પૂર્ણતા પ્રાપ્તિ સહેજે ન મળે !

(સાદર ઋણસ્વીકાર : નવનીત સમર્પણયમાંથી)

- વિનયકુમાર ત્રિવેદી

પ્રત્યેક કલાકાર સંવેદનશીલ હોય છે. ગ્રાહકોનો સંતોષ એ તેમનો અભિગમ નથી હોતો. તેઓ પોતાની સર્જનકૃતિ ગ્રહન દૃષ્ટિબિંદુથી જોઈ કલાજગત સામે મૂકવાની ઇચ્છા રાખે છે. જોકે સમયાનુસાર કૃતિના મૂલ્ય અને સાર્થકતા સ્થળ પ્રમાણે બદલાતાં હોય છે.

વિશ્વના જાણીતા શિલ્પકાર માઈકલ એન્જેલોના જીવનનું એક સુંદર દૃષ્ટાંત અહીં પ્રસ્તુત કરીએ છીએ.

માઇકલ એન્જેલો પોતાની કલ્પનાને તાદૃશ કરવા એક સુંદર શિલ્પાંકનમાં તન્મય હતા. સમય વીતતો હયો અને શિલ્પાંકન આગળ વધતું ચાલ્યું. આ  દરમિયાન તેમનો એક મિત્ર વારંવાર તેમના ઘરની મુલાકાત લેતો અને શિલ્પાંકનમાં કેટલી પ્રગતિ થઈ, તેની માનસિક નોંઘ લીધા કરતો. જેમ ઘણા માણસોને છિદ્રો શોધવાની આદત જ પડી ગઈ હોય છે, તેમ આ મિત્રને પેલી કૃતિમાં ક્યાં ભૂલચૂક છે, અને કેવી રીતે થવું જોઈએ તેની ચર્ચા કરવામાં તેને આનંદ લેવાની મઝા પડતી.

એક વાર ઘણા લાંબા સમય પછી પેલો મિત્ર માઈકલને મળવા આવ્યો. પેલો શિલ્પ સમક્ષ જઈ પહોંચ્યો અને રાબેતા મુજબ બોલવાનું શરૂ કર્યું. પહેલાં તો પીઠ થપથપાવી બોલ્યો, ‘‘અરે માઈકલ ! બહુ દિવસ પછી તારે ત્યાં આવ્યો છું. મારા ગયા પછી તે કંઈ કામ જ નથી કર્યું ? પહેલાં મેં જોયું હતું. તેટલું અત્યારે દેખાય છે.’’

‘‘મિત્ર, શિલ્પમૂર્તિને વધુ ને વધુ પરિપૂર્ણ કરવાની ધૂનમાં હું નિષ્ઠાથી પ્રયત્ન કરી રહ્યો છું.’’ માઈકલે હલીને કહ્યું.

‘‘અરે, શિલ્પાશાસ્ત્રી ! મને આમ ગર્ભિત જવાબ ન આપો. મને એ બતાવો કે પરિપૂર્ણ કરવાની નિષ્ઠામાં તમે કેવી રીતે આગળ વધો છો ? મિત્ર તો જેમ હતું તેમ જ દેખાય છે.’’ મિત્ર જરા મશ્કરીના મિજાજમાં બોલ્યો.

‘‘સાંભળ ભાઈ,’’ માઈકલે થોડા ગંભીર થઈને કહ્યું, ‘‘જો મૂર્તિનો ઉપરનો ભાગ થોડો કોમળ બનાવ્યો છે, નીચેના ભાગમાં જરા સફાઈ કરી લીસી બનાવી છે. ખભાને જરા ઢાળીને વધારે સુંદર અને મરોડદાર બનાવ્યા છે. મુખ, નેત્ર, ઓષ્ટ વગેરેને તેમની હડપચી સમજી વધારે કમનીય બનાવ્યાં છે, વધુ સ્પષ્ટ કરી ઊપસાવ્યાં છે.’’

મિત્ર આ સાંભળી કટાક્ષમાં ખડખડાટ હસ્યો. ‘વાહ, શિલ્પાશાસ્ત્રી ! આવા મામૂલી કામ માટે દિવસો બગાડ્યા ?’’

માઈકલ એન્જેલો તેના હાસ્યને બેવડાવી, વધુ ખડખડાટ હસ્યા. બન્ને જણ ખોડી વાર હસતા રહ્યા. પછી એકદમ માઈકલ ગંભીર થઈ બોલ્યો, ‘‘જર્મનીની એક કહેવત છે, નાનાં નાનાં કાર્યને જે સજાગ રહી પૂરાં કરે છે તેને મોટા પ્રસંગ શોધવા નથી જવું પડતું, પ્રસંગ પોતે જ તેને શોધતા આવે છે.’ તમે તેને વાંચી કે સાંભળી નથી ?’’

‘‘આ કહવતને આગળ ધરી તમે તમારી આળસ છૂપવો છો મિત્રવર્ય’’ને બોલ્યો.

‘‘નહીં, મિત્ર નહીં ! આળસ, તન્મયતા અને કામ માટે સમર્પણ એ ત્રણેમાં થોડો ફરક છે. જરા સમજવાની કોશિશ કર. જુઓ મિત્ર, જીવનમાં જે કામ નાનાં નાનાં અને મામૂલી લાગે છે, તેને પૂર્ણ કરવાથી જ સમગ્રતાનું દર્શન થાય છે અને પૂર્ણતાની તૃપ્તિ અનુભવાય છે. જે માણસ નાની નાની વાતોની ઉપેક્ષા કરે છે, તે જીવનમાં ક્યારેય પૂર્ણતાને પ્રાપ્ત કરી શકતો નથી. મારી આ મૂર્તિનું નયનરમ્ય સૌંદર્ય નાનાં ઉપાંગોની પૂર્ણતાથી જ ખીલી ઊઠશે. ભલે એ કામ ટીપા જેટલું નાનું હોય પણ છેવટે તો મહાસાગરનું વિરાટ રૂપ લેવા સમક્ષ હશે. મિત્ર ‘કામ’ એ અન્ય માટે ‘કામ’ છે, મારે મન ‘પૂજા’ છે. તેમાં નાનું કામ માનીને કોઈ પણ અંશની ઉપેક્ષા કરવી મારે માટે યોગ્ય નથી.’’ માઈકલ એન્જેલોએ ગંભીરતાથી રજૂઆત કરી.

‘‘આભાર, માઈકલ, આજે તેં મને જીવનમાં પૂર્ણતાપ્રાપ્તિનું રહસ્ય શું છે, તે સમજાવ્યું. તમારું આ વૈચારિક શિલ્પ મને પ્રેરણા આપી સફળતાની નજીક લઈ જવાનું કામ કરશે.’’ મિત્રે ગદગદ થઈને કહ્યું અને બન્ને ઊભા થઈ હાથ મિલાવી છૂટા પડ્યા.
(ભાવાનુવાદઃ કનુ નાયક)

0 comments: