(સાદર ઋણસ્વીકાર : ‘મિર્ઝા ગાલિબ’માંથી)
સામયિકમાં મુદ્રિત કૃતિની નીચે છપાયેલા નામને શિશુસહજ મુગ્ધતાથી વાંચ્યું એ ઘટનાને સર્જનયાત્રાનું આરંભબિંદુ ગણીએ તો મારી આ યાત્રા પચાસ વરસની થઈ. આટઆટલાં વરસોથી લખું છું છતાં ગ્રંથસ્થ કૃતિઓની સંખ્યાથી કોઈને આંજી શકું એમ નથી. વરસો કે સંખ્યાના ગણિતનો મેળ નેસાડવા પ્રયત્ન પણ કર્યો નથી. મારાથી થાય એ રીતે શબ્દની સાધના કરી રહ્યો છું: એથી જ ગોપાલભાઈએ મારા મિત્રો હરસુખ સંઘાણી તથા હરકિસન મહેતા દ્વારા મારી અત્યાર સુધી લખાયેલી બધી જ કતિઓ એક સાથે પ્રગટ કરવાની દરખાસ્ત મૂકી ત્યારે પ્રસન્ન વિસ્મય થયું. શબ્દ મારી પાસે પાંચ દાયકાના તપનો હિસાબ માગતો હોય એવી લાગણી થઈ. શબ્દની આંગળી ઝાલી જ્યાં જ્યાં હું ગયો છું એ તમામ મુકામોને હિસાબ પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રગટેલા આ ગ્રંથસંચયમાં આજ અને આવતીકાલ માટે આપ્યો છે. ઈશ્વર સમય આપે તો હજી જે લખવાનાં બાકી, એ કાવ્યો, નાટકો, નવલકથાઓ શબ્દના સથવારે ક્યાં અને કેટલી ગતિ કરશે એ હું જાણતો નથી.
આ સર્જનયાત્રામાં દૃશ્ય-અદૃશ્ય પરિવર્તનબિંદુઓ આવતાં રહ્યાં છે. શૈશવથી મુગ્ધ કુમાર અવસ્થાનો એક તબક્કો છે. મુંબઈમાંના આગમન સાથે નવો વળાંક ઉમેરાયો. સમથળ વહી જતા જીવનમાં જાતે નોતરેલાં સંઘર્ષ અને અજંપાને કારણે વમળમાંથી અટવાયેલા જહાજ જેવી સ્થિતિ વચ્ચેથી પસાર થયો છું. સંઘર્ષ અને સંવાદને એક બિંદુ પર લાવવા મથતો હોઉં એવો પણ વળાંક આવ્યો છે. ચહેરા પરની દેખીતી શાંતિ હેઠળ નાની અને નાજુક ઘટનાઓને નોંધે એવું આખું સંવેદનતંત્ર છેઃ એના કારણે આખેઆખો ખળભળી ગયો હોઉં એવી ઘટનાઓ બની છે.
પત્રકારત્વના ક્ષેત્રે બેંતાલીસ વરસ વિતાવ્યાં છે. પત્રકારત્વે મારી દૃષ્ટિને સંકોરી છે. દેશના અને દુનિયાના આ સદીનો ઇતિહાસ ઘડનારા મહાનુભવોને ખૂબ નજીકથી જોયા છે. અનુભવનું આ જગત શબ્દની સાધનામાં ખપ લાગ્યું છે. પત્રકારત્વે મારા ગદ્યને માંજ્યું છે; કવિતાના લયને ઊંડાણ આપ્યું છે.
શિશુવયથી વાચન જીવનક્રમમાં વણાઈ ગયું છે. આ વાચન શાસ્ત્રીય કે સિલસિલાબંધ નથી. જ્યારે જે કૃતિ હાથ ચડે તેને માણતો રહ્યો છું. ગુજરાતી ભાષાના મધ્યકાલીન કવિઓએ શબ્દના ઊંડાણ અને લયના પરિમાણનો આદર્શ નજર સામે મૂક્યો છે. અંગ્રેજી દ્વારા દુનિયાના સાહિત્યના સમૃદ્ધ જગતમાં થોડીક ક્ષણોને સંપન્ન બનાવી શક્યો છું.
સર્જકને સ્વીકૃતિની ઝંખના હોય છે. છેલ્લા થોડા સમયમાં વિવધ સ્તરે આ સ્વીકૃતિ સાંપડી છે. ખરો મહિમા આ બાહ્ય સ્વીકૃતિનો નહીં, આંતરિક સાધનાનો છે. રામકૃષ્ણ પરમહંસની ઉપમા લઈને કહું તો લવણનાં પૂતળાં જેવા આપણે સાગરનું ઊંડાણ માપવા નીકળ્યા છીએ. એ ઊંડાણ તો તદ્રૂપ થયા પછી જ માપી શકાય. પરંતુ સર્જકે હજી થોડું વિશેષ કરવાનું છે. લવણની પૂતળી સાગરમાં એકરૂપ થયા પછી કહેવા આવતી નથી. સર્જકે એકરૂપ થવાનું છેઃ અને પોતાના સૂક્ષ્મ પિંડને જાળવી રાખી જે કંઈ દર્શન પ્રાપ્ત થયું હોય એની વાત કરવાની છે. સંસારના કેટલાયે અનુભવો વખતે મીઠાના પૂતળા માફક ઓગળતો હોઉં એવો અનુભવ કર્યો છેઃ આમ હું વિનમ્ર ગણાઉ છું. પણ ક્યારેક આ બધા અનુભવોને પાર પહોંચી મોટા ગજાની કૃતિ સર્જી શકીશ એવી મહત્વાકાંક્ષા રાખું છું.
આ સંપુટમાં કવિતા, નવલકથાઓ, ટૂંકી વાર્તા, નાટક, નિબંધો વગેરે છે. નવલકથાઓ લખવી મને ગમે છે. નાનકડી સૃષ્ટિને પણ વ્યવસ્થાથી ગોઠવવાના આ વિકટ કામને કારણે આ વિરાટ સૃષ્ટિના સર્જનહારની અકળ સર્જનપ્રક્રિયા સમજવામાં થોડીક મદદ મળે છે. નિબંધો મારા પત્રકારત્વ, મનન અને વાચનના પ્રયાગમાંથી રચાયા છે. જે કંઈ લખ્યું છે એ ફરી વાંચવાનો સમય ના મળે એવી તાણ વચ્ચે જીવવાનું થયું છે. કવિતા અને નાટક મારાં પ્રિય સ્વરૂપો છે. મને સમય રહે તો સૌથી વધારે કામ મારે આ બે ક્ષેત્રોમાં કરવું છે.
મેં ક્યાંક લખ્યું એમ શ્વાસ લઉં છું કે હરુંફરું છું ત્યારે નહીં, પણ કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું. લખ્યા વિના જીવી શકતો નથી એ સાચું, પણ લખું છું એમાં સમગ્ર જીવનનો વ્યાપ આવી જાય છે, એવા ભ્રમમાં નથી. જીવન મારી સર્જકતાના આરંભ પહેલાં અનાદિથી હતું; આ અવતાર પૂરતી મારી સર્જકતા થંભી જશે ત્યાર પછી પણ અનંત સુધી વિસ્તરશે. લેખનની પાર જે બૃહદ્ જીવનના વ્યાપ મારા પૂર્વ-સૂરિઓમાં, મારા સમકાલીનોમાં અને મારા પછી આવનારાઓમાં છે એમાં મારી સર્જકતાને જીવંત રાખતો પ્રાણવાયું છે. મારી સર્જકતાની થોડીક ક્ષણો પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રગટ થતા આ સંપુટમાં સચવાઈ છે. આ ક્ષણો પૂર્વસૂરિઓને સંતર્પે, સમસામયિકોને પરિતોષે અને આવનારી પેઢીઓનો એકાદ શ્વાસ સુગંઘિત કરે એવી ઝંખના અહીં પ્રગટ કરું છું.
- હરીન્દ્ર દવે
0 comments:
Post a Comment