શું એમ વાત છે ?


- ‘વિશ્વવિહાર
(સાદર ઋણસ્વીકાર : અખંડ આનંદમાંથી)

ઝેન તત્વચિંતક (master) હેક્વિનને પવિત્ર ઓલિયા સંત તરીકે આજુબાજુના પાડોશીઓ જાણતા. સંતના નિવાસની નજીક એક સુંદર જાપાનીઝ છોકરીનાં માતાપિતાની કરિયાણાની દુકાન હતી. એ છોકરીનાં વર્તન-વ્યવહારની કોઈ પૂર્વજાણ-પિછાણની ભાળ ન થવાથી માબાપને મોડે મોડે ખબર પડી કે તેમની દીકરી માતા બનવાની છે, ત્યારે માબાપનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. આવનાર બાળકના પિતાનું નામ જણાવવા બંને જણાએ આકાશપાતાળ એક કર્યું; પણ દીકરી તો મગનું નામ મરી પાડે નહીં. આખરે ભારે દબાણ અને ત્રાસ થવાથી તેણ બાળકના પિતા તરીકે હેક્વિનનું નામ આપ્યું. અત્યંત ગુસ્સાના આવેગમાં માબાપ સંત પાસે ગયાં અને પૂછ્યું, આ બધું શું છે ? આવું દુષ્કૃત્ય તમે કર્યું છે ?” જવાબમાં શું એમ વાત છે ?” એટલું બોલી સંતે કોઈ વિશેષ પ્રતિભાવ ન આપ્યો.

બાળકનો જન્મ થયા પછી તેને સંત હેક્વિન પાસે લાવવામાં આવ્યું. આ દરમિયાન સંતની આબરૂના તો ધજાગરા ઊડ્યા હતા. પણ સંતને એની કોઈ ચિંતા ન હતી. તે બાળકની સંપૂર્ણ સંભાળ સંતે પોતાના માથે લીધી. પડોશીઓ પાસેથી તેઓ દૂધ અને જરૂરી ખોરાક મેળવતા. તેમણે  બાળકને જતનપૂર્વક ઉછેરીને મોટું કરવા માંડ્યું.

આ વાતને એક વરસ થઈ ગયું. પેલી કુમારી માતા તો દિડ્મૂઢ પરંતુ હવે એ ક્ષણ પણ તે અસત્યને જીરવી શકે તેમ ન હતી; એટલે પોતાના માતાપિતાને સાચી વાત કહી દેતાં બાળકનો સાચો પિતા તો મચ્છીબજારમાં કામ કરતો એક યુવાન છે.

માબાપ તો ક્ષણનોય વિલંબ કર્યા વગર સંત પાસે પહોંચી ગયાં. તેમણે પોતાના કરેલા આક્ષેપો બદલ અંત:કરણપૂર્વક સંતની માફી માગી. હવે પેલા બાળકનો હવાલો તેઓ લેવા માગતાં હતાં.

સંતને આ મજૂંર હતું. બાળકની સોંપણી કરતાં સંત એટલું જ બોલ્યા,શું એમ વાત છે ?”

0 comments: