-શ્રી મહેન્દ્ર રાવલ
માણસ વૃદ્ધ થાય ત્યારે જુવાનીમાં અને પ્રૌઢવસ્થાનાં જ્યાં નોકરી કે કામ ધંધો કર્યો હોય ત્યાં અનેક પ્રકારની સગવડો ભોગવી હોય, એમની હાથ નીચેના માણસો એમનો પડ્યો બોલ ઝીલતા ખડે પગે હાજર રહેતા હોય અને સમાજમાં તેમની મહત્તા અંકાતી હોય. પરિવારમાં પણ તેમની અગ્રણી તરીકે ગણના થતી હોય. એવા માણસો જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેમનો બધો જ ઠાઠઠઠેરો નીકળી જાય છે. તદ્દન નિવૃત્ત હોવાને કારણે બીજા માણસોને તેમની પાસે આવવાનું કોઈ જ પ્રયોજન હોતું નથી. વળી ઘણીવાર તેમની જૂની ટેવો પ્રમાણે રોકટોક કર્યા વિના રહેતા ન હોવાથી અન્ય માણસોને તેમની પાસે ખાસ આવવાનું ગમતું નથી. આવા સંજોગોમાં જીવનાર એ માણસ અતિ પ્રવૃત્ત રહેવાને કારણે કેટલાય માણસોના સંસર્ગમાં આવતો હોય તે તદ્દન એકલવાયો બની રહે છે અને એ કારણે એને અકળામણ થતી જ રહે છે. વળી આપણી રહેણીકરણી રીતરસમ બદલાતી જાય છે. સંયુક્ત કુટુંબની પ્રથા ઢીલી પડતી જતી હોઈ તેની પાછળ રહેલી ભાવનાના મૂલ્યોમાં ઓટ આવે છે. માતાપિતા પ્રત્યેનો પૂજ્યભાવ પલટાતો જાય છે. અને વૃદ્ધજન પ્રત્યે પરિવારજનો ઉપેક્ષા દર્શાવતાં રહે છે. આવા વૃદ્ધ વડીલો પરિવારમાં અણગમતા બની રહે છે એટલે વૃદ્ધોની અકળામણ ઓર વધે છે. પરિણામે એમનો સ્વભાવ ચીઢિયો થતો જાય છે અને એ રીતે પરિવારમાં અળખામણાં બની રહે છે. પરિવારમાં પોતાની કોઈ કિંમત નથી એ અભાવ એમને સ્પર્શી જાય છે અને પોતે જ્યારે પ્રવૃત્તિઓ, પરિવારજનોના છત્રરૂપ હતા, તેમની જરૂરિયાતો સંતોષતા એવા એવા અનેક પ્રસંગો યાદ કરી મનોમન રિબાયા કરે છે.
પરિવારજનો પણ વૃદ્ધોના આવા પ્રતિભાવથી નારાજ થાય પરિણામે વૃદ્ધો અણગમતાં બની રહે છે. એ વાત સાચી છે કે બે પેઢી વચ્ચે દરેક કુટુંબમાં ખાલીપો સર્જાય. આ બાબત આજના કુટુંબોએ સ્વીકારી લીધી છે. આજના યુવાનો તેમના સંતાનોના ઉછેર, કેળવણી અને લગ્નપ્રસંગ જેવા વ્યવહારોમાં પોતાનું ધાર્યું જ કરે છે અને એમાં વૃદ્ધોની સલાહસૂચન કે માર્ગદર્શન લેતા નથી. તેથી બંને પેઢીનું ઘર્ષણ વધતું રહે છે. પરિણામે અકારા વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મોકલવા સિવાય કોઈ બીજો ઉપાય રહેતો નથી.
આમાં વૃદ્ધના નામે રહેલી મિલકત અને તેમની ફિક્સ ડિપોઝીટો પણ ઘર્ષણનું અગત્યનું માધ્યમ બની રહે છે. વૃદ્ધો પાસેની મિલકત પડાવી લેવા તેમના સંતાનો અપાર દુઃખ દે છે. એમને મારે છે. એમને મારવામાં એમની પુત્રવધૂઓ સામેલ થાય છે. આમ વૃદ્ધ પતિપત્ની પોતાના સંતાનોના માર ખાય છે ત્યારે હદ વટી ગઈ એમ તેઓ માને છે. ઘણીવાર વૃદ્ધાશ્રમોમાં આવીને પણ વૃદ્ધોને ઘરે પાછા લઈ જવાનો આગ્રહ કરે છે પણ ચેતી ગયેલા વૃદ્ધો મચક આપતા નથી. પરિણામે વધુ માર ખાય છે અને અવહેલના પામે છે. આમ આપણા સમાજમાં વૃદ્ધોની સ્થિતિ અતિ દયનીય બની રહેલી હોઈ વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં જવા સિવાય બીજો રસ્તો રહેતો નથી. ઘણાં વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોની ખૂબ સારી રીતે પરવરીશ થાય છે જ્યારે કેટલાક વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ખૂબ જ હેરાનગતિ થાય છે. આપણા દેશમાં આ ચક્ર ચાલતું જ રહેવાનું. પરદેશમાં વૃદ્ધજનોના નિવાસ અને પરવરીશ માટે ઉત્તમ સગવડો છે એથી ત્યાં જીવનસંધ્યાના આરે પહોંચતા વૃદ્ધો સુખશાંતિથી પોતાનું બાકીનું જીવન ઉત્તમ રીતે વિતાવે છે.
આપણા દેશની આવી પરિસ્થિતિમાં વૃદ્ધોએ સમજપૂર્વક પરિવારમાં રહેવું જોઈએ. પરિવારની રોજેરોજની બાબતમાં માથું મારવું ન જોઈએ. સંતાનોને જેમ કરવું હોય તેમ કરવા દેવું જોઈએ. વળી પોતાનાથી બનતા નાનામોટા કામ વૃદ્ધોએ એમની શક્તિ અનુસાર કરવા જોઈએ. ઘરના નાના બાળકોને ભણાવવા જોઈએ. નાનીમોટી ખરીદીમાં સાથ આપવો જોઈએ અને પોતાના સંતાનોને ટેકો રહે એવા કામમાં હાથ લંબાવવો જોઈએ. પોતાનો જીવનભરનો અનુભવ યોગ્ય રીતે પરિવારના કાર્યોમાં જોતરવો જોઈએ. આમ પરિવારમાં ઉપયોગી માધ્યામ તરીકે જો વૃદ્ધો પ્રવૃત્ત થાય તો પરિવારમાં સન્માન્ય બની રહે. વળી પરિવારના બાળકો સાથે પણ એ નાનીમોટી રમતોમાં પોતાનો સમય વિતાવે તો બાળકોના પ્યારા દાદા બની રહે. એક કાવ્ય છે - બાળક એના દાદાને શીખવે છે કે :
‘નાના કેવી રીતે થાવું, આવો બાપુ રીત બતાવું,
ઢીકા પાટું પીવું ખાવુ પાડા થઈને રે...
બાપુ તમે નાના થાજો રે...’
વળી દાદા પણ બાળગીતોમાંથી વીણીવીણીને બાળકોને ગીતો સંભળાવે, બાળકો સાથે કોરસમાં ગયા તો બાળકોને મજા પડે અને ઘરની ગૃહિણીઓને બાળકોની તોફાન-મસ્તીમાંથી થોડો વિસામો મળે. આમ દાદા પુત્રવધૂઓ અને પરિવારની અન્ય મહિલાઓ માટે જરૂરી આવકારદાયક પાત્ર બની રહે. વળી વૃદ્ધોએ 40 વર્ષની ઉંમરથી પોતાની તબિયત સાચવવી જોઈએ. પોતાની આવકમાંથી અમુક રકમ વૃદ્ધાવસ્થા માટે બચાવવી જોઈએ. વધતી ઉંમર સાથે થોડી નવી પ્રવૃત્તિ પણ શીખવી જોઈએ જેથી પોતાનો સમય સારી રીતે વિતાવી શકાય. પરિવારના સભ્યો તેમના રોજિંદા કાર્યોમાં અતિ વ્યસ્ત હોય ત્યારે વાંચન, મનન અને અન્યોની મૈત્રી સાધી પોતાનો સમય વિતાવવો જોઈએ.
ઘણા વૃદ્ધાશ્રમો બહુ જ સારી સગવડો આપે છે. પણ એક વાત સ્વીકારવાની કે આવા વૃદ્ધાશ્રમો તમારી પાસેથી જે રકમ લે છે તે તમારા ખાવા, પીવા, રહેવા અને અન્ય જરૂરિયાતો કરતાં ઘણી ઓછી હોય છે. આ સંજોગોમાં આવા વૃદ્ધાશ્રમોમાં આવતા નાનામોટા કામ કરવા વૃદ્ધજનોએ પોતાની શક્તિ અનુસાર તૈયાર રહેવું જોઈએ. એક સરસ દાખલો આપું. પરમપવિત્ર ઉત્કંઠેશ્વર મહાદેવજીના સાન્નિધ્યમાં અડધી સદી ઉપરથી ‘શેઠ ચંદુલાલ માધવલાલ વૃદ્ધાશ્રમ’ ચાલે છે. અહીં આ પરિવારના 94 વર્ષના શારદાબા આ આશ્રમનું સંચાલન કરતા હતા. હમણાં જ ગયા જૂનમાં તેમનું અવસાન થયું. આ આશ્રમમાં રહેતા વૃદ્ધો આશ્રમનું કાંઈ કામ આવ્યું હોય તો હોંશે હોંશે ઝાઝા હાથ રળિયામણા પ્રમાણે કરતા રહે છે. બાર મહિનાનું અનાજ ભરવાનું આવે ત્યારે 125 મણ ઘઉં હોય, 60 મણ ચોખા હોય અને એ પ્રમાણમાં બધી જાતના કઠોળ, માલ-મસાલા આવે. અનાજ વીણવા સૌ બેસી જાય. જેમણે જીવનભર મોટી સાહેબની નોકરી કરી હોય, ઘણી ગૂંચો ઉકેલી હોય એવા અનુભવી વૃદ્ધોને અનાજ વીણવાની સાદી સરળ પ્રવૃત્તિમાં ગમ્મત આવે. કોઈ ઉપર કામનો ભાર નહિ. સૌ પોતાની મરજી પ્રમાણે આવા કામ કરે છે અને આનંદમાં રહે છે.
ઘડપણ![]()
![]()
આવ્યું છે તો વધાવી લેવું. શાંતિથી, વાંચન, મનન અને અન્ય સાથેના સહવાસથી સારી રીતે બાકીનું જીવન પ્રભુભજનમાં પસાર કરવું. એ જ વૃદ્ધાવસ્થા વિતાવવાનો ઉત્તમ માર્ગ છે.
(શ્રી મહેન્દ્ર રાવલઃ તંત્રી-‘સંચય’)
વૃદ્ધાવસ્થાના સમયનો જે ગાળો છે તે નાજુક ગાળો છે. તેમાં માણસ ઘણી વખત નાસીપાસ થઈ જતો હોય છે. તમારે તેમને આશ્વાસનના બે મીઠા શબ્દો, લાગણી ભર્યો તેમની સાથે વ્યવહાર કરવામાં આવે તો તેઓની પાછલી જિંદગી સારી વીતે.
-મનુભાઈ પંચોલી ‘દર્શક’
0 comments:
Post a Comment