્યુમર સદા હોય તે માનવી તે બીજું કોઈ નહિ પણ સદાબહાર પારસી જ હોય. પારસી એટલે શ્રેષ્ઠ શરીર, સૌષ્ઠવ, ઉચ્ચ શિક્ષણ અને સારી એવી આર્થિક સદ્ધરતા ધરાવતી સોહમણી વિશિષ્ઠ વ્યક્તિત્વ સભર કોમ. દૂધમાં સાકર ભળી જાય તેમ અન્ય બધી જ કોમ સાથે ભળી જનાર અને સૌના દિલમાં વસી જનાર જો કોઈ કોમ હોય તો તે છે પારસી કોમ. મોડાં લગ્ન કરે, ઓછાં બાળ રાખે, ઉચ્ચ વ્યવસાય ધરાવતી દેશ પ્રેમી કોમ્યુનિટી એટલે પારસી. વિકસિત દેશોની જેમ આ કોમમાં પણ લાંબુ આયુષ્ય હોઈ વૃદ્ધોની સંખ્યા ઘણી જ વધારે છે અને તેથી પારસીઓમાં વૃદ્ધાશ્રમોની આવશ્યકતા પણ સવિશેષ છે.

વૃદ્ધાશ્રમની વાત કરીએ ત્યારે પારસીઓની એક સંસ્થા સૂરત સ્થિત નારીમાન હોમ એન્ડ ઇનફરમરી યાદ આપણને સહેજે સ્મ્તિમાં આવી જાય છે. જ્યારે આ સંસ્થા અસ્તિત્વમાં આવી ત્યારે ગુજરાતમાં પારસીઓની વસ્તી ગણપાત્ર હતી. પારસી મહોલ્લા અને પરાં હતા. આજે નૂતન સૂરતની ત્રીસ લાખની વસ્તીમાં પારસીઓની સંખ્યા માત્ર 3500ની છે. ભારતમાંના 25 ટકા પારસીઓ 60 વર્ષ ઉપરના છે. મુમ્બાઈ જ્યાં પારસીઓની વસ્તી ભારતમાં સૌથી વધારે છે, ત્યાં તેમની સરેરાશ વય  75 વર્ષની છે. મતલબ કે વૃદ્ધશ્રમોની આવશ્યકતા એક યા બીજા કારણે પારસીકોમ માટે પણ અનિવાર્ય છે.

નીરમાન હોમ ઈનફરમરી સંસ્થા જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે પારસીઓની સંખ્યા સારી હતી. પારસી મહોલ્લા અને પરાં હતાં. જ્યારે નરીમાન હોમ શરૂ કરાયું ત્યારે સૌએ એને ઉમળકાભેર આવકારેલું. એને છૂટે હાથે દાન પણ મળેલાં મકાનનો વિસ્તાર દિનપ્રતિદિન વધતો રહેલો. જેથી વધુને વધુ વૃદ્ધોનો સમાવેશ થઈ શકે. સંસ્થાની લોકપ્રિયતા એટલી વધી કે પારસી જનરલ હોસ્પિટલમાં પણ વૃદ્ધો માટે કેટલાક કમરા ફાળવવામાં આવ્યા. એક જમાનામાં જ્યાં ક્ષયરોગીઓનું સેનેટોરિયમ હતું ત્યાં હવે હાઉસ ઓફ ઇનવેલિડ શરૂ થયું. આ વૃદ્ધાશ્રમોમાં સારી સ્વચ્છ સગવડ ઉપરાંત ખાવા પીવાનો બંદોબસ્ત હોય છે. રોજિંદી દાક્તરી વીઝીટ, નર્સની હાજરી, રેડિયો, ટી.વી. જેવાં મનોરંજનનાં સાધનો ઉપલબ્ધ છે. આ સંસ્થાની લોકપ્રિયતા વધી એટલે બીજાં વૃદ્ધાશ્રમો પણ અસ્તિત્વમાં આવ્યાં.

ઉદાહરણરૂપ નવસારીનું વૃદ્ધાશ્રમ-ઈનફરમરી જુદી. આ વૃદ્ધાશ્રમનો લાભ જે કોઈ વૃદ્ધ યા વૃદ્ધાને લેવો હોય તે બાખુલી લઈ શકે છે. મહિને રૂ. 3000 આપો અને આરામથી રહો. બાગબગીચો, રમવાના સાધનો, પૂછીને બહાર ફરવાની છૂટ, મનોરંજ, જમવાની સગવડ, કુટુંબને જે કાંઈ મળવું જોઈએ તે અહ પ્રાપ્ય છે. મુંબઈમાં પણ આવું વૃદ્ધાશ્રમ છે.

વૃદ્ધાશ્રમો (સામાન્ય રીતે આર્થિક નબળી સ્થિતિવાળાં માટે) વધતાં પરિણામ સ્વરૂપ નરીમાન હોમમાં રહેનારાં સહવાસીઓની સંખ્યામાં આજે ઘટાડો થયો છે. ભૂતકાળમાં જ્યાં સો સહવાસીઓ એક છપરાં હેઠળ રહેતાં હતાં અને અન્ય વેઈટીંગ લીસ્ટ પર રાહ જોતાં હતાં ત્યાં આજે  45થી 50 ઓરડા ભરાયેલા અને બાકીના ખાલી પડેલા જોવા મળે છે. પારસી વસ્તી ઘટી અને આસપાસના વિસ્તારોમાં વૃદ્ધાશ્રમો વધ્યાં એટલે બધી સંસ્થાઓ માટે સમસ્યા ઊભી થઈ છે.

1982ની સાલમાં હું ટોરેન્ટોમાં હતી ત્યારે કેટલીક વયસ્ક બહેનોના સમાગમમાં આવવાનું થયેલું. એઓમાંના એક પારસી તે સબર બહેન. પંચોતેર  આસપાસનાં ખરાં. કેન્સરથી પીડિત વિધવાબાઈ. એકલાં રહે. પણ જુસ્સો ભારે. કાંઈક કરી છૂટવાની તમન્ના. તેઓ ન્યાતજાતના ભેદભાવ વિના વૃદ્ધાઓની એક ક્લબ ચલાવતાં. ક્લબનું નામ સ્માઈલર્સ ક્લબ. વૃદ્ધાવસ્થામાં એકલતા સાલે નહી તે માટે જીવનને નીરસ બનતું અટકાવવાની મોટી આવશ્યકતા રહે છે. સબરબહેને આવી એકલદોકલ બહેનોના જીવનમાં હાસ્ય પ્રગટાવવાના, ખુશીની ખુશ્બુ ફેલાવવાના આશયથી આ કામ ઉપાડ્યું. તેઓ આ બહેનો માટે ઉજાણીઓ ગોઠવે, જોવાલાયક સ્થળોએ લઈ જાય, સારાં નાટકો બતાવે, મિલન ભોજન સમારંભો ગોઠવે જ્યાં જ્યાં વૃદ્ધાશ્રમો હોય ત્યાં આવી સ્માઈલર્સ ક્લબો હોય તો કેવું સારું !

વૃદ્ધાશ્રમનિવાસી બધાં વૃદ્ધો લાચાર નથી હોતાં. કેટલાકનું સ્વાસ્થ્ય સરસ હોય છે. તેમની વય વર્ષોમાં  નહીં પણ તેમના ઉપર વૃદ્ધત્વની કેટલી અસર પડી છે તે ઉપરથી જ આંકી શકાય એવાં એક સો વર્ષના અંતેવાસીએ એકવાર ભારપૂર્વક જણાવેલું - `હું ઘરડી થઈ જ નથી. ફક્ત વધુ વર્ષ જીવી છું.' આજના યુગની સૌથી અટપટી સમસ્યા, ચિંતા ઉપજાવે એવી સમસ્યા કઈ ? એમ કોઈ પૂછે તો તેનો એક જ ઉત્તર છે - એકલવાયાપણું. એકલવાયાપણું એક એવું બીજ છે જેને કારણે અનેક સમસ્યાઓના ફાણગા ફૂટે છે. જે આનંદથી જીવવાની જિજીવિષાને રોળી નાખે છે. તમારા આત્માને ક્લુષિત કરનારા આ ઘાતક વ્યાધિ જેવો બીજો કોઈ વ્યાધિ નથી. એ જેટલો તીવ્ર છે - ધારદાર છૂટી જેવો - તેટલો જ બહોળો સર્વમય એનો વ્યાપ છે.

એક મનોવૈજ્ઞાનિકના સર્વેક્ષણ અનુસાર એના દર્દીઓમાંના 80 ટકા એકલવાયાપણાની લાગણીથી પીડાતા હતા. કેટલાક અશક્ત વૃદ્ધો પોતાને નિરૂપયોગી, નકામા, બોજારૂપ માની મનોમન હિજરાતા હોય છે. આ વ્યાધિ તેમના દિલદિમાગને ગ્રસે છે. વૃદ્ધાશ્રમો આ સર્વવ્યાપી સમસ્યાનો ઉકેલ શોધશે ? એક સામાજિક કાર્યકરે સીવણકામની પ્રવ્ત્તિ દ્વારા કેટલીક સ્ત્રીઓને તેમાં રસ લેતી કરવાનો પ્રયત્નો કરેલો. આ હેતુને લક્ષમાં રાખી તેમણે એક સેનેટોરિયમની મુલાકાત લીધી. તેમના આશ્ર્ચર્ય વચ્ચે એક પણ સ્ત્રીએ આ કામ પ્રત્યે રુચિ કે ઉત્સાહ બતાવ્યો નહ. તેમની તો એક જ વાત. ``અમે અમારી સમસ્યાઓ અને ચિંતામાંથી ચાં  આવતાં નથી ત્યાં સીવવા-સાંધવાની તો વાત જ શી ?'' પોતાના જ માંદલા વિચારોની ભોગ બનેલી આ દુર્ભાગી સ્ત્રીઓની માનસિક સ્થિતિ કેવી તો વિષમય ! કેટલાંક વર્ષો પૂર્વે મેં એક વૃદ્ધાશ્રમ જોએલું. પાંચ છ ખાટલાંઓ પર કોમન રૂમમાં કેટલીક વૃદ્ધાઓ બેઠેલી. બેસવા ઉઠવાની કોઈ સગવડ નહી. બે એક જૂના કબાટો. મનોરંજનનું કોઈ સાધન નહીં. વૃદ્ધાઓના મુખ ઉપર નર્યો ત્રાસ. કોઈ નિસાસા નાખે- કોઈ રુદન વડે પોતાનું દુ:ખ પ્રગટ કરે. માનસિક હાલત દયાજનક. વૃદ્ધાઓનું પણ એવું જ. એમાના એક વૃદ્ધજન હરવાફરવાના રસિયા રોજ મકાનના ઝાંપે ઊભા રહી બહારનો મહેરામણ જોઈ રહે...

વૃદ્ધાશ્રમ એટલે કેવળ એક મકાન હેઠળ આશ્રય આપવો એવું નથી. અહીં બધાં જ અશક્ત હોતા નથી. એક વૃદ્ધા કહે છે, ``હું કામમાં ચિત્તને પરોવેલું રાખું છું. આથી મારું સ્વસ્થ્ય જળવાઈ રહે છે. કામ મને મારી અંગત સમસ્યાઓમાં ખોવાઈ જતાં બચાવે છે.'' વૃદ્ધાશ્રમોના કાયકર્તાઓ ત્યાં રહેતાં લોકોની રુચિ પ્રમાણે નાના મોટાં કામ અપાવવામાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે. વૃદ્ધાશ્રમોના અંતેવાસીઓને બોબ ડાયનનો સંદેશો પાઠવીશું - ``મે યુ બી એવર યંગ.'' (સદાબહાર રહો તમો.)

0 comments: