-ડો. વિપિન શાહ
(સાદર ઋણસ્વીકાર : ‘અખંડ આનંદ’માંથી)
તમાકુના સેવનથી થતી બીમારીઓથી આપણા દેશમાં પ્રતિદિન 200થી અધિક લોકોનાં મૃત્યુ થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે તમાકુના સેવનથી એક લાખથીય વધુ વ્યક્તિ અકાળે મોતના મુખમાં સપડાય છે.
પ્રયાગની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના કેન્સર વિભાગના વરિષ્ઠ ચિકિત્સક ડો. પંતે આ વાતને એક ગંભીર સમસ્યા ગણાવતા જણાવ્યું કે, આ બાબતે સમયસર ધ્યાન નહીં અપાય તો 2020 સુધીમાં વિશ્વમાં એક કરોડથી અધિક મરણ તમાકુના સેવનથી થશે અને ફક્ત ભારતમાં જ દસ લાખથી અધિક વ્યક્તિ આના શિકાર બનશે.
તમાકુનું સેવન મુખ્યતઃ ત્રણ પ્રકારે થાય છેઃ પહેલું તો ‘પાનમસાલા’ દ્વારા, બીજું ગુટકાના રૂપમાં અને ત્રીજું ધૂમ્રપાન મારફતે. એક બાજુ તમાકુ ચાવવાથી લોકોને મોંનુ કેન્સર, ગળાનું કેન્સર અને આંતરડાંનું કેન્સર થવાની શક્યતા વધારે હોય છે તો બીજી તરફ ધૂમ્રપાન વ્યક્તિમાં ફેફસાનું ને ગુદાનું કેન્સર, હૃદયની બીમારી, ક્ષય અને દમ-શ્વાસની બીમારીનું જોખમ ખૂબ વધી જાય છે. તમાકુવાળા ‘પાનમસાલા’ તથા ગુટકા ખાતી હોય તેવી વ્યક્તિઓનાં મુખમાં સફેદ ડાઘા, ચાંદાં અને ભાતો પડે છે, જેનાથી મોઢામાં કેન્સર થવાનો ભય વધી જાય છે. આંતરડાંના કેન્સર માટે તમાકુ જ જવાબદાર હોય છે. વિશ્વમાં પ્રત્યેક વર્ષે 45 લાખથી અધિક લોકો તમાકુથી થતી બીમારીઓના કારણે કસમયે કાળનો ગ્રાસ બની જાય છે.
કલ્યાણ રાજની સરકાર માટે તમાકુ વિષયક જાહેરખબરો સ્વીકારવાનું શોભાસ્પદ નથી.
તમાકું ચાવીને ખાનારને ફક્ત પોતાને જ બીમારીનો ખતરો રહે છે. પરંતુ જે લોકો ધૂમ્રપાન કરે છે તેના સંપર્કમાં આવનાર વ્યક્તિને માટે પણ નીકળતો એ ધૂમાડો ઓછો હાનિકારક હોતો નથી. આ ધૂમાડાના સંપર્કમાં આવનાર વ્યક્તિ ફેફસાંનું કેન્સર અને ‘બ્રોન્કાઇટિસ’ જેવી ઘાતક બીમારીનો શિકાર બની જાય છે. એક અનુમાન પ્રમાણે દેશમાં આશરે 25 કરોડથી વધારે વ્યક્તિ તમાકુનું કોઈ ને કોઈ રૂપમાં સેવન કરતી હોય છે. બીજી તરફ બીડી ઉદ્યોગમાં કામ કરનાર મહિલાઓને ક્ષય થવાનું જોખમ અન્યના પ્રમાણમાં વધુ હોય છે. સિગારેટના ધુમાડામાંથી 43 પ્રકારના ઝેરીલાં રસાયણ નીકળે છે, જે ફેફસાંમાં પહોંચીને કેન્સર માટે જવાબદાર હોય છે. સૌથી વધારે દુષ્પ્રભાવ શિશુઓમાં હોય છે. ધુમાડાથી બાળકોની શ્વાસનળીમાં સંક્રમણ થઈ જાય છે.
દેશમાં તમાકુના સેવનથી થતા નુકસાનની જાણકારી બાળકોને પ્રાથમિક શિક્ષણના સ્તર પર આપવી જરૂરી છે. સરકારે સ્વાસ્થ્યલક્ષી નીતિમાં ફેરફાર કરી એવી નીતિ તૈયાર કરવી જોઈએ જેનાથી બીમારી પર થતા ખર્ચને ઓછો કરી શકાય.
કેન્દ્ર સરકારને તમાકુના ઉત્પાદનમાંથી 1,200 કરોડની આબકારી જકાત પ્રાપ્ત થાય છે. પરંતુ તમાકુથી થતી બીમારી પર કુલ 2,500 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. અમેરિકાના બોસ્ટન નગર સ્થિત હાર્વર્ડ બ્લંડ રિસિર્ચ સેંટરમાં કાર્યરત ભારતીય ડોક્ટર શિવરાજ ત્યાગીનું માનવું છે કે તમાકુ ચાવવાવાળા લોકોમાં કેન્સર જેવી ઘાતક બીમારીઓ ઉપરાંત તેમનામાં કાર્ય કરવાની શક્તિ અને રોગ-પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે અને વ્યક્તિ સમયની પહેલાં વૃદ્ધ લાગવા માંડે છે; એ ઉપરાંત તમાકુ દાંતને નબળા કરી મૂકી છે. અમેરિકામાં પ્રતિદિન આશરે 400 યુવા સમુદાય સિગારેટ પીવાનું શરૂ કરતો હોય છે. ધૂમ્રપાનથી થતી બીમારીઓના કારણે તો ત્યાંની સરકારે સિગારેટ બનાવનાર કંપનીઓ પર ભારે દંડ પણ લાદ્યો છે.
તમાકુના સીધા કે આડકતરા સેવનથી વંધ્યત્વ આવી શકે છે. તમાકુનું સેવન કરનાર પુરુષના શુક્રાણુ ‘સ્વસ્થ’ હોતા નથી. સિગારેટ-બીડીના ધુમાડાથી સગર્ભા બહેનોને કસુવાવડ થઈ શકે છે કે અધૂરા મહિને પ્રસૂતિ થાય છે કે નવજાત કમજોર અવતરે છે.
ધૂમ્રપાન પ્રથમ વાર શરૂ કરનાર માટે અમેરિકન હાર્ટ એસોસિયેશન તરફથી અપાયેલ સંપૂર્ણ સૂચનાનો કોઠોઃ
‘પીશો જ નહીં.’
0 comments:
Post a Comment