શેઢાનો આંબો

- પ્રદ્યુમ્નસૂરિ

(સાદર ઋણસ્વીકાર : અખંડ આનંદમાંથી

સોરાષ્ટ્રના એક નાનાં ગામડામાં બનેલી ઘટના છે. ગામના રસ્તેથી, ખેતર ખેડીને, બે દીકરા સાથે બાપ ઘર ભણી ચાલ્યા આવે છે. બાપાની વાત્સલ્યભરી નજરથી ઊછરેલા બંને દીકરા પણ પ્રેમસભર રહેતા. અને આમ, પ્રેમભર્યા અમીથી સીંચાયેલાં એમનાં કસદાર ખેતર પણ મધમીઠા પાકથી છલકાતાં ! આ પંથકમાં આ કુટુંબ, ખારા દરિયામાં મીઠી વીરડી જેવું, પંકાયેલું હતું.

કાળને કરવું ને બાપા દેવલોકે પહોંચ્યા. કારજવિધિ કરીને, બાપાની આંખડીના અમીથી સીંચાયેલું કુટુંબ એવું જ રહે માટે, બંને ભાઈઓએ ખેતરના બે ભાગ કર્યા. મોટાએ કહ્યું, તું નાનો છે એટલે તારો હક્ક પહેલો, તને ગમે તે ખેતર તારું. નાનો કહે, મારી ફરજ છે, તમને ગમે તે તમે રાખી લો. બાકીનું મારું. આમ મીઠી રકઝક થઈ
!

પૂરવનું મોટાએ રાખ્યું અને પશ્ચિમનું નાનાના ભાગે આવ્યું.

પછીના ઉનાળે, કેરી આવવાનું ટાણું આવ્યું. બંને ભાઈઓ ભેગા થયા. ખેતર તો બે હતાં અને બંનેને મળ્યાં
; પરંતુ આ આંબો તો એક જ છે, બે ખેતરના શેઢા વચ્ચે છે. માટો કહે, એમાં શું ? જેટલી કેરી ઊતરશે એના બે ભાગ કરીએ. એમ જ થયું. કોઈ કંકાશ નહીં, કચવાટ નહીં. બંનેના હૃદયમાં બાપાએ સીંચેલા અમી એવાં જ ભરપૂર સચવાયેલાં એટલે કીચૂડકીચૂડ એવો અવાજ જ નહીં !

કાળનો ક્રમ ચાલતો રહ્યો. બંને ભાઈઓ, એક પછી એક એમ, બાપાને મળવા ચાલી નીકળ્યા
; એક માગસરમાં અને બીજો મહામાં ! બંનેને વસ્તાર હતો. મોટાને ત્રણ દીકરા અને નાનાને એક. પરસ્પર પ્રેમ આ સંતાનોમાં પણ ઊતરી આવેલો. સંપ તો દૂધપાણી જેવો ! દૂધ ઉપર તાપ આવે એટલે પાણી કહે : હું છું ત્યાં સુધી તને બળવા નહીં દઉં. એકબીજા માટે પાણી પાણી થઈ જાય એવા.

વળી વસંતે વિદાય લીદી ને ઉનાળો આવ્યો. આંબે મોર આવ્યા
; મરવા આવ્યા. શાખ બેઠી ને કેરીના ભારથી આંબો લચી પડ્યો. બે ખેતરને જોડતો આંબો શોભી રહ્યો હતો. વડીલોના આશિષની સરવાણી પવનની લહેરખી બનીને હેત વરસાવતી હતી. આંબો વેડાયો ત્યારે ચારેય ભાઈઓ ટોપલેટોપલા ભરીને ઠલવાતી કેરીઓ નિહાળી રહ્યા ! મોટા ભાઈના દીકરાઓએ દર વર્ષની જેમ બધી કેરીઓના બે ભાગ પાડ્યા. ત્યાં નાના ભાઈનો દીકરો બોલી ઊઠ્યો : આ શું કરો છો ?

માટો ભાઈનો દીકરો કહે
: હંમેશની જેમ ભાગ પાડ્યા.

નાના ભાઈનો દીકરો કહે
: એમ નહીં ચાર ભાગ પાડો. આપણે ચાર ભાઈઓ છીએ. આટલું બોલતાં એ રડી પડ્યો. વળી કહે : બે ભાગ કરી મને પાપમાં ન પાડો. હું તો એક છું અને તમે ત્રણ છો. મારાથી તમારા ભાગનું ન લેવાય. અણહક્કનું મારે ન ખપે.

ખૂબ રકઝકને અંતે ચાર ભાગ પડ્યાં
! બધાની નેહભીની આંખ છલકાતી હતી.

નાનાના દીકરાએ કહ્યું
: હવેથી કાયમ માટે આમ જ કરવાનું.

ઝોળીને કાયમ સાચવવી હોય તો એમાં માપનું જ ભરાય. વધારે ભરાય તો ફસકી જાય અને બધું ધૂળમાં જાય. ન્યાયનું અને લઈએ ન્યાયનું દઈએ.

આ તો આપણાં શેઢાનો આંબો
! એનો છાયો આણને બધાને મળે. એનાં ફળ પણ બધાને મળે, એવી કુદરતની મરજી છે; એને આપણે વધાવીએ અને સુખી રહીએ.

(પાઠશાળા)

0 comments: