બાળકોના દૈનિક જીવનમાં એક ડોકિયું

(સાદર ઋણસ્વીકાર : ડો. હેમ જી. ગિનોટમાંથી)

મુખ્ય પ્રાપ્તિસ્થાનઃ
નવભારત સાહિત્ય મંદિર,
જૈન દેરાસરની બાજુમાં,
ગાંધીરોડ, અમદાવાદ-380 001
134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400002

પ્રકાશકઃ
એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન,
‘‘કોર-હાઉસ’’ ઓફ સી.જી. રોડ,
પરિમલ ગાર્ડન પાસે, એલીસબ્રીજ,
અમદાવાદ-380 006, ઈન્ડિયા.

માનવ-સભ્યતાએ મા-બાપને માથે ખૂબ જ આકરી જવાબદારી નાખી છે. તેમણે બાળકને અતિ પ્રિય એવી દરેક પ્રવૃત્તિમાં અંતરાય બનવાનું છે. અંગૂઠો નહિ ચૂસવાનો, ‘સૂસૂ’ને નહિ અડકવાનું, નાકમાં આંગળી નહિ નાખવાની, ‘છીછી’ સાથે નહિ રમવાનું, મોટેથી અવાજ નહિ કરવાના વગેરે. નાના બાળકને માટે આપણી સભ્યતા ઠંડી ક્રૂરતા સમાન જ છે. માનાં સુંવાળાં સ્તન છોડાવીને તેને સખત વાડકો ધરવામાં આવે છે. બાળોતિયાં પલાળીને મળતી રાહતને બદલે તેને કાબૂ રાખવાનું કહેવામાં આવે છે. તેની દરેક પ્રિય પ્રવૃત્તિને અસભ્યતાનું લેબલ મારવામાં આવે છે.

બાળકને ‘સામાજિક પ્રાણી’ બનાવવા માટે આ જરૂરી પણ છે. પરંતુ મા-બાપે ‘સામાજિક પ્રહરી’ તરીકેની પોતાની ભૂમિકાને એટલી જડતાથી ન બજાવવી જોઈએ કે બાળકમાં એ બાબતે નફરતની કે તિરસ્કારની લાગણી પેદા થાય.

ગુડ મોર્નિંગઃ

શાળાએ જતાં બાળકોને રોજ સવારમાં ઉઠાડવાની જવાબદારી મમ્મીએ ન લેવી જોઈએ. બાળક તેને ઊંઘમાં ખલેલ પહોંચાડનાર અને સપનાંની સુંવાળી દુનિયામાંથી બહાર ખેંચી લાવનાર તરફ નફરતનો ભાવ અનુભવે છે. તેને મમ્મી રોજ સવારે પથારીમાં આવી ચાદર ખેંચે અને બૂમ પાડે કે, ‘ઊઠ હવે, બહુ મોડું થયું.’ એ સહેજ પણ નથી ગમતુ. અને એટલે જ મમ્મીને બદલે એલાર્મ ઘડિયાળ આ ફરજ બજાવે એ વધુ ઈચ્છનીય છે.

આઠ વરસની યાસ્મીનને સવારના પહોરમાં પથારીમાંથી ઊભા થવાનું ખૂબ જ આકરું લાગતું. રોજ એ થોડીક વાર વધુ પથારીમાં પડ્યા રહેવાય એવા પ્રયત્નો કરતી. મમ્મી પ્રેમથી ઉઠાડે કે બરાડા પાડીને, પરંતુ યાસ્મીનની આદતમાં કોઈ ફરક નહોતો પડતો. રોજ પથારીમાંથી ઊઠાવામાં આનાકાની કરવી, નાસ્તો કરતી વખતે પણ મૂડમાં ન હોવું, અને સ્કૂલે મોડાં પહોંચવું એ તેનો નિત્ય ક્રમ થઈ ગયો હતો. રોજની દલીલો અને કકળાટોથી બધાં જ તંગ આવી ગયાં હતાં.

એવામાં મમ્મીએ થોડીક અક્કલ દોડાવી. દીકરીને તેણે એક ‘સરપ્રાઈઝ’ ગિફ્ટ આપી. ગિફ્ટમાં હતી એક એલાર્મ ઘડિયાળ અને પેકેટ ઉપર લખ્યું હતુ, ‘‘પ્રિય યાસ્મીનને, જેને સવારમાં ઊઠવા માટે બીજા કોઈ ટોકે એ જરાય નથી ગમતું અને હવેથી એ પોતાની જાતે સવારે ઊઠશે.’’

મમ્મીનું લખાણ વાંચી યાસ્મીનના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો. તેણે પૂછ્યું, ‘‘તને કેવી રીતે ખબર પડી કે મને કોઈ ઉઠાડે એ નથી ગમતું ? ’’ મમ્મીએ કહ્યું, ‘‘મેં એ શોધી કાઢ્યું.’’

બીજે દિવસે સવારમાં એલાર્મની ઘંટડી વાગતાં યાસ્મીન તરત જ પથારીમાંથી ઊભી થઈ ગઈ. મમ્મીએ હસીને કહ્યં, : ‘‘હજી ઘણો સમય છે. તું થોડીક મિનિટ વધારે સૂઈ શકે છે.’’ યાસ્મીને જવાબ વાળ્યો, ‘‘ના, હું સૂઈ રહીશ તો સ્કૂલે જવામાં મોડું થઈ જશે.’’ આમ નાનીઅમથી સૂઝ વાપરતાં પરિસ્થિમાં નાટ્યાત્મક પલટો આવ્યો.

જે બાળકોને સવારમાં ઊઠવામાં તકલીફ પડતી હોય તેમને ‘એદી’ હોવાનું લેબલ ન લગાવવું જોઈએ. વળી જે બાળકો ઊઠ્યા પછી પણ જલદીથી મૂડમાં ન આવી શકતાં હોય તેમણે આળસુ ગણવાં પણ એટલી જ ખોટી વાત છે. આવાં બાળકોને પોતાની નિદ્રા ઉપર કાબૂ મેળવવાની તેમની લડાઈમાં મા-બાપે લાગણીભર્યા સાથ આપવો જોઈએ. બાળક ઊઠવા માટે પાંચ-દસ મિનિટ વધારે માગે તો એ તેને આપવી જોઈએ. સવારે ઊઠવાના સમય કરતાં પાંચ-દસ મિનિટ વહેલું એલાર્મ સેટ કરવામાં આવે તો બાળકને આ વધારાની સુખદ ક્ષણો આપવામાં કોઈ વાંધો આવતો નથી.

સવારે ઊઠવામાં આનાકાની કરતાં બાળકો તરફનું આપણું વલણ ગુસ્સો, તિરસ્કાર કે અકળામણભર્યું નહિ પણ સહાનુભૂતિપૂર્વકનું હોવું જોઈએ. આપણે કહી શકીએ કે, ‘‘સવારે ઊઠવાનું ખૂબ આકરું લાગે છે, નહિ ?’’

‘‘શાયાળાની ઠંડીમાં રજાઈ ઓઢીને પડ્યા રહેવાની કેટલી મજા આવે !’’

‘‘તારે પાંચ મિનિટ ધારે સૂવું હોય તો સૂઈ જા. હું પાણી ગરમ કરીને તને ઉઠાડું છું.’’

આ પ્રકારનાં વાક્યો બાળકની અને આખા ઘરની સવાર સુધારી શકે છે. ઘરમાં એક પ્રકારની આત્મીયતા અને હૂંફનું વાતાવરણ પ્રસરે છે. આથી વિરુદ્ધ નીચેના વાક્યો ઘરમાં અશાંતિ અને અકળામણુનું વાતાવરણ પેદા કરે છે.

‘‘એય ઊંઘણશી ઢોર, પથારી છોડ હવે.’’

‘‘તું અબઘડી પથારીમાંથી ઊભો થા, નહિ તો તારી વાત તું જાણે છે !’’

‘‘જો તું પથારીમાંથી ઊભો નહિ થાય તો હું તારી ઉપર પાણી છાંટીશ.’’

‘‘સાવ કુંભકર્ણનો અવતાર પાક્યો છે.’’ વગેરે.

ક્યારેક ઊંઘમાંથી ઊઠવામાં આનાકાની કરતાં બાળકોને મમ્મી સહજ રીતે પૂછે છે, ‘હજી તું પથારીમાં કેમ છે ? તારી તબિયત તો સારી છે ને ? તને પેટમાં દુઃખે છે ? માથું દુઃખે છે ? તાવ આવ તો નથી લાગતો !’’ આવાં વાક્યોથી બાળકોને લાગે છે કે પથારીમાં વધુ પડ્યા રહેવા માટે માંદા હોવું જરૂરી છે. વળી માંદા પડીએ તો જ મમ્મી આટલા પ્રેમથી વાત કરે. એટલે પછી મમ્મીને નિરાશ નહિ કરવા ખાતર પણ એ ગણાવશે કે તેને ક્યાં ક્યાં દુઃખે છે.

ઉતાવળ કરાવવીઃ

જ્યારે બાળકને ઉતાવળ કરવાનું કહેવામાં આવે છે ત્યારે એ ખાસ વધારે સમય લે છે. તેને ‘જલદી કરો’ એવું કહેવામાં આવે તે જરાય ગમતું નથી. તેની સામે વિરોધ નોંધાવવા માટે એ વધારે સમય લે છે.

બાળકોને બને ત્યાં સુધી ઉતાવળ કરવાનું ન કહેવું જોઈએ. તેને વાસ્તવિક સમયમર્યાદા આપી, એ મુજબ તૈયાર થઈ જવાની જવાબદારી એના માથે નાખવી જોઈએ. ઉદાહરણ તરીકે-

‘‘સ્કૂલ-બસ દસ મિનિટમાં આવી પહોંચશે.’’

‘‘પિક્ચર સાડા બાર વાગે શરૂ થઈ જાય છે અને અત્યારે બાર વાગ્યા છે.’’

‘‘મહેમાનો આવે એ પહોલાં તૈયાર થવું જરૂરી છે. અત્યારે સાડા પાંચ થયા છે. પંદરેક મિનિટમાં તેઓ આવી પહોંચશે.’’

‘‘તારી પાસે અડધો કલાક છે. બરોબર સાત ને દસે આપણે ઘરેથી નીકળવાનું છે.’’

આ પ્રકારનાં વાક્યો બાળકને કહે છે કે સમય ઓછો છે અને આપણે અપેક્ષા રાખીએ છીએ કે એ સમજીને સમયસર તૈયાર થઈ જાય.

ભોજનના સમયે માત્ર ભોજનઃ

ઘણાં બધાં- મા-બાપોને આદત હોય છે કે સવારના નાસ્તા કે ભોજનના સમયે જ તેઓ બાળકનાં તોફાનો કે ભૂલોનું સરવૈયું કાઢવા બેસે છે. પછી તેણે શું કરવું કે ન કરવું જોઈએ તેનો ઉપદેશ આપે છે. પરંતુ મા-બાપે આવું ન કરવું જોઈએ. ભોજનના સમયે બાળકને અહેસાસ થવો જોઈએ કે આખી દુનિયાનો છેડો ઘર છે. જ્યાં તેને સારું ભોજન જ નહિ પણ દરેક પ્રકારનું સુખ, શાંતિ અને હૂંફ મળી રહેશે. ભોજનના સમયે બાળકને નૈતિક મૂલ્યો કે રીતભાત શીખવવાના કોઈ પણ પ્રયત્નો લાંબી દલીલબાજી અને બાળકના વિરોધમાં પરિણમવાની શક્યતા વધુ હોય છે, કારણ કે આ સમય એવો હોય છે જ્યારે મા-બાપ અને બાળક એમ બંને ભૂખ્યાં થયાં હોય છે અને કંઈક અંશે થાક અનુભવતાં હોય છે.

ટૂંકમાં, ભોજનના સમયે કોઈ પણ પ્રકારની અણગમતી અને લાંબી ચર્ચાઓ ન કરવી જોઈએ.

ચોખ્ખાઈઃ

વોશિંગ મશીનની કેટલીક જાહેરખબરોમાં એક સુંદર દૃશ્ય બતાવવામાં આવે છે. બાળક પોતાના કપડાં ઉપર જાત-ભાતના ડાઘા પાડીને કંઈક અંશે ડરતાં ડરતાં ઘરમાં પ્રવેશે અને મમ્મી તેને હસીને આવકાર આપતાં કહે, ‘‘કંઈ વાંધો નહિ. હું અબઘડી સાફ કરી આપું છું.’’

પરંતુ વાસ્તવિક જીવનમાં આવું બને છે ખરું ? બાળક કપડાં ગંદાં કરીને ઘરમાં આવે, તો મોટાભાગની મમ્મીઓ અકળાશે. કેટલીક તો વળી એથી પણ આગળ વધીને કહેશે, ‘‘અરે... તું સાવ ગંદો દેખાય છે. મેં તને કહ્યું હતું ને, જો કપડાં બગાડીને આવીશ તો ઘરમાં ઘૂસવા નહિ દઉં ? કપડાંનું થોડું ધ્યાન રાખતાં તારું શું જાય છે ?’’

બાળક પાસેથી ચોખ્ખાઈનો આગ્રહ રાખતાં મા-બાપ એક વાત ભૂલી જાય છે કે બાળક તેના રમતિયાળપણા ઉપર કાબૂ રાખી કપડાનું વધુ ધ્યાન રાખે એ અપેક્ષા અવાસ્તવિક જ નથી, પરંતુ બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.

આ વાતને નફાનુકસાનની પરિભાષામાં મૂકીએ તો બાળકને ચોખ્ખાઈ માટે સતત રોકટોક કરવાથી થતા ઇમોશનલ નુકસાન કરતાં મહિનાના અંતે થોડોક વધુ ડિટરજન્ટ પાવડર વાપરવો પડે એ નુકસાન ઘણું ઓછું હોય છે.

બાળકનાં કપડાંની પસંદગીમાં પણ તેની સ્ટાઈલ, કપડા અને બાહ્ય દેખાવ કરતાં બાળકની અનુકૂળતા તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. બાળકને મુક્ત હલન-ચલન કરવામાં કે તેના સ્વભાવ પ્રમાણે ઊછળકૂદ કરવામાં અંતરાય ન આવે તેવાં કપડાં પસંદ કરવાં જોઈએ. કેટલીક વાર ઘરમાં લગ્ન જેવા પ્રસંગોએ બાળકને જરીવાળાં અને ભારે કપડાં પહેરાવવાનો મા-બાપ આગ્રહ રાખતાં હોય છે. પણ નવાં કપડાં પહેરવાનો આનંદ બે-પાંચ પળમાં પૂરો થતાં બાળક જે અકળામણ અનુભવવા લાગે છે તેને કારણે ક્યારેક મા-બાપ પણ પ્રસંગને સારી રીતે માણી નથી શકતાં.

શાળાએ જવું :


મોટા ભાગનાં ઘરોમાં સવારનો સમય અનેકવિધ પ્રવૃત્તિઓથી ભરેલો અને થોડીક ધાંધલમાલવાળો હોય છે. એવામાં સ્વાભાવિક છે કે બાળક ક્યારેક નિશાળે જતાં લંચ બોક્સ, કંપાસ કે ચોપડીઓ જેવી નાની-મોટી વસ્તુઓ ભૂલી પણ જાય. આવા સમયે સૌથી સારો રસ્તો એ છે કે તેના ભૂલકણાપણા ઉપર કોઈ ટીકા કર્યા કે ઉપદેશ આપ્યા વગર સહજતાથી ભુલાઈ ગયેલી વસ્તુ તેના હાથમાં પકડાવી દેવામાં આવે.

‘‘હે ભગવાન, એવો દિવસ ક્યારે આવશે કે તને તારાં ચશ્મા લેવાનું યાદ રહેશે !’’ આ પ્રકારનાં કોઈ પણ વાક્ય કહેવા કરતાં ‘‘લે, આ ચશ્મા, તું ભૂલી ગયો હતો.’’ જેવું વાક્ય બાળકને ચશ્મા યાદ રાખવા માટે વધુ મદદરૂપ થાય છે. તેવી જ રીતે લંચ-બોક્સ લઈ જવાનું ભૂલી જાય તો.’’ ‘‘તું સાવ ભૂલકણો થવા લાગ્યો છે. તારું મગજ તો ક્યાંક ભૂલીને નથી આવ્યો ને !’’ જેવું કોઈ પણ વાક્ય એને બીજી વાર લંચ-બોક્સ યાદ રાખવામાં સહેજે મદદરૂપ નથી થતું. આથી વિરુદ્ધ, જો તમે પ્રેમથી તેને લંચ-બોક્સ યાદ કરાવશો કે પછી ક્યારેક તેની નિશાળે જઈને લંચ-બોક્સ આપી આવશો તો એ સહૃદયતા બાળકના દિલમાં ઊતરી જશે અને પછી શક્ય છે કે તેને લંચ-બોક્સ હંમેશાં યાદ રહેશે.

બાળક નિશાળે જતું હોય ત્યારે તેને શું કરવું ને શું ન કરવું એ વિશેના લાંબા લાંબા ઉપદેશો આપવાની પણ જરૂર નથી. તેને બદલે પ્રેમાળ સ્મિત, ભગવાનનું નામ કે ‘હેવ અ ગુડ ડે’ જેવું વાક્ય વધુ યોગ્ય છે. વળી, બાળક નિશાળ છૂટ્યા પછી સીધું ઘરે આવે એ કહેવા માટે, ‘‘સીધો ઘરે આવજે. દોસ્તારો સાથે રખડવા ના જતો’’ એવા કોઈ વાક્યને બદલે, ‘‘હું બે વાગે તારી રાહ જોઈશ’’ એ વધુ અસરકારક રહે છે.

શાળાએથી પાછા આવીને...

બાળક નિશાળેથી સાંજે થાકીને પાછું આવે ત્યારે આપણે ખૂબ જ બીબાંઢાળ સવાલો કરતાં હોઈએ છીએ. ‘‘આવી ગયો ? આજે સ્કૂલમાં શું કર્યું ?’’ આવા પ્રશ્નોનો જવાબ પણ બીબાંઢાળ જ મળે છે. ‘‘કશું નહિ, ભણ્યા.’’ આવા સવાલોને બદલે મમ્મી બાળકનો થાક અને એ વખતના મૂડને સમજતાં હોવાનાં વાક્યો વાપરે તો બાળકને ખૂબ સારું લાગે છે. મમ્મી કહી શકે કે, ‘‘ખૂબ થાકી ગયેલો દેખાય છે, તું શું પીશ ? દૂધ કે જ્યૂસ ?’’

‘‘મને ખબર છે, છેલ્લા પિરિયડમાં તો તને લાગતું હશે કે ક્યારે બેલ પડે ને હું ઘરે જઈ શકું !’’

ઘરમાં પ્રવેશતાં જ મળતો આવો હૂંફાળો આવકાર બાળકને ફરીથી ચેતનવંતું બનાવી દે છે.

હવેના જમાનામાં મમ્મી અને પપ્પા એમ બંને કામ કરતાં હોય છે. એટલે બાળક નિશાળેથી પાછું આવે ત્યારે તેને આવકારવા ઘરમાં કોઈ હાજર રહી શકતું નથી. આવાં કેટલાંક મા-બાપ બાળકો સાથેની તેમની આત્મીયતામાં ઓટ ન આવે એ માટે ચિઠ્ઠીઓ લખવાની પ્રણાલી અપનાવે છે. તેમના માટે આ રીતે લખીને તેમના પ્રેમને વ્યક્ત કરવો વધુ સરળ પડે છે. કેટલાંક મા-બાપ ઘરમાં ટેપરેકોર્ડર રાખે છે. જેની ઉપર તેઓ અવાજ રેકોર્ડ કરીને તેમનાં બાળકો માટે સંદેશો મૂકે છે. આ રીતો આધુનિક જમાનાની જીવનપદ્ધતિની એક જરૂરિયાત હોવા ઉપરાંત મા-બાપ અને બાળક વચ્ચે અર્થપૂર્ણ સંવાદ સાધવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

પપ્પા ઘરે આવે ત્યારે...

પપ્પા સાંજે કામ ઉપરથી પાછા આવે ત્યારે ઓફિસની ઉપાધિઓ બાજુએ મૂકી ઘરની ઉપાધિઓ તરફ ધ્યાન પરોવતાં પહેલાં તેમને થોડીક શાંતિ જોઈતી હોય છે. પપ્પા ઘરમાં પ્રવેશે કે તરત જ બાળકોની માગણીઓ કે ફરિયાદો શરૂ થઈ જાય તો શક્ય છે કે પપ્પાની ઘીરજ ખૂટે અને કેટલાંક અણગમતાં દૃશ્યો સર્જાય. એને બદલે જો પપ્પાને ઘરે આવતાં ગરમાગરમ ચા, નહાવાનું પાણી, વીકલી મેગેઝીન, દિવસની ટપાલો અને થોડોક ‘કોઈ પણ પ્રશ્નો’ વગરનો શાંત સમય મળે તો કૌટુંબિક જીવનની ગુણવત્તા અનેકગણી સુધરી જાય છે. તેથી બાળકોને નાનપણથી જ શીખવવું જરૂરી છે કે જ્યારે પપ્પા ઘરમાં આવે ત્યારે એમને થોડાક સમય માટે એકાંત આપવું જોઈએ. રાતના ભોજન પહેલાં કે પછીના સમયે જરૂરી ચર્ચાઓ થઈ શકે છે, પરંતુ ભોજન વખતે પણ અનિચ્છનીય ચર્ચાઓ ન છેડાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આમ કૌટુંબિક જીવનમાં દરેક સભ્યની આગવી જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપવાનું શિક્ષણ જીવનને વધુ આનંદમય બનાવી શકે છે.

રાત્રે સૂતી વખતેઃ

કેટલાંય ઘરોમાં રાત્રે સૂવાના સમયે મા અને બાળક વચ્ચે એક બીજાને હંફાવી દેતું રીતસરનું યુદ્ધ છેડાતું હોય છે. મા બાળકને જેમ બને તેમ જલદીથી સુવાડવાની કોશિશો કરતી રહે છે અને બાળક તેની તમમા ‘ટ્રીક્સ’ વાપરીને જાગતું રહેવાની કોશિશો કરે છે.

નર્સરીમાં જતાં બાળકો મમ્મી કે પપ્પા તેમની સાથે રહીને તેમને સુવાડે તેવું ઈચ્છતાં હોય છે. રાતનો સૂવાનો સમય મા-બાપ અને બાળક વચ્ચે અંગત લાગણીભરી વાતો માટેનો રાખવો જોઈએ. આમ કરવાથી બાળક પોતે સૂવાના સમયની રાહ જોવા લાગશે. બાળકોને મમ્મી કે પપ્પા એકલાં તેમની સાથે થોડેક સમય ગાળે એ ગમતું હોય છે. આ સમયે મા-બાપ જો થોડીક જહેમત ઉઠાવીને તેમને સાંભળવાની કોશિશ કરે તો તેઓ તેમનાં ડર, આશાઓ અને ઈચ્છાઓને વ્યક્ત કરવાનું શીખી શકે છે. આમ મા-બાપનો હૂંફાળો સાથ બાળકને સર્વે ચિંતાઓમાંથી મુક્ત કરી મીઠી નિંદરમાં પોઢાડી દે છે.

કેટલાંક મોટાં બાળકો પણ એવો આગ્રહ રાખતાં હોય છે કે તેમનાં મા-બાપ સૂતી વખતે તેમની પાસે રહે. તેમની આ ઈચ્છાને, ‘‘શું નાના છોકરા જેવા ચાળા કરે છે’’ એમ કહીને હસી કાઢવાની જરૂર નથી. પરંતુ તેમની ઈચ્છાને માન આપી મા-બાપ થોડો સમય તેમની સાથે ગાળે તો બાળક સાથેના તેમના સંબંધો વધુ ગાઢ અને આત્મીયતાભર્યા બને છે. મોટાં બાળકોનો સૂવાનો સમય મા-બાપ નક્કી કરે એના બદલે તેમને ‘ફ્લેક્સીબલ’ સમયમર્યાદા આપી શકાય. ‘‘દસથી અગીયારવાગ્યા સધીમાં સૂઈ જવું જોઈએ. તું નક્કી કરે કે તારે ક્યારે સૂવા જવું છે.’’

બાળક ક્યારેક સૂવાના સમયે જ કહે છે કે મારે પાણી પીવું છે, દૂધ પીવું છે કે સુસુ કરવા જવું છે. આવા સમયે તેની ઉપર ચિઢાવાને બદલે શાંતિથી તેની ઈચ્છા પૂરી કરી શકાય અને ત્યાર પછી પણ જો બાળક કોઈને કોઈ બહાને મમ્મીને બોલાવવાનું ચાલુ જ રાખે તો મમ્મીએ શાંતિથી કહેવું જોઈએ કે, ‘‘મને ખબર છે, હું તારી પાસે જ રહું એવું તું ઈચ્છે છે. પરંતુ હવે આ મારો પપ્પા માટેનો સમય છે.’’ બાળકોથી અલગ મા-બાપની પણ પોતાની સ્વતંત્ર જિંદગી છે એની બાળકને પ્રતીતિ કરાવવી જરૂરી હોય છે.

ટી.વી. (ઈડીયટ બોક્સ) :

બાળકોની દિનચર્યા વિશેની કોઈ પણ વાત ટી.વી. વગર અધૂરી લાગે. આજના સમયમાં મા-બાપને જો સૌથી મોટી કોઈ ચિંતા હોય તો એ છે ટી.વી.ની બાળકોનાં દિલોદિમાગ પર થતી અસરો વિશે. બાળકોને ટી.વી. જોવું ગમે છે. તેઓ ચોપડી વાંચવા, સંગીત સાંભળવા કે વાતો કરવા જેવી પ્રવૃત્તિઓ કરતાં ટી.વી. જોવાનું વધુ પસંદ કરે છે.

ટી.વી. કાર્યક્રમોના પ્રાયોજકો માટે બાળકો એક ‘પરફેક્ટ ઓડિયન્સ’ છે. તેમને આસાનીથી પટાવી શકાય છે અને તેઓ જાહેરખબરોની વાત સાચી પણ માની લે છે.

બાળકોને જાહેરખબરોની અક્કલ વગરની જીંગલ્સ (ગીતોની કડીઓ) આશ્ચર્યજનક રીતે યાદ રહી જાય છે. તેઓ આનંદથી તેને આખો દિવસ ગણગણાતા રહે છે. જાહેરખબર આપનારને પણ આ જ જોઈતું હોય છે. ટી.વી.ના કાર્યક્રમોમાં બાળકોને કોઈ કળા કે મૌલિકતાની જરૂર નથી હોતી. તેમને માટે બંદૂકો અને ઘોડ મનોરંજન માટે પૂરતાં છે. આમ સેટેલાઈટ ચેનલોના આ જમાનામાં બાળકો રોજેરોજ કલાકો સુધી ખૂન, મારધાડ, હિંસા અને લોભામણી જાહેરખબરો વચ્ચે ઘેરાયેલાં રહે છે.

ટી.વી. બાબતે મા-બાપ બે પ્રકારની લાગણી અનુભવે છે. તેમને ટી.વી. ગને છે અને નથી પણ ગમતું. ટી.વી.ને કારણે બાળકોને આખી દુનિયાની માહિતી મળે છે. વળી, તેઓ ટી.વી. જુએ એટલો સમય કોઈ પણ પ્રકારનું તોફાન કર્યા વગર શાંતિથી બેસી રહે છે. પરંતુ, સાથે સાથે મા-બાપને ટી.વી.માં બતાવામાં સેક્સ અને હિંસાનાં દૃશ્યોની બાળકોના મન ઉપર થતી અસરો વિશે ચિંતા પણ રહે છે. તેમને એવો પણ ડર લાગે છે કે વધુ પડતું ટી.વી. જોવાથી બાળકોની આંખો બગડશે.

જ્યાં સુધી ટી.વી.જોવાથી બાળકોની આંખો બગડવાનો સવાલ છે ત્યાં સુધી બહુ ચિંતા કરવા જેવું નથી. કેટલાક નિષ્ણાતોના મતે બાળકો જો યોગ્ય અંતર રાખીને ટી.વી. જુએ તો તેમની આંખોને કોઈ નુકસાન થતું નથી.

ટી.વી.ની બાળકોના વ્યક્તિત્વ ઉપર થતી અસરો વિશે ચોક્કસપણે કશું કહી શકાય તેમ નથી. જુદા જુદા નિષ્ણાતો આ બાબતે જુદો જુદો અભિપ્રાય ધરાવે છે. આમાંના મુખ્ય ત્રણ અભિપ્રાયો નીચે મુજબ છે -


  1. ટી.વી. બાળકો માટે નુકસાનકારક છે. એ બાળકોમાં હિંસકવૃત્તિ પ્રેરે છે અને તેમને મનષ્યનાં દુઃખો તરફ અસંવેદનશીલ અને કંઈક અંશે જડ બનાવે છે.
  2. ટી.વી. બાળકો માટે સારું છે. ટી.વી.નાં પડદે હિંસક વૃત્તિઓને નાટક દ્વારા વ્યક્ત થતી જોઈને તેમને પોતાની હિંસક વૃત્તિઓથી છુટકારો મળે છે.
  3. ટી.વી.ની બાળકો ઉપર ખૂબ ઓછી અસર પડે છે. તેમનાં મૂલ્યો અને વ્યક્તિત્વવિકાસમાં ટી.વી.ના પડદે દેખાતાં પાત્રો કરતાં તેમનાં મા-બાપ અને આજુબાજુના વાતાવરણનો ફાળો ઘણો મોટો હોય છે.

પરંતુ એક વાતે દરેક જણ સહમત છે કે આજનાં બાળકો ખૂબ  ટી.વી. જુએ છે. તેઓ તેમનાં મા-બાપ કરતાં ટી.વી. સાથે વધુ સમય ગાળે છે. વળી, તેઓ સેક્સ અને હિંસાનાં દૃશ્યો પણ આનંદથી જુએ છે. ટી.વી.ને કારણે બીજી કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિઓનો અવકાશ રહેતો નથી. કેટલાંક ઘરોમાં બાળકોને માત્ર શનિ-રવિની રજાઓમાં જ ટી.વી. જોવાની છૂટ મળે છે, જ્યારે બીજાં કેટલાંક ઘરોમાં બાળકો મા-બાપ સહમતિ આપે એ જ કાર્યક્રમો નિયત સમય માટે જોઈ શકે છે. આવાં મા-બાપો માને છે કે ટી.વી. પણ દવાના ડોઝની માફક નિયત સમયે નિશ્ચિત માત્રામાં જોવાવું જોઈએ.

હવે વધુ ને વધુ મા-બાપો માનવા લાગ્યાં છે કે બાળકોને અમુક જ પ્રકારના કાર્યક્રમો જોવા દેવા જોઈએ. વળી, તેની પસંદગી પણ સંપૂર્ણપણે તેમની ઉપર તો ન જ છોડી શકાય. આવાં મા-બાપોને ટી.વી.ના પરદે દેખાતા ખૂની, હત્યારાઓ તેમના જ દીવાનખંડમાં આવીને તેમના બાળકો ઉપર પ્રભાવ જમાવે એ જરાય મંજૂર નથી હોતું.

દરેક મા-બાપને પોતાનાં બાળકોને રોજના અશ્લીલ દૃશ્યો અને જુગુપ્સાપ્રેરક હિંસાથી દૂર રાખવાનો પૂરેપૂરો હક છે. જોકે બાળકોને જીવનની દરેક કાળી બાજુઓના પરિચયમાં આવતાં રોકવાની પણ જરૂર નથી. પરંતુ એક માણસ બીજા માણસને ક્રૂરતાથી રહેંસી નાંખે એ કરુણતા ગણાવાને બદલે હોશિયારી ગણાય એવા મનોરંજનથી તો તેમને ચોક્કસ દૂર રાખવાં જોઈએ.

0 comments: