(જ્યોતીન્દ્ર હ.દવેની કૃતિઓના અંશો)
- સં. રતિલાલા બોરીસાગર
(સાદર ઋણસ્વીકાર : ‘અખંડ આનંદ’માંથી)
કાદવ
કાદવ! એના પર લેખ હોય ? શીર્ષક વાંચીને કોઈકને કદાચ પ્રશ્ન કરવાનું મન થશે. પણ આ ચોમાસાની ઋતુમાં, ખાસ કરીને હું રહું છું તે પુણ્યભૂમિમાં, કાદવ સિવાય બીજી કોઈ વસ્તુનો વિચારઆવવો મુશ્કેલ લાગે છે. બહાર જતાં રસ્તામાં એનાં જ દર્શન થાય છે. ઘેર આવતાં પગ પર નજર પડે છે ને કાદવ સત્ય, જગત મિથ્યા એમ ભાન થાય છે.ચરણ દ્વારા મગજમાં પ્રવેશ કરી શકાય છે એ સૂત્રનું કાદવને બહુ સારું જ્ઞાન હોય એમ લાગે છે. આપણામાં દેવને, ગુરુને ને પૂજ્યજનોને પગે લાગવાનું માહાત્મ્ય ગણાય છે તે ખોટું નથી. કોઈકને પગે લાગીને જ તેના મગજમાં આપણે પેસી શકીએ છીએ. એ પ્રમાણે કાદવ પણ મારા પગે લાગી લાગીને મગજમાં એટલો તો પેસી ગયો કે આ રીતે એને બહાર કાઢ્યા વગર મારો છૂટકો નથી.
--------------------------------
કાદવમાં રમવું કોઈને ગમતું નથી. એમાં પગ મૂકતાં પણ લોકો ડરે છે એમ આપણે માનીએ છીએ; પણ તે સાચું નથી. કદાવમાં રમવાની તો મનુષ્યમાં સ્વભાવથી જ વૃત્તિ હોય છે. મોટપણે એ વૃત્તિનું દમન કરી આપણે કાદવથી ભય પામીએ, છીએ, પણ બાળકોને કાદવમાં રમવું કેટલું પ્રિય હોય છે તે આપણાથી અજાણ્યું નથી. ભેસ, આખલા આદિ પ્રાણીઓ પણ કાદવને જોઈ કેવા ઉત્સાહમાં આવી જાય છે તે સર્વવિદિત છે. ઈશ્વરને જગતમાં રમવાનું મન થયું એ પણ એની કાદવપ્રિયતા જ સૂચવે છે. અનેક મલિન વાસનાઓથી ભરેલું આ જગત કાદવ સમું છે એમ તત્વોજ્ઞો ને કવિઓ કહે છે. પણ એવા જગતમાં ઈશ્વર રમી રહ્યો છે. ઉત્ક્રાંતિવાદના નિયમો પ્રમાણે આપણે જાનવરમાંથી જનસ્વરૂપે થયાં છીએ, તો આપણી એ જાનવરી વૃત્તિ આજેય આપણામાં રહી હોય તેમાં શું ખોટું ?કાદવ એ તો સંસાર ને સ્વર્ગનાં સંબંધનું ફળ છે. અરવિંદ ઘોષે એક સ્થળે ‘Prayer from Within and grace from above’ (હૃદયની ભક્તિ અને ઈશ્વરની કૃપા) એને સુખનું સાધન ગણાવ્યું છે તેમ આપણે પણ કહીએ કે Laper on earth and grace from above (પુથ્વી પરની ધૂળ અને આકાશની કૃપાદારા) એ બેને પરિણામે દ્યાવાપૃથિવીની લીલાના સંતાનરૂપ કાદવ ઉત્પન્ન થાય છે. બે નિષેધવાચક શબ્દો વડે ‘એક વિધિવાક્ય બને, અથવા ચિત્તની ચંચળ વૃત્તિઓનાં પરિણામ સ્થિર હોય છે, તેમ વહનશીલ ને અસ્થિર સ્વભાવની વર્ષાધારા અને ગમે તેમ ઊડતી ચંચળ ધૂળ-એ બે ભેગાં થતાં સ્નિગધતાથી સ્થિર રીતે એક સ્થળે ચોંટીને પડી રહે એવા કાદવનો જન્મ થાય છે.
કાદવ સામેનો ઘણાનો વિરોધ કેવળ સ્વાર્થમૂલક હોય છે. કોઈક વાર કાદવમાં ચાલતાં પગ લપસાઈને પડી જવાય તેથી એવા મનુષ્યને કાદવ સામે સનાતન વેર બંધાઈ જાય છે. સારી પત્ની કે સારો પતિ ન મળવાથી પરણીને હેરાન થયેલો પુરુષ કે સ્ત્રી જેમ લગ્નની સંસ્થા સામે થઈ જાય છે તેમ કાદવથી હેરાન થયેલો મનુષ્ય પણ કાદવ સંસ્થાની સામે થઈ જાય છે. પરંતુ આપણાં જેવા વિચારકો તો સમજે છે કે આવો વિરોધ કરવો એ ખોટું છે, વ્યક્તિના દોષને લીધે આખી સંસ્થાને નિંદવી એ અન્યાય છે.
એક વાર અજ્ઞાન દશામાં રસ્તે ચાલતાં ત્યાં જામેલા કાદવ પ્રત્યે મેં વિરોધ દર્શાવ્યો હતો ત્યારે મારી સાથે એક વિદ્ધાન ને વિચક્ષણ વિચારક હતા તેમણે કહ્યું હતું : ‘રસ્તા પર કાદવ ન હોય ત્યારે શું ઘરમાં હોય ?’
‘કશે ન હોય, રસ્તા પર પણ નહીં ને ઘરમાં પણ નહીં.’ મેં એમને જવાબ દીધો ને અપૂર્વ જીત મેળવી હોય એમ ગર્વથી ઉન્નત મસ્તકે ચાલવા માંડ્યું; પણ તરત જ, વિરોધીને પ્રેમથી જીવતો એ સૂત્રનો અમલ કરી, કાદવે સ્નેહ વડે મારું આકર્ષણ કરી મને નતમસ્તક બનાવ્યો. વિરોધીને પણ પ્રેમપૂર્વક પોતાની બાથમાં લેનાર કાદવ દુષ્ટ ન હોઈ શકે એમ મને લાગ્યું, અને કાદવ વિશે, એ કાદવ જેટલો જ ઊંડો વિચાર મેં કર્યો ને મને માલૂમ પડ્યું કે મારી દલીલ ખોટી હતી, પેલા વિદ્ધાન વિચારક સાચા હતા.
---------------------------------------------------
અને કાદવ ક્યાં નથી ? એ રસ્તા પર જ રહેતો નથી, પણ આપણી આખી સંસ્કૃતિમાં, આપણા વાગ્વિહાર ને સાહિત્યસર્જનમાં પણ એણે પ્રવેશ કર્યો છે. સ્થૂળ સ્વરૂપે એ રસ્તા પર વસે છે, પણ સૂક્ષ્મ રૂપે એ આપણા આખા જીવનમાં ઓતપ્રોત થઈ રહ્યો છે, કાદવ થતાં પહેલાં જેમ રજ આખા વાતાવરણમાં રહે છે, તેમ સૂક્ષ્મ રૂપે અનેક રાજસ વૃત્તિઓ આપણા માનસમાં વસતી જ હોય છે અને વર્ષાનાં જળ સમું કોઈક કારણ મળતાં એ કાદવરૂપે વ્યક્ત થયા વગર રહેતી નથી.
---------------------------------------------
આપણા જીવનમાં ચાલવાની ક્રિયા બહુ મહત્વની છે. સૂતેલાનું નસીબ સૂઈ જાય છે. બેઠા થનારનું નસીબ બેઠું થાય છે ને ચાલનારનું નસીબ પણ ચાલે છે, એવું શાસ્ત્રવચન છે. આપણામાં કહેવત છે કે, ‘ફરે તે ચરે’. આવી કમાવાને માટે આવશ્યક એવી, ચાલવાની કળા આપણને કાદવ સંપૂર્ણ રીતે શીખવે છે. સમાલીને ચાલવું એટલે શું, તે કાદવ ન હોય તો આપણે કદી સમજી શકીએ નહીં.
સંસારમાં અનેક લપસણાં સ્થાન છે, પોતાની સ્નિગ્ધતા વડે પતન કરાવે એવા અનેક વિષયો છે, એ સૌનું ભાન કાદવ કરાવે છે. કાદવ સર્વને સમાનભાવે લપસાવે છે; ઘેર ઘેર ફરી ભીખ માગતો ગરીબ ભિખારી કે અકડાઈથી રોફભેર ચાલતો કે ગર્વઘેલડો એ બંનેનું એ એકસરખું આકર્ષણ કરે છે. અથવા સમાલીને ચાલતા દીન ને નમ્ર પુરુષ કરતાં ગર્વથી ઉન્નમત્ત ને ઉન્નત મસ્તકે ચાલનારને એ પહેલો પાડે છે. ઈશ્વરની પેઠે કાદવ આગળ પણ કોઈનો ગર્વ રહેતો નથી.
એનાથી હાડકાં ભાંગે છે, તેમ ઘર પણ બંધાય છે. અમુક પ્રકારની ચીકણી માટીનો કાદવ બનાવી, કેટલાક ગરીબ લોકો ઘર બાંધવામાં સિમેન્ટને બદલે તેનો ઉપયોગ કરે છે.
પાદપ્રહાર થતાં પણ મૂંગા રહેવું એ ક્ષમાનું લક્ષણ નથી, પણ અધમતાનું, કાયમતાનું, કાયરતાનું ચિહન એમ કાદવ શીખવે છે. પગ તળે દબાતાં એ આપણી પાસે નમસ્કાર કરાવે છે; ચંપલ હેઠળ ચગદાય તો બોચીએ કે માથે પણ ચડી બેસે છે.
વિષયોથી સભર ભર્યા આ સંસારને વિશે રહીને પણ વિષયથી અલિપ્ત રહી ઈશ્વરનું સ્મરણ પણ નિષ્કલંક જીવન ગાળવું એવો આપણને શાસ્ત્ર-બોધ કરે છે તેનું સ્મરણ કાદવ બરાબર કરાવે છે. કાદવથી ભરેલા રસ્તા પર ચાલતાં છતાં, મોટર, ગાડી, ગાડાં, સાઈકલ વગેરે વાહનોનાં રસછાંટણાંથી વારંવાર છંટાવાનો સંભવ છતાં, અમલિન કપડે ને શરીરે ઘરભેગાં થવું એનું જ નામ મુક્તિ. ‘જીવનકલહ’, ‘યોગ્યતમનું અતિજીવન’ ઈત્યાદિ અત્યારે બહુ સંભળાતા શબ્દોના મર્મનો કાદવવાળે રસ્તે ચાલનારને સાક્ષાત્કાર થાય છે.
કાદવના સ્વરૂપ પરથી આપણે માયાનું સ્વરૂપ પણ સમજી શકીએ છીએ. કેટલેક સ્થળે ખૂબ જ સ્નિગ્ધ, બગડી ગયેલા શીરા જેવો, તો બીજે ઠેકાણે સુકાઈને ધારવાળો થયેલો; ત્રીજે ઠેકાણે વળી પા ભાગ પાણી ને પોણો ભાગ કાદવ, જાણે જાડી કઢી હોય તેવો, ચોથે ઠેકાણે એંશી ટકા પાણી ને વીસ ટકા કાદવ એવો પાતળી દાળ જવો; એમ નાના રૂપ ધારણ કરતો કાદવ, નાના સ્વરૂપ ધારણ કરતી ક્વચિત્ ગાઢ મોહથી કેવળ અજ્ઞાનમાં લપસાવતી, કોઈક વાર સ્નેહના આકર્ષણ વડે પ્રવાસને કઠિન કરી મૂકતી, ક્વચિત્ જ્ઞાનની અંદર પોતાની જાતને બ્રહ્મનિષ્ઠ માનનારને છેતરતી એવી માયાની શક્તિ સમાન છે.
આમ, કાદવ આપણને અનેક પ્રકારના ઉચ્ચ જ્ઞાનનો બોધ કરે છે. પરંતુ કદાચ કાદવથી આપણાં કોઈ પણ કાર્ય ન સરે, માત્ર શરીર જ સરે-એમ હોત, તોયે રસ્તાની સ્વચ્છતા માટે પણ કાદવની જરૂર રહેત. કાદવથી રસ્તા સાફ થાય છે, એમ કહેવામાં કદાચ કોઈને વદતોવ્યાઘાત જેવું લાગશે. પણ એઠાં વાસણને પાણી (એટલે કાદવ)થી જ બરાબર માંજી શકાય છે, તે જ રીતે રસ્તાને પણ કાદવથી અજવાળવાની જરૂર પડે છે. પરદેશી લોકો પાણીથી અને બહુ થાય તો સાબુના પાણીથી વાસણ સાફ કરે છે. પણ આપણને તો રાખ વિના ચાલતું નથી. એઠું પાત્ર માત્ર પાણીથી ફરી પવિત્ર બનતું નથી એવો આપણા આચારશાસ્ત્રનો સિદ્ધાંત છે. ઉનાળામાં લગ્નસરાને અંગે રસ્તા પર અનેક ન્યાતો જમી ગઈ હોય છે. આથી, એ બધા રસ્તા એઠા થઈ જાય છે. એ એઠા થયેલા રસ્તા એકલા પાણીથી ફરી વાપરવાયોગ્ય ન થઈ શકે, એને તો અજવાળવા જોઈએ, અને રસ્તા પરની ધૂળ અને આકાશમાંનું પાણી એ બે મળીને તૈયાર થતા સુંદર કાદવ કરતાં બીજા કયા સાધન વડે એ સારી રીતે અજવાળી શકાય ? આટલા માટે રસ્તાની પવિત્રતા ને સ્વચ્છતા સારુ કાદવની અગત્ય અનિવાર્ય છે.
અને બીજું કાંઈ જ ન હોય તોપણ કાદવ કમળને તિમિરમાંથી તેજ પ્રગટે, અસતમાંથી સત ઊપજે, તેમ કાદવમાંથી કમળ ઉત્પન્ન થાય છે. ગંદા, લપસણા, દુર્ગંધ મારતા કાદવમાંથી સૌંદર્ય, સંશુદ્ધિ ને સુવાસને સમજાવે છે કે ગમે એવી વિરૂપતામાં સૌંદર્ય કોઈક ગૂઢ રૂપે રહેલું છે; અસહ્ય મલિનતામાં પણ વિશુદ્ધિનો વાસ છે ને મનુષ્ને પરાઙમુખ કરે એવી દુર્ગંધમાં પરિમલ પરોક્ષ રીતે વસે છે. ધર્મની પેઠે એ સૌનું તત્વ ગુફાઢાંક્યું હોય છે. ત્યાંથી તેને શોધી કાઢવું એ જ જીવનનું રહસ્ય છે.
(‘રંગતરંગ ભાગ – ર’ માંથી)
આળસ
ત્રણેક દિવસ પર મારા એક મિત્રનો પત્ર આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે, ‘હમણાં હમણાં તું આળસુ બની ગોય છે અને આળસ એ ન માફ થઈ શકે એવો ગુનો છે.’
આ વાંચી હું ગાઢ વિચારમાં પડી ગયો. આળસ એ ગુનો છે ? ને ન માફ થઈ શકે એવો કોઈ પણ ગુનો હોઈ શકે ખરો ? ઘણો સમય એમ ને એમ ચાલ્યો ગયો ને મને યાદ આવ્યું કે, હજી મેં મારા મિત્રનો પત્ર પૂરો વાંચ્યોયે નથી, ને મેં એ પત્ર ફરી વાંચવો શરૂ કર્યો. એકબે પંક્તિ વાંચી ન વાંચી ને ફરી પાછો, આ પત્ર તરત ને તરત હું પૂરો કેમ ન વાંચી શક્યો એવા વિચારમાં હું ડૂબ્યો. વિચારમાં ને વિચારમાં જમવાનો સમય થઈ ગયો ને એ પત્ર આણવાંચ્યો જ રહ્યો. ત્યાર પછી અનેક વાર મેં એ પત્ર વાંચવાનો પ્રયાસ-પ્રામાણિક પ્રયાસ-આદરેલો, પણ એ પ્રયાસમાં છેક આજે હું સફળ થઈ શક્યો. જે પત્ર વાંચતાં ત્રણ દિવસ થયા તેનો જવાબ કોણ જાણે હું ક્યારે લખી શકીશ ? આખરે પાછો એ મિત્રનો બીજો પત્ર આવશે એટલે હવે તો જરૂર જવાબ લખી કાઢું એવો નિશ્ચય કરી હું જવાબ લખવાનો વિચાર કરીશ અને એ વિચારમાં ને વિચારમાં એટલો મગ્ન થઈ જઈશ કે જવાબ લખવો રહી જશે ! પાછા થોડા દિવસ થસે, એટલે આવશે એનો ત્રીજો પત્ર. ત્રણ ત્રણ પત્રોનો જવાબ ક્યાં લખું ? હવે તો એને મળીશ ત્યારે મોઢે વાત કરીશ એમ વિચારી હું ત્રણે પત્રોને ફાડી ફેંકી દઈશ. અને મારા આલસ્યની અજોડતા મારા મિત્રના મનમાં દ્રઢ રીતે સ્થાપિત થશે.
આ ભવિષ્યકથન મેં કર્યું છે તે ગ્રહાદિતી ગણતરી પરથી નહીં, ભૂતકાળના અનેક અનુભવોને બળે. મારા જેવો બીજો આળસુ આ પૃથ્વીને પાટલે વિરાજતો નહીં હોય એમ મારા સંસર્ગમાં આવનારા બધા જ માને છે. ‘જોજો હોં, તમે પાછા આળસમાંને આળસમાં ખંખેરી કંઈ કરશો જ નહીં.’ ‘જરા તમારું આળસ ખંખેરી નાખી આટલું કામ ન કરી આપો ?’ ‘તમને આળસ તો આવશે, પણ આટલું કર્યા વિના-અને તે ઉતાવળથી કર્યા વિના ચાલે તેમ નથી. તમારું આળસ તો જગજાહેર છે. પણ આ કામ બહુ મહત્વનું છે એટલે એ વિશે વધારે કહેવાની જરૂર નથી.’ ‘હું જાણું છું કે આ કામ હું કોને સોંપી રહ્યો છું. પણ એક વાર તો તમે તમારું હંમેશનું આળસ ઉડાવી દઈ તમારા મિત્રોને ચકિત કરી નાખજો.’ મને કામ સોંપતી વેળા કોઈ પણ મનુષ્ય આવી કે આ પ્રકારની સૂક્તિ મને સંભળાવ્યા સિવાય રહી શકતો નથી.
-----------------------------------------------
હું પોતે ગુનેગાર તરીકે દીપી ઊઠું એમ નથી. મેં મોટા ગુનાઓ કર્યા નથી, તેનું કારણ એ નથી કે મારું નૈતિક બળ બહુ ઊંચા પ્રકારનું છે, અથવા મારામાં અદભુત સંયમવૃત્તિ છે કે મને ગુના કરવાનું મન જ થતું નથી. સામાન્ય ગુનેગારનાં સંયમ મે નૈતિક બળ કરતાં મારામાં ખાસ વધારે સંયમ કે નૈતિક બળ છે એમ હું દ્રઢતાથી કહી શકું એમ નથી. અને ગુના કરવાનું મન તો મને અનેક વાર થઈ આવે છે. કોઈ કોઈ વખતે અમુક વ્યક્તિઓની ડોકી મરડી નાખવાની મને તીવ્ર ઉત્કંઠા થઈ આવે છે. કોઈક પરકીયા સુંદરીને નસાડી જવાનો વિચાર મેં ક્વચિત્ કર્યો હશે. મારી જૂની ફાટેલી છત્રી મૂકીને બીજાની નવી ને સારી જાતની છત્રી લઈ જવાની ઇચ્છા દર ચોમાસે મને થાય છે. કોઈક કોઈક વાર વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી ને રોયલ એશિયાટિક સોસાયટીની લાઇબ્રેરી પર ધાડ પાડવાનો અદમ્ય અભિલાષા મારામાં જાગે છે. કેટલીક વાર અમુક લેખક કે ચર્ચાપત્રીની છાલ ઉખેડી નાખવાનું મને મન થઈ જાય છે. પરંતુ આમાનું કાંઈ પણ હું કરતો નથી, તેનું કારણ એટલું જ કે હું જન્મથી જ આળસુ છું અને આવા આવા વિચારો કરીને જ કાર્ય કર્યાને હું સંતોષ માની લઉં છું. મારી આલસ્યવૃત્તિએ જ મને ભયંકર ખૂની, જબરો ઉઠાવગીરી, ચાલાક ચોર, કે છાકટો મવાલી થતો અટકાવ્યો છે.
-----------------------------------------------
આળસુ માણસને નવરો કહેવો એ વસ્તુસ્થિતિનું અન્યથા દર્શન છે. હું સ્વાનુભવને આધારે કહી શકું એમ છું કે આળસુ માણસ કદી પણ નવરો હોતો નથી. એને ફુરસદ જરા પણ મળતી નથી, માટે જ એ ધારેલાં ક્રાય કરી શકતો નથી. આરંભમાં હું મને મળેલા પત્રોનો પ્રત્યુત્તર કેમ નથી લખી શકતો તે મે જણાવ્યું છે. તે પરથી માલૂમ પડશે કે હું જવાબ લખવાનો વિચાર એટલો બધો કરતો હોઉં છું કે જવાબ લખવાની મને ફુરસદ મળતી નથી. આ જ પ્રમાણે બીજી બાબતોમાં પણ હં તે બાબતનો વિચાર કરવામાં એટલો મશગૂલ રહું છું કે એ વિચારને આચારમાં ઉતારી શકતો નથી. હું અમુક કાર્ય નથી કરી શકતો તેનું કારણ એટલું જ હોય છે કે હું તે કાર્ય કરવાનો વિચાર કર્યા જ કરતો હોઉં છું. મારું શરીર કદાચ નિશ્ચેષ્ટ સ્થિતિમાં ઘણુંખરું રહેતું હશે, પરંતુ મગજ તો ચિંતન કર્યા જ કરતું હોય છે. આને ભાગ્યે જ નવરાશ કહી શકાય.
હું ધારેલે સમયે ધારેલાં કાર્ય કરી શકતો નથી તેનું બીજું કારણ પણ છે. ધારેલું કાર્ય ને ધારેલો સમય એ બે વચ્ચે હંમેશાં, કોણ જાણે કેમ, અંતર પડી જાય છે. સૂર્ય ને ચંદ્રની પેઠે એ ભાગે જ સાથે આવી જાય છે. હું સવારે શાક લેવા જાઉં છું તે વેળા રસ્તામાં મફત વાચનાલય આવે છે ને હું ત્યાં જાઉં છું. વાંચીને પાછાં ફરતાં એટલું મોડું થઈ જાય છે કે શાક લીધા વગર જ હું ઘેર જાઉં છું. જમવાનો વખત થતાં, બે દહાડા થયા હજામત કરવાની રહી ગઈ છે એમ યાદ આવે છે ને એ વ્યાપારમાં ગુંથાઉ છું અને જમવાનો વખત ન રહેવાથી ભૂખ્યો જ ઓફિસે જાઉં છું. આ ઉપરાંત અગાઉનાં કામ મારે એટલાં કરવાનાં રહી ગયાં હોય છે કે બીજાં કામ આવે તો તેને મારે ઠેલવાં પડે છે. આમાં મારો વાંક નથી. કાળને એક બહુ ખરાબ ટેવ છે. એ આખો વખત ચાલ્યા જ કરતો હોય છે. એક ઘડી પણ થોભતો નથી. ગઈકાલનું કામ હું આજે કરું, તો આજનું કામ આજે જ કરી શકું એટલાં માટે આવતી કાલ એક દિવસ થોભી તો શું ખોટું ? પણ નહીં, આ તો સોમવાર પૂરો થયો કે મંગળવાર આવવાનો જ ! કોણ જાણે શું છે કે એકે વાર થાક ખાવા જરા થોભતો પણ નથી. આથી જ મારાં કામ બધાં બાકીનાં બાકી રહે છે, હું આળસું ગણાઉં છું ને ઘડીની મને નવરાશ મળતી નથી.
આ ઉપરથી જોઈ શકાશે કે આસુ માણસ નવરો નથી હોતો, પણ તે ગઈકાલનું કે ગયા મહિનાનું કાર્ય આજે કે આ મહિને કરતો હોય છે, અથવા તે સ્થૂલ શરીરે કાર્ય કરવાને બદલે બુદ્ધિને કસરત મળે એવા વિચારો કરતો હોય છે.
उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी;, उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत, ‘Be up and doing’ ‘Awake, arise, or de for ever fallen’ ઇત્યાદિ પોતાની પ્રશંસાનાં વાક્યો ઉદ્યોગીઓએ પ્રચલિત કરી દીધાં છે. લક્ષ્મી ઉદ્યોગીને મળે છે એ વાત ખરી, પણ ઉદ્યોગીના સહવાસમાં રહી એ પણ ઉગ્યોગી થઈ જાય છે અને એની પાસેથી જતી રહી કોઈ બીજા ઉદ્યોગીને શોધે છે; ઠરીને રહે છે ફક્ત આળસુને ત્યાં જ. શેષનાગ પર અદેખાઈ ઉપજાવે એવા, આલસ્યની સૂઈ રહેલા વિષ્ણુ ભગવાનના એ પગ ચાંપે છે, ને જ્યારે વિષ્ણુ કોઈ ભક્તને મદદ કરવા અર્થે પ્રવૃત્ત થઈ ભૂલોકમાં જાય છે, ત્યારે લક્ષ્મી અને વિષ્ણુ વચ્ચે અંતર પડે છે. એ શું દર્શાવે છે ? ‘જાગો, ઊઠો, કાર્ય કરવા મંડી પડો !’ એમ ઉદબોધન તો ઘણા કરે છે, પણ જાગીને, ઊઠીને કાર્ય કરનારાઓએ શું કર્યું છે તે કોઈ જોતું નથી. એ બધા જાગનારા, ઊઠનારા ને કાર્ય કરવા મંડી પડનારાઓએ દુનિયા કેવી બનાવી મૂકી છે ! આજે દુનિયામાં નિરાશાવાદ વધતો જાય છે; જુવાન પુરુષો ને તરુણ લલનાઓ મૃત્યુ પામે છે કે આપઘાત કરે છે; ડોસાઓને ડોસીઓ મરવાની ના પાડે છે ને પરણતાં જાય છે. કલહ, કંકાસ, યુદ્ધ, ચોરી, લૂંટફાટ, આપઘાટ, ખૂન, નિરાશાવાદ, અનીશ્વરવાદ, સામ્યવાદ, વૈષમ્યવાદ ઇત્યાદિને ચકડોળે એ લોકોએ જગતને એવું ચડાવી મૂક્યું છે કે જગત આખું ગભરાઈ ગયું છે. કાયદાના ભંગ થતા જાય છે. લોકો નાસભાગ કરે છે. કોઈને પોતાના જાનમાલની સલામતી લાગતી નથી ને કેટલાક તો કવિતા કરવા પણ મંડી પડ્યા છે !
આપણાં ધર્મે નિવૃત્તિનો બોધ કર્યો છે. કર્મત્યાગ વગર મોક્ષનો સંભવ નથી એમ પોકારી પોકારીને શાસ્ત્રો કહી રહ્યાં છે. અંતે આલસ્ય કેળવ્યા સિવાય નૈષ્કમર્યની સિદ્ધિ શી રીતે સંભવે ? વેદ, વેદાન્ત, ઉપનિષદ્ એ પ્રસ્થાનત્રયી પરનાં શ્રીમદ શંકરાર્ચાયનાં ભાષ્યો-એ સર્વ નૈષ્કર્મ અર્થાત્ આલસ્યને પડખે ઊભાં છે. સામે પક્ષે...
પરંતુ આલસ્યના બચાવમાં આટલું બધું લખવું સાચા આળસુને શોભે. આલસ્ય ને આળસુઓ પર પ્રહાર કરનારા સામે એણે તો આળસાઈના ઘેનભર્યું, જ્ઞાનના ગૌરવભર્યું, મંદ સ્મિત માત્ર કરવું જોઈએ. જવાબ આપવાની મહેમત કરે એ આળસું શાનો ? એટલે આટલી ભૂલ કરી હવે હું માત્ર મૌન-સસ્મિત મૌન ધારું છું.
(‘રંગતરંગ ભાગ – 2’માંથી)
0 comments:
Post a Comment