-વિષ્ણુ પંડ્યા
(સાદર ઋણસ્વીકાર : ‘અખંડ આનંદ’માંથી)
(1સી મે, 2008ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપનાને 48 વર્ષ પૂરાં થયા... તે નિમિત્તે આ અંકમાં પ્રસ્તુત છે ‘પ્રાસંગિક’ તરીકે ખાસ લેખ-તંત્રી)
ગુજરાતનું મૂલ્યાંકન કરવા માટે ચાર જ શબ્દો પૂરતા છેઃ સંઘર્ષ, સંવાદ, સાહસ અને સામંજ્સ્ય!
બીજા કોઈ પણ પ્રદેશોની આવી-આટલી વિશેષતા નથી રહી, જેટલી ગુજરાતને તેના ઇતિહાસ, રાજકારણ, સમાજજીવન તેમજ આસ્થા ઉપાસનામાં સ્થાપિત કરી છે.
આનાં કારણો શું હશે ? તે વાતને સમજવા માટે એકલો ‘ગુજરાત’ શબ્દ અપૂરતો છે. ભલભલા પંડિતો અને વિશ્લેષકો ગુજરાતને સમજવાની ભૂલ કરે છે તેનું કારણ તે ભૌગોલિક રીતે મર્યાદિત રહેલા ગુજરાચ તરફ જ ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા તે છે.
ખરેખરું તો આ ગુજરાત નથી, મહાગુજરાત છે. એક બૃહદ્ ગુજરાત, જેણે ઘણી બધી રીતે તેના સીમાડા તોડી નાખ્યા છે. ખબરદારે ખાલી ગુજરાતીવેડાને વખાણવાની અતિશયોક્તિ નહોતી કરવી, તેમણે પરંપરિત ગુજરાતી ઈતિહાસની ખાસિયતો સંકેત પ્રકટાવવો હતો એટલે જ પેલી અતિપ્રચલિત થઈ ગયેલી પંક્તિ વણી લીધી હતી, ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !!’
પણ સમયાંતરે ગુજરાતી પણ સંકુચિત થયો. તેની ઓળખ ગુમાવતો થયો કારણ કે તેની અંદર પડેલું મહાપણું ઘણી બધી રીતે વિનષ્ટ થવા લાગ્યું હતું, પરંતુ રસપ્રદ વાત એ છે કે દરેક અસ્મિતા પરની આપત્તિના સમયે કોઈ ને કોઈ સમુદાયે, શૂરવીરોએ, સાહસિકોએ, કવિઓએ, ધર્મોપદેશકોએ અને નેતૃત્વ લેનારાઓએ તેવી હીણપતને દૂર કરવા મેદાને પડ્યા. આ જે સંધર્ષ, સંવાદ, સાહસ અને સામંજસ્યના અધ્યાય વિભિન્ન વ્યક્તિ, સમુદાય અને વિચારો થકી રચાયા તે જ છે મહાગુજરાતની સાચુકલી ઓળખ !
એ પણ યાદ રાખવું જોઈએ કે આવી મથામણ કોઈ એકાદ ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી રહી. સામાજિક સુધારણા, રાજનીતિ, ધાર્મિક પુનરુત્થાન, વેપાર-વાણિજ્ય, દરિયાપારનાં સાહસો, આંતરિક નબળાઈના નિવારણ માટેના પ્રયાસો, નાત-જાત-કોમથી ઉપર ઊઠીને સ્વાતંત્ર્યપ્રાપ્તિની ઝુંબેશ ખમીર અને ખુમારી, શિલ્પ, સ્થાપત્ય અને નૃત્યકલાના નવતર પ્રયોગો, શિક્ષણ, પત્રકારત્વ અને સાહિત્યના સર્જાતા પ્રવાહો તેમજ ચિંતનના શિખરે પહોંચતી સાધનાઃ આ તમામ મોરચે ગુજરાત અને ગુજરાતીએ પોતાની કેડી કંડારી છે.
છેલ્લાં થોડાંક વરસોનાં, થોડાંક જ ઉદાહરણો તપાસીએ તોયે ખ્યાલ આવે કે આ કેડી કંડારવાનું કાર્ય અસ્ખલિત રહ્યું. મધ્યકાલીન યુગમાં ચારે તરફથી વિદેશી આક્રમણો અને તેને કારણે સમાજ અસ્તવ્યસ્ત થવાની પરિસ્થિતિ ઊભી થઈ તો અનેક જગ્યાએ સંતો, શૂરવીરો અને સતીઓની એક દીર્ઘ પંક્તિ રચાઈ ગઈ. શૂરવીરોએ પ્રાણાર્પણ કરીને પાળિયા બનવું પસંદ કર્યું, સંતોએ ઊંચામાં ઊંચી ફિલસૂફીને ભજનો અને આચરણમાં વણી, ગૃહજીવન અને સમાજજીવનની અસ્મિતાને સતીઓએ જાળવી રાખી. ‘સતી’ શબ્દ સત્યની ચિનગારી સાથે ક્યારેક જોડાયેલો હતો અને લોકકથામાં તેનું ભવ્ય ઉદાહરણ જૂનાગઢની રણકદેવીનું છે. મહાપરાક્રમી પણ મોહાંધ સિદ્ધરાજ જ્યસિંહે રાખેંગારને દગાબાજીથી મારીને જૂનાગઢ જીત્યું ત્યારે રાણકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. રાણક જેનું નામ. તેણે પોતાના કલ્પાંતને દોહરામાં વણીને ગિરનારને ખળભળાવ્યો, વઢવાણ પાસે ભોગવા નદીના કાંઠે આત્મવિસર્જન કર્યું, અને દ્રોપદી જેવી તેજસ્વિની તરીકે અંકિત થઈ ગઈ. બીજું ઉદાહરણ અકિંચન બ્રાહ્મણ પ્રેમાનંદનું છે. એવા સમયે તેણે ગામડે ગામડે જઈને આખ્યાનો કર્યાં જ્યારે પ્રજાજીવનની નૈતિકતા અને સ્વાભિમાની બનીને જીવવાની તાકાત અસ્ત થઈ રહી હતી. તેણે પુરાણકથાઓને સીધી સાધી ભાષામાં ‘આખ્યાન’માં વણીને લોકોના જીવનનો પ્રાણ ફૂંક્યો ! ત્રીજું ઉદાહરણ કચ્છની તોળલદેનું, સમાજમાં સ્ત્રીની દશા અને અવદશાને ભેદતી આ નારીએ સાબિત કરી બતાવ્યું કે દુનિયાના ખરાબમાં ખરાબ માણસનું યે હૃદયપરિવર્તન એકલી સ્ત્રી કરી શકે છે !
ગુજરાતે સામાજજીવનમાં રહેલાં અનિષ્ટો સામે જે સંઘર્ષો કર્યા તે મહારાષ્ટ્ર-બંગાળની હારોહાર ઊભા રહે તેવા હતા. તદ્દન જુવાન કરસનદાસ મૂળજીથી માંડીને નર્મદાશંકર લાલશંકર દવે સુધીના લડવૈયાઓએ કલમ અને કર્મશીલપણું બંને પ્રયોજ્યાં હતાં. આખા ગુજરાતમાં આવી ચળવળ ઘરમાં અને ઘર બહાર ચાલી હતી.
આવી જ ઐતિહાસીક લકીર સ્વાસંત્ર્યજંગના ક્ષેત્રે રહી. 1857નો વિપ્લવ દેશ આખામાં શાંત થઈ જાય તે પછીનાં 10-20 વર્ષ સુધી લગાતાર એકલા પશ્ચિમ કિનારે ઓખાના વાઘેર-માણેકોએ ચાલુ રાખ્યો હતો. ત્યારથી આપણા સ્વાતંત્ર્ય સંઘર્ષની શરૂઆત થઈ છે. પછી તો ગાંધી આવ્યા, ચપટી મીઠું લઈને દેશ આખાને જાગતો કર્યો, બારડોલીમાં કિસાન સત્યાગ્રહ થયો, દેશાવરે ગયેલા ગુજરાતી ક્રાંતિકારોએ વિશ્વવ્યાપી સંપર્કસૂત્ર બાંધીને ભારતના આઝાદીજંગને નવી ધાર આપી, સુભાષ અહીં ગુજરાતમાં હરિપુરા કોંગ્રેસમાં પહેલવહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા અને વિદેશમાં પહેલું ગુજરાતી ક્રાંતિપત્ર ‘ગદર’(1907) પણ પોરબંદરના છગન ખેરાજ વર્માએ પ્રકાશિત કર્યું હતું.
સ્વતંત્રતા પછીના ગુજરાતી રાજકારણે લોકશાહી અને રાષ્ટ્રીયતા બંનેનું સવર્ધન કર્યું, તે પોતાની આગવી રીત ! ઢેબરભાઈએ ગિરાસદારી-જમીનદારી પ્રથા નાબૂદ કરાવી. સરદારે 202 રજવાડાંઓનું વિલીનીકરણ કર્યું. મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ ફકીર નેતા ઈન્દુલાલ યાજ્ઞિકે લીધું. કોલેજમાં ભણતા છોકરડાઓએ 1947માં ભ્રષ્ટતાના મુદ્દે જનાંદોલન કર્યું. ડો. રામમનોહર લોહિયાના 1967ના બિનકોંગ્રેસવાદને 1947માં જનતા મોરચારૂપે ગુજરાતને પુનઃપ્રતિષ્ઠિત કર્યો. ઈમર્જન્સી અને પ્રિસેન્સરશિપની ખિલાફા સૌથી અસરકારક આંદોલન ગુજરાતમાં થયું. અનામત પ્રથાને વોટબેન્કમાં પળોટતું ગુજરાતે રોક્યું. સરહદ પરનાં બે મોટાં યુદ્ધોમાં પ્રજા અણનમ રહી. એકલા ગુજરાતે તે યુદ્ધ દરમિયાન પોતાના મુખ્યમંત્રી (બળવતંરાય મહેતા)ને ખોયા છે...
રાજકીય બદલાવનો આ માહૌલ ગુજરાતના કોઠામાં પડેલો છે. આ પ્રજા મતથી અભિપ્રાય આપી જાણે છે અને જનાંદોલન પણ કરી જાણે છે.
સંઘર્ષની જેમ સામંજસ્યની વાત કર્યા વિના ગુજરાતની ઓળખાણ અધૂરી રહી જાય. ઈરાનથી આવેલા પારસીઓ ‘દૂધ’માં સાકરની જેમ ભળી જાય’ તેવી સ્થિતિ ગુજરાતે સર્જી હતી. આજે વિશ્વભરમાં પારસીઓનું ધાર્મિક સ્થાન ઉદવાડા ગુજરાતમાં સુરક્ષિત છે. ઇતિહાસકારોનું કહેવું છે કે વિદેશી આક્રમકો અને આક્રમણોને ગુજરાતે પચાવી જાણ્યાં હતાં. છેક ગ્રીક પ્રજાની યાદ આપતી કાઠી પ્રજાથી ‘કાઠિયાવાડ’ કહેવાયું હતું. દક્ષિણ આફ્રિકાના સીદીઓની વસાહતો અહીં છે. ફિલસૂફ મુઘલ દારા શિકોહને ગુજરાતમાં આશ્રય મળ્યો હતો. ભારત-પાકિસ્તાન વિભાજન વખતે પંજાબ-બંગાળમાં મોટી કત્લેઆમ થઈ, ગુજરાતમાં પણ મોટાપાયે હિજરત થવા છતાં એવું કશું ન બન્યું અને જૂનાગઢ-માણાવદર જેવાં પાકિસ્તાન સાથે જોડાણની જાહેરાત કરી ચૂકેલાં નવાબી રજવાડાંઓની આઝાદી કોઈપણ પ્રકારની લોહિયાળ લડાઈ વિના મેળવી હતી !
ચુંમાળીસમાં વર્ષે ગુજરાત રાજ્યના નકશાને તમે નિહાળ્યો ? એકલા ભૌગોલિક નહીં, ગુજરાતના રાજકીય-સામાજિક-આર્થિક-નકશામાં ‘આહ !’ અને ‘વાહ !’ એકબીજામાં ભળી ગયાં લાગે છે.
પણ, આ ‘વાહ !’ બીજે બધે હોય છે તેવાં રોદણાં રોવાને સંકેત નથી. ગુજરાતી અને ગુજરાતવાસીને એક ટિપિકલ, એક નમૂનેદાર ‘ગુજરાતીપણા’થી જ તમામ સંકટોનાં ખેતરમાં હળ ચલાવવાનું ફાવે છે. એકલાં 44 વર્ષથી નહીં, કનૈયાલાલા મનુશીએ નિહાળેલા ‘ગ્લોરી ધેટ વોઝ ગુર્જર દેશ’ના, એટલે કે ઈસવીસમ પૂર્વ 550ની પરંપરાથી તે આમ વર્તે છે.
પાવીથી વેરાવળ અને દ્વારકાથી દાહોદ સુધીનું ગુજરાત તેના અર્થિક, સામાજિક અને રાજકીય વલોવણમાં લાગેલું છે. કોઈ એકાદ ટુકડો જોઈને આખી ભૂમિનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. તેને માટે તો એક સર્વસર્પર્શી અને સાર્વત્રિક ગુજરાતને જ સમજવુ રહ્યું ! ઉદાહરણ તરીકે ભલે દેશના સ્વાતંત્ર્યજંગમાં ગિજરાતીએ હિંસા-અહિંસાની પળોજણ કરી નથી. આ ગુજરાત મહાનગરો, નગર અને ગામડાંઓનું બનેલું છે. જેટલી તેની મહાનગરની ઈમારતો, ઔદ્યોગિક વિસ્તારો અને દરિયાઈ પટ્ટી મહત્વનાં છે એટલાં જ તેનાં અંતરિયાળ ગામડાંઓનો ઉજાસ પણ જરૂરી છે. સદભાગ્યે, 1947 પછી તુરત કોઠાસૂઝ ધરાવનારા રાજનેતાઓના હાથમાં સત્તા આવી અને વિપક્ષે પણ જાગૃત ધૂરંધપો બેઠા હતા, આ બધામાંથી મોટાભાગના તો ગામડાં અને નાનાં નગરોમાંથી આવતા હતા એટલે ઉબડખાબડ જમીન પરની થકવી નાખે તેવી જિન્દગી તેમણેય અનુભવી છે. પરિણામ એ આવ્યું કે ખેતી અને જમીનવિતરણના સવાલને સાહસપૂર્વક ઉકેલવાની શરૂઆત થઈ. ખેતી અને ખેડૂત બંનેએ અપાર સંકટોની સામે જાણે કે જીવનમરણનું યુદ્ધ જ આદર્યું ગણાય ! તાપી, દમણગંગા, નર્મદા, મહી, વાત્રક અને સાબરમતી નદીઓમાં પાણી જ ક્યાં મળે ? અધૂરામાં પૂરું નર્મદાનાં પાણી વધુ સ્થળોએ પહોંચે તેની સામે આંતરરાષ્ટ્રીય સ્તરથી ઝુંબેશ શરૂ થઈ, જેનાં હાથા તરીકે કામ કરતાં સંગઠનો-વ્યક્તિઓ આપણી વચ્ચે જ હતાં. અનેક મોરચાની આ જીવલેણ લડાઈ ગુજરાતે લાંબા સમયથી કરી છે. ગુજરાતનું નામ પડે એટલે ‘બાપડાં બિચારાં ગુજરાતને વળી શું સગવડ અને શું અગવડ ?’ એવી ઉપેક્ષા સેવવામાં આવે, નર્મદા બંધની ઊંચાઈ નક્કી કરીને તાનાં બાંધકામ માટે વર્ષો વીતી જાય, અદાલતોની જટામાં તેનું નર્મદાવતરણ ફસાયેલું રહૈ, તે માંડ માંડ બહાર આવે, શ્રીજી તરફ આકાશ વરસે નહીં. દર ત્રીજા વર્ષે દુકાળથી હિજરત, ભૂખમરો અને વેરાન ખેતરો ! મહાગુજરાત મેળવવામાં યે આવું જ બન્યું હતું ને ?
આમાંથી સાહસિક ગુજરાતીએ જે ધીરજપૂર્વકનો સંઘર્ષ કર્યો તે દુનિયાના કોઈપણ દેશના પુરુષાર્થી અધ્યાની જોડાજોડ રહી શકે તેવો છે. ‘નર્મદાષ્ટકમ્’ની જેમ ‘ગુજરાતષ્ટકમ્’ રચી શકાય એવી આ સામૂહિક કથા !
એવું તો ક્યારેય નથી બન્યું કે ગુજરાતીએ ઉદ્યોગની ઉપેક્ષા કરી છે. 1600 કિલોમીટરનો સમુદ્રકાંઠો, તેના નિર્માણ, વ્યાપાર અને હિંમતની કે-ટ-લી બધી કહાણીથી તરબતર છે ? લોથલ, ધોળાવીરા, કુરન, ખંભાત, દ્વારિકા, માંડવી... આ બધાં એવાં નામો છે જેમણે પ્રાચીનતમ ઉદ્યોગસંસ્કૃતિને સરજી હતી. માંડવીનાં વહાણો દુનિયાભરમાં વખાણાતાં. ખંભાતથી અલંકારો સુદ્ધાં નિકાસ થતાં. એકલી મચ્છીમારી નહીં, સમુદ્રકિનારે વસેલાં સ્થાનોએ પારાવારની ઉદ્યોગસૃષ્ટિ ઊભી કરી શકાય તેવી ક્ષમતા તો વર્ષો પુરાણી છે. ખાણ અને ખનીજ, કુટિર ઉદ્યોગ, ટેક્ષટાઈલ, લઘુ અને મધ્યમ ગૃહઉદ્યોગોની જાળ બિછાવી શકાય તેમ છે. રાજકોટના સાહસિકો ખેત એન્જિનો બનાવે કે જામનગરમાં બ્રાસ-ઉત્પાદન થાય, કચ્છની ગ્રામ-મહિલાઓના હાથે વણાયેલી પોશાક સામગ્રી કે પછી પાટણનાં પટોળાં... આ તો થોડાંક જ નામો છે, આપણાં ગામડાંના ઘરની ચાર દીવાલ વચ્ચે ગૃહઉદ્યોગ અને કળાનો સંગમ રચાતો આવ્યો છે.
આમ તો પેટ્રોકેમિકલ્સ, ખાણ-ખનીજ, મત્સ્યોદ્યોગ, રસાયણ અને પ્રવાસનના ક્ષેત્રે ઘણી મોટી તક છે. ગુજરાતના સમુદ્રમાં ગેસનું ઉત્પાદન પણ થાય છે, જે રાજ્યહસ્તક નથી. પરંતુ આ ચાર-પાંચ બાબતોમાં એ વાત ભુલાવી ન જોઈએ કે તેના વિકાસના ‘અતિ’થી મનુષ્યના સંતુલિત વિકાસને નુકસાન તો નથી થવાનું ને ? દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી વાપી સુધીની પટ્ટીમાં જે કારખાનાં ચાલે છે તેનું ખતરનાક કચરાનું દ્રાવણ નદી-સમુદ્રમાં ઠલવાય છે. નાગરિકને તેના તનમનના ભોગે અને જીવસૃષ્ટિના વિનાશ સાથેનો વિકાસ કરવા જેવો નથી. તેમાં સંતુલન અને જાગૃતિ બંનેની જરૂર પડે ! ગુજરાત અને ગુજરાતીપણું તેની તમામ ખૂબી અને ખામી પછીયે ખાસ અંદાજ ધરાવે છે. આ પ્રજાએ સામૂહિક દુઃખો અનુભવ્યાં છે, આપત્તિઓથી ઘેરાયેલી રહી છે અને તેની મહત્વાકાંક્ષા પણ સામૂહિક રીતે શિખર જેવી રહી છે. તેને વિનિષ્ટ કરવાની લાખ કોશિશો થઈ. તેના પર જંગલી આક્રમણો થયાં, લૂંટફાટ કરવામાં આવી. પ્રાકૃતિક આપદાઓ-પૂર, ભૂકંપ, દુકાળ-આવી હિજરતો થઈ. વિભાજનના ઓળા ઊતર્યા તોયે આ પ્રજાનાં ખમીર અને ખુમારી ટકી રહ્યાં છે. હમણાંથી પ્રચલિત થયેલી ‘ડાયાસ્પોરા’ની પરિભાષા સમજવા માટે ગુજરાત અને ગુજરાતી બંને પર્યાપ્ત પ્રતિનિધિઓ છે.
આ પ્રતિનિધિત્વ બધા સ્તરે થયેલા પ્રયાસોનું ફરજંદ છે. અહીં મોટાં જનાંદોલનો થયાં-મહાગુજરાત, નવનિર્માણ, આપત્કાળ-વિરોધ જેવાં. અહીં છેક ગાંધીયુગથી નાનાભાઈ ભટ્ટ કે ભાઈકાકા કે જુગતરામ દવે યા ઠક્કરબાપા અને બબલભાઈ, તેમજ ગુજરાતી નારીની તેજસ્વિતા પ્રગટાવવા મહિલા સમાજસેવીઓ પ્રવૃત્ત થયાં. પશ્ચિમમાં નારીવાદની વિચારણા ચાલુ હતી તેની સમાંતરે વીસમી સદીના પ્રારંભે 1902માં જમનાબેન પંડિતાએ, છેક જામનગરથી, નારીવાદના વિચારો વ્યક્ત કરતા ગ્રંથો લખ્યા હતા ! ત્રિભુવનદાસ પટેલ કે સર્ગીસ કુરિયન, અમૃતા પટેલ અને મંજુલાબહેન દવે, વિદ્યાબહેન, નીલકંઠ અને શારદાબહેન મહેતા, શિવાનંદ અધ્વર્યું, ગોવિંદજીભાઈ અને કાંતિસેન શ્રોફ, અરવિંદ મફતલાલા કે અમૃતલાલ શેઠ અને શામળદાસ ગાંધી, સ્વામી આનંદ, ઝવેરચંદ મેઘાણી, જયંતી દલાલ... નામોની એક દીર્ધ અને તેજસ્વી કતાર ગુજરાતના ઘડતર, સ્વાભિમાન અને ચણતરમાં સામેલ થઈ હતી. આ ગુજરાતી ધાર્મિક આસ્થા અનેક પંથોમાં વહેંચાયેલી છે પણ તેનાં મૂળિયાં ગિરનારી શિકાર પર ‘ચેત મછંદર, ગોરખ આયા’ની ચેતવણી આપીને મોહમાયામાં ફસાયેલા શિષ્યને જાગતો કરનારા ગોરખનાથથી માંડીને (ડાકુ) જેસલ જાડેજાની અમાનુષી પ્રવૃત્તિને પળવારમાં સમાપ્ત કરનારી સતી તોળાંદે સુધીના જીવનદર્શી અધ્યાત્મમાં પડ્યાં છે. ગંગાસતી અને પાનબાઈનો ભજન-સંવાદ એકલું ગુજરાતીપણું જ આપી શકે અને અને અદષ્ટ હિમાલયનો એકાદ પંક્તિમાં અનુભવ કરાવી દે : ‘મેરુ રે ડગે પણ જેનાં મનડાં ડગે નહીં, મર ભાંગી પડે રે બ્રહ્માંડ’ તો જ અહીં સત્યાગ્રહી ગાંધી અને સશસ્ત્ર ક્રાંતિકારી શ્યામજી પાકતા હશે ને ?
ગુજરાતનો આ સાચુકલો પરિચય છે. દાંડી, પોરબંદર, માંડવી (કચ્છ), હરિપુરા, બારડોલી, દ્વારિકા, વડોદરા, રાણપુર, નવસારી અને પંચમહાલના ડુંગરાઓમાં તેનાં સ્વાંતંત્ર્યતીર્થોનો અધ્યાય ‘છુપાયેલો છે. પ્રવાસી કચ્છીમાડુ, બળકટ આહિરાણી, ખુમારીભર્યા વાઘેર-માણેક, વેપારી રઘુવંશી, જ્ઞાનપુંજ છતાં શૂરવીર બ્રહ્મદેવતાઓ, ભળી ગયેલાં પારસીઓ, નિરુપદ્રવી અને નિષ્ઠાવાન યહુદીઓ, કાઠિયાવાડી ‘લોક’ અને પુરુષાર્થી ખેડૂત અને આગવા આદિવાસીઓથી માંડીને અનેક કોમ અહીં પથરાયેલી છે. તેની સામૂહિક વેદના અને મહત્વાકાંક્ષાની કર્મભૂમિ ગુજરાત છે. ગુજરાતની અસ્મિતા વૈશ્વિક સ્તરની છે, તેનાં મૂળિયાં રાષ્ટ્રીયતામાં પડ્યાં છે અને પુરુષાર્થ પણ સીમાહીન !
અતીતના અંધારખૂણે રહી ગયેલી એક ઘટના સાથે આ લેખ પૂરો કરવો છે ! 1892ની આસપાસ એક યુવા સંન્યાસી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. સિરોહી આબુ થઈને નડિયાદ, અમદાવાદ, લીંબડી, ભાવનાગર, કચ્છ, જૂનાગઢથી એ વેરાવળ સમુદ્રકિનારે પહોંચ્યા હતા. તેમના નામને કોઈ જાણતું નહોતું; સંજ્ઞાહીન સન્યાસીનું એ ભારત ભ્રમણ હતું. એ સોમનાથના ભગ્ન દેવાલયે ગયા, આંખ સામે મહાસમુદ્ર ગરજતો હતો, મહમદ ગઝનવીથી શરૂ થયેલાં આક્રમણ અને લૂંટફાટથી ધ્વસ્ત દેવાલય અને ચારે તરફ તેના અવશેષો ! આ યુવક સંન્યાસી મધ્યાહનના તપતા સૂરજે સમાધિસ્થ થઈ ગયો. કલાકેક સુધી ધ્યાનમુદ્રા રહી.
બંધ આંખોએ તેમણે નિહાણી હતી ભારતમાતા ! એ પછીના વર્ષે આવી જ અનુભૂતિ દક્ષિણે કન્યાકુમારીના શિખર પરથી તેમણે કરી.
સ્વામી વિવેકાનંદની આ અ-જાણ કથા મહાગુજરાતના પશ્ચિમી તટ પર આલેખાઈ હતી. કોઈ વાર સોમનાથના દર્શને જાઓ ત્યારે સમુદ્રના ઘૂઘવાટમાં તે ધન્યકથાનો સ્વર સાંભળજો !
(‘ગુજરાત’ સાપ્તાહિકના 2004ના ‘ગુજરાત રાજ્ય સ્થાપના દિન’ વિશેષાંકમાંથી સાભાર)
0 comments:
Post a Comment