-મુકુન્દ પી.શાહ
(સાદર ઋણસ્વીકાર : ‘અખંડ આનંદ’માંથી)
છબીલકલાના ક્ષેત્રે ગુજરાતને દેશપરદેશમાં ગૌરવ અપાવનાર શ્રી જગનભાઈ મહેતાનો સૌ. પ્રથમ પરિચય મને ઈ.સ. 1948-49ના અરસામાં થયો. મારા મિત્ર શ્રીકાંત ત્રિવેદી એ વખતે ભાવનગર રહેતા હતા અને ત્યાંથી ‘પારિજાત’ નામનું એક માસિક પ્રગટ કરવાના હતા. એ માસિકમાં પ્રગટ કરવા માટે કેટલીક તસવીરો તૈયાર કરવાનું તેમણે જગનભાઈને સોંપેલું. એ તસવીરો જગનભાઈ પાસેથી મેળવી મારે તેમને ભાવનગર મોકલી આપવાની હતી એટલે તે માટે હું જગનભાઈને રિલીફ રોડ, અમદાવાદ ખાતે આવેલ તેમના ‘પ્રતિમાં’ સ્ટુડિયોમાં મળ્યો. એ પ્રથમ મુલાકાતે જ એમની વાત્સલ્ય નીતરતી આંખો અને હસમુખા ચહેરાએ એમના પ્રતિ હું આકર્ષાયો.
આ મુલાકાત પછી તો સંજોગો એવા ઉપસ્થિત થયા કે મારે ‘નવચેતન’ના સ્થાપક તંત્રી સ્વ. ચાંપશીભાઈ ઉદેશી સાથે તેમના અમદાવાદમાં નારાયણનગર સોસાયટીના નિવાસસ્થાને તેમની સાથે ઈ.સ. 1952માં રહેવાનું બન્યું. 1954માં જગનભાઈ નારાણયણનગરની બાજુની જ સોસાયટી-ચંદ્રનગરમાં પોતાના મકાનમાં રહેવા આવ્યા હતા. ચાંપશીભાઈ કલકત્તાથી ‘નવચેતન’ પ્રગટ કરતા હતા ત્યારે તેમાં જગનભાઈની તસવીરો પ્રગટ થતી હતી એટલે ચાંપશીભાઈ અને જગનભાઈનો પરોક્ષ પરિચય તો હતો જ. એક સવારે જગનભાઈ ચાંપશીભાઈને મળવા નારાયણનગર આવ્યા અને એ પરોક્ષ પરિચય પ્રત્યક્ષ પરિચયમાં પરિણમ્યો. પછી તો ‘નવચેતન’ માટે તસવીરો લેવા ઘણી વાર મારે જગનભાઈ પાસે જવાનું થતું અને તેમના વાત્સલ્યની, સાહિત્ય તથા ફોટોગ્રાફી તરફના તેના પ્રેમની મને પ્રતીતિ થતી ગઈ. ચાંપશીભાઈના અવસાન પછી પણ ‘નવચેતન’ માટે મને તેઓ પ્રેમપૂર્વક તસવીરો આપતા હતા.
જગનભાઈનો જન્મ તા. 21-5-1909માં વિરમગામમાં થયો હતો. તેમના પિતાશ્રી વાસુદેવભાઈ સાણંદમાં વૈદ્ય તરીકે જાણીતા હતા. તેઓ સ્વાતંત્ર્ય-સૈનિક પણ હતા. તેમના પિતાનો દેશપ્રેમ જગનભાઈમાં પણ ઉતર્યો હતો.
પિતાની ઇચ્છા જગનભાઈને ઉચ્ચ શિક્ષણ આપી સારા હોદ્દાની નોકરી અપાવવાની હતી; પરંતુ જગનભાઈમાં સુષુપ્તાવસ્થામાં રહેલી કલાકાર બનવાની વૃત્તિ જોર પકડતી જતી હતી. મેટ્રિકમાં નાપાસ થતાં તેમના પિતાએ તેમને કળાના અભ્યાસ માટે ‘કલાગુરુ’ તરીક જાણીતા થયેલ શ્રી રવિશંકર રાવળને સોંપ્યા. ત્યાં તેમણે 1929થી 1934 સુધી કલાશિક્ષણ મેળવ્યું.
1934ના ઓગસ્ટમાં ભાવનગર રાજ્યની સ્કોલરશિપ લઈ તેઓ ફોટોગ્રાફી અને રિપ્રોડ્કશન પ્રોસેસની તાલીમ માટે વિયેના (ઓસ્ટ્રિયા) ગયા, પણ તબિયત લથડતાં અભ્યાસ છોડી 1936માં ભારત આવવું પડ્યું. વિયેનામાં તેઓ સુભાષબાબુ, જવાહરલાલ નેહરુનાં પત્ની કમલા નેહરુ, વગેરેના પરિચયમાં આવ્યા. સુભાષબાબુએ તો તેમને હિંદુસ્તાન એકેડેમિકલ એસોસિયેશનના મંત્રી તરીકે સેવા સોંપી હતી.
1938માં અમદાવાદમાં રિલીફ રોડ ઉપર ‘પ્રતિમાં’ સ્ટુડિયો શરૂ કર્યો અને છબીકલાને વ્યવસાયલક્ષી બનાવી. તેમની તસવીરો કાવ્યકૃતિઓ જેવી ગાલે છે. તેમનામાં વ્યાપારી તત્વ નહીં એટલે ફોટોગ્રાફીના વ્યવસાયમાં તેઓ નિષ્ફળ ગયા, પણ છબીકલાના નિષ્ણાત તરીકે ખૂબ સફળતા મેળવી.
1930-32થી શરૂ થયેલી તેમની ફોટોગ્રાફીયાત્રા તેઓ અવસાન પામ્યા ત્યાં સુધી અવિરતપણે ચાલુ રહી હતી. નાદુરસ્ત તબિયતે પણ તેમણે તસવીરો પાડી હતી.
અન્ય તસવીરકારોથી એ કંઈક જુદા તરી આવતા હતા. પરિણામે તેમણે નિર્ધારેલાં યોજનાપૂર્વકનાં કામ છબીકલાના માધ્યમ દ્વારા કરતા રહ્યા.
1947માં ભારતના ભાગલા પડ્યા. ગાંધીજીની છેલ્લી બિહારયાત્રામાં ફોટોગ્રાફર તરીકે જોડાવાનું સદભાગ્ય તેમને પ્રાપ્ત થયું. આ કોમી આગ બુઝાવવા ગાંધીજીએ કેવી કષ્ટભરી પદયાત્રાં કરી; અને એ તારાજી-ભાંગફોડ નિહાળતાં કેવી મનોવ્યથા અનુભવી અને તે દરમિયાન ચહેરા પરના પલટાતા ભાવો, વગેરે કેમેરા દ્વારા તેમણે ખૂબ સૂક્ષ્મતાથી ઝડપ્યા.
બિહાર શાંતિયાત્રા દરમિયાન જગનભાઈએ પાડેલ તસવીરો તો એક મહામોલું નજરાણું બન્યું છે. તેમાં ‘પ્રકાશનો પડછાયો’ શીર્ષકવાળી તસવીરમાં ગાંધીજી મનુ ગાંધીના ખભે હાથ મૂકી વહેલી સવારે પદયાત્રા કરી રહ્યા છે અને તેમની સાથે જ સરહદના ગાંધી ખાના અબ્દુલ ગફફારખાન પણ જોડાયા છે. એ તસવીરે તો સમસ્ત જગતનું ધ્યાન ખેંચ્યું છે. એ તસવીરોનું પ્રદર્શન અમદાવાદમાં સૌ પ્રથમ 15 ઓગસ્ટ 1947ના સ્વાતંત્ર્ય દિન યોજાયું હતું. બીજે વર્ષે 1948માં મુંબઈમાં અને પછી ગુજરાતની ખ્યાતનામ ‘નિહારિકા કલબ ઓવ ગુજરાત પિક્ટોરિયલ’ના સહયોગથી સમસ્ત અમેરિકા-કેનેડાની અનેક ફોટોકલબો દ્વારા દોઢેક વર્ષ સુધી સતત આ શાંતિયાત્રાના ફોટોગ્રાફ પ્રદર્શિત થતા રહ્યા. ગાંધીજી અંગેની આ ફોટોગ્રાફીએ જગનભાઈને ખૂબ જ પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા અપાવ્યાં.
આમાંના કેટલાક ફોટોગ્રાફોની વાત અહીં કરવા જેવી છે. જગનભાઈના મુખે જ સાંભળીએ. તેઓ કહે છે : ‘એક સવારે (તા.23-3-1947) મેં જોયું તો એક અંધ ભિક્ષુક ગાંધીજીના ઉતારા બહાર ઊભો ઊભો તુલસીદાસજીની ચોપાઈ રટતો હતોઃ ‘અબ રામ કબ મિલેગેં?’ હું એનો હાથ પકડી એને અંદર લઈ ગયો. એ દિવસે ભીખમાં એને જે કંઈ મળ્યું હતું તે બધું જ તેણે ગાંઘીજીના ચરણમાં ધરી દીધું-પેટપૂજા માટે પણ તેણે કશું રાખ્યું નહીં. આવું પાવક દૃશ્ય ક્યાં જોવા મળે? મેં એની તસવીર લઈ લીધી!
‘‘એક જગાએ ખૂબ પાણી ભરાયું હતું અને ત્યાં લાકડાં રોપી કામચલાઉ પુલ જેવું બનાવવામાં આવ્યું હતું-એક જ માણસ તેના પર થઈને ચાલી શકે એવું. બાપુ એ પુલ પર થઈને ચાલ્યા-એ પુલ મને હિંદુમુસલમાન એકતાના દુર્ગમ પથ જેવો દેખાયો. મેં એ અમૂલ્ય ઘડીની તસવીર લઈ લીઘી!
‘‘બાપુના અંતરની વેદના ઠેર ઠેર એમના શબ્દોમાં વ્યક્ત થતી હતી, અને સતત એમના ચહેરા પર પ્રગટ થતી રહેતી હતી. એ વેદનામૂર્તિના વેદાગ્રસ્ત રૂપને તસવીરમાં બદ્ધ કરવાનો મારો પ્રયત્ન હતો. મારી એ ભાવના ફળી હતી. મેં જે કંઈ જોયું, જાણ્યું ને અનુભવ્યું તેના પ્રત્યક્ષ સાક્ષી બન્યાનો અને દેશને ચિરકાલ માટે તેનું સંભારણું દીધાનો મને સંતોષ છે.’’
તેમની એક યાદગાર તસવીરનો ઉલ્લેખ જરૂરી છે. મુંબઈના જુહૂના દરિયાકિનારે આથમતા સૂર્યની પુરબહારમાં ખેલેલી સંધ્યાના સમયે કવિ ન્હાનાલાલ તેમના પત્ની માણેકબાને આંગળી ચીંધી સંધ્યાના રંગો બાતવી રહ્યા છે તે છબી પણ જીવંત બની રહી છે.
1957થી માર્ચ 1968 સુધી તેમણે મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં ફોટોગ્રાફર તરીકે સેવા આપી હતી. આ સેવા દરમ્યાન ભારતનાં ઘણાં સંગ્રહાલયોની મુલાકાત લઈ ત્યાંનાં શિલ્પસ્થાપત્યોને, ત્યાંની ગુફાઓનાં ચિત્રોને કચકડામાં કેદ કર્યા. તેમણે ભારતભરનાં તિર્થસ્થાનો તથા કુદરતી સૌંદર્ય ધરાવતાં સ્થળોનો પ્રવાસ કર્યો અને ત્યાંનાં દૃશ્યોને પોતાની આગવી સૂઝ અને સમજથી કેમેરામાં ઝડપી લીધા. ગુજરાતના આદિવાસીઓના જનજીવનને તેમણે દસ્તાવેજી સ્વરૂપ આપ્યું છે. તેમના લેન્ડસ્કેપના ફોટોગ્રાફોએ તથા તેમની પોટ્રેટ તસવીરોએ તો તેમને તસ,વીરજગતમાં અનેરું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. જગતભરના શ્રેષ્ઠ પોર્ટેટ ફોટોગ્રાફરોમાં અગ્રિમ હરોળમાં તેમનું સ્થાન નિઃશંત આવી શકે. શ્રી હેમેન્દ્ર શાહે સાચું જ કહ્યું છે કે, ‘‘સુંદર પ્રિન્ટ, ક્વોલિટી, શ્વેત-શ્યામ ટોનની ખૂબી અને કુદરતી પ્રકાશરચનાથી તેમના પ્રોટ્રેટ મનોહર લાગે છે... રેકોર્ડિંગ કરવાની તેમની ફોટોગ્રાફિક ટેક્નિક પણ દાદ માગી લે તેવી છે. આછા પ્રકાશમાં મંદિરો, ગુફાઓની અંદર સ્લો ફિલ્મનો ઉપયોગ કરી લાંબો એકસ્પોઝર આપે. એક સેંકડ, બે સેંકડ, ત્રણ સેકંડ, વગેરે. લાંબા એકસ્પોઝરની ટેક્નિકથી તેઓ નરી આંખે ઝાંખા દેખાતા શિલ્પસ્થાપત્યને પ્રકાશિત કરી શકતા અને જરૂરી ડિટેઇલ મેળવી શકતા.’’
અમદાવાદની સી.એન.વિદ્યાવિહારમાં પણ તેમણે વિદ્યાર્થીઓને તસવીરકલા શીખવી હતી.
જગનભાઈ સાથે મારે અનેક વખત ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશનોમાં, જ્ઞાનસત્રોમાં તથા ‘કાવ્યગોષ્ઠિ’નાં બહારગામ યોજાતાં સાહિત્યસત્રોમાં જવાનું થતું. ત્યાં નાનામોટા સાહિત્યકારોની તસવીરો કુશળતાપૂર્વક ઝડપતા તેમને મેં જોયા છે, એટલું જ નહીં એ તસવીરો પરથી પોતાને ખર્ચ પ્રિન્ટ કઢાવી મારી પાસેથી જે તે કવિઓ-સાહિત્યકારોનાં સરનામાં મેળવી ટપાલ ખર્ચ પોતે ભોગથી મોકલતા પણ મેં જોયા છે. કોઈ વાર કોઈ તસવીરથી તેમને સંતોષ નહોતો થતો ત્યારે એ જ સર્જકને બીજી વાર મળવાનું થાય ત્યારે તેમનો ફોટોગ્રાફ પાડી લેતા.
તેમને હું ‘કેમેરાના કવિ’ તરીકે ઓળખાવતો. ભરૂચ જિલ્લાના નિકોરા ગામે ત્યાંની શાળાના શ્રી પરાગજીભાઈ પટેલ જે ‘બાપુજી’ તરીકે જાણીતા છે તેમણે નિમંત્રેણ કાવ્યગોષ્ઠિના સાહિત્યસત્રમાં જગનભાઈએ કેમેરાની કલા પર જે વ્યાખ્યાન આપેલું તે સાંભળી ત્યાં ઉપસ્થિત રહેલા કવિઓએ જગનકાકાને ‘કેમેરાના કવિ’ કહ્યા હતા.
લેખકો પ્રત્યે તેમને ખૂબ જ પ્રેમ હતો. ગુજરાતના સારસ્વતોની 300 જેટલી તસવીરો તેમણે પાડી છે. મારા નમ્ર મત મુજબ કોઈ પણ ફોટોગ્રાફરે આટલા પ્રેમ અને ઊલટથી આટલી સંખ્યામાં સર્જકોની તસવીરો નહીં ઝડપી હોય.
તેમની જિંદગીમાં અનેક ચઢાવઉતાર આવ્યા છે પણ તેમના મનોબળ અને તેમનાં સદગત પત્ની માલતીબહેનની હૂંફમાં જિંદગીનો કપરો કાળ પણ તેમણે આનંદપૂર્વક પસાર કર્યો છે.
તેમની છેલ્લી માંદગીમાં ખબર કાઢવા આવતા મિત્રો સાથે પ્રેમપૂર્વક ભૂતકાળનાં સુખદ સ્મરણો વાગોળતાં મેં જોયા છે. માંદગીને એ વખતે તેઓ ભૂલી જતા.
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, મંગલમ્ સંસ્થા, વિશ્વગુર્જરી, મ્યુનિસિપલ કોર્પોરેશન, વગેરે દ્વારા તેમનું સન્માન થયું છે. ગુજરાત સરકાર તરફથી 1995નો ‘કલાગુરુ રવિશંકર એવોર્ડ’ પણ તેમને અપાયો છે. પણ તેમનો મોટો એવોર્ડ તો તસવીરકલાના અનેક ચાહકોના હૃદયમાં તેમણે સ્થાન ગ્રહણ કર્યું છે તે છે.
જગનભાઈનું અવસાન તા. 10-2-2003ના રોજ થયું હતું.
0 comments:
Post a Comment