હેડમાસ્ટરજી



 (સાદર ઋણસ્વીકાર : તોત્તો-ચાનમાંથી)

મા અને તોત્તો-ચાન ઓફિસમાં પ્રેશ્યાં, ત્યારે ત્યાં બેઠેવા સજ્જન ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એમને માથે ટાલ હતી ને એમના એકબે દાંત પણ પડી ગયેલા હતા પરંતુ એમનો ચહેરો સ્વસ્થ, સુરખીભરેલો હતો. એમની ઊંચાઈ બહુ ન હતી પણ એમના ખભા અને બાવડાં મજબૂત લાગતાં હતાં. એમણે જે કાળો થ્રી-પીસ સૂટ પહેર્યો હતો એ કંઈક જૂનોપુરાણો હતો પણ ખૂબ વ્યવસ્થિત રીતે પહેરલો હતો.

ઝડપથી માથું નમાવીને નમસ્કાર કરતાં તોત્તો-ચાને ઉત્સાહથી પૂછ્યું : ‘તમે કોણ છો - સ્કૂલમાસ્ટર કે સ્ટેશનમાસ્ટર?’

મા એકદમ અકળાઈ ગઈ પણ એ કશું કહેવા જાય એ પહેલાં તો એ હસી પડ્યા અને કહ્યું : ‘હું આ સ્કૂલનો હેડમાસ્ટર છું.’

તોત્તો-ચાનની ખુશીનો પાર ન રહ્યો. કહે, હાશ. મને બહુ ગમ્યું! હવે હું એક વાત કહું? મારે આ નિશાળમાં ભણવું છે.’

હેડમાસ્ટરે તોત્તો-ચાનને ખુરશી પર બેસવા કહ્યું અને માની તરફ ફરીને બોલ્યા : ‘તમે ઘરે જઈ શકો છો. હું એની સાથે વાત કરવા માગું છું.’

તોત્તો-ચાન થોડીકવાર તો મુંઝાઈ ગઈ. પણ પછી એને લાગ્યું કે એ હેડમાસ્ટરજી સાથે બરાબર વાત કરી શકશે.

‘ભલે તો, હું તોત્તો-ચાનને આપની પાસે મૂકીને જાઉં છું’- માએ હિંમતપૂર્વક કહ્યું ને એ ઓફિસમાંથી બહાર નીકળી ગઈ.

હેડમાસ્ટરજી તોત્તો-ચાનની બરાબર સામે આવીને બેઠા : ‘હવે તું મારી બધી જ વાત કર. તને જે ગમેને, તે કોઈપણ વાત કહે.’

‘મને જે પણ કાંઈ ગમે તે... બધું કહું ?’ -તોત્તો-ચાનને તો એમ હતું કે હાડમાસ્ટરજી પ્રશ્નો પૂછશે એને જવાબ આપવા પડશે. પણ આ તો કહે છે કે, તારે જે બોલવું હોય તે બોલ ! એને બહુ મજા પડી. ને એ તરત બોલવા લાગી. એ જે કંઈ બોલી ગઈ એ બધું આમ તો અગડમ્ બગડમ્ હતું પણ એ બહુ હિંમતપૂર્વક ને એની પૂરી તાકાતથી બોલી. એણે હેડમાસ્ટર સાહેબને કહ્યું કે, ‘...હું ઘરેથી અહીં જે ટ્રેનમાં આવી હતી ને તે બહુ ફાસ્ટ ચાલતી હતી ને પછી મેં તો ટિકિટવાળા સાહેબને કહ્યું કે, મારી ટિકિટ પાછી ન લઈ લોને ! પણ એતો માન્યા જ નહીં ને !...’ એણે એ બધું પણ કહ્યું કે, ... મારી પેલી સ્કૂલની ટીચર કેટલી સરસ છે, અબાબીલનો માળો કેવો મજાનો છે, મારો ભૂરા રંગનો કૂતરો રોકી કેવાકેવા ખેલ કરતો હોય છે..., હું કાતર મોંમાં નાખીને ફેરવતી હતી ને એટલે ટીચરે કહ્યું કે એમ ન કરાય- જીભ કપાઈ જાય, તો પણ હું તો ફેરવતી જ રહી... તોત્તો-ચાને એ પણ કહ્યું કે, એ નાક કેવી રીતે સાફ કરે છે, નાકમાંથી પાણી નીકળે તો મા એને ધમકાવે છે... એણે કહ્યું કે પપ્પા કેવું સરસ તરે છે, અરે એતો કેવી ડૂબકી લગાવે... એ બસ બોલતી જ ગઈ. હેડમાસ્ટરજી ક્યારેક હસી પડતા, ક્યારેક માથું હલાવીને કહેતા :‘એમ કે? પછી?’ તોત્તો-ચાન એટલી બધી ખુશ થઈ ગઈ કે એ આગળ ને આગળ બસ બોલતી જ ગઈ ! છેવટે એની વાતો ખૂટી ગઈ. એ બોલતી બંધ થઈ ગઈ ને મથીમથીને યાદ કરવા લાગી કે હવે શું બોલવું...

‘બ...સ? હવે મને કહેવા માટે કોઈ પણ વાત નથી તારી પાસે?’ હેડમાસ્ટરજીએ પૂછ્યું.

તોત્તો-ચાનને થયું કે આમ ચૂપ થઈ જવું કેટલું ખરાબ કહેવાય... આ તો બોલવાનો કેટલો સરસ મોકો છે! ને તો પછી બીજી ઘણીબધી બાબતો વિશે કંઈક તો બોલી શકાય ને? યાદ કરવાની એ બહુ કોશિશ કરવા લાગી... અચાનક એને કંઈક સૂઝ્યું.

હા, હા... આજે જે ફ્રોક એણે પહેરેલું છે એની વાત કરી શકાય ને ?... ‘આમ તો મારાં બધાં કપડાં મા જાતે સીવતી પણ આ ફ્રોક બજારમાંથી લાવેલું છે. હું રોજ સાંજે બહારથી ઘરે આવુંને, એટલે મારાં કપડાં ફાટેલા જ હોય- કેટલાંક તો બહુ જ ચિરાઈ ગયેલાં હોય... માને એમ થાય કે સાવ આવાં શી રીતે ફાટી જતાં હશે... અરે, સુતરાઉ ચડ્ડીઓ પણ સાવ લીરેલીરા થઈ જતી...’ એણે હેડમાસ્ટરસાહેબને કહ્યું કે, બીજાના બગીચામાં ઝાડઝાંખરાંની વચ્ચે થઈને પોતે ઘૂસતી એટલે કપડાં આમ ફાટી જતાં. વળી ક્યારેક તો એ કોઈક મેદાનમાં, તારની વાડ નીચે જઈને પેસતી, એટલે કપડાં ચિરાય જ ને?... એટલે આજે જ્યારે અહીં આવવા માટે તૈયાર થવાનું હતું તે વખતે ખ્યાલ આવ્યો કે માએ સીવેલાં બધાં રસર કપડાં તો ફાટેલાં હતા. એટલે પછી આ તો બજારમાંથી લાવેલું તે પહેર્યું. જુઓ આ ફ્રોક પર ઘેરા લાલ અને ભૂરા રંગની ચેક્સ છેને? ... અને એ કપડું જર્સીનું છે. આ ફ્રોક કંઈ એવું ખરાબ નથી હં ! પણ માને એમ છે કે, કોલર પર લાલ ફૂલ ભરેલાં છેને, તે બહુ ગંદુ લાગે છે - ‘માને આ કોલર ગમતો જ નથીને!’ એમ કહીને એણે કોલરની પટ્ટી પકડીને હેડમાસ્ટરસાહેબને બતાવી.

પણ બસ. એ પછી એણે ઘણા પ્રયત્નો કર્યા પણ હવે કંઈ કહેવાનું યાદ ન આવ્યું. એ સહેજ ઉદાસ થઈ ગઈ. એટલામાં તો હેડમાસ્ટરસાહેબ ઊભા થઈ ગયા ને એમનો મમતાભર્યો હાથ તોત્તો-ચાનના માથા પર મૂકીને બોલ્યા : ‘-તો, આજથી તું આ સ્કૂલની વિદ્યાર્થિની...‘

હા, એવું જ બોલ્યા - તોત્તો-ચાનને લાગ્યું કે જીવનમાં પહેલીવાર એ એક એવા માણસને મળી કે જે એને ખરેખર ખૂબ જ સારો લાગ્યો હોય. સાચી વાત તો એ હતી કે આ પહેલાં કોઈએ આટલાબધા સમય સુધી એની વાત સાંભળી જ ન હતી. અને વળી વાત સાંભળતાંસાંભળતાં ન તો એકેવાર હેડમાસ્ટરસાહેબે બગાસું ખાધું કે ન તો એમણે કંટાળો બતાવ્યો. એને બોલવામાં મજા પડી હતી, ને વળી એમનેય સાંભળવામાં એટલી મજા પડતી હતી.

તોત્તો-ચાનને ઘડિયાળમાં ટાઇમ જોતાં હજુ તો નહોતું આવડતું પણ એને લાગ્યું કે ઘણો જ સમય થઈ ગયો છે. એને જો ઘડિયાળ જોતાં આવડતું હોત તો એને બજુ વધુ આશ્ચર્ય થયું હોત. ને તો હેડમાસ્ટરસાહેબ પ્રત્યે એને વધારે આભારનો ભાવ જાગ્યો હોત. એ મા સાથે સ્કૂલમાં સવારે આઠ વાગે આવી પહોંચલી, ને એની બધી વાતો પૂરી થઈ ને હેડમાસ્ટરજીએ કહ્યું કે, આજથી તું આ સ્કૂલમાં, એ પછી એમણે પોતાની ખિસ્સા-ઘડિયાળમાં જોઈને કહ્યું : ‘અરે, જમવાનો સમય થઈ ગયોને!’ એટલે કે હેડમાસ્ટજીએ એની બકબક પૂરા ચાર કલાક સુધી સાંભળેલી!

આ પહેલાં ને એ પછી પણ કોઈ વડીલે મોટેરાંએ તોત્તો-ચાનની વાતો આટલો લાંબો સમય સાંભળી ન હતી. અરે, માને અને એની સ્કૂલની પેલી શિક્ષિકાને પણ એ જાણીને તાજુબી થઈ હોય કે એક સાત વરસની છોકરી પાસે ચાર કલાક સુધી બોલવાનો ખજાનો છે.

એ વખતે તોત્તો-ચાનને એ તો ખબર જ ન હતી કે એને પીલી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવેલી ને કોઈને એ સમજાતું ન હતું કે હવે આનું શું થશે ! પણ એ તો સ્વભાવથી જ એવી આનંદી હતી, ને વળી એવી તો ભૂલકણી હતી કે સાવ ભોળી લાગે. પણ મનમાં તો એને થતું જ હતું કે બીજાં છોકરાંથી એને કંઈક જુદી અને વિચિત્ર ગણવામાં આવે છે. તેમ છતાં, આ હેડમાસ્ટસાહેબે એને પ્રેમાણ હૂંફવો આધાર આપ્યો ને એને પ્રસન્ન કરી દીધી. એ હવે કાયમ માટે એમની સાથે રહેવા માગતી હતી.

- આ રીતે, સોસાકુ કોબાયાશી નામના આ હેડમાસ્ટરસાહેબ માટે તોત્તો-ચાનને આદરભાવ થયો, ને એના નસીબે, હેડમાસ્ટજીને પણ એના માટે પ્રેમભાવ થયો.

0 comments: