પિતાની શાખા

- દિલીપ રાણપુરા

(સાદર ઋણસ્વીકાર : ગુજરાત ભાગ-2માંથી)

મોતીલાલ પાંત્રીસની ઉંમરે પહોંચ્યો ને પિતા હરજીભાઈનું અવસાન થયું ત્યારે તેણે નક્કી કરી લીધું કે અમે બે જ માણસો છીએ. દસ વર્ષના લગ્નજીવન પછી સંતાન થયું નથી અને હવે એવી કોઈ આશા પણ નથી. તેનો પતિ-પત્ની બંનેમાંથી કોઈને અફસોસ પણ નહોતો. તેમણે તો બધું નિયતિ પર છોડી દીધું હતું અને કર્મના બંધનમાં માનતાં હતાં. માતા તો ત્રીસ વર્ષની ઉંમરે અવસાન પામેલી. એટલે સાઠ વર્ષીની ઉંમરે દુકાન સમેટી લેવી ને નિવૃત્તિ કાળમાં ધર્મ-ધ્યાન કરવું, સાધુ-સંતોની સેવા કરવી, ગરીબ-ગુરુબાંઓને બને તેટલા મદદરૂપ થવું. એટલે તો તેને ઘણી તક હતી-ને કાપડના વ્યવસ્યમાં નવાં નવાં ભાત અને રંગના, કાપડ આવવા લાગ્યાં હતાં. મિત્રોને વેપારીઓ કહેતા, મોતી તું પણ બજાર સાથે રહે, નહિ તો એક દિવસ ઊઠી જવું પડશે... ત્યારે મોતી હસીને કહેતો : એ તો હું પણ જાણું છું ને એટલે પથારો વધારતો નથી. જેથી ઊઠી જવાનો સમય આવે ત્યારે સંકેલો કરતાં વાર લાગે, કોઈની સાથે મનદુ:ખ પણ થાય,,, એટલે મારે તો આટલો જ ધંધો કરવો છે. મારા ગ્રાહકો છે તેટલાને જાળવી શકું ને તેઓ ટકી રહે તો મારો રોટલો નીકળી રહે તેમ છે.
અને સાચે જ એમ જ બન્યું. તેના ગ્રાહકો જળવાઈ રહ્યા તે તેના પિતાના વખતના હતા અને તેમનાં સંતાનો પણ તેની જ દુકાનેથી કાપડ ખરીદતા. મોતીની વેપારી તરીકેની એક શાખ હતી. કાપડ કેવું છે તેની જાણકારી તે આપતો. તેમાં કશું છળકપટ નહિ. તેણે તો એક પૂંઠા પર ગળીના અક્ષરે લખાણ પણ લખેલું કે ધોયા પછી કાપડનાં રંગ અને ભાત ઉખરી જશે કે નહિ તે ખરીદતા પહેલાં અવશ્ય જાણી લેવું...
અને કોઈ ગ્રાહક તેવું પૂછવાનું ભૂલી જાય તો તે સામેથી કહેતો: ‘આ ચાદરનો રંગ ધોય પછી ઝાંખો પડી જશે... આ કાપડ ધોયા પછી ચડી જશે... આ ધોયા પચી ઢીલું પડી જશે... આની ધોયા પછી મજબૂતી વધતી જશે... આ કદાચ બેઠેલું નીકળે...
ત્યારે ગ્રાહકોને નવાઈ લાગતી. કોઈક પૂછતું પણ ખરું, તમે આ કાપડ વિષે આટલું જાણો છો તો પછી લાવો છો શા માટે ?’
સસ્તુ અને પાછું ભડકામણા રંગ અને ભાતવાળું કાપડ લેનારા પણ આવે છે, ને કહેવા છતાં લઈ જાય છે ને પછી ફરિયાદ કરવા આવતા નથી, ને સાચી વાત કરું તો માણસની નિયત ફરી ગઈ છે. આવું કાપડ ખાસ કરીને કોઈને કોઈ પ્રસંગે દેવા માટે જ ખરીદવામાં આવે છે... પણ હું મારી નિયત બદલતો નથી. મારે ત્યાં બે ભાવ પણ નથી હોતા. જે લેવાનો હોય તે જ કહેવાનો... પછી તેમાં કોઈ બાંધછોડ નહિ. રોકડેથી લો કે ઉધાર, પણ ભાવ એક જ...
ને છતાંય મોતીની દુકાન ધમધોકાર તો નહિ, રોટલો નીકળી રહે અને વ્યવહાર ચાલે તેટલો નફો આપતી હતી. તેને સંતોષ હતો...

આ સંતોષે જે તેને ફળ આપ્યું... તેને ત્યાં આડત્રીસ વર્ષની ઉંમરે પુત્ર સંતાનનો જન્મ થયો. તેમણે તો આશા જ છોડી દીધી હ    તા. કોઈ દોરા-ધાગા, વ્રત, તપ પણ કર્યાં નહોતાં. ભુવા- ભારાડી કે ડોક્ટર-વૈદ્ય પાસે પણ દોડી ગયાં નહોતાં. કોઈ ટુચકાઓ પણ અજમાવ્યા નહોતા, ને છતાં તેમને ત્યાં પુત્ર સંતાન થયું... આનંદમંગળ વરતાયો. થયું પણ ખરુ કે હવે બીજું સંતાન પણ થશે. પડોશની વૃદ્ધાઓ કાન્તાને કહેતી પણ ખરી કે એક વખત સેર શરૂ થઈ એટલે... તારે ત્યાં સંતાનોનો ઢગલો થશે... મોતીને કેજે હવે ધંધો વધારે... આવનારાને ચાવણું તો જોશેને...
પણ મોતી કહેતો: ‘દાંત આપ્યા છે એ ચાવણું આપી રેશે... આપણે ક્યાં માનતાઓ માની છે તે ચિંતા કરવી... આપણે તો પ્રભુની પ્રસાદી માની તેને સાચવવો, ઉછેરવો, ભણાવવો, કેળવવો...
અને મોતીલાલનો મંગળ મોટો થતો ગયો. ભણવામાં તેજસ્વી નીકળ્યો, ગ્રેજ્યુએટ થઈ ગયો. મોતીલાલે કહ્યું. : ‘મંગળ, હવે શું કરવું છે ?’
ધંધો...
તો દુકાને બેસતો જા. છ મહિના પછી હું નિવૃત્ત થવાનો છું... આ મારો, તમા જન્મ પહેલાં ત્રણ વર્ષો અગાઉ કરેલો સંકલ્પ છે... ને તેને હું વળગી રહેવાનો છું...
પણ બાપુ, મને આ ધંધામાં નહિ ફાવે...
કેમ ?’
આમાં બહુ કસ નથી... કેટલી બધી દુકાનો થઈ ગઈ છે ગામમાં !’
જો મંગળ, મારી એક વાત સાંભળ અને સમજ... દુકાનો રળતી નથી. નસીબ રળે છે ને જેટલું રળાય તેટલામાં સંતોષ માનીએ તો સમૃદ્ધિવાન ગણાઈએ. મોટી સમૃદ્ધિ સંતોષની છે... બાકી લાખો ને કરોડો રૂપિયા સંતોષ કે શાન્તિ નહિ આપી શકે. સંતાપ જ આપશે... આ મારું માનવું છે... તારા પર મારા વિચાર લાગતો નથી... હું તો માનું છું દરેક માણસની નિયતિ જુદી હોય છે ને નિયતિ જ તેને દોરે છે...
તો બાપુ, મારી નિયતિ મને શહેર તરફ દોરે છે.
તો  જા શહેરમાં... પણ ઝઈને કરીશ શું ?’
કોલેજમાં ભણતો હતો ત્યારથી મારું ધ્યાન નોકરી કરતાં ધંધા તરફ વધુ હતું. વેપારીનો દીકરો ખરો ને... ને વેપાર તો શહેરમાં જ ખેડી શકાય... ત્યાં કેટલી બધી તકો હોય છે, એક નહિ તો બીજો ધંધો... થોડું દોડવું પડે, પણ સાવ ભૂખ્યા ન મરીએ... ને દોડવા જેટલી તો મારી ઉંર પણ છે...
બરાબર... શાનો ધંધો કરવા માગે છે ?’
મેં મારી રીતે સર્વે પણ કર્યો છે ને સંપર્કો પણ ઊભા કર્યા છે, એટલે મને વિશ્વાસ છે કે હું નિષ્ફળ તો નહિ જ જાઉં.
મને તારી શક્તિમાં વિશ્વાસ છે... હવે ધંધાનું નામ પાડ...
બાપુજી, બજારમાં અત્યારે નવાં નવાં ઉત્પાદનો આવી રહ્યાં છે. દાખલાં તરીકે ટુથપેસ્ટ, ટેલ્કમ પાવડર, હેર ઓઈલ, સાબુ, શેમ્પુ, વગેરે... તેમાંય વિદેશી કંપનીઓ પણ આવી રહી છે તો દેશી કંપનીઓ સાથે કોલોબોરેશન કરીને પણ ભારતમાં ફેલાઈ રહી છે. તેના ઉત્પાદનની ખૂબ ડિમાન્ડ છે.
આ બધું હું ન સમજુ... તું કરવા શું માગે છે તે કહે.
આવી ચીજ-વસ્તુઓની એક શહેર પૂરતી સુવાંગ એટલે હોલસેલ એજન્સી તો ન રાખી શકીએ... કારણ કે તેમાં મૂડીરોકાણ ઘણું કરવું પડે. ને તે માલ રાખવા ગોડાઉન પણ રાખવું પડે.  ગોડાઉન હોય ત્યાં જ ઓફિસ પણ ન રાખી શકાય... કારણ કે હોલસેલ એજન્સી હોય એટલે તેના મોભા પ્રમાણે ઓફિસ, સ્ટાફ, ડિલિવરીમેન, આ બધી ઝંઝટ કરી તો શકું, પણ શરૂઆતનો તબક્કો નાના પાયે શરૂ કરવો જોઈએ... એટલે કે સેમી એજન્ટ બનવું જોઈએ. તેમાં રોકાણ ઓછં. ટેબલ સ્પેસની જગ્યા કોઈ કોમર્શિયલ સેન્ટરમાં મળી જાય. એક કારકુન કક્ષાનો માણસ અને એક ટેલિફોન હોય એટલે કામ ચાલી જાય... નાના વેપારીઓને માલ સપ્લાય કરવાનો રોકડિયો ધંધો... બધો ખર્ચ કાઢતા ચારથી પાંચ ટકાનું માર્જિન રહે... પણ વેપારનો એટલે કે વેચાણનો વ્યાપ વધે એટલે ચારીથી પાંચ ટકાનું માર્જિન વરસે દહાડે લાખો રૂપિયાનું થઈ જાય... એ તો જેવી આપણી આવડત... કહી તેણે વિગતે બધું આંકડા માંડીને સમજાવ્યું. મોતીલાલને આ બધો આશાવાદ લાગ્યો. પણ જો મંગળ મહેનત કરે ને સફળ થાય તો તેની જિંદગી બની જાય, એટલે પૂછ્યું : ‘અત્યારે કેટલુંક રોકાણ કરવું પડે ?’
ઓફિસ, ટેલિફોન, એક સ્કૂટર, બધે ફરવા માટે, અને ડિપોઝિટ વગેરે મળીને ત્રણેક લાખ રૂપિયાનું રોકાણ થાય... ધંધો બરાબર ચાલે તો ત્રણ વર્ષમાં ત્રણ લાખ પાછા આવી જાય...
ને ન ચાલે તો ?’
ન ચાલે એવું વિચારવાનું જ નહિ, શા માટે ન ચાલે ? અને છતાંય તમે કહો છો તેમ ન ચાલે તો ડિપોઝિટ તો પૂરેપૂરી પાછી મળે... સિવાય કે આપણે ખરીદેલા માલની કીંમત કપાઈ જાય... ઓફિસ ખર્ચ અને સ્કૂટરના પૈસા જાય... સ્કૂટર તો આપણી પાસે જ રહે... પણ બાપુજી, હું નિરાશ નથી થવાનો...
પણ આટલી રકમ મારે લાવવી ક્યાંથી ?’
તમે આટલાં વર્ષમાં એટલું કમાયા નથી ?’
ના... અમે તો સંતોષી જીવ...
સંતોષથી સમૃદ્ધિ ન આવે... એ તો સ્થગિતતા છે.ને પછી થોડીવાર વિચારીને કહ્યું : ‘બજારમાં તો તમારી શાખ છે... તમને એટલી, એટલે કે ખૂટતી રકમ તો મળી જ રહે... આમેય તમે દુકાન કાઢી નાખવાના છો એટલે એના પણ પૈસા આવશે... દુકાનમાં જે કાપડ છે તે પડતર ભાવે વેચી દો કે જાંગડ આપી દો તો પણ તમને થોડા પૈસા તો મળવાના છે. તમારા માટે આ બહુ મોટી રકમ નથી... તમારા એકના એક દીરકાની પ્રગતિ માટે તમે આટલું તો કરી જ શકો...
મોતીલાલે મનોમન આંકડા માંડ્યાં... તેમને થયું, મારે ક્યાંય હાથ લાંબો કરવો પડે એવી સ્થિતિ તો નથી, ફક્ત તેના લગ્ન માટે જુદી કાઢી મૂકેલ રકમ તોડવી પડે. તેની બાના થોડા દાગીના વેચવા પડે... પણ કાંઈ નહિ. તેમણે કહ્યું : ‘કરી આપીશ... પણ તારા લગ્ન કરવા માટે પછી કશું નહિ બચે...
ત્યાં સુધીમાં તો હું રળતો થઈ જઈશ... મંગળે આત્મવિશ્વાસથી કહ્યું. મોતીલાલે તેની માગણી મુજબ ત્રણ લાખની રકમ તેને આપી. તે અમદાવાદ ગયો. મહિને આવ્યો. કહ્યું : ‘બધું ગોઠવાતું જાય છે... મકાન પણ લઈ લીધું છે... ભાડે... બે વર્ષ પછી ઘરનું ઘર થઈ જશે...
તું ખાવા-પીવાનું શું કરે છે ?’
અત્યારે તો બહાર જમી લઉં છું...
તારી બાને લઈ જા...
પછી તમે શું કરશો ?’
મારી ચિંતા ન કર... ને મારે હવે ક્યાં ઝાઝું કાઢવાનું છે... બે જ મહિના છે, પછી હું પણ ત્યાં આવી જઈશ.
બાપુજી, મારાં લગ્ન પછી બધાં સાથે રહીએ તો ?’
પણ લગ્ન...
કન્યા મેં પસંદ કરી છે... કહી તેણે વાત કરી. મોતીલાલ કન્યાના કુટુંબથી પરિચિત હતા. શ્રીમંત ઘર હતું. તેમને થયું: મંગળ તેની કારકિર્દી જ બનાવી નથી રહ્યો, સંસાર પણ વસાવી રહ્યો છે... તેમને આનંદ થયો... વેવિશાળ થઈ ગયું ને બીજે જ મહિને લગ્ન ને ત્યારે કાન્તાના થોડા વધુ દાગીના ભંગાયાં, નવા ઘાટ ઘડાયા. ને થોડાં દિવસ રહી બંને અમદાવાદ ગયાં.

મોતીલાલ નિવૃત્ત થઈ ગયા. પોતાના સંકલ્પ પાર પડ્યાનો આનંદ હતો. એક-બે વખત આઠ-આઠ દિવસ બંને માણસો છોકરાને ત્યાં જઈ પણ આવ્યાં, પણ કાન્તાને વહુનું વર્તન બરાબર ન લાગ્યું, એટલે ફરી ગયાં. મંગળને ત્યાં પુત્રજન્મ થયો ત્યારે તેમે રમાડવા ગયાં ને પછી મંગળને કહ્યું : ‘વહુ, - દીકરાને લઈને થોડા દિવસ આવી જજે. તારે કામ હોય તો જતો રહેજે, તેઓ ત્યાં રોકાશે...
બા, તેને ત્યાં નહિ ગમે...

એ ઘર નથી ?’
છે, પણ તેને ત્યાંની રૂઢિચુસ્તતા બંધિયાર લાગે છે.
આપણા ઘરમાં તો એવું કાંઈ નથી...
પણ પડોશમાં... ગામમાં... તમે બહુ આગ્રહ ન રાખો.
દીકરા, અમનેય મન તો થાય ને કે વહુ-દીકરાની સાથે રહીએ. વહાલ કરીએ... વ્યાજ ગણાય... મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય...
પણ તે ન આવ્યાં

કાન્તાને કાળજે ઘા લાગ્યો, પણ મોલીલાલે કહ્યું : ‘કાન્તા, ઓછું ન લાવ... આપણે ક્યાં માગ્યોતો દીકરો...! ભગવાને આપ્યો છે એટલો પાડ માનીએ એનો.... દીકરા જુવાન થાય, એમનેય એમનો સંસાર હોય... આપણે શું દુ:ખ છે...!’
પણ એ એટલું ય ન સમજે...
બસ, આગળ ન બોલીશ... આપણે મા-બાપ છીએ. તેમની પાસેથી આશા રાખીએ, પણ અધિકાર ન ભોગવીએ....
ત્રણ વરસે પુત્રી જન્મવાની હતી. કાન્તાને થયું, પોતે ઘેર બોલાવે પણ મંગળે ના કહી. પોતે અમદાવાદ આવવાનું કહ્યું તો લખી નાખ્યું : ‘તેનાં બા આવવાનાં છે.
હું તારી બા ન આવું ?’
દીકરાની સુવાવડ એની બા કરે એટલી સાસુ ન કરી શકે... મંગળે આમ લખ્યું ત્યારે તો કાન્તા રડી જ પડી, મોતીલાલ એ શબ્દો ગળી ગયા.

દીકરી જન્મી.

હું-અમે આવીએ છીએ, દીકરીને રમાડવા... મોતીલાલે લખ્યું.

તમે ન આવશો, તે તેના પિયર ગઈ છે. આવે પછી જાણ કરું ત્યારે આવજો...
પણ બે વરસ સુધી તેણે જાણ જ ન કરી, કાન્તા ને મોતીલાલ વલોપાત કરતાં રહ્યાં, તેમના એક પણ પત્રોનો જવાબ પણ ન આપ્યો...

ને એક દિવસ વહુનો પત્ર આવ્યો : ‘ધંધામાં ભાગીદાર જોડ્યો. ખોટ ગઈ, લાખો રૂપિયાની. દેવું ચૂકવવું પડે એમ છે નહિ તો એમને જેલમાં જવું પડશે... થોડા બે-ત્રણ લાખની વ્યવસ્થા કરો... તેઓ તમને નહિ લખે... હું તમારી પુત્રવધૂ લખું છું. તમારો એકનો એક દીકરો છે. મારા પિયરથી થોડી મદદ મળી છે. એ તો તમારા દીકરા છે...
મોતીલાલ હેબતાઈ ગયા... હવે રહ્યું છે શું ? એક મકાન છે... તેમણે કાન્તાને વાત કરી. કાન્તા આખી રાત રડતી રહી. સવારે નિર્ણય લીધો... વેપારી મિત્રને મળ્યા. બધી વાત કરી. ઘર ગીરો મુકાયું.... અઢી લાખ મોલ્યા...

અઠવાડિયા પછી મોતીલાલ વેપારીમને ત્યાં ગયાં.

આવો... બધું બરાબર થઈ ગયું ને ?’
વ્યાજના પૈસા આપી શકું એમ નથી...’
મેં માગ્યા ? ગીરોખતમાં ગમે તે લખાયું હોય, પણ કાળજાળના કાગળમાં તો તમારી શાખ છે...
એ શાખ જાળવવા આવ્યો છું...
કઈ રીતે ?’
તમારે નામું લખનાર મુનીમની જરૂર છે... હું વ્યાજના બદલામાં નામું લખીશ...
સિત્તેર વર્ષે ? તમારો સાઠ વર્ષે નિવૃત્ત થવાનો સંકલ્પ દસ વર્ષમાં તૂટી ગયો ?’
બાપ છું ને એટેલે...
પણ હું વેપારીની શાખને સમજનારો છું... તમને સિત્તેર વર્ષે કામ કરાવીને મારે મારી શાખ નથી ગાડવી...

0 comments: