- વર્ષા અડાલજા
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાત ભાગ-2’માંથી)
રજત ઓફિસમાં દાખલ થયો અને સીધો તેના ટેબલ પાસે ગયો. આજે એ થોડો વહેલો આવી ગયો હતો. શૂટિંગ તો કાલે સવારે હતું, પણ આજે છેલ્લી ઘડીની તૈયારી કરવાની હતી. ટેલિફોન ડાયરી ખોલી કોને કોને ફોન કરવાના હતા એ યાદ કરવાને બદલે એનું ધ્યાન સામેના ટેબલ પર ઘડી ઘડી જતું હતું. પમ્મી વહેલી આવવાની હતી. કેમ મોડું થયું ? ટ્રોઈન નહીં મળી હોય કે, પછી વહેલી ઊઠી નહીં શકી હોય ! ના. ઊઠી ગઈ હશે. કહેતી હોય છે, ઊંઘવાનું મન થાય તો પણ શું કરું ? ઘરમાં બચ્ચાં-કચ્ચાં ધમાલ કરતાં હોય. પેઈંગ ગેસ્ટ કંઈ લાઇફ છે યાર ! રજ્જુ તું સુખી છે. પત્ની ચરણ ચાંપે, સરૂ વીંઝણો ઢોળે અને મધર ઇન્ડિયા ગરમ ચાનો કપ લઈને... ઓ નો ! બેટા આજ તેરે લિયે હલવા બનાયા હૈ.
પછી ખડખડાટ હસી પડી એને ધબ્બો મારે.
શરૂઆતમાં એને ખૂબ સંકોચ થતો. કોઈ છોકરી આમ ખુલ્લંખુલ્લા છોકરાને ધબ્બો મારે ? કોમર્સિયલ આર્ટસની ડિગ્રી લઈ એણે મુંબઈમાં એડ એજન્સીમાં પગ મૂક્યો ત્યારે હેબતાઈ ગયેલો. અહીં યુવાન છોકરા-છોકરીઓ એકદમ મુક્ત થઈ વર્તતા. ટાઈટ જીન્સ પહેરેલી છોકરી નિરાંતે સિગરેટ પીતી, છોકરાઓ સાથે અડોઅડ બેસી મોડી સાંજ સુધી કામ કરતી અને કોઈ પ્રોડક્ટનો એડ કેમ્પેઈન પ્લાન કરતી. મિટિંગમાં મોડેલિંગ તરીકે કામ કરનારા છોકરા-છોકરીઓનાં શરીરનાં અંગ-ઉપાંગોનાં કેમેરા એંગલ કેમ લેવા એની નિ:સંકોચ ચર્ચા થતી જોઈ એ મૂઢ બની ગયો હતો. એની નિમણૂંક પણ થોડા લોકોને નહોતી ગમી, પણ કંપનીના બોસ અને ક્રિએટિવ ડાયરેક્ટર અનુપ શર્માએ કહેલું, ગુજરાતમાંથી રજત આવે છે. ત્યાંના મીડિયામાં પ્રોડક્ટની જાહેરાત કરતી વખતે નાના શહેરનો મિજાજ આપણને ખબર પડશે અને ત્રણ મહિનાનો જ કોન્ટ્રક્ટ છે પછી...
રજતને એસ એન્ડ આર એડ એજન્સીમાં પાંચ વર્ષ થયા.
પહેલે જ અઠવાડિયે એણે એસ એન્ડ આર પરથી સન રાઈઝનો કલાત્મક અને કલ્પનાશીલ લોગો તૈયાર કરી અનુપને આપ્યો. અનુપ ખુશ થઈ ગયો. ફેન્ટાસ્ટીક કહેતો બહાર ધસી ગયો અને બધાને બતાવ્યો.
રજતને એની યે નવાઈ હતી કે, આવડી મોટી અને જાણીતી કંપનીનો બોસ એકદમ યુવાન હતો. બધા મિત્રોની જેમ જ વર્તતા હતા, પણ નાના શહેરનું બંધિયારપણું, રૂઢિચુસ્ત વિચારો અને સંસ્કાર અને ત્વચાની જેમ વળગેલા હતા. ખાલની જેમ ઉતરડતાં એને ખાસ્સો સમય લાગ્યો, પણ ક્યાંક ઊંડે ઊંડે થોડું મૂળ દટાયેલું રહ્યું. સૌ સાથે બીયર પીતો. પ્રોડક્ટના સ્ટોરી બોર્ડની ચર્ચામાં ભાગ લેતો, સૂચનો પણ કરતો, પણ ક્યારેક પ્રોડક્ટને ઉઘાડી રીતે સેક્સ સાથે સાંકળવાની વાત થતી ત્યારે ખૂબ દલીલો કરતો. અનુપ કહેતો, તું કોઈ દિવસ સુધરવાનો નહીં, તારી અંદર જામનગર દટાયેલું છે.
-એવું નથી અન્ડરવેયરની એડમાં મારો આઈડિયા કામ કરી ગયોને !
-ફેન્ટાસ્ટિક.
એક અન્ડરવિયરની જાહેરખબર કરવાની હતી. દેખાવડો, ઊંચો મસલમેન જેવો મોડેલ પસંદ કર્યો હતો. એણે અન્ડરવિયર માત્રા પહેર્યું છે અને સામેના ઘરની બારીમાંથી દુરબીનમાંથી એને જોતી છોકરી ફીદા થઈ જાય છે એવાં દ્રશ્યો ઝડપવાના હતા. શૂટિંગ ચાલુ હતું, પણ અનુપ ફરી શોટ્સ લેતો હતો, ઓ.કે. નહોતો કરતો. મોડેલે કંટાળીને કહ્યું, ‘કમ ઓન અનુપ, વ્હોટ ઈઝ રોંગ ?’
-શોટ જામતો નથી. ?’
-એટલે ?
દાઢી ખંજવાળતો અનુપ વિચારમાં પડ્યો.
-કોને ખબર ? યુ ડોન્ટ લુક મેન ઈનફ.
મોડેલના ભવાં ચડી ગયા. શૂટિંગ કેન્સલ થઈ જશે એમ લાગ્યું ત્યાં રજતને વિચાર આવ્યો. એક રૂમાલનો ડૂચો કરી મોડેલની બ્રીફમાં આગળ ખોસી દીધો અને ફટાફટ કેમેરાની ચાંપ દબાઈ. રજત યુ આર જીનિયસ વન્ડરફૂલ કહેતા શૂટિંગ સમેટાયું. ક્લાયન્ટ એડ ફિલ્મ જોઈ ઓવારી ગયા.
રજત એડવર્ટાઈઝિંગની ઝાકઝમાળ દુનિયાથી અંજાતો જતો હતો અને સપનાનાં મેઘધનુમાંથી એક પછી એક રંગ અના આકાશમાં વિસ્તરતા જતા હતા.
એ ઘરે જતો અને જાણે કોઈ બીજી જ દુનિયામાં પ્રવેશ કરતો.
ઘરે જઈ તરત હાથપગ ધોવા પડતા, બાના પૂજાના ગોખલાને પગે લાગી જમવા બેસવાનું. ગુજરાતી સાડી, અંબોડો, નાકમાં ચૂંક અને મોટો લાલ ચાંદલો કરેલી રમીલા થાળી પીરસતી. બા સામે બેસતા. ખોળામાં ખિલખિલ હસતી સ્વરૂપ. બા દેશમાંથી આવેલા પોસ્ટકાર્ડની વાત કરતા. ચીનુકાકાનું મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે ને ભઈલા તને ક્યારે રજા છે તો કુળદવીનાં નૈવૈદ્યનો કર છે તે ગોરણી જમાડીએ. આજના અડદના પાપડ કેવા લાગ્યા ? પછી ટી.વી. જોવાનું પછી ખોબા જેવડા બેડરૂમમાં રમીલા સાથે સૂવા જવાનું. એના સાડલામાંથી અડદના પાપડની ગંધ આવતી ત્યારે ફૂલોની ખુશ્બોભર્ય સાબુનાં ફીણમાં કમનીય કાયાના અંગમરોડ લેતી મોડેલ નફીસા એને યાદ આવી જતી. તો પારદર્શક નાઈટ ગાઉનમાં ગજબની સેક્સી લાગતી દિપા સિકંદ હાય હેન્ડસમ કહેતી એને ફલાઈંગ કિસ આપતી. બેડરૂમની પોપડા ખરતી દીવાલો ખૂટી પડતી અને ગોવાના રમણીય દરિયા કિનારાની ફાઈવસ્ટાર હોટલનાં બેન્કવેટ હોલમાં ઓફિસનાં મિત્રો સાથે બુફે ડીનર માણી રહ્યો છે અને બાજુમાં છે પમ્મી, ખિલ ખિલ હસતી, કંઈક અવનવી વાતો કરતી, મજાક મસ્તી કરતી અને ખભે હાથ મૂકતી...
એ ઝબકીને જાગી જતો. નાઈટ લેમ્પના આછા પ્રકાશમાં બાજુમાં સૂતેલી રમીલાના તેલવાળા વાળ ઝગે છે. બન્ને બચ્ચે જીવાયેલા જીવનનો સાર શો છે ? –આજે ડબ્બામાં ભાખરી શાક મૂકું કે હાંડવો અને છૂંદો ? સરૂનાં કે.જી.નાં એડમિશનનું કાંક કરો હવે. ઘણાં દિવસથી સિનેમા જોવા ગયા નથી. રજા હોય તે દી’ જાશું ? ઉપરવાળા કલ્પનાભાભીને શૂટિંગ જોવું છે હો !
કેવી નાની નાની વાતોથી રમીલા અને બા રાજી થઈ જતાં. કોઈ ને કોઈ ભેટ મળ્યા કરતી. કોઈક વાર સાબુ તો ક્યારેક ઘડિયાળ. રમીલા રાજી રાજી થઈ જતી. આજુબાજુના બધાને બતાવતી. ક્યારેક એ મશ્કરી કરતો. ગયે અઠવાડિયે નેઈલ પોલિશ લાવેલો, કેમ વાપરતી નથી ? રમીલા શરમાતી કહેતી તમે બહાર લઈ જાઓ તો ઠીક છે. એકલાં એકલાં ઘરમાં લગાડીને શું ?
ઓફિસમાં આવતો અને જાણે એક ડોકાબારીમાં થઈ એ કિંમતી ચીજવસ્તુઓથી છલોછલ ફેશનેબલ આધુનિક દુનિયામાં, પ્રવેશતો જ્યાં ગઈ કાલની જાહેરખબરની પ્રોડકેટ જૂની થઈ ગઈ છે. રોજ જુંદું અવનવું અને એ માટે તીવ્ર હરિફાઈ અને એ તીવ્ર હરીફાઈમાં ટકી રહેવા દિવસ-રાત ભેજું કસ્યા કરવું પડતું. પમ્મી ક્રિસ્ટીન કે ભરૂચા કે પછી સાલગાંવકર કે મોનીશ જાતજાતનાં સ્કેચ કરતાં, મોડેલો શોધતા રહેતા, કોર્પોરેટ એકાઉન્ટ મેળવવા સખત મહેનત કરતાં.
પમ્મી વાચાળ હતી, બુદ્ધિશાળી હતી. એકલી રહેતી, સ્વતંત્ર મિજાજની હતી. એનાં સ્પર્શથી ઝણઝણાટી થઈ જતી.
પમ્મીને જોતા અને રમીલા યાદ આવતી. રમીલા સાથે વાત કરતાં પમ્મીનું ખિલ ખિલ હસવું સંભળાયા કરતું.
પમ્મી કદાચ એ જાણતી હતી. મિટીંગમાં સૌ હોય કે કારમાં શૂટિંગના સ્થળે જવાનું હોય, કંઈક એવું જ અનાયાસ ગોઠવાઈ જતું કે એ અને પમ્મી નજીક બેઠાં હોય. એક વખત સ્કૂટરની જાહેરાતની ચર્ચા ચાલી રહી હતી. મોનીશનું સૂચન હતું, હિંદી ફિલ્મના જાણીતા હીરોની પાસે જાહેરાત કરાવવી. અનુપનો આગ્રહ હતો કે, સ્કૂટરનાં વળાંકો બતાવતા જતાં ખૂબીઓ કહેતા જવી અને સાથે તદ્દન આછા વસ્ત્રો પહેરેલી ખૂબસૂરત મોડેલનાં અંગનાં વળાંકો પર ફોકસ કરતાં જવું અને છેલ્લે હીરો બાઈક પર સવાર થઈ તેજ ગતિથી ચાલી જાય છે.
લગભગ બધાને આ વિચાર ગમ્યો. અનુપ રજત સામે જોઈ રહ્યો. હજી આ આપણા મિ.ઓર્થોડોક્સ કંઈ બોલ્યા નહીં.
તરત રજતે કહ્યું,
-સામાન્ય રીતે સ્કૂટર પુરુષ વાપરવાનો છે એ જ ધ્યાનમાં રાખી એની એડ્ બને છે પછી એમાં આ છોકરી શું કામ ? અને છેલ્લે સ્કૂટર પર હીરો સવાર થાય છે, મને લાગે છે આમાં સેક્સનો મેસેજ છે. જો જો વીમેન ગ્રુપ્સ વાંધો ઊઠાવશે કે એડવર્ટાઈઝિંગ બોડી પણ જો વાંધો લે...
-હીયર વી ગો અગેઈન. કંઈ થવાનું નથી યાર. તુ એડ્ વર્લ્ડમાં છે. પોતે વાપરે કે ન વાપરે સિત્તેર ટકાની પ્રોડક્ટ સેક્સી મોડેલો જ વેચે છે.
-બ્રેવો
ફટ દઈને પમ્મીએ એના ગાલને ચૂમી લીધો હતો.
એવું તો કોઈ છે કે બોસ અનુપ સામે વિરોધ તો નોંધાવે છે.
બધા હસી પડેલા. એને માત્ર આંખો મિંચીને બેસી રહેવાનું મન થયેલું. પછી આખો દિવસ પમ્મીને જોતો રહેલો. ફરી ઓફિસમાં મિટિંગ થઈ, મોડે સુધી ચાલી. નાસ્તો કરી એ મોડેથી ઘરે આવ્યો ત્યારે બા સરૂને લઈ ઊંઘી ગયેલા અને રમીલા એની રાહ જોતી હતી. કપડાં બદલી એ નશામાં સીધો પથારીમાં પડ્યો. એના વાળમાં હળવેથી હાથ ફર્યો. એની આંખો ખૂલી ગઈ.
-થાકી ગયા છો ?
રમીલા ધીમેથી બોલી. આજે વાતો કરવાનો મૂડ નહોતો. એ ચૂપ રહ્યો.
થોડું જમશો ?
એ પડખું ફરી ગયો.
-મેં જમી લીધું છે.
-તો હું જમી લઉં ?
એ બેઠો થઈ ગયો.
-તું હજી જમી નથી ?
-તમે હંમેશા ફોન કરો છો. આજે ફોન ન આવ્યો એટલે તમારી રાહ જોતી હતી.
જરા રુક્ષતાથી એણે કહ્યું,
-તું જાણે છે ને મારું કામ કેવું છે ? ફોન ન પણ કરું તો ય તારે રાહ ન જોવી.
રમીલા નીચું જોઈ બેસી રહી.
-કેમ શું થયું ? જમવું નથી ? મોડું થઈ ગયું છે.
-દિવસમાં આપણને સાથે કેટલો ઓછો સમય મળે છે ! તમારી સાથે જમું, વાતો કરું એવું મને થાય.
-ભલે. હું ધ્યાન રાખીશ. ઓ.કે. !
રમીલા ગઈ. એ વિચારતો રહ્યો. શું વાતો કરું તારી સાથે ? તારી ને મારી છે ક અલગ દુનિયા છે. નિશ્વાસ મૂકી એણે આંખો બંધ કરી. આંખોમાં દૂર સુધી ફેલાયેલું ઝગમગતું આકાશ હતું અને બીજનાં ચાંદને ઝૂલે એ અને પમ્મી ઝૂલી રહ્યા હતા.
બીજે દિવસે વહેલો ઓફિસે આવી ગયો હતો. વારંવાર એની નજર પમ્મીના ટેબલ તરફ જતી હતી. ત્યાં પમ્મી આવી. આજે એણે ટાઈટ બ્લેક સ્કર્ટ અને લાલ રંગનું સ્લિવલેસ ટોપ પહેર્યું હતું. ખૂબસૂરત લાગતી હતી. એક વખત એણે કહ્યું હતું, તું કેમ મોડેલિંગ કરતો નથી ?
એણે કહેલું, એક વાર વિચાર આવી ગયેલો. એમાં મેગા બક્સ છે રજત, પણ ફટાફટ કપડાં ઉતારવા પડે છે, ગમે તેની સામે. ફેશન શો કરવા પડે. ચૂઝી બનો તો કામ ન મળે. એકાદ બે અનુભવ થઈ ગયા. આ તો પગાર લો ઓર નૌ દો ગ્યારાહ.
પમ્મી એના ટેબલ પર આવી ગપ્પાં મારતી રહી. રજત એના લિપસ્ટિકવાળાં હોઠને તાકી રહ્યો હતો. ગઈ કાલે કશું ન બન્યું હોય એમ પમ્મી વાતમાં મશગૂલ હતી.
બપોરે એક અરજન્ટ કામ આવી ગયું. આઈસ્ક્રીમની જાહેરાત કરવાની હતી. મોનીશે સ્ટોરીબોર્ડ તૈયાર કરવા માંડ્યું. ક્રિસ્ટીન મોડેલ્સનાં પોર્ટ ફોલિયોમાંથી સરસ ચહેરાની શોધમાં પડી. પમ્મી અને રજતે આઈસ્ક્રીમ તૈયાર કરાવવાના હતા. આઈસ્ક્રીમ શૂટિંગ દરમ્યાન પીગળી જાય એટલે કૃત્રિમ આઈસ્ક્રીમનો ઓર્ડર આપવાનો હતો.
દોડધામથી થાકી બધા સાંજે કોફી પીવા ભેગા થયા. બીજા દિવસે શૂટિંગ હતું.
રજત અને પમ્મી કૃત્રિમ આઈસ્ક્રીમ લઈ વહેલા લોકેશન પર પહોંચી ગયા ત્યારે લાઈટિંગ ગોઠવાતું હતું. મોડેલ સીમા ચૌધરી મેઈક અપ કરાવી રહી હતી. પમ્મી અને રજત બંગલાના પગથિયાં પર બેઠાં તૈયારી પર નજર રાખી રહ્યાં હતાં. પમ્મી એકદમ નજીક, એના શરીરનો ગરમાટો અનુભવી શકાતો હતો. આ ઝાકઝમાળની કેવી કૃત્રિમ દુનિયા હતી !
- નહીં તો !
એના વિચારને ટેકો આપતી પમ્મી બોલી.
-બધું જ ખોટું, જે નથી તે છે. તું એમ માને છે રજત આપણે બઢાવી-ચડાવીને પ્રોડક્ટના ગુણગાન ગાઈએ છીએ ? વાસ્તાવમાં એવું છે ? ઓફકોર્સ નોટ. તું કોઈને કહેતો નહીં આપણે પેલી સેન્ડલ સોપની એડ્ કરી ને !
-હાં. તો ?
-બાથટબ ફીણથી છલકાઈ ગયું ને ! અરે યાર ફીણમાં સાલ્લુ કેમિકલ નાખે એટલે બહુ દેખાય. બનાવટ જ સ્તો.
પણ આ પબ્લિક સાથે છેતરપિંડી નથી ?
-કરોડોનું ટર્ન ઓવર ગણો મારા સાહેબ. શું આ શેમ્પુથી વાળ લીસ્સા થાય છે ? ઉતરતા બંધ થાય છે ? એક મોટી જોક. જો બિચારી વાળ માટે એડ્ કરે એ મોડલના વાળનું તો સત્યાનાશ નીકળી જાય છે ખબર છે ?
-તો મોડેલ્સ વિરોધ કેમ નથી કરતી ?
-તગડો ચેક મળે છે. તને ક્યાં ખબર નથી. જવા દે ને યાર. કાલે રજા છે. ચાલ આપણે બે મડ આઈલેન્ડ જઈશું ? આંખો દિવસ ખાશું, પીશું, રખડશું. ઓફિસમાં કોઈને કહેતો નહીં.
પમ્મીએ એનો હાથ લઈ દબાવ્યો, રજતે પમ્મીને વધુ નજીક ખેંચી. જેના સપનાઓ રાત-દિવસ જોતો હતો એ આખરે આમ સાચું પડી જશે એવી કલ્પના પણ નહોતી. એ અને પમ્મી. દરિયા કિનારે. હોટલમાં. એક હમસફર. એક સાચો સાથી.
એ આખો દિવસ એણે કેમ વીતાવ્યો એની એને ખબર ન રહી. રાત્રે થાકીને ઘરે પહોંચ્યો ત્યારે ખાવાની પણ ઈચ્છા ન હતી, પણ બાનું મન રાખવા થોડી દાળ-ઢોકળી ખાઈ એ સૂઈ ગયો. એના વાળમાં હેતથી હાથ ફરતો રહ્યો અને એ સૂઈ ગયો. આખી રાત દરિયામાં નાનકડી વાનમાં પમ્મીની આશ્લેષમાં સફર કરતો રહ્યો.
સવારે એ વહેલો તૈયાર થઈ ગયો. રમીલા નવાઈ પામી ગઈ.
- તમે જ કહ્યું હતું આજે તમારે રજા છે.
- સોરી રમીલા પણ આજે અરજન્ટ શૂટિંગ છે.
- પણ આજે આખા દિવસનું અમે પ્લાનિંગ કર્યું છે. જુઓ ફિલ્મની ટિકિટો પણ લાવી રાખી છે. સરૂ માટે ખાસ નવું ફ્રોક લાવી રાખ્યું છે.
- આ રવિવારે ચોક્કસ જઈશું. પ્રોમિસ બસ ! કામ હશે તો ય રજા લઈ લઈશ.
સરૂ ઊઠે એ પહેલાં એ નીકળી ગયો. પમ્મી ઓફિસ પાસેના બસસ્ટોપ પર એની રાહ જ જોતી હતી. બન્ને હાથ પકડી ટેક્સીમાં ગોઠવાયા. દરિયા કિનારે પહોંચતા જ પમ્મીએ કહ્યું, એક રૂમ બુક કરી લે. રજતને એના આમંત્રણની જ પ્રતિક્ષા હતી. રૂમમાં બન્નેએ કપડાં બદલ્યા. સ્વિંમીંગ કોસ્ચ્યુમ્સમાં દરિયામાં બન્ને ખૂબ તર્યા, મસ્તી તોફાન કર્યા. ફરી રૂમ પર આવી કપડાં બદલ્યાં, જમ્યા અને ફરી રૂમ પર આવ્યા. પમ્મી માટે રજત તલપાપડ થઈ ગયો હતો એવું જ પમ્મીને મારા માટે હશે એમ માનતો રજત ભોંઠો પડી ગયો. પમ્મી સોફામાં ઊંઘી ગઈ. એ પથારીમાં જાગતો પડી રહ્યો. તો પમ્મી એને અહીં લાવી શું કામ ? પમ્મીનું ભીનું શરીર, નીતરતા સ્વિમિંગ કોસ્ચ્યુમ્સમાં ખુલ્લું શરીર, મોઠું મોજું આવતાં એને વળગી પડવું... શો હતો આ બધાનો અર્થ ? કદાચ પહેલી જ વાર બન્ને સાથે છે તેથી પમ્મી શરમાતી હશે ? ફરી વાર. આ રવિવારે તો રમીલા સરૂનું મન રાખવા બહાર લઈ જવી પડશે. પછીના રવિવારે પમ્મીનો સંગાથ છે પછી આજે નહીં તો કાલે પમ્મી એની જ છે.
પમ્મી ઊઠી અને રૂમમાં ચા-નાસ્તાનો ઓર્ડર કર્યો. ત્યાં સુધીમાં તે તૈયાર થવા લાગી. લિપસ્ટિક, પરફયુસ બધું જ સાથે લાવી હતી. ચા આવી ગઈ. હવે ક્યારે મળવું છે એ વાત રજત ઉચ્ચારે ત્યાં એ બોલી,
- થેક્સ રજત.
- થેંક્સ તો મારે તને કહેવાના પમ્મી.
- તારે થેક્સ શેના કહેવાના ? તારે તો ઘરે પત્ની છે, મજાની દીકરી છે, બા છે. તને તો રજા મળે તો તો તું ખુશ અને એ ખુશ.
- અને તું ?
- હું ? મને તો રજાનો જ પ્રોબ્લેમ. ટાઈમ પાસ કેમ કરવો ? એટલે આજે તને પકડ્યો.
રજત સ્તબ્ધ થઈ ગયો. ટાઈમ પાસ ? પમ્મી માટે એ એક સમય પસાર કરવાનું સાધન. એડવર્ટાઈઝિંગની દુનિયામાં મંત્ર. વાપરો અને ફેંકી દો. મેઈક અપ, લાઈટ્સ, એક્શન, કેમેરા રોલીંગ. પ્રોડક્ટ જે નથી તેનો ભ્રમ ઊભો કરો.
-શું વિચારમાં પડી ગયો ? કમ ઓન. લેટસ ગો. બાય ધ વે. તું બીલ ચૂકવીને આવ ત્યાં હું ટેક્સી બોલાવું છું.
અને રજત તરફ સ્મિત ફેંકી એ ચાલી ગઈ. ક્રેડિટ કાર્ડ પર મોટું બિલ ચૂકવી એ બહાર આવ્યો ત્યારે ટેક્સીમાં પમ્મી બેઠી હતી. આખે રસ્તે એ રજતનો હાથ પકડી ઉત્સાહથી વાતો કરતી હતી. આખરે એણે મોડેલિંગ કરવાનું નક્કી કરી જ લીધું હતું. અનુપે એને એક કોન્ટ્રાક્ટ અપાવવાનું વચન આપ્યું છે. સ્વીટ્ઝર્લેન્ડમાં શૂટિંગ. પણ પ્રોમિસ, કોઈને કહોતો નહી.
રજત ઘરે પોહોંચ્યો ત્યારે એને બોલવું ખાવું-પીવું કશી ઇચ્છા ન હતી. અચાનક પડી ગયો હોય એમ કળ વળી ન હતી. રનીલા, સરૂ અને બા હમણાં જ મંદિરેથી આવ્યાં હતાં. રજતને જોઈ સરૂ ઊછળી પડી અને ગળે વળગી પડી.
- પપ્પા મારું નવું ફ્રોક કેવું છે ?
રજતે એને ચૂમી લીધી.
- ખૂબ સરસ છે. આ ફ્રોક તો હું શૂટિંગમાંથી લાવ્યો હતો એ છે ને !
રમીલા હસી પડી.
- ના રે એ તો એક જ વાર ધોયું અને રંગ ઉપટી ગયો. આ તો આજે મેં લીધું. મારાં ઓળખીતાની દુકાન છે. એની વસ્તુની એકદમ ખાતરી.
- પપ્પા મારી ફ્રેન્ડ દરિયામાં ગઈ હતી. એના પપ્પા લઈ જાય છે, પણ મારે પણ જવું છે. નહીં તો કીટ્ટા.
રજતે હસીને એને તેડી લીધી.
- આ રવિવારે આપણે બધા દરિયા પર જશું. લોંચમાં બેસીશું. પાણીમાં ખૂબ તોફાન કરીશું. તું, મમ્મી ને બા ઓ.કે.
- બા ગોખમાં દીવો કરતાં બોલ્યાં,
- ના ના બેટા. હું શું આવું ?
- કેમ નહીં બા ? યાદ છે આપણે નાગમતી નદીને કિનારે જન્માષ્ટમીનાં મેળામાં જતા હતા ! સરૂ, માટીનું રમકડું લેવા મેં ખૂબ કજિયો કર્યો હતો યાદ છે ને બા ?
- હા બેટા, પણ તે દી’ચાર આના ગાંઠે નહોતો અને આ જો તારા પ્રતાપે સરૂ કેવા મોંઘા રમકડે રમે છે ?
- ના બા. તું, રમીલા, સરૂ તમારા સૌના પ્રેમના પ્રતાપે.
- સારું, વાતો જ કરશો ? લ્યો પ્રસાદ.
- હાથમાં નહીં મોંમા મૂક.
બા બસી પડ્યા. રમીલાએ શરમાતાં રજતનાં મોંમા શીરાનો પ્રસાદ મૂક્યો.
0 comments:
Post a Comment